નાટુ નાટુ

19 March, 2023 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેમાલી અને શ્રીનિવાસે અદ્ભુત નૃત્ય કર્યું. તાળીઓથી હૉલને ગજાવી દીધો તો ઘરે બેસીને ટીવી પર જોઈ રહેલા દર્શકો ગાંડા થઈ ગયા. આ જોડીએ નૃત્યજગતમાં સપાટો બોલાવી દીધો.

નાટુ નાટુ

શ્રીનિવાસ એક સફળ અને જાણીતો નૃત્ય-નિર્દેશક.  ભારતની તમામ ભાષામાં પ્રસ્તુત થતી ફિલ્મોના પ્રોડ્યુસર અને દિગ્દર્શક પોતાની ફિલ્મો માટે શ્રીનિવાસને જ મોંમાગી રકમ આપીને સાઇન કરે. એમાં ગુજરાતી ફિલ્મો પણ અપવાદ નહીં જો બજેટ મોટું હોય તો શ્રીનિવાસ જ હોવો જોઈએ એમ બધા અવ્વલ દરજ્જાના કલાકારો પણ આગ્રહ રાખે. દરેક નૃત્યના નિર્દેશનમાં શ્રીનિવાસ ચાર ચાંદ લગાવી દેતો અને એ ફિલ્મ સુપરહિટ જ સમજો.

શ્રીનિવાસનાં માતાપિતા દક્ષિણ ભારતનાં કર્ણાટકી બ્રાહ્મણ. પિતા સંગીતવિશારદ અને માતા ભરતનાટ્યમ કથકલી, મોહિની અટ્ટમ બધા જ નૃત્યપ્રકારોમાં નિપુણ. લગ્ન પછી માતાએ નૃત્યને તિલાંજલિ આપી, ગૃહિણી બની સાસુસસરાની કાળજી લેવી, એકની એક નણંદ સુજાતાને પરણાવી થાળે પાડવી, વ્યવહાર સાચવવા અને પતિના કાર્યક્રમ જ્યાં-જ્યાં હોય ત્યાં તેમને સાથ આપવો. બસ એ જ તેનો જીવનઉદ્દેશ બની ગયો.

વખત જતાં જયા અને શ્રીનિવાસ નામનાં બે બાળકોને જન્મ આપ્યો. મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે એમ જયા પિતાને પગલે ગાયિકા બની અને તેમના બધા કાર્યક્રમમાં સાથ આપતી. જ્યારે શ્રીનિવાસને નૃત્યનો શોખ એટલે માતા જેવો સફળ નૃત્યકાર થયો અને વખત જતાં દેશનો પ્રથમ હરોળનો નૃત્ય-નિર્દેશક બન્યો.

ગુજરાતી ફિલ્મોની પ્રખ્યાત કલાકાર હેમાલી ઐયર-જોષી પણ આમાં અપવાદ નહીં. તે પોતે એક નૃત્યવિશારદ. ભરતનાટ્યમ, કથક, કુચીપુડી, મણિપુરી, રાસગરબા, સાલસા જે કહો એ બધાં નૃત્યમાં નિપુણ. વળી અભિનયમાં તે ગુજરાતી ફિલ્મોની અમિતાભ બચ્ચન કહેવાતી. હેમાલી હોય એ ફિલ્મ ટિકિટબારી છલકાવી જ દે એમાં કોઈ બેમત નથી.

હેમાલીની માતા દક્ષિણ ભારતમાં તામિલનાડુની. ત્યાં તે કૉલેજમાંથી છૂટીને સાંજના સમયે ટૂરિસ્ટ ગાઇડનું કામ કરતી. હેમાલીના પિતા વડોદરાના. કૉલેજકાળમાં વડોદરાથી મદુરાઈના મીનાક્ષી મંદિર અને બીજાં જોવાલાયક સ્થળોની મુલાકાતે ગયેલા ત્યારે અનાયાસ બન્ને મળ્યાં. ૭ દિવસ દર રોજ સાથે જ હતાં. એમાં પ્રેમ પાંગર્યો અને બન્નેના માવતરની સંમતિથી પ્રભુતામાં પગલાં પાડ્યાં. તેમનું એકમાત્ર સંતાન હેમાલી. હેમાલી અને શ્રીનિવાસ ભલે સૌથી વધારે રળતા દિગ્ગજ કલાકારો હોય, પણ બન્ને મિલનસાર, મોટી હસ્તી હોય કે સામાન્ય માણસ હોય, દૂધમાં સાકરની જેમ સૌ સાથે ભળી જાય. પૈસા અને પદનું ઘમંડ જરાય નહીં. જરૂરિયાતમંદ માણસ હોય કે સંસ્થા, ખુલ્લા દિલે અને છુટ્ટા હાથે મદદ કરે. તેમના દ્વારેથી કોઈ ખાલી હાથે ન જાય. આ નીતિને લઈને તેઓ હર કોઈનાં લાડલા.

