21 September, 2022 04:32 PM IST | Mumbai | Rashmin Shah
મળેલા જીવ બાય પન્નાલાલ પટેલ
રશ્મિન શાહ
rashmin.shah@mid-day.com
નાનીઅમસ્તી વાતમાં છૂટાં પડી જતાં કે પછી જરાઅમસ્તી વાત સાથે મોઢું ચડાવી લેનારાં પ્રેમીઓને એ વાત કેવી રીતે ગળે ઊતરે કે એક પણ શબ્દની આપ-લે વિના મહિનાઓ સુધી માત્ર એકમેકને જોઈને પણ પ્રેમ હયાત રહી શકે! કેવી રીતે આ નવી જનરેશન સમજી શકે કે પોતે નહીં, પણ પોતાનું પ્રિયજન દુખી ન થાય એનું ધ્યાન રાખવા માટે સતત તડપતી વ્યક્તિ પોતાને એકધારી પીડા આપવાનું કામ પણ હસતા મોઢે કરી શકે! હા, આ હકીકત છે અને આ હકીકત આજના સમયે ગાંડપણમાં ખપાવવામાં આવે છે, પણ પન્નાલાલ પટેલે આ ગાંડપણ જીવીને માત્ર ૨૦ જ દિવસમાં નવલકથા ‘મળેલા જીવ’ લખી હતી. ‘મળેલા જીવ’ને ગુજરાતી ભાષાની સર્વોચ્ચ લવ-સ્ટોરી માનવામાં આવે છે. કાન્તિખ ભટ્ટે કહ્યું હતું કે ‘પન્નાલાલ પટેલના બદ્સનીબ કે તેમણે આ નવલકથા ગુજરાતીમાં લખી, જો આ નવલકથા હિન્દી કે અંગ્રેજીમાં લખાઈ હોત તો એણે ચોક્કસ દેશ-દુનિયા ગજવ્યાં હોત.’
વાત ખોટી પણ નથી. જો ‘મળેલા જીવ’ હિન્દીમાં હોત તો ચોક્કસપણે એણે પૉપ્યુલરિટીમાં શરદબાબુની ‘દેવદાસ’ને પાછળ રાખી દીધી હોત, પણ એ ગુજરાતીમાં હતી અને પન્નાલાલ પટેલે એવી રીતે ક્યારેય પોતાના સર્જનને જોયું નહોતું. ‘માનવીની ભવાઈ’ જેવી ઉત્કૃષ્ટ નવલકથા સહિત અનેક બીજી નવલકથા, નવલિકા, બાળસાહિત્ય, ચિંતનાત્મક નિબંધો અને નાટકો સુધ્ધાં પર હથોટી ધરાવતા પન્નાલાલ પટેલની ‘મળેલા મન’માં એક એવા પ્રેમની વાત છે જે સર્વોચ્ચ લાગણીનો અનુભવ કરાવે છે અને સાથોસાથ પ્રેમની સાચી વ્યાખ્યા પણ સમજાવે છે. પન્નાલાલ પટેલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘આ નવલકથા હું લખતો નહોતો. એ મને કોઈ લખાવતું હતું. એ જે ગેબી લાગણી હતી એ લાગણી હું આજે પણ અનુભવું છું. મને એનાં નાયક અને નાયિકા આજે પણ મળે છે. અધૂરી રહી ગયેલી તેમની જિંદગીનો વાજબી અંત નહીં આપવા બદલ ઠપકો આપે છે અને એ ઠપકામાં પણ પ્રેમ છે.’
૧૯૪૧માં પ્રકાશિત થયેલી આ નવલકથા, આગળ કહ્યું એમ, માત્ર ૨૦ દિવસમાં પન્નાલાલ પટેલે લખી હતી. તેમણે કહ્યું હતું એ મુજબ, ‘એક રાતે તેઓ રાજસ્થાનથી અમદાવાદ આવતા હતા એ દરમ્યાન તેમને રસ્તામાં એક દંપતી એવું મળ્યું હતું જેમાં વાઇફ મેન્ટલી રિટાયર્ડ હતી અને હસબન્ડ બધી રીતે નૉર્મલ હતો. બસ, આટલીઅમસ્તી વાત અને પટેલના મનમાં વાર્તા ગૂંથાવી શરૂ થઈ. એકાદ દિવસ વધારે પસાર થયો અને એ પછી પન્નાલાલ પટેલે પોતાની જાતને એક રૂમમાં બંધ કરીને ‘મળેલા જીવ’નો આરંભ કર્યો. નાટ્યલેખનનો મહાવરો હોવાથી કથામાં જરૂરી એવા ઉતાર-ચડાવ પણ આવ્યા તો સાથોસાથ એમાં વિલન પણ ઉમેરાયો અને જીવનના એ પ્રસંગો ઉમેરાયા જે માનવદેહ મળતાની સાથે દરેકના જીવનમાં દાખલ થતા હોય છે.
