રેડી, સ્ટેડી ઍન્ડ ગો.....

15 May, 2023 04:41 PM IST  |  Mumbai | Rashmin Shah

સબ ટીવીની ‘ધ્રુવ તારા - સમય સદી સે પરે’ સિરિયલમાં લીડ રોલ કરતા અને અગાઉ ‘ગુડ સે મીઠા ઇશ્ક’ સિરિયલ કરી ચૂકેલા મૉડલ અને ઍક્ટર ઈશાન ધવન માટે દોડવું એટલે જાતને શોધવા જેવી પ્રક્રિયા છે અને એટલે જ તે આ તક ક્યારેય છોડતો નથી

ઈશાન ધવન

મારી દૃષ્ટિએ ફિટનેસ એટલે માત્ર કૅમેરા સામે સારા દેખાવું નહીં પણ જાતને સારી ફીલ કરવું, એનર્જીનો અનુભવ કરવો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા હોવી. હા, આ બધી ફિટનેસની સાચી નિશાની છે અને જો તમને એનો અનુભવ થઈ જાય તો ખરેખર શ્રેષ્ઠતમ રીતે તમારી જાતને હૅન્ડલ કરી શકો. ફિટ રહેવું એ કોઈ બોરિંગ પ્રક્રિયા બિલકુલ નથી, આનંદની વાત છે. જીવનમાં જે પણ સંજોગો આવે એમાં ટકી રહેવાનું તમારું ધૈર્ય એ પણ ફિટનેસની જ નિશાની છે અને એ ધૈર્ય ડેવલપ કરવા માટે તમારે રોજ થોડી-થોડી મિનિટો આપવાની છે.
રાઝ મેરી ફિટનેસ કા...

દોડવું મને અતિ પ્રિય છે. સતત દોડતી-ભાગતી આ દુનિયામાંથી થોડોક બ્રેક જોઈતો હોય ત્યારે હું દોડવા નીકળું પડું. હું જ્યારે રનિંગ કરતો હોઉં ત્યારે માત્ર હું, મારા વિચારો અને ખુલ્લો રસ્તો હોય. 

મને એક વાત કહેવી છે, હું માત્ર ફિઝિકલ હેલ્થ માટે કામ નથી કરતો પરંતુ મેન્ટલ હેલ્થ અને સૌથી વધારે તો બૅલૅન્સ પર મારું વિશેષ ફોકસ હોય છે. મારા માટે રનિંગ એ જીવંત ફીલ કરવાનું, ઊર્જાવાન મહસૂસ કરવાનું અને જીવનના પડકારો માટે જાતને તૈયાર કરવાનું માધ્યમ છે. એ માત્ર મારી હૉબી કે રૂટીન નથી પણ મારી જીવન જીવવાની એક રીત છે. નાનપણથી મને દોડવાનો શોખ હતો. ઍક્ટિંગમાં આવ્યા પછી બીજા પ્રકારનાં વર્કઆઉટ ઍડ કર્યા પછી પણ રનિંગને મેં ક્યારેય તિલાંજલિ નથી આપી. 

ફિટનેસની બાબતમાં એક વાત ખૂબ જ સ્પષ્ટતા સાથે કહીશ કે નિયમિતતા અને સાતત્ય જરૂરી છે. યાદ રાખજો, ફિટનેસ ઍક્ટિવિટી ઇટસેલ્ફ બહુ જ મોટિવેશન છે. જ્યારે તમે નિયમિત ફિટનેસ રેજીમ જાળવતા હો ત્યારે તમારામાં બહુ સરસ કૉન્ફિડન્સ જાગશે અને એ જ તમારું મોટિવેશન પણ બનશે. પ્લસ રેગ્યુલર વર્કઆઉટને કારણે તમારામાં જે ચેન્જ આવશે એ પણ તમારા માટે મોટિવેશનનું બહુ જ મોટું કારણ બનશે. અંતિમ શ્વાસ સુધી ઍક્ટિવ અને એનર્જેટિક રહેવાનો મારો ગોલ છે, જે મને સતત હેલ્ધી રહેવા માટે પ્રેરિત કરે છે. 

તમે ખાઓ છો શું?

એક વાત હંમેશાં યાદ રાખવી કે જગતમાં તમે કંઈ પણ કરો પણ એ બધા માટે તમને એનર્જીની જરૂર પડે અને એ એનર્જી માટે તમારે એને પાવર આપવો પડે. ટીવી માટે ઇલેક્ટ્રિસિટી પાવર છે તો બૉડી માટે ફૂડ પાવર છે, કહો કે ફૂડ બૉડીનું પેટ્રોલ છે. જો ગાડીમાં તમે હલકી ગુણવત્તાનું પેટ્રોલ નાખશો તો કારને ડેપ્રિશિએશન જલદી લાગે. એની એનર્જી, એની રનિંગ ક્ષમતા અફેક્ટ થતી હોય તો શરીરમાં ગમે તે નાખવાનો શું મતલબ છે?

હેલ્ધી અને સ્ટ્રૉન્ગ બૉડી જોઈતી હોય તો બૅલૅન્સ્ડ, પોષકતત્ત્વપૂર્ણ આહાર તમને મેન્ટલી અને ફિઝિકલી હેલ્ધી રાખશે. કદાચ આ જ કારણ છે કે મારા ફૂડમાં ટેસ્ટ નહીં પણ ગુણોનું મહત્ત્વ હોય એવી ડિશિસ દેખાશે. મારું ફેવરિટ ફૂડ ખીચડી છે અને આ હું કોઈને પણ કહું, એ મારી વાત માનવા તૈયાર નથી થતું. મોટા ભાગનાને એવું લાગે છે કે આજની યંગ જનરેશનને આ પ્રકારનું ફૂડ ભાવતું નથી હોતું, પણ જે હેલ્થ કૉન્સિયશ છે એ સૌકોઈનું ફેવરિટ ફૂડ આ જ પ્રકારનું હોય છે. ખીચડીની વાત કહું તો એ પોષકતત્ત્વ પણ ધરાવે છે અને મારી બાળપણથી યાદો સાથે પણ જોડાયેલી હોવાથી મારા માટે નૉસ્ટાલ્જિક અનુભવ કરાવવાનું કામ પણ કરે છે.

ગોલ્ડન વર્ડ્‍સ

કોઈ એવી પ્રૅક્ટિસ શોધો જે તમારામાં અલાઇવનેસ લાવતી હોય અને એનાથી વર્કઆઉટની શરૂઆત કરો, કારણ કે તમને જે આનંદ આપે એ પ્રૅક્ટિસ જ તમને ન ગમતાં કામોની દિશામાં આગળ લઈ જાય છે.

columnists Rashmin Shah