આ વખતે હેમાલીને ટીવી તરફથી ‘આજા નચ લે’ કાર્યક્રમ માટે ડાન્સ-માસ્ટર શ્રીનિવાસ સાથે નૃત્ય કરવાનું આમંત્રણ આવ્યું. જો બન્ને આ કાર્યક્રમમાં જોડી તરીકે આવે તો ચૅનલનો ટીઆરપી ત્રણ ગણો થઈ જાય અને જાહેરાતનો વરસાદ વરસે. બે ફિલ્મોમાં સાથે કામ કરેલું એથી હેમાલી અને શ્રીનિવાસને એકમેકનો પરિચય તો હતો જ. વળી નટરાજદેવનાં બન્ને ઉપાસક અને એકબીજાની નૃત્યકળાના પારખુ એટલે ના પાડવાનો કોઈ સવાલ જ નહોતો. બન્ને પક્ષથી હા આવી અને રિહર્સલ શરૂ થયાં. એક મહિનાનાં રિહર્સલ હતાં. સારામાં સારા હાવભાવ સહિત નૃત્ય કરવાનું હતું. બન્નેએ ગીત પણ કેવું પસંદ કર્યું!!  
દક્ષિણની સુપરહિટ ફિલ્મ ‘RRR’ના જે ડાન્સ માટે ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર મળ્યો, ઑસ્કર અવૉર્ડ મળ્યો, ફિલ્મના કલાકાર રામ ચરણ અને જુનિયર એનટીઆરને હૉલીવુડની ફિલ્મ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યાં, વિદેશની પ્રજા જે ગીત પર નૃત્ય શીખવા ઉત્સાહી હતી. આમ જે ગીત અને ડાન્સે દુનિયાના નકશા પર ભારતનું નામ સુવર્ણ અક્ષરે કોતરી નાખ્યું એ જ ગીત ‘નાટુ નાટુ’ પર બન્ને નૃત્ય કરવાનાં હતાં. ફિલ્મમાં આ ગીત પર નાચ શીખવવા સૌપ્રથમ શ્રીનિવાસનો જ સંપર્ક સાધવામાં આવેલો, પરંતુ તે બૉલીવુડની બે ફિલ્મો માટે હા પાડી ચૂક્યો હતો, સમય નહોતો એટલે એ ગીતની કોરિયોગ્રાફી બીજા એવા જ અવ્વલ નૃત્ય-નિર્દેશકને સોંપવામાં આવેલી અને તેણે કરેલા નૃત્ય-નિર્દેશને ફિલ્મજગતમાં વાહ-વાહ બોલાવી દીધી. ઘણું કઠિન કામ હતું. આ નૃત્ય માટે ફિલ્મના કલાકારો રામ ચરણ અને જુનિયર એનટીઆર બન્નેએ અત્યંત જોશથી અઘરામાં અઘરી ચાલ સહજતાથી કરી દેખાડી ને બાકીના ઇતિહાસની તો સૌને ખબર છે.

જ્યારે અહીં તો હેમાલીને તેની શરૂ થયેલી ફિલ્મો પૂરી કરવાની હતી, જેનું શૂટિંગ ક્યારેક વહેલી સવારે હોય, ક્યારેક મોડી રાત સુધી ચાલે. શ્રીનિવાસે હાલમાં એક મહિના માટે બધા પ્રોડ્યુસરને ના પાડી દીધી હતી. દરરોજ રિહર્સલ માટે બન્ને ભેગાં થતાં. ચૅનલે જ તેમને પ્રૅક્ટિસ માટે જગ્યા આપી હતી. બન્ને તનતોડ મહેનત કરતાં. ક્યારેક વહેલી સવારે, તો ક્યારેક મોડી રાત સુધી. હેમાલી મુંબઈ તેની ફોઈને ત્યાં રહેતી અને શ્રીનિવાસ નજીકની એક હોટેલમાં.

આખરે એ દિવસ આવી ગયો, હેમાલી અને શ્રીનિવાસે અદ્ભુત નૃત્ય કર્યું. તાળીઓ પાડીને અને સિસોટી વગાડીને ત્યાં હાજર સૌએ હૉલને ગજાવી દીધો તો ઘરે બેસીને ટીવી પર જોઈ રહેલા દર્શકો ગાંડા થઈ ગયા. આ જોડીએ નૃત્યજગતમાં સપાટો બોલાવી દીધો. બહુમતીથી તેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યાં. અધૂરામાં પૂરું, હિન્દુસ્તાનના પૈસાપાત્ર લોકો પોતાનાં દીકરા-દીકરીના લગ્નપ્રસંગમાં હેમાલી અને શ્રીનિવાસ ‘નાટુ નાટુ’ ગીત પર ડાન્સ કરે એ માટે મોંમાગ્યા દામ આપવા લાઇન લગાવવા લાગ્યા હતા.