‘મળેલા જીવ’ની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં કોઈ નાટ્યાત્મક વળાંક નહીં, પણ વાસ્તવિંક ઢોળાવ છે. વાર્તા રોજબરોજની વાત કહે છે અને રોજબરોજની એ વાતમાં ક્યાંક ને ક્યાંક વાસ્તવિનકતાનું સતત નિરૂપણ થાય છે.
‘મળેલા જીવ’ની અત્યાર સુધી પચીસથી વધારે એડિશન થઈ ચૂકી છે, તો આ નવલકથાને સાહિત્યજગતના અલગ-અલગ ૨૦થી વધારે પુરસ્કાર પણ મળ્યા છે. આ નવલકથાનું હિન્દીમાં ભાષાંતર ‘જીવી’ નામે થયું હતું તો એ પછી અન્ય સાત લૅન્ગ્વેજમાં પણ રૂપાંતર થયું હતું. ઉત્તર ગુજરાતની સાબરકાંઠા લહેજામાં લખાયેલી આ નવલકથા પરથી હિન્દી ફિલ્મ ‘ઉલઝન’ પણ બની અને ગુજરાતી ફિલ્મ બનાવવાના રાઇટ્સ પણ ખ્યાતનામ ઍક્ટર ઉપેન્દ્ર ત્રિવેદીએ લીધા હતા, પણ કોઈ અગમ્ય કારણસર એ ફિલ્મ ક્યારેય બની નહીં.
‘મળેલા જીવ’ પરથી ગુજરાતી ફિલ્મ પણ બની હતી અને આ જ નવલકથા પરથી નાટક પણ બન્યું હતું. અત્યારે પણ આ નવલકથા પરથી ગુજરાતી ફિલ્મની તૈયારી ચાલે છે, જે આવતા વર્ષે કદાચ ફ્લોર પર જશે.
સ્ટોરી શૉર્ટકટ
‘મળેલા જીવ’ વાર્તા છે ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલાં બે યુવાન પાત્રોની. પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસંગે કાવડિયા ગામના ડુંગરની તળેટીમાં ભરાયેલા મેળામાં આકસ્મિક રીતે ભેગાં થાય છે અને પહેલી જ મુલાકાતમાં પ્રેમમાં પડે છે, પરંતુ લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. ભાઈબંધ હીરાની પ્રયુક્તિથી પ્રેરાઈને અને પોતાની પ્રેમિકા જીવી પોતાની નજર આગળ રહે એ હેતુથી, કાનજી જીવીને પોતાના ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને આપેલા વચનથી બંધાઈને અને કાનજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને જીવી આ સંબંધ કબૂલે છે, પણ સમય જતાં તેણે વહેમી પતિની મારઝૂડ વેઠવાનો વારો આવે છે. કાનજી નૈતિક સચ્ચાઈથી આત્મસંયમ જાળવે છે, પણ જીવીનું દુઃખ જોઈ ન શકતાં તે ગામ છોડીને નોકરીની શોધમાં શહેર જતો રહે છે, તો બીજી તરફ વહેમી પતિ તરફનો શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતાં જીવી રોટલામાં ઝેર ભેળવીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે, પરંતુ અજાણતાં એ રોટલો ધૂળો ખાઈ જાય છે અને જીવી વિધવા બને છે, જેને કારણે જીવી ગામની આંખે થાય છે અને આઘાતથી શોકમગ્ન જીવી માનસિક સમતુલા ગુમાવી બેસે છે. છેવટે કાનજી શહેરથી આવે છે અને જીવીને પોતાની સાથે લઈ જાય છે, પણ એ સમયે જીવી બાળક બની ગઈ છે અને કાનજીએ જ જીવીની ચાકરી કરવાની આવે છે.