પ્રેમ હૈ ગિરિધર કી બાંસુરિયા, પ્રેમ હૈ રાધા કી સાંવરિયા યે હૈ સાત સુરોં કા દરિયા, ઝર ઝર બહતા જાએ...

20 January, 2023 06:07 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

સુખવિંદર ગીત લખે અને એ પણ અદ્ભુત લાગણીભર્યા શબ્દો સાથે એ માની ન શકાય, પણ આ વાત માનવી જ રહી જો તમે દીપા મહેતાની ‘વૉટર’નું ‘નૈના નીર બહાએ...’ સાંભળો તો

પ્રેમ હૈ ગિરિધર કી બાંસુરિયા, પ્રેમ હૈ રાધા કી સાંવરિયા યે હૈ સાત સુરોં કા દરિયા, ઝર ઝર બહતા જાએ...

આજની તારીખે પણ કોઈ સ્ત્રી પતિ ગુમાવે તો ઘણુંબધું છોડી દે છે. આભૂષણ, શણગાર, અમુક ખાસ પ્રકારના રંગ અને એવું બીજું ઘણુંબધું. જોકે પ્રશ્ન એ છે કે શું કામ તે છોડે છે? પ્રથાને કારણે, પરંપરાને કારણે. એક જ વાત મનમાં છે કે લોકો શું કહેશે? સમાજ શું બોલશે?

મૂળ ભારતીય પણ કૅનેડામાં સ્થાયી થયેલાં ડિરેક્ટર દીપા મહેતાએ આમ તો ઘણી ફિલ્મો ડિરેક્ટ કરી અને લખી, પણ એ તમામ ફિલ્મોમાંથી ઇન્ડિયન સિનેમા તેમને પંચતત્ત્વમાંથી ત્રણ તત્ત્વો પર બનાવેલી ત્રણ ફિલ્મોને કારણે ક્યારેય ભૂલશે નહીં. પંચતત્ત્વ પૈકીનું એક એલિમેન્ટ એટલે જમીન અને દીપા મહેતાએ એના પર ફિલ્મ બનાવી ‘અર્થ’. એમાં વાત હતી ભૂમિના વિભાજનની, પાર્ટિશનની. આમિર ખાન અને નંદિતા દાસની આ ફિલ્મ. આ ફિલ્મ આજે પણ આંખ સામે આવે તો રૂંવાડાં ઊભાં થઈ જાય. બીજું એલિમેન્ટ આગ. દીપા મહેતાએ ફિલ્મ બનાવી ‘ફાયર’. એમાં વાત હતી બે સ્ત્રીના મનની આગ, શરીરની અતૃપ્ત ઇચ્છાઓને કારણે જન્મતી આગની. નંદિતા દાસ અને શબાના આઝમી લીડ ઍક્ટર્સ હતી. શારીરિક અંસતુષ્ટી જીવનમાં કેવી વિટંબણાઓ ઊભી કરે એની વાત એમાં કહેવામાં આવી છે. એલિમેન્ટ્સ ટ્રાયોલૉજી પૈકીની ત્રીજી ફિલ્મ એટલે ‘વૉટર’. પંચતત્ત્વ પૈકીનું ત્રીજું તત્ત્વ છે પાણી અને ‘વૉટર’માં અપ્રવાહી બની ગયેલા જીવનની વાત કરવામાં આવી છે. 

જીવનના અલગ-અલગ તબક્કા પર પહોંચેલી ત્રણ વિધવાઓમાં એક છે ચૂહિયા. માત્ર આઠ વર્ષની બાળવિધવા. સ્વભાવે ઉંદરડી જેવી રમતિયાળ, જેને ખબર જ નથી કે તે વિધવા છે. તે કશું જાણતી નથી કે તેના જીવનમાં કેવો ખેલ ખેલાઈ ગયો છે અને હવે તેણે કેવું જીવન જીવવાનું છે. ફિલ્મની સેકન્ડ પ્રોટેગનિસ્ટ યંગ કલ્યાણી છે. આ કલ્યાણીનું કૅરૅક્ટર લીઝા રેએ કર્યું છે. ત્રીજી વૃદ્ધ વિધવા છે. નામ તેનું શકુંતલા, જે કૅરૅક્ટર કર્યું છે સીમા બિશ્વાસે. ૧૯૩૮ના અરસામાં સમાજમાં વિધવાઓનું સ્થાન ક્યાં હતું અને એ સ્થાનને લીધે તેમનું જીવન કેવું હતું એની વાત ‘વૉટર’માં કહેવામાં આવી છે. ફૅમિલી પર બર્ડન બની ગયેલી આ વિધવા-જીવનની ફિલ્મમાં સતત ગાંધીજીનો પડછાયો છે. એક બાજુ ગાંધીજીની પ્રોગેસિવ વિચારધારા વહે છે તો બીજી બાજુ વિધવાઓની ઓપ્રેસિવ, કચડાયેલી જિંદગીનું બદબૂ મારતું વહેણ છે. આજે આપણે વાત કરવાની છે આ જ ‘વૉટર’ અને એના મ્યુઝિકની.

