સુખી થવા માટે અને સુખી કરવા હોય તો ફિટ રહેવાની બાબતમાં સેલ્ફિશ બનો

09 May, 2023 05:07 PM IST  |  Mumbai | Rashmin Shah

ગોલ્ડન વર્ડ‍્સ - આ લાઇફ તમારી પોતાની જર્ની છે એને મરી-મરીને કરવી છે કે પછી તાજગી સાથે એ તમારે નક્કી કરવાનું છે. તાજગી માટે ડાયટ અને જરૂરી ફિઝિકલ ઍક્ટિવિટી કરવાનું શરૂ કરી દો.

અમિકા શૈલે

હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરનારી અમિકા શૈલે માત્ર નવ વર્ષની ઉંમરે ‘સારેગામાપા લિટલ ચૅમ્પ’માં પાર્ટિસિપેટ કર્યું અને પછી ‘ઉડાન’, ‘બાલવીર’, ‘મૅડમસર’, ‘લાલ ઇશ્ક’ જેવી સિરિયલો અને વીસથી વધુ વેબ-સિરીઝ કરનારી ઍક્ટર-સિંગર હેલ્થની બાબતમાં સભાન થઈ એ પછી તેને જોઈને આખી શૈલ ફૅમિલી હેલ્થની બાબતમાં ઍક્ટિવ થઈ ગઈ

ઝિંદગી લંબી નહીં, બડી હોની ચાહિએ એવું વર્ષો પહેલાં કોઈ ફિલ્મના ડાયલૉગમાંથી આપણને ખબર પડી, પણ એમ છતાં આપણે એ વાત સમજી શક્યા નહીં કે ‘બડી ઝિંદગી’ માટે હેલ્થ બહુ મહત્ત્વની છે. 

સોશ્યલ મીડિયાને કારણે આપણી લાઇફ હતી એના કરતાં પણ વધારે બિઝી અને રૂટીન બની છે એ વાત સૌકોઈએ સ્વીકારવી જ રહી. સોશ્યલ મીડિયા આટલું પૉપ્યુલર નહોતું ત્યારે લોકો કંઈ ને કંઈ ફિઝિકલ ઍક્ટિવિટી કરતા, પણ સોશ્યલ મીડિયા આવ્યા પછી એવી હાલત થઈ ગઈ કે કમ્પલ્સરી હોય એ જ કામ કરવાનું અને પછી મોબાઇલ લઈને બેસી જવાનું. સોશ્યલ મીડિયાએ આપણામાં આળસ પણ ભરી અને લાઇફને બહુ રૂટીન પણ બનાવી દીધી. આવી અર્થ વિનાની બિઝી-રૂટીન લાઇફ વચ્ચે સૌથી છેલ્લી પ્રાયોરિટીમાં લોકો પોતાની હેલ્થ અને ફિટનેસને રાખતા થઈ ગયા. હું આવું કહું છું, કારણ કે હું પણ પોતે આ ફેઝમાંથી પસાર થઈ છું. મેં જોયો છે એ સમય જ્યારે તબિયત બગડી હોય, બાજી હાથમાંથી સરી પડી હોય અને પછી અફસોસ સાથે હેલ્ધી રહેવા માટે કોઈ ઍક્ટિવિટી શરૂ થઈ હોય. 

કરો નિયમિત વર્કઆઉટ

હું જે ઇન્ડસ્ટ્રીમાં છું ત્યાં ભરપૂર પ્રમાણમાં કામ કરવાનું હોય છે. શૂટિંગના કલાકો લાંબા હોય, ટ્રાવેલિંગ પુષ્કળ હોય અને ખાવાપીવાના સમયનાં ઠેકાણાં ન હોય. સિન્ગિંગની જર્ની ચાલુ હતી ત્યારે મારું વજન વધતું હોવાનું મેં નોટિસ કર્યું અને મને લાગવા માંડ્યું કે મારે હવે કંઈક કરવું પડશે, જેના ભાગરૂપે જિમ શરૂ થયું. 

આજે વીકમાં હું મિનિમમ ચાર દિવસ જિમમાં જાઉં છું. ઓવરઑલ ઍક્ટિવ રહેવાના પ્રયાસ કરું છું અને રિલિજિયસલી ડાયટને પણ ફૉલો કરું છું. ચાર દિવસ જિમમાં જવાની વાત કરી એનો મતલબ એવો નહીં કે બાકીના ત્રણ દિવસ કંઈ નહીં કરવાનું. બાકીના ત્રણ દિવસ હું સાઇક્લિંગ, જૉગિંગ, રનિંગ કે પછી વૉક જેવી ઍક્ટિવિટી તો ચાલુ જ રાખું. ફિઝિકલ ઍક્ટિવિટી અત્યંત મહત્ત્વની છે, એમાં કોઈ બ્રેક ન હોવો જોઈએ.

શું ખાઓ છો તમે?

આપણે બધાએ ભોજનને માત્ર ટેસ્ટને સૅટિસ્ફૅક્શન આપવાનું માધ્યમ માન્યું છે જે બહુ જ મોટી ભૂલ છે. આ જ કારણે કદાચ લોકો જન્ક ફૂડ તરફ બહુ ખરાબ રીતે અને સ્ટ્રૉન્ગ્લી ઍટ્રૅક્ટ થયા છે. હું માનું છું કે જ્યારે તમે ખાવાનું હાથમાં લો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે તમે શું પેટમાં પધરાવવાના છો. એ ફૂડની ન્યુટ્રિશનલ વૅલ્યુ તમારી આંખ સામે આવવી જોઈએ. અનહેલ્ધી ડાયટ માત્ર તમને જ નહીં, પણ તમારી ઓવરઑલ એનર્જી, સ્કિન, વાળ, આંખો એમ બૉડીના જુદા-જુદા પાર્ટને પણ નુકસાન કરે છે. 

આપણે જન્ક નથી ખાતા અને એવું કહેતા હોઈએ છીએ કે વજન વધી જશે, પણ હું કહું છું કે વજન તો બહુ જ ગૌણ બાબત છે પણ એ સિવાય એ ડાયટની શરીરમાં શું અસર થાય છે એના પર ખાસ ફોકસ હોવું જોઈએ. પહેલાં હું ડાયટની બાબતમાં આટલી ગંભીર નહોતી. મારી ફૅમિલીમાં કોઈ ફિટનેસને લઈને આટલું વિચારતું નહીં. જિમની શરૂઆત મેં જ કરી અને હવે ધીમે-ધીમે એ બધા પણ શીખવા માંડ્યા છે. હું માનું છું કે ફિટનેસની બાબતમાં તમે સેલ્ફ-સેન્ટર્ડ અને સેલ્ફિશ થઈ જાઓ. તમે જો જો, ધીમે-ધીમે લોકો તમને એમાં ફૉલો કરવા માંડશે અને એ તમે તેમને આપેલી બેસ્ટ ગિફ્ટ હશે.

columnists Rashmin Shah