બન્ને જણ પોતપોતાની શૂટિંગની તારીખ ગોઠવીને આ કમાણી માટે તૈયાર થઈ ગયાં. ભારતભરમાં ફરવાનું હતું. ચૅનલના એક મહિનાના રિહર્સલ દરમ્યાન ગાઢ મિત્ર તો બની ગયેલાં અને હવે તો પ્રેમના અંકુર પણ બે હૈયાંમાં રોપાયાં. માતાપિતાએ ખૂબ ધામધૂમથી તેમનાં લગ્ન કરાવવા ચાહ્યાં, પણ  હેમાલી અને શ્રીનિવાસે એ પૈસા દક્ષિણ ભારતના એક વૃદ્ધાશ્રમ અને ગુજરાતના એક અનાથાલયમાં દાન કરવા ચાહ્યા અને ખૂબ સાદાઈથી ફક્ત પરિવારની હાજરીમાં લગ્ન કરવાનો આગ્રહ રાખ્યો. તેમની ઇચ્છા સૌકોઈએ માન્ય રાખી અને બન્નેએ કેવળ પરિવારજનોની હાજરીમાં સાદાઈથી લગ્ન કર્યાં.

ફિલ્મોનાં શૂટિંગ બાકી હતાં એ બન્નેએ પૂરાં કર્યાં અને હનીમૂન માટે એક મહિનાનો યુરોપનો પ્રવાસ નક્કી કર્યો. એમાં કલકત્તાના પ્રખ્યાત, અબજોના માલિક એવા મારવાડી ઉદ્યોગપતિ ભંવરલાલ લોહિયાના એકના એક દીકરાના લગ્નપ્રસંગે બૉલીવુડની આગળપડતી હસ્તીઓને કરોડો રૂપિયા આપીને આમંત્રિત કરાઈ હતી. લોહિયાજીનો દેશ-વિદેશમાં બહોળો વેપાર. લગભગ બધા જનવ્યાપારમાં તેમણે પોતાના ભાઈઓ સાથે ઝંપલાવેલું અને દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઈ હતી. હેમાલી અને શ્રીનિવાસને ‘નાટુ નાટુ’, શ્રીવલ્લી વગેરે જેવાં અનેક ગીતો પર નૃત્ય કરવા આમંત્રણ અપાયું હતું. અઢળક નાણાં રળાવી દે એવું ઇજન હતું. ચાલો, હનીમૂન થોડું મોડું કરીશું એમ વિચારીને બન્ને કલકત્તા પહોંચી ગયાં. તેમના એક-એક નૃત્ય પર તાળીઓ ને પૈસાનો વરસાદ વરસવા માંડ્યો. ત્રણ દિવસનો કાર્યક્રમ પતાવીને લોહિયાજીની અફલાતૂન મહેમાનગતિ માણીને આ પ્રેમી પંખીડાંએ યુરોપ તરફ પ્રયાણ કર્યું.

આખરે પાછાં ફરવાનો દિવસ આવી ગયો. અહીં નવી ફિલ્મો તેમની રાહ જોતી હતી. હેમાલીને બે ગુજરાતી ફિલ્મ, એક ગુજરાતી પ્રોડ્યુસરની હિન્દી કૉમેડી સિરિયલ, નૃત્ય પર આધારિત એક હિન્દી ફિલ્મ માટે સાઇન કરવા લાઇન લાગી હતી, જ્યારે શ્રીનિવાસને બે હિન્દી ફિલ્મ, એક-એક તેલુગુ, તામિલ અને કન્નડ ફિલ્મમાં નૃત્ય-નિર્દેશક તરીકે લેવામાં આવ્યો. શૂટિંગને ત્રણ મહિના થયા અને હેમાલી ગર્ભવતી થઈ. બન્ને ઘરે આનંદ-આનંદ છવાઈ ગયો.