એ. આર. રહમાને તૈયાર કરેલાં ક્રીએશનોમાં મને સૌથી વધારે ગમતું ક્રીએશન એટલે ‘વૉટર’નાં ગીતો. અદ્ભુત ગીતો અને ગીતના એ શબ્દોને નવી ઊંચાઈ પર લઈ જાય એવું જ અદ્ભુત મ્યુઝિક. ‘વૉટર’નાં આ ગીતોમાં સુખવિન્દર સિંહનું પણ ગજબનાક કન્ટ્રિબ્યુશન છે અને એમાં પણ ‘નૈના નીર બહાએ...’ વાહ અને આહ બન્ને એકસાથે મોઢામાંથી નીકળી જાય.

આ પણ વાંચો : કૈસે તૂને અનકહા, તૂને અનકહા સબ સુના

આ ગીત સાધના સરગમે ગાયું છે અને એનાં લિરિક્સ લખ્યાં છે સુખવિન્દર સિંહે. હા, એ જ સુખવિન્દર સિંહ જેના અવાજમાં આપણે અદ્ભુત ગીતો સાંભળ્યાં છે. સિંગર સુખવિન્દરે બે જ ફિલ્મો માટે ગીતો લખ્યાં છે. એમાંની એક ફિલ્મ એટલે ‘વૉટર’ અને બીજી ફિલ્મ હતી ‘દિલ્લગી’. બૉબી દેઓલ અને સન્ની દેઓલ સ્ટારર ફિલ્મ ‘દિલ્લગી’. એ ફિલ્મથી જ સુખવિન્દર સિંહ મ્યુઝિક કમ્પોઝર બન્યો, પણ ફિલ્મ અને મ્યુઝિક બન્ને ચાલ્યાં નહીં એટલે પાજીએ ફરી પોતાની સિન્ગિંગ કરીઅર પર ફોકસ કરી લીધું. આપણે વાત કરીએ ‘વૉટર’ની. આ ગીતની સાચી મજા માણવી હોય તો એક વખત યુટ્યુબ પર એ જોઈ લો અને કાં તો તમને ગમતી મ્યુઝિક ઍપ પર જઈને ફુલ લાઉડ વૉલ્યુમમાં એને લૂપમાં શરૂ કરી દો. ખરેખર એ સૉન્ગની સાથે તમે તણાતા જશો અને પ્રતિકાર સુધ્ધાં નહીં કરો.

નૈના નીર બહાએ
મુઝ બિરહન કા દિલ સાજન સંગ
ઝૂમ ઝૂમ કર ગાએ
નૈના નીર બહાએ

નૅચરલી તમને ખબર જ હોય. નીર એટલે પાણી, જળ. આપણે ત્યાં ઝાંઝવાંનાં નીર એવો શબ્દપ્રયોગ છે. છેટેથી સુંદર લાગે; પણ હોય એ આભાસી, ભ્રમ કરાવતી વસ્તુ. દૂરથી જ શોભે. તમે નજીક જાવ તો એ અદૃશ્ય થઈ જાય અને ફરી દૂરના અંતર પર એ દેખાવાનાં શરૂ થઈ જાય. આ જે ઝાંઝવાંનાં નીર છે એ તમને બસ ખેંચ્યા જ કરે, ખેંચ્યા જ કરે અને દૂર લઈ જાય. બીજો પણ એક ભાષાપ્રયોગ અત્યારે મને યાદ આવે છે: નીર નવાણે ને ધર્મ ઠેકાણે.

પૃથ્વી પરથી ધીરે-ધીરે પાણી અદૃશ્ય થયું અને એ રીતે ધર્મ પણ. પાણી કાં તો વહે અને કાં તો સ્થિર રહે. વહેતું પાણી ક્યારેય બગડતું નથી, પણ જો એ સ્થિર થઈ જાય તો એમાં ગંદકી થવા માંડે અને પછી એની યોગ્યતા રહેતી નથી. એવું જ ધર્મનું છે. જો એ એક જગ્યાએ સ્થગિત થઈ જાય તો વ્યવહારયોગ્ય રહેતો નથી. ‘વૉટર’માં આ વાત પણ સૂક્ષ્મ રીતે કહેવામાં આવી હતી અને એમાં જ મહાત્મા ગાંધીની વિચારધારાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે ધર્મમાં પણ સમય અનુસાર જરૂરી સુધારા-વધારા અને બદલાવ કરતા રહેવું જોઈએ. જો એ ન થાય, જો એ ન કરી શકે તો આજ સાથે, વર્તમાન સાથે એ ઊભો ન રહી શકે. અઢારમી સદી કરતાં ઓગણીસમી સદીમાં અનેક બદલાવ હતા તો એમાં ધર્મએ જરૂરિયાત મુજબ નીતિ-નિયમોમાં ચેન્જ લાવવો જ રહ્યો અને એવું જ એ પછીની સદી સાથે પણ લાગુ પડે. 

