સમાજના હેલ્પિંગ હૅન્ડ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ નાનકડા આર્ટિસ્ટિક હાથ

25 November, 2022 02:06 PM IST  |  Mumbai | Rupali Shah

સાત વર્ષના અયાંશ શાહે તેની દોસ્ત આરાધ્યા કેજરીવાલની સાથે મળીને પૅન્ડેમિક દરમ્યાન પેઇન્ટિંગ્સ બનાવ્યાં અને એને વેચવાની વેબસાઇટ બનાવી. આ વેબસાઇટ પરથી વેચાયેલાં ચિત્રો થકી આ બન્ને કિડ્સ લોકોના ચહેરા પર થોડી વધુ ખુશી લાવે છે

યાંશ નિકેત શાહ

પેઇન્ટિંગ્સના વેચાણમાંથી પેદા થતી રકમ પીએમ કૅર્સમાં આપવા ઉપરાંત તેની ઇચ્છા સમવયસ્ક બાળકોના એજ્યુકેશન અને જરૂરિયાતમંદ લોકો માટે દવાની રકમ એકઠી કરવાની પણ છે.

બાળપણ એટલે ધીંગામસ્તી અને ખેલવા-કૂદવાના દિવસો. એમાં વળી સમાજને ઉપયોગી થવાની કલ્પના પણ ક્યાંથી આવે? પણ અમુક બાળમાનસમાં આવા વિચારો પનપતા હોય છે. એમાં પરિવારનો સપોર્ટ મળે એટલે આવાં હૅપી ટુ હેલ્પ બાળકોની સમાજમાં પોતાનું કન્ટ્રિબ્યુશન આપવાની પરિકલ્પના હકીકતમાં સાકાર થાય છે. 

જસ્ટ સાત વર્ષના અયાંશ નિકેત શાહ અને આરાધ્યા કેજરીવાલ ‘ધી કિડ્સ કલેક્ટિવ’નાં યંગ ફાઉન્ડર્સ છે. આ કિડ્સ કલેક્ટિવ વેબસાઇટ પર અયાંશ અને આરાધ્યાએ બનાવેલાં પેઇન્ટિંગ્સ જોવા મળે છે. તેમની વેબસાઇટ પરનાં આ પેઇન્ટિંગ્સ વેચવા માટે મુકાયાં છે. આ પેઇન્ટિંગ્સ વેચીને આવેલી રકમ આ નાનકડાં બાળકો પીએમ કૅર ફન્ડમાં આપવા ઇચ્છે છે. કેટલો અદ્ભુત વિચાર. 

નાના હોઈએ ત્યારે આપણે ઘણી ઘટનાઓના સાક્ષી બનતા હોઈએ છીએ અને આપણી આસપાસ રચાતાં વાતાવરણમાંથી જ આપણે શીખતા હોઈએ છીએ. અયાંશના પપ્પા નિકેત શાહ કહે છે, ‘કોવિડ સમયે આપણા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીસાહેબ ટેલિવિઝન પર સ્પીચ આપતા એ વખતે તેમને જોઈને અયાંશના મનમાં સળવળતું રહેતું કે મારે પણ મારા દેશ માટે કશું કરવું છે અને હું શું અને કેવી રીતે કન્ટ્રિબ્યુટ કરી શકું?’ જોકે, સંયુક્ત પરિવારમાં ઊછરતા અયાંશના દાદા અરવિંદ શાહ અને દાદી ભાનુમતીબહેનની મૂક પશુ-પક્ષીઓ તેમ જ જરૂરિયાતમંદ લોકો માટે કરી છૂટવાની ભાવનાએ પણ આમાં બહુ મોટો ફાળો આપ્યો છે અને પ્રેરણાદાયી જર્નીની શરૂઆત થઈ.

