હમ તુમ કિતને પાસ હૈ, કિતને દૂર હૈ ચાંદ સિતારે

26 May, 2023 05:50 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

ફિલ્મ ‘બાલિકા બધૂ’નું આ સૉન્ગ અમિતકુમારે ગાયું અને આ સૉન્ગ અમિતકુમારની લાઇફનું સૌથી મોટું હિટ બની ગયું

બાલિકા બધૂ’ અને અમિતકુમાર

રાહુલ દેવ બર્મને તરત જ અમિતકુમાર માટે કિશોરકુમારને ફોન કર્યો અને એ ફોન સમયે ત્યાં સચિન પણ હાજર હતા. સચિન પિળગાંવકરે કહ્યું હતું, ‘કિશોરદા સહેજ અકળાયા હતા કે હું કંઈ અમિતનો સેક્રેટરી થોડો છું અને બર્મનદાએ કહ્યું હતું કે થોડી દેર કે લિએ બનજા... હિટ ગાના તેરે દ્વારા બેટે કે પાસ પહૂંચેગા.’

બડે અચ્છે લગતે હૈં,
યે ધરતી, યે નદિયા
યે રૈના ઔર તુમ...

આપણે વાત કરીએ છીએ ૧૯૬૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાલિકા બધૂ’ની. સચિન પિળગાંવકરની ‘ગીત ગાતા ચલ’ ફિલ્મ ચાલી અને બૉલીવુડમાં સચિનની માર્કેટ ખૂલી ગઈ. પ્રોડ્યુસર શક્તિ સામંતને પોતાની ફિલ્મ ‘બાલિકા બધૂ’ માટે એક એવો ફેસ જોઈતો હતો જે યંગ હોય, ઇનોસન્ટ હોય અને નેક્સ્ટ ડોર બૉય લાગતો હોય. સચિનને ‘ગીત ગાતા ચલ’માં જોયા પછી શક્તિ સામંત ખુશ થઈ ગયા અને તેણે તરત જ સચિનને સાઇન કર્યો. સચિનની સામે નવી ઍક્ટ્રેસ એવી રજની શર્માને ફાઇનલ કરી અને પછી ડિરેક્ટર તરુણ મઝુમદાર સાથે મ્યુઝિક ડિરેક્ટર આર. ડી. બર્મનની સાથે મીટિંગ શરૂ કરી. આ મીટિંગ સમયે જ શક્તિ સામંતે બર્મનદાને કહ્યું કે તેને એક સોલો સૉન્ગ જોઈએ છે, જે સચિન પર પિક્ચરાઇઝ થશે. 

આર. ડી. બર્મન સચિનને ક્યારેય મળ્યા નહોતા એટલે તેમણે સચિન સાથે મીટિંગ કરી, જેથી સચિનની બૉડી-લૅન્ગ્વેજ અને ફેશ્યલ એક્સપ્રેશન બરાબર ચકાસી શકે અને તેના ફેસ પર સૂટ થાય એવું સૉન્ગ તૈયાર કરી શકે. સચિનને મળ્યા એ જ સમયે બર્મનદાએ બડે અચ્છે લગતે હૈં...ની ટ્યુન બનાવી. ટ્યુન તૈયાર થઈ એટલે સચિનદાએ તરત જ મીટિંગ કરી ગીતકાર આનંદ બક્ષી સાથે. 

વાત આગળ વધારતાં પહેલાં એક વાત કહી દઉં, આ ફિલ્મનાં બધાં ગીતોમાં જો સૌથી પૉપ્યુલર કોઈ સૉન્ગ હોય તો એ આ જ, બડે અચ્છે લગતે હૈં... આ સૉન્ગની પૉપ્યુલારિટી જુઓ તમે, એના ટાઇટલનો ઉપયોગ કરીને ટીવી-સિરિયલ બની અને એ ટીવી-સિરિયલ સુપરહિટ રહી. ઍનીવેઝ, આનંદ બક્ષીને ટ્યુન સંભળાવવામાં આવી અને ડિરેક્ટર તરુણ મઝુમદારે ગીતની સિચુએશન તૈયાર કરી.
સિચુએશન સાંભળીને આનંદ બક્ષી સહેજ હસ્યા.

‘ટૅક્સી કા ખર્ચ હોગા.’ બક્ષીસાહેબે શક્તિ સામંતને પણ કહ્યું, ‘ઔર વો ખર્ચા આપ દોગે...’
‘અરે, વો મૈં દે દૂંગા...’ બમર્નદાએ તરત જ આનંદ બક્ષીને કહ્યું, ‘તૂ જા... જા અભી યહાં સે...’
બક્ષીસાહેબ હજી તો રેકૉર્ડિંગ સ્ટુડિયોમાંથી બહાર નીકળે એ પહેલાં જ બર્મનદાએ તેને રોક્યા.
‘અરે સુન, બાહર સે ટૅક્સી કર કે અભી નિકલ જા... મુઝે ગાના કલ સુબહ ચાહિએ.’

‘દાદા, ગાના હૈ, હલવા નહીં કિ ચુલ્હા જલાયા ઔર પક ગયા.’

