નાટકમાં કૂતરાનો રોલ કરવા મળ્યો અને હું ખુશ થઈ ગયો

26 February, 2019 11:55 AM IST  | 

નાટકમાં કૂતરાનો રોલ કરવા મળ્યો અને હું ખુશ થઈ ગયો

બાળનાટકોની અનોખી દુનિયા : બાળવાર્તાના ભીષ્મ પીતામહ જીવરામ જોષીના કૅરૅક્ટર પર બનેલાં બાળનાટકો એ સમયે ધૂમ મચાવતાં હતાં. હું અને લતેશ શાહ પણ જીવરામ જોષીના ‘છેલ છબો’ કૅરૅક્ટર પરથી બાળનાટક બનાવવાની દિશામાં આગળ વધ્યા.

જે જીવ્યું એ લખ્યું

‘છેલ અને છબો’.

૧૯૮૧ની વાત છે. ફિલ્મ ‘બાઝાર’ના પોસ્ટ પ્રોડક્શનમાંથી નવરા પડ્યા પછી હવે શું કરવું એની ગડમથલો મનમાં શરૂ થવા જઈ રહી હતી ત્યાં જ લતેશ શાહે મને કહ્યું કે આપણે બાળનાટક કરીએ. એ સમયે લતેશભાઈ ‘છેલ અને છબો’ નાટક બનાવવાનું વિચારતા હતા. લતેશભાઈએ જ મને ઑફર આપી કે તું આ નાટકનો નિર્માતા બન, પણ એ અઘરું હતું. આપણી પાસે પૈસા હતા નહીં એટલે આવું વિચારી પણ કેમ શકાય? હું કંઈ કહું કે આનાકાની કરું એ પહેલાં તો લતેશભાઈએ કહ્યું, ‘પૈસા મારા અને નિર્માતામાં નામ તારું.’

લતેશભાઈએ બાળનાટક બનાવવાનું સાવ હવામાંથી જ નહોતું કહ્યું. એની પણ બૅકસ્ટોરી છે, જે જાણવા જેવી છે. એ સમયે બાળનાટકો ખૂબ ચાલતાં. અગાઉ મેં કહ્યું એમ ટીવી નહીં, મોબાઇલ નહીં અને બાળકો માટે બીજું કોઈ મનોરંજન નહીં એટલે બાળકો માટે બાળનાટકો બનતાં, જે જોવા માટે પેરન્ટ્સ પણ આવતા. બાળનાટકોના ક્ષેત્રમાં એક વ્યક્તિનું નામ ખૂબ મોટું અને જાણીતું હતું. નટખટ જયુ. આમ તો બાળનાટક ત્રણ લોકો પ્રોડ્યુસ કરતા. વનલતા મહેતા, નામદેવ લહુટે અને નટખટ જયુ એટલે કે જયેશ ગોકાણી. આ એ સમયની વાત છે જે સમયે વનલતાબહેન લગભગ નિષ્ક્રિય થઈ ગયાં હતાં, પણ તેમણે બાળનાટક ક્ષેત્રે ખૂબ કામ કર્યું હતું. નાટકની દુનિયાના અનેક પાયાના લોકો તેમના હાથ નીચે તૈયાર થયા હતા. વનલતાબહેન અને નામદેવ લહુટે વચ્ચે એક સમાનતા હતી. એ બન્ને પૈસા કમાવા માટે નાટકો નહોતાં બનાવતાં. પૈસા તેમનો ઉદ્દેશ નહોતો, પ્રવૃત્તિ તેમનો હેતુ હતો. જ્યારે નટખટ જયુ કમર્શિયલ હેતુથી બાળનાટકો કરતા હતા. એમાં કશું ખોટું પણ નથી. પૈસો કમાવો એ પણ એક પ્રવૃત્તિ હોઈ શકે અને હોવી પણ જોઈએ. નટખટ જયુનું પહેલું નાટક ‘અડુકિયો દડુકિયો’. બાળવાર્તાના બહુ જાણીતા લેખક જીવરામ જોષીનાં આ બે પાત્રો પર આધારિત નાટકના એ સમયે સોથી વધારે પ્રયોગો થયા હતા.

