કુકિંગ એક્સપર્ટ નથી છતાં બધું ટેસ્ટી બને એનું સીક્રેટ ખબર છે?

06 December, 2022 04:34 PM IST  |  Mumbai | Rashmin Shah

મારા ફ્રેન્ડ્સને મારા હાથની મૅગી પણ યુનિક લાગતી હોય છે અને તમને જાણીને નવાઈ લાગશે. મારાં બધાં બ્લન્ડર્સ પણ ભગવાનની કૃપાથી બહુ સ્વાદિષ્ટ અને હૅપનિંગ રહ્યાં છે

દલજિત કૌર

‘સપના બાબુલ કા બિદાઈ’, ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’, ‘નચ બલિયે’, ‘બિગ બૉસ’, ‘કૈસા યે પ્યાર હૈ’, ‘સસુરાલ ગેંદા ફૂલ-૨’ જેવી અઢળક સિરિયલો અને રિયલિટી શોમાં કામ કરી ચૂકેલી ટીવી-ઍક્ટ્રેસ દલજિત કૌર આ સવાલનો રાઝ ખોલતાં બે જ શબ્દમાં જવાબ આપે છે, ‘મારી મમ્મી...’

મારા ફ્રેન્ડ્સને મારા હાથની મૅગી પણ યુનિક લાગતી હોય છે અને તમને જાણીને નવાઈ લાગશે. મારાં બધાં બ્લન્ડર્સ પણ ભગવાનની કૃપાથી બહુ સ્વાદિષ્ટ અને હૅપનિંગ રહ્યાં છે

પંજાબીઓ ફૂડી ન હોય તો જ આશ્ચર્ય થવું જોઈએ. મને કહેવામાં જરા પણ સંકોચ નથી કે હું ખાવા માટે જ જન્મી છું. અરે, લાઇફ એન્જૉય કરવા માટે છે અને એ એન્જૉયમેન્ટ માટે ભગવાને ભોજન બનાવ્યું છે તો એની મજા માણવાની જ હોય. 

હા, હું મારી જાતને જન્મજાત ફૂડી કહીશ. મોટા ભાગે મને અડધી રાતે ભૂખ લાગે. ઝોમ્બીની જેમ હું મધરાતે ઊઠીને શું ખાવું એ વિચારું અને પછી કંઈ સૂઝે નહીં તો કિચનમાં જઈને કઈંક બનાવવામાં પણ લાગી જાઉં. મિડનાઇટ હોય તો પણ કોઈ નવી ડિશ ટ્રાય કરવામાં મને જરાય કંટાળો ન આવે, જેનો જશ જો કોઈને જાય તો એ મારા ફૂડી નૅચરને જાય છે.

ઇન્ડિયન ફૂડ, માય ફેવરિટ ફૂડ

મને ગળ્યું એટલું ન ભાવે, પણ હા, તમે દુનિયાના કોઈ પણ ખૂણેથી તીખું ખાવાનું લઈ આવો, હું ફટાક કરતાં એ ખાવા માટે રેડી થઈ જઈશ. આઇ લવ સ્પાઇસી ફૂડ અને એમાં પણ જો ઇન્ડિયન ફૂડની વાત હોય તો-તો જલસો પડી જાય. ઇન્ડિયન અને વધી-વધીને આપણે એશિયન જ એવા છીએ જે સ્પાઇસી ફૂડ લઈએ છીએ. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જાઓ તો એ એટલું ફિક્કું ફૂડ ખાતાં હોય કે આપણને એમ થાય કે આવું તે કંઈ ફૂડ હોય!

મારા કુકિંગમાં પણ મને ઇન્ડિયન ફૂડમાં વધુ ફાવટ છે. બૅકિંગ આઇટમો મને બનાવવાની મજા નથી આવતી. હું ગ્રેટ કુક છું એવું તો નહીં કહું, કારણ કે એવું ફ્રીક્વન્ટલી બનાવવાનું પણ નથી થતું, પણ હા, મને મારી મમ્મી પાસેથી ટેસ્ટ વારસામાં મળ્યો છે એ વાત હું પ્રાઉડ સાથે કહીશ. મમ્મી તમને દૂધમાં હળદર નાખીને પણ આપે તો એ દૂધ પણ ટેસ્ટી થઈ જાય. એવી જ રીતે હું કંઈ પણ બનાવું તો એમાં જુદો જ સ્વાદ આવે. 