અયાંશે કોવિડના સમયથી પેઇન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યું. એમાં તેને મિત્ર આરાધ્યા કેજરીવાલનો સાથ મળ્યો. ક્રેયોન, ઑઇલ પેસ્ટલ, સ્કેચ પેન, વૉટર કલર જેવાં માધ્યમથી પેપર પર પેઇન્ટિંગ્સ બનવા લાગ્યાં. છેલ્લાં ત્રણ વર્ષમાં અયાંશ અને આરાધ્યાએ મળીને લગભગ ૧૦૦ જેટલાં પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે. હવે આ પેઇન્ટિંગને વેચવાનાં હતાં. અયાંશનાં મમ્મી-પપ્પા તેના બાળમાનસમાં અંકુરાતા બધા આઇડિયાઝ અને ઇચ્છા માટે તેને સપોર્ટ કરે છે. અયાંશનાં મમ્મી લીનાબહેન કહે છે, ‘અમારે ઓછામાં ઓછા ખર્ચે આ પેઇન્ટિંગ્સ સેલ કરવા માટેની વેબસાઇટ બનાવવી હતી. અયાંશના સૌરભમાસાની મદદથી વેબસાઇટ તૈયાર થઈ. હવે અયાંશ-આરાધ્યા માર્કેટિંગ પર ફોકસ કરી રહ્યાં છે. ઇવન કોઈ એક્ઝિબિશનમાં એક નાનકડો કૉર્નર મળે તો એમાં પણ આ બાળકોનાં પેઇન્ટિંગ્સ મુકાય એ માટેના અમારા પ્રયત્ન ચાલુ છે.’ આ ચિત્રોના વેચાણથી જે રકમ આવશે એમાં એટલી જ બીજી રકમ ઉમેરીને તેઓ આ રકમ પીએમ રિલીફ ફન્ડમાં ડોનેટ કરશે.

એક ટાસ્ક પછી બીજું

જોકે, પેઇન્ટિંગ્સ વેચીને અયાંશને બેસી નથી રહેવું. એના બાળમાનસમાં બીજાં અનેક વિચારબીજ અંકુરિત થઈ ચૂક્યાં છે. અયાંશને સમવયસ્ક બાળકોના એજ્યુકેશન, જરૂરિયાતમંદ લોકો માટે દવાની રકમ એકઠી કરવી છે. તેને એનજીઓમાં હેલ્પ કરવાની પણ ઇચ્છા છે. તેના નાનકડા બાળમનમાં વિચારો આવતા રહે છે. અને એ પ્રમાણે એ દિશામાં તે આગળ વધતો રહે છે. સમાજ માટે કંઈ કરી છૂટવાની દિશામાં આ તેનું સૌપ્રથમ પગલું છે. આ એક ટાસ્ક પૂરું થાય એટલે બીજું ટાસ્ક શરૂ કરવાની તેની ઇચ્છા છે. તેને કુકીઝ બનાવતાં શીખીને એ પણ વેચવી છે.
ગોરેગામની ઑબેરૉય ઇન્ટરનૅશનલ સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતા અયાંશને મ્યુઝિક, સ્વિમિંગનો શોખ છે. તે લૉન ટેનિસ તેમ જ રોબોટિક્સ પણ શીખે છે. તાજેતરમાં અયાંશનો જન્મદિવસ આવે છે. 30 ડિસેમ્બરે અયાંશ આઠ વર્ષનો થશે. આ જન્મદિવસ પર તેને પોતાનાં બધાં ટૉય્ઝ જરૂરિયાતમંદ બાળકોને ડોનેટ કરવાની ઇચ્છા છે.

આ આર્ટિસ્ટ બાળકોએ તેમના નાનકડા હાથથી આદરેલા અભિયાનને પૂરું કરવા આપણે પણ તેમને સાથ આપી શકીએ. બ્રાઇટ કલરથી તૈયાર થયેલા અયાંશ અને આરાધ્યાના સિનિક અને થીમ-બેઝ્ડ માસ્ટરપીસ તમારા ઘરની દીવાલોને વધુ બ્યુટિફુલ બનાવશે.

એક પત્ર આપણા મોદીસાહેબને

અયાંશ આપણા પ્રાઇમ મિનિસ્ટરસાહેબનો જબરજસ્ત ફૉલોઅર છે. તેણે તેમને પોતાના હાથથી એક પત્ર લખ્યો છે. પત્રમાં પેઇન્ટિંગ્સ અને એની પાછળનો હેતુ લખવાની સાથે એનું વેચાણ પૂરું થઈ ગયા પછી એમાંથી મેળવેલી રકમ તમને પહોંચાડવા ઇચ્છું છું અને હું તમને મળવા માગું છું એવું લખ્યું છે. 

columnists