બાળનાટકો કરવા પાછળ નિર્માતાને એક લાભ પણ હતો. તેમણે ક્યારેય પ્રાઇમ ડેટ માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહોતી પડતી, કારણ કે બાળનાટક કાં તો શનિવારે સાંજે થાય અને કાં તો રવિવારે સવોર દસ વાગ્યે થાય. આ બે એવા ટાઇમ છે જે સમયે ઑડિટોરિયમ સહેલાઈથી મળી જાય. ‘અડુકિયો દડુકિયો’ નાટક પછી તેમણે ‘તોફાની ટપુડો’ નાટક વિચાર્યું. હા, એ જ તારક મહેતાનો ટપુડો. આ નાટકમાં ટપુ અને ચકુનાં પરાક્રમોની વાતો હતી. ‘તોફાની ટપુડો’ નાટક પ્રાગજી ડોસાએ લખ્યું હતું અને લતેશભાઈએ ડિરેક્ટ કર્યું હતું. ચોપાટી પાસે એક સ્કૂલ હતી, જેમાં એનાં રિહર્સલ્સ થતાં. આ નાટકમાં મેં બૅકસ્ટેજનું કામ કર્યું હતું. નાટક રિલીઝ થયા પછી સુપરહિટ થયું અને મને પહેલી વાર નાટકમાંથી ઇન્કમ થઈ અને શોદીઠ ૨૫ રૂપિયાનું કવર મળ્યું. નાટકમાંથી મારી આ પહેલી ઇન્કમ. એક આડવાત કહી દઉં. એ સમયે મોટાં નાટકોના બૅકસ્ટેજ માટે પચાસથી પંચોતેર રૂપિયા મળતા, પણ બાળનાટક હોય એટલે એમાં આટલું પેમેન્ટ આપવામાં આવતું હતું.

‘તોફાની ટપુડો’ નાટક આમ તો બાળનાટક, પણ મારી લાઇફમાં એ મારું પહેલું કમર્શિયલ નાટક. આગળ કહ્યું એમ આ નાટકમાં ટપુ અને ચકુ એમ બે ભાઈબંધોની વાત હતી. નાટકમાં એક કૂતરાનું પણ કૅરૅક્ટર હતું. આ રોલ બીજો એક છોકરો ભજવતો હતો પણ એ છોકરાએ ત્રણ-ચાર શો પછી નાટક છોડી દીધું એટલે હું એ રોલ કરવા માંડ્યો. કૂતરાનું મોઢું અને એનાં કપડાં પહેરીને મારે સ્ટેજ પર આવવાનું અને ભાઉ-ભાઉ કરવાનું. મને એમાં કોઈ વાંધો નહોતો. નાટક જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી મેં આ કૂતરાનો રોલ અને બૅકસ્ટેજ એમ બેવડી જવાબદારી નિભાવી. પણ મિત્રો, મને એ બન્ને કામ માટે કવર તો એક જ મળતું હતું, પચીસ રૂપિયાનું. જોકે મારો એમાં કોઈ વિરોધ નહોતો. મારે ઍક્ટિંગ કરવી હતી. એમાં જે કંઈ કરવા મળે એ મારે નિષ્ઠા સાથે કરવું હતું એટલે મેં પચીસ રૂપિયામાં આ બન્ને કામ ચાલુ રાખ્યાં. મહિનામાં ચાર શનિ-રવિ આવે એટલે આમ કુલ આઠ શો થાય અને મને એના બસો રૂપિયા મળે. બસો રૂપિયામાં હું જલસા કરતો. એનું કારણ હતું મારે ઘરમાં પૈસા આપવા નહોતા પડતા. ઘરમાં પૈસા આપવા માટે ક્યારેય દબાણ હતું નહીં. ઘરેથી માત્ર એટલી અપેક્ષા મારી પાસે રાખવામાં આવતી કે તું તારું કરી લે, તારું બધું સાચવી લે, અમારી પાસે પૈસા માગતો નહીં.