‘વૉટર’ની વાત વિધવાઓની વાત છે. ફિલ્મ પ્રત્યે ડિરેક્ટરનો પૉઇન્ટ ઑફ વ્યુ એવો છે કે એ સમયની વિધવાનું જીવન સ્થગિત પાણી જેવું હતું, સ્ટેગનેન્ટ વૉટર જેવું. જે હકીકત કરતાં સાવ જ વિપરીત કહેવાય એવું હતું. પરંપરા ક્યારેય જડ ન હોવી જોઈએ, પરંપરામાં ક્યારેય જડતા ન આવવી જોઈએ. પરંપરા સમાજની આવશ્યકતા માટે છે, પણ સમાજ માટે પરંપરા જ પોતાનું જીવન હોય એવું ન હોવું જોઈએ. પરંપરા એ જ સાચી જે સમયાંતરે પોતાને બદલવા સક્ષમ હોય.

વિષ કા પ્યાલા કામ ના આયા
મીરા ને પી કે દિખલાયા
પ્રેમ તો હૈ ગંગાજલ જિસ મેં
વિષ અમૃત બન જાએ...

કેટલી સરસ વાત અને એ પછી પણ શબ્દોનો કોઈ આડંબર નહીં. પતિ માટે પ્રેમ હોય એ જરૂરી છે, એ જ આવશ્યકતા છે. પ્રેમ ન હોય અને એ પછી પણ પરંપરા એના પર થોપી દેવામાં આવે તો કંઈ વળવાનું નથી. એવી જ રીતે પ્રેમ હોય એની સામે કોઈ પણ પરંપરા મૂકી દેશો તો પણ એ પ્રેમ વિના રહી નહીં શકે. જો આ જ સત્ય હોય તો પછી સમાજ કોણ છે એના પર જોરજબરદસ્તી કરનારો? કોણ છે સમાજ જે એ વિધવાના જીવનના નિયમો નક્કી કરનારો? કોણ છે એ દુનિયા જે આ વિધવાની દુનિયામાં શું હોય અને શું ન હોવું જોઈએ એવું નક્કી કરે? કોણ છે એ આગેવાનો જેઓ વિધવાના જીવનને કેવો આકાર આપવો એ નક્કી કરે?

આ પ્રશ્ન એ જ સમયનો હતો એવું નથી. આજે પણ આ પ્રશ્ન અનેક જગ્યાએ ઊભા છે અને એટલા જ પ્રસ્તુત પણ લાગે છે. 

આજની તારીખે પણ કોઈ સ્ત્રી પતિ ગુમાવે તો કેટલું બધું છોડી દે છે. આભૂષણ, શણગાર, અમુક ખાસ પ્રકારના રંગ અને એવું બીજું ઘણુંબધું. જોકે પ્રશ્ન એ છે કે શું કામ તે છોડે છે? પ્રથાને કારણે, પરંપરાને કારણે.

એક જ વાત મનમાં છે કે લોકો શું કહેશે? સમાજ શું બોલશે? 

‘વૉટર’ની જેમ જ આજે પણ ઘણીબધી સ્ત્રીઓએ આ જ પ્રશ્નનો સામનો કરવો પડે છે. તેમના મનમાં પણ સતત ડર છે કે હું આ પહેરીશ તો લોકો શું કહેશે અને લોકોને જવાબ આપવો ન પડે એટલે તે નાછૂટકે, સંયમ સાથે પોતાની દુનિયા સંયમિત કરી નાખે છે. જ્યારે આજે પણ અનેક એવી વીરાંગના છે જેઓ પતિના ગયા પછી બાળકોને ઉછેરે અને સારા સંસ્કાર આપે, સારું શિક્ષણ આપે અને સક્ષમ બનાવે. એ ઊર્જાની દેવીને પ્રણામ. 

પ્રેમ હૈ ગિરિધર કી બાંસુરિયા
પ્રેમ હૈ રાધા કી સાંવરિયા
યે હૈ સાત સુરોં કા દરિયા
ઝર ઝર બહતા જાએ...

‘વૉટર’નું રાગ ભટિયાર પર આધારિત આ ગીત સાંભળજો. તમે પોતે અટકેલા પ્રવાહમાંથી બહાર આવીને સાધના સરગમ સાથે વહેવા માંડશો. ખાતરી સાથે કહું છું.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists john abraham