મસાલેદાર ખાવાનું મને ભાવે એટલે બનાવવામાં પણ હું મસાલાઓનો ખાસ પ્રયોગ કરું અને અમુક સ્પેશ્યલ સીક્રેટ મસાલા પણ નાખતી હોઉં છું. જનરલી બધા જ લોકોનો હોય એવો મારો પહેલો કુકિંગ અનુભવ મૅગી સાથેનો છે. મૅગી બનાવવાનો મારો પહેલો અનુભવ અફલાતૂન રહ્યો હતો. આચારી મૅગી અને દાલ મખની મૅગીની ફ્લેવર હવે માર્કેટમાં આવી પણ હું તો વર્ષોથી આવા જુદા-જુદા ઇન્ગ્રિડિયન્ટ્સને મિક્સ મૅચ કરીને મૅગી બનાવતી આવી છું. મારા ફ્રેન્ડ્સને મારા હાથની મૅગી પણ યુનિક લાગતી હોય છે અને તમને જાણીને નવાઈ લાગશે. મારાં બધાં બ્લન્ડર્સ પણ ભગવાનની કૃપાથી બહુ સ્વાદિષ્ટ અને હૅપનિંગ રહ્યાં છે એટલે એમાં પણ કૉમેડી નહીં, રેસિપીની ફ્રેગ્રન્સ વધારે છે.

આ પણ વાંચો: ચોરસ રોટલી જોઈને પણ મમ્મી વખાણ કરે એનાથી મોટો અવૉર્ડ બીજો કયો હોય?

વાહ ગુજરાતી, વાહ ખાંડવી 

મને ગુજરાતી ફૂડ ભાવે. તમને કહ્યું એમ ચટાકેદાર ખાવાની શોખીન છું એટલે ખબર છે કે ગુજરાતીઓ પણ ચટકાદેરા ફૂડના શોખીન છે. તમે માનશો, હજુ રવિવારે જ ગુજરાતીઓ દ્વારા બનતી ખાંડવી, પાતરાં, ફાફડા અને ફાફડા સાથે મળતી પેલી કઢી-ચટણીનો નાસ્તો કર્યો. આહાહા, શું સ્વાદ હતો એનો. ખાસ કરીને એની ચટણી. અત્યારે, તમને આ બધું કહેતી વખતે પણ મોઢામાં પાણી આવે છે. બ્રેકફાસ્ટ પૂરો થાય એ પહેલાં તો મેં ચટણી ખતમ કરી નાખી હતી.

જનરલી, મારું ખાવાનું હેલ્ધી હોય અને એમાં નૉર્મલ હોય એના કરતાં પ્રોટીન ઇન્ટેક વધુ હોય પણ ક્યારેક જો હું બહાર જાઉં તો પછી કન્ટ્રોલ સાથે નથી ફરતી. બહાર નીકળ્યા પછી તળેલું પણ ખાવાનું અને મેંદો હોય તો એ પણ ખાવાનો. ફૂડની બાબતમાં હું માનું છું કે તમે નિયંત્રણ અને ઢીલ બન્ને વચ્ચે બૅલૅન્સ પણ જાળવતાં હો તો જ જીવવાની મજા આવે અને તમે તમારા બૉડીને પણ પૂરતો ન્યાય આપી શકો.

નવી મમ્મીઓને ટિપ

મારી મમ્મી અમારી સાથે જે ટ્રિક વાપરતી એ જ ટ્રિક હું હવે મારા દીકરા સાથે યુઝ કરું છું અને દરેક મમ્મીઓએ આ રસ્તો અપનાવવા જેવો છે.

તમારું બાળક જે શાકભાજી કે પોષક તત્ત્વવાળી બીજી કોઈ વરાઇટી ન ખાય એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લોટ સાથે ભેળવી દો અને પછી એમાં થોડા મસાલા ઍડ કરીને પરોઠાં કે એવી વરાઇટી બનાવી લો જે બાળકને દેખાવાની નથી. ઘણી વાર બાળક જીદને ધ્યાનમાં રાખીને જ ખાતો નથી હોતો, પણ જો તેની જીદ પણ સંતોષાશે અને તેને ખબર નહીં પડે તો તે એ ચોક્કસ ખાઈ લેશે. એક વાત યાદ રાખજો, બાળકને હેલ્ધી ખવડાવવું એ દરેક મધરની જવાબદારી છે.

columnists Rashmin Shah