વનલતાબહેન અને નટખટ જયુ પછી હવે વાત કરી લઈએ નામદેવ લહુટેની. તેમણે ‘રણછોડ રંગીલા’ અને ‘અડધિયો રાક્ષસ’ જેવાં બાળનાટકો બનાવ્યાં હતાં. ‘અડધિયો રાક્ષસ’માં કિરણ મર્ચન્ટ અને દિલીપ જોષીને મેં ઍક્ટિંગ કરતાં જોયા હતા તો ‘રણછોડ રંગીલા’માં કાન્તિ મડિયા, શરદ વ્યાસ, ચિત્રા વ્યાસ જેવા મોટા ગજાના કલાકારો હતા. હવે ફરી વાત પર આવીએ મારા નાટક ‘તોફાની ટપુડા’ પર. આ નાટક પૂÊરું થયું એટલે લતેશભાઈએ નક્કી કર્યું નવું નાટક બનાવવાનું, નાટકનું નામ ‘છેલ અને છબો’. આ નાટક જીવરામ જોષીની વાર્તા પરથી બનવાનું હતું. લતેશભાઈએ મને કહ્યું કે તું આ નાટકનો નિર્માતા બની જા. પૈસા મારા અને નિર્માતામાં નામ તારું.

હું તો એકદમ ફુલાઈને ફાળકો થઈ ગયો કે વાહ, હવે મારું નામ નિર્માતા તરીકે આવશે. મારા ઘરવાળા, મારાં સગાંવહાલાં અને મારા ખેતવાડીના મિત્રો જે મને તુચ્છ નજરે જોતા તેમને જવાબ આપવાનો બેસ્ટ સમય ફાઇનલી આવી ગયો એવું મને એ સમયે લાગવા માંડ્યું હતું.

આ પણ વાંચો : હવે તું નિર્માતા બની જા

ફૂડ-ટિપ્સ

બબલ વર્લ્ડ : હું, યુટોપિયા, બબલ આઇસ ટી અને હૈયામાં તૃપ્તિ.

આજે આપણે વાત કરીશું ઑસ્ટ્રેલિયાની બબલ ટીની. મિત્રો, આપણે ત્યાં જેમ કૅફે કૉફી ડે અને સ્ટારબક્સ છે એમ ઑસ્ટ્રેલિયામાં યુટોપિયાની ખૂબ બધી કૅફે છે. સ્ટારબક્સ તો છે જ, પણ એ ઉપરાંત યુટોપિયા કૅફે પણ ત્યાં ખૂબ ચાલે છે. આ યુટોપિયામાં આઇસ ટી મળે. આઇસ ટીમાં હવે ઘણી નવી ફ્લેવર્સ આવી ગઈ છે અને એ ફ્લેવર્સ એવી હોય કે આપણે ક્યારેય એના વિશે કલ્પના પણ ન કરી હોય. આઇસ ટીની આ ફ્લેવર્સવાળી ટી ઉપરાંત હવે એમાં બબલ ટીનો પણ ટ્રેન્ડ શરૂ થયો છે. આ બબલ ટી માટે કરવામાં એવું આવે કે અલગ-અલગ આઇસ ટીની ફ્લેવર્સમાં જાતજાતની ફ્લેવર્સના જિલેટિન બૉલ નાખી દે જે ખાવામાં જેલી બૉલ જેવા લાગે. જો ઑસ્ટ્રેલિયા જવાનું થાય તો આ યુટોપિયાની ટી એક વખત ટેસ્ટ કરજો. અઢળક ફ્લેવર્સ તેમની પાસે છે, તમને ભાવતી ફ્લેવરની બબલ ટી એક વખત ચાખજો. જરૂરી નથી કે બધું હંમેશાં સ્વાદ માટે હોય. કેટલીક વખત એક્સ્પીરિયન્સ માટે નવું કંઈ ટેસ્ટ કરવું જોઈએ જેથી તમને ખબર પડે કે અત્યારે કયો અને કેવો ટ્રેન્ડ ચાલે છે.

columnists Sanjay Goradia