‘નાટુ નાટુ’ ગીતને લઈને બન્ને ભેગાં થયેલાં, વળી નટરાજદેવનાં ઉપાસક એટલે બન્નેએ નક્કી કર્યું કે ‘દીકરો આવશે તો તેનું નામ નટરાજન્ રાખીશું અને દીકરી આવશે તો નૃત્યા રાખીશું.’ પણ આપણે એ જે હશે તેને લાડથી નાટુ કહીને જ બોલાવીશું. સોનોગ્રાફી કરતાં ખબર પડી કે એક નહીં, ગર્ભમાં બબ્બે બાળકો છે. હિન્દુસ્તાન અને બહાર વિદેશમાં વસતી ભારતીય પ્રજાએ પણ આ જાણ થતાં હેમાલી અને શ્રીનિવાસ પર ફૂલો, નાનાં-નાનાં બાળકો માટે બહારથી ખરીદેલી, જાતે બનાવેલી ભેટનો વરસાદ વરસાવ્યો. દુનિયાભરના વડીલોના આશીર્વાદ અને જાતજાતની સલાહથી હેમાલી અને શ્રીનિવાસને અત્યંત ભાવુક બનાવી દીધાં. આમ સૌનો આનંદ ઑર બેવડાયો. હેમાલીને માતાપિતા અને શ્રીનિવાસ સૌએ કામનું દબાણ ઓછું કરવાનો ખૂબ આગ્રહ કર્યો, પણ હેમાલીની તબિયત સારી રહેતી એટલે આખરી મહિના સુધી કામ કરી બધું જ શૂટિંગ આટોપવું હતું. પછી પોતાની સાસુની, જયા બચ્ચનની, અનુષ્કા શર્માની જેમ થોડાં વર્ષ કેવળ પોતાનાં બાળકોના ઉછેર પર કેન્દ્રિત કરવાં હતાં. વળી હમણાં-હમણાં તેની ગુજરાતી ફિલ્મો આખરી તબક્કે હતી એટલે વડોદરા અને પિયર જ રહેતી હતી, જ્યાં તેનું ઘણું ધ્યાન રખાતું. જ્યારે શ્રીનિવાસને મદ્રાસ શૂટિંગ માટે જવાનું બહુ રહેતું, પણ ફોન પર દરરોજ હેમાલી સાથે વાતો થાય.

ત્યાં એક દિવસ ખબર મળ્યા કે ફિલ્મના શૂટિંગ દરમ્યાન હેમાલીને ઠોકર વાગી, પેટ પર ઊંઘે માથે પડી અને તેને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડી. હજી તો ગર્ભ ધારણ કર્યાને ૭ જ મહિના થયેલા. શ્રીનિવાસ અને તેનાં માતાપિતા પણ મદ્રાસથી વિમાનની પહેલી જે ટિકિટ મળી એમાં પહોંચી ગયાં. ઈજાને લીધે હેમાલીને ખૂબ રક્તસ્રાવ થયો હતો. લોહીનું દબાણ નીચે ને નીચે જતું હતું. ડૉક્ટરોએ કહી દીધું કે ‘તરત જ ઑપરેશન કરીને બાળકોને માતાના ગર્ભમાંથી બહાર નહીં કાઢીએ તો બન્ને બાળકો અને મા એમ ત્રણેયના જીવને જોખમ છે.

દેશભરની મીડિયા, ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, સામાન્ય નાગરિક સર્વે પોતાની આ અત્યંત પ્યારી જોડીની ખુશી અને હેમાલી અને તેમનાં બાળકોની સલામતી માટે મંદિરમાં પ્રાર્થના કરવા લાગ્યા, ખુદા પાસે દુઆ માગતા, તો ઘણાએ માનતા પણ માની અને આખરે ઑપરેશન કરવામાં આવ્યું જે સફળ રહ્યું.

મકરસંક્રાન્તિનો એ દિવસ હતો. વડોદરાના આસમાનમાં રંગબેરંગી પતંગો ઉપર ને ઉપર આસમાનમાં જતી હતી અને અહીં હેમાલી-શ્રીનિવાસના નટરાજન ઉર્ફે નાટુ અને નૃત્યા ઉર્ફે નાટુએ ઑપરેશન કરનાર ડૉક્ટરોની ટીમ, અગણિત લોકોની દુઆ અને આશીર્વાદથી આસમાન પરથી ધરતી પર સહીસલામત ઉતરાણ કર્યું. 
આમ ‘નાટુ’ ‘નાટુ’ કાયમ માટે હેમાલી-શ્રીનિવાસ સાથે જોડાઈ ગયાં. 

- હર્ષા મહેતા

નવા લેખકોને આમંત્રણ

તમે પણ જો શૉર્ટ સ્ટોરી લખવા માગતા હો તો લગભગ ૧૩૦૦ શબ્દોમાં રોમૅન્ટિક અથવા સંબંધોના તાણાવાણાને સુંદર રીતે રજૂ કરતી નવલિકા ટાઇપ કરીને featuresgmd@gmail.com પર મોકલો. 
સાથે તમારું નામ અને કૉન્ટૅક્ટ નંબર અને ફોટો પણ મોકલશો. 
જો વાર્તા સિલેક્ટ થશે તો જ પબ્લિશ થશે. એ બાબતે પૂછપરછ ન કરવી.

columnists