બર્મનદા કશું કહે એ પહેલાં તો આનંદ બક્ષી નીકળી ગયા. સ્ટુડિયોથી નીકળીને તે સીધા ગયા માથેરાન. માથેરાનમાં આનંદ બક્ષીની એક ફેવરિટ હોટેલ હતી, જેની બાલ્કની માથેરાનની વૅલીમાં ખૂલતી હતી. સવારના સમયે એ બાલ્કનીમાંથી આખેઆખાં વાદળ રૂમમાં પ્રવેશી જાય અને માણસનું મોઢું સુધ્ધાં ન દેખાય.
માથેરાનમાં પોતાની એ ફેવરિટ હોટેલમાં બક્ષીસાહેબે એ રૂમ લીધો જે રૂમની ત્રણ બાલ્કની હતી અને એ ત્રણમાંથી બે બાલ્કની માથેરાનની વૅલીમાં ખૂલતી હતી. માથેરાન પહોંચીને બક્ષીસાહેબ અલાર્મ મૂકીને સૂઈ ગયા. વહેલી સવારે ચાર વાગ્યે અલાર્મ વાગ્યું અને અર્ધનિદ્રામાં રહેલા બક્ષીસાહેબ સફાળા બેઠા થઈ ગયા.
સરસ મજાનું પાણી પીને તે આવી ગયા ગૅલેરીમાં. દૂર-દૂર ઝીણી અને સાવ ધૂંધળી કહેવાય એવી લાઇટો દેખાય બસ, આ સિવાય એક પણ દૃશ્ય નરી આંખે જોઈ ન શકાય એવું વાતાવરણ હતું. બક્ષીસાહેબની પાસે પોતાનું પૅડ હતું અને ઇન્કપેન હતી.

બક્ષીસાહેબે નાના ટેપરેકૉર્ડર પર પેલી ટ્યુન શરૂ કરી અને પોતે ધીમે-ધીમે એ ટ્યુન સાથે ઓતપ્રોત થવા શરૂ થઈ ગયા.

હમ તુમ કિતને પાસ હૈ, 
કિતને દૂર હૈ ચાંદ સિતારે
સચ પૂછો તો મન કો ઝૂઠે લગતે હૈં યે સારે...
મગર સચ્ચે લગતે હૈં,
યે ધરતી, યે નદિયા, યે રૈના...
ઔર તુમ...

હા, મુખડાને બદલે બક્ષીસાહેબે પહેલાં અંતરો લખ્યો અને એ પછી થોડી વાર પછી તેમના મનમાં બીજો અંતરો આવ્યો.

તુમ ઇન સબકો છોડકે 
કૈસે કલ સુબહ જાઓગી
મેરે સાથ ઇન્હેં ભી તો તુમ યાદ બહોત આઓગી...
આ લાઇનની સાથે તરત જ બક્ષીસાહેબને મુખડું પણ સૂઝ્યું.
બડે અચ્છે લગતે હૈં, 
યે ધરતી, યે નદિયા, યે રૈના 
ઔર તુમ...

આ છેલ્લી લાઇન લખતી વખતે જ આનંદ બક્ષીને લાઇટ થઈ કે આ લાઇન મુખડા તરીકે રિપીટ કરવાની જરૂર છે અને તેમણે એ લાઇનને મુખડા તરીકે મૂકી. તમે કલ્પના સુધ્ધાં નહીં કરી હોય પણ ગીતના આ બધા શબ્દો વાંચીને રાહુલ દેવ બર્મને આનંદ બક્ષીને પપ્પી કરી લીધી હતી. તેમને જે વાતની ખુશી હતી તે એ હતી કે બહુ જ સરળ શબ્દોમાં આખી વાત કહેવાઈ હતી. ગીત અપ્રૂવ થયું અને વાત આવી રેકૉર્ડિંગની અને રેકૉર્ડિંગની વાત આવી એટલે ચર્ચા નીકળી સિંગરની.
‘બક્ષી, મુઝે લગતા હૈ લડકા નયા હૈ તો નયી આવાઝ લેતે હૈં.’ બર્મનદાએ કહ્યું હતું, ‘અમિત કૈસા હૈ... અપને કિશોર કા લડકા?’

‘આપ દેખો... આપ કો ઝ્યાદા પતા રહેગા.’ 
‘હાં, તુઝે તો લબ્ઝોં કા હી પતા હોતા હૈ ક્યૂં...’ 
રાહુલ દેવ બર્મને તરત જ અમિતકુમાર માટે કિશોરકુમારને ફોન કર્યો અને એ ફોન સમયે ત્યાં સચિન પણ હાજર હતા. સચિન પિળગાંવકરે કહ્યું હતું, ‘કિશોરદા સહેજ અકળાયા હતાં કે હું કંઈ અમિતનો સેક્રેટરી થોડો છું અને બર્મનદાએ કહ્યું હતું કે થોડી દેર કે લિએ બનજા... હિટ ગાના તેરે દ્વારા બેટે કે પાસ પહૂંચેગા...’
રેકૉર્ડિંગ સમયની હજી એક વાત કહેવાની.

ગીતમાં નાવિકની એક લાઇન છે, જે લાઇન આખું સૉન્ગ તૈયાર થઈ ગયા પછી ઉમેરવામાં આવી હતી. એ લાઇન એટલે ઓ માઝી રે, જઈયો પિયા કે દેસ...
મ્યુઝિકમાં વચ્ચે ગૅપ પડતો હોવાથી આ એક લાઇન રાહુલ દેવ બર્મને પોતાની જાતે ઉમેરી હતી અને એ ઉમેરતી વખતે તેમણે આનંદ બક્ષીની પરમિશન પણ લીધી હતી!
બડે અચ્છે લગતે હૈં... અમિતકુમારની લાઇફનું સૌથી મોટું હિટ બન્યું અને કાયમ માટે એ અમિતકુમાર સાથે જોડાઈ ગયું.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists