નાદુરસ્ત તબિયત હોવા છતાં રાજ કપૂરે અમેરિકામાં પોતાની ઝિંદાદિલી અને ફાઇટિંગ સ્પિરિટનો પરિચય આપ્યો હતો

11 February, 2023 06:02 PM IST  |  Mumbai | Rajani Mehta

ન્યુ યૉર્કમાં મ્યુઝિયમ ઑફ મૉડર્ન આર્ટ્સના થિયેટરમાં કોઈએ સુઝાવ આપ્યો કે કૃષ્ણા કપૂર બે શબ્દો કહે. તે એકદમ નર્વસ થઈ ગયાં

રાજ કપૂર

કોઈની સાચા દિલથી પ્રશંસા કરવી એ પુણ્યનું કામ છે. જ્યારે આપણે પ્રશંસા કરીએ છીએ ત્યારે આપણી જાતને જ ભેટ આપીએ છીએ, કારણ કે જે કૌશલ્ય માટે આપણે બીજાની પ્રશંસા કરીએ છીએ એનો થોડોઘણો અંશ આપણા વ્યક્તિત્વમાં સામેલ થઈ જાય છે એટલું જ નહીં,  કોઈની સિદ્ધિઓનો સાચા દિલથી સ્વીકાર કરવો એના જેવી પૂજા બીજી કોઈ નથી.   
ન્યુ યૉર્કમાં યોજાયેલા ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગેસ્ટ ઑફ ઑનર’ તરીકે રાજ કપૂરને આમંત્રિત કરવામાં આવ્યા ત્યારે તેમની તબિયત સારી નહોતી. તેમણે સવિનય ફેસ્ટિવલમાં હાજરી નહીં આપી શકે એવો સંદેશ મોકલાવ્યો પરંતુ આયોજકોએ તેમને એમ કહી મનાવી લીધા કે તમારા સિવાય બીજું કોઈ આ સન્માન માટે લાયક નથી. આ ખુશામત નહોતી, સાચા દિલથી કરેલી પ્રશંસા હતી. એ ભૂલવું ન જોઈએ કે દરેક વ્યક્તિની મોટામાં મોટી ‘ઇમોશનલ નીડ’ એ હોય છે કે તેના કામની સરાહના થાય. અને જ્યારે એવું બને ત્યારે  કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવાની તેની ક્ષમતા વધી જાય છે. એટલે નાદુરસ્ત તબિયત હોવા છતાં રાજ કપૂરે કૃષ્ણા કપૂર સાથે ન્યુ યૉર્ક જવાનું નક્કી કર્યું. એ પ્રવાસમાં એનએફડીસીના મૅનેજિંગ ડિરેક્ટર માલતી તાંબે વૈદ્ય પણ સામેલ હતાં. એની સ્મૃતિઓ વાગોળતાં એક ઇન્ટરવ્યુમાં તે કહે છે, ‘રાજ કપૂર અને તેમની પત્ની સાથે વિદેશ જવાનો મારા માટે આ પહેલો મોકો હતો. આ પ્રવાસ દરમ્યાન હું બંનેની ખૂબ નજીક આવી. રાજ કપૂરનો દરેક ક્ષણ માણવાનો જુસ્સો અને  ફાઇટિંગ સ્પિરિટનો મને અનુભવ થયો. અમુક પ્રસંગો તો એટલા યાદગાર છે કે તમારી સાથે શૅર કરવા જ પડે.’ 

ન્યુ યૉર્કમાં મ્યુઝિયમ ઑફ મૉડર્ન આર્ટ્સના થિયેટરમાં કોઈએ સુઝાવ આપ્યો કે કૃષ્ણા કપૂર બે શબ્દો કહે. તે એકદમ નર્વસ થઈ ગયાં. મારો હાથ પકડીને ધીમેથી કહે, ‘હું શું બોલું? મને આમાંથી બચાવો. આ તેમનું (રાજ કપૂરનું) કામ છે.’ પણ રાજ કપૂર મસ્તીના મૂડમાં હતા. એ સ્ટેજ પરથી ઊભા થયા અને ‘આ ઘટનાને તો મારે સામે બેસીને જોવી જોઈએ’ કહેતાં ઑડિયન્સમાં જઈને બેસી ગયા. 

જ્યારે ‘બૂટ પૉલિશ’નું સ્ક્રીનિંગ થયું ત્યારે એ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે બેબી નાઝ સાથે કામ કરનાર રતન કુમાર હાજર હતો. વર્ષો પહેલાં ફિલ્મોમાં કામ કરવાનું છોડી તે ન્યુ યૉર્ક આવ્યો. અહીં તેનો કાર્પેટનો મોટો બિઝનેસ છે. વર્ષો બાદ રાજ કપૂર સાથે તેની મુલાકાત થઈ ત્યારે તેઓ એટલા ભાવવિભોર થઈ ગયા કે ક્યાંય સુધી તેને ભેટીને વાતો કરતા રહ્યા.

એક કિસ્સો તો કમાલનો છે. ફેસ્ટિવલની પહેલી ફિલ્મનું સ્ક્રીનિંગ હતું. હોટેલથી થિયેટર જવા માટે લિમોઝિન કાર આવવાની હતી, પરંતુ એ સમયસર આવી નહીં. સમય વીતતો જતો હતો અને રાજ કપૂર અધીરા થઈને ગુસ્સામાં પોતાનો ઊભરો ઠાલવતા હતા. તે નહોતા ઇચ્છતા કે તેમના કારણે કાર્યક્રમની શરૂઆતની વિધિમાં વિલંબ થાય. અંતે તેમનાથી રહેવાયું નહીં અને તેમણે ચાલવાનું શરૂ કર્યું. લગભગ ૨૦ મિનિટ સુધી ન્યુ યૉર્કના સાંજના ટ્રાફિકમાં તે હાંફતાં- હાંફતાં થિયેટર પહોંચ્યા. તેમને એટલો શ્વાસ ચડ્યો હતો કે વેલકમ સ્પીચ આપવાની પણ તાકાત નહોતી. કેવળ ચૂપચાપ ઊભા રહી હાથ હલાવીને તેમણે પ્રેક્ષકોનું અભિવાદન કર્યું. એમ છતાં હાઉસફુલ ઑડિયન્સે તાળીઓના ગડગડાટથી ક્યાંય સુધી તેમનું સ્વાગત કર્યું. પોતાને કારણે પ્રેક્ષકોને રાહ ન જોવી પડે એટલા માટે નાજુક તબિયતની પણ તેમણે પરવા ન કરી એટલું જ નહીં, પૂરા કાર્યક્રમ દરમ્યાન તેમણે વીતેલી ઘટના વિશે અણગમો દર્શાવ્યા વિના હસતા ચહેરે પોતાના ફાઇટિંગ સ્પિરિટનો પરિચય આપ્યો.  

લૉસ ઍન્જલસમાં યોજાયેલા ગાલા ડિનરમાં તેઓ પોતાના અસલી રંગમાં હતા. હૉલીવુડના વિખ્યાત કલાકારો, ટેક્નિશ્યન્સ અને બીજા મહાનુભાવોની ઉપસ્થિતિમાં મેં રાજ કપૂરના અંતરંગ સ્વરૂપનો અનુભવ કર્યો. પોતાની હિરોઇન સાથેના અનુભવોની પેટછૂટી વાતો કરતાં તે ખૂબ ભાવુક બની ગયા હતા. મજાની વાત તો એ હતી કે આ વાતો કરતાં તે પત્નીની પરવાનગી પણ લઈ લેતા હતા.

 સૌથી મહત્ત્વની, દિલને સ્પર્શી જાય એવી વાત એ હતી કે તેમણે અમેરિકાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને પ્રેક્ષકોનો હૃદયપૂર્વક આભાર માન્યો. પોતાના કામની સરાહના કરવા બદલ તે સૌના ઋણી રહેશે એનો એકરાર કરીને તેમણે સૌનાં દિલ જીતી લીધાં. તેમણે કહ્યું કે ત્રીસ વર્ષ પહેલાં હું અમેરિકા આવ્યો હતો ત્યારે સાવ નવો નિશાળિયો હતો. આજે કેવળ મારું નહીં,  મારા કામનું તમે સન્માન કર્યું છે એનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરું છું.

આ પણ વાંચો: નાદુરસ્ત તબિયતને કારણે ન્યુ યૉર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેવાની ના પાડનાર રાજ..

આ હતી માલતી તાંબે વૈદ્યની ફેસ્ટિવલની સ્મૃતિઓ. રાજ કપૂર એક સંવેદનશીલ કલાકાર હતા. માનવીય લાગણીઓની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ કરવામાં તેમની તોલે ભાગ્યે જ બીજું કોઈ આવે. એટલા માટે જ સૌને તેમના પર પ્રેમ હતો. નાનામોટા સૌને તે પોતીકા લાગતા. એનું કારણ એટલું જ કે મુશ્કેલીના સમયમાં કોઈને પણ મદદ કરવા તત્પર રહેતા. એ પ્રવાસમાં સામેલ ફિલ્મ પત્રકાર ખાલીદ અહમદને એનો જે અનુભવ થયો એ રાજ કપૂરના દિલદાર સ્વભાવને ઉજાગર કરે છે. 

‘ન્યુ યૉર્કના રસ્તા પર ચાલતો હતો ત્યાં અચાનક કોઈએ મારી બૅગ આંચકી લીધી. એ બૅગમાં મારો પાસપોર્ટ અને ડૉલર હતા. આ વાતની રાજસા’બને ખબર પડી. ચિંતા ન કરતો, હું પાસપોર્ટ માટે તારી બનતી મદદ કરીશ એટલું કહેતાં તેમના ખિસામાં હતા એટલા ડૉલર  મારા હાથમાં આપતાં કહે, ‘હમણાં આ રાખ. બીજાની વ્યવસ્થા કરી આપીશ.’ મારા જેવા સામાન્ય માણસ માટે આટલી દરકાર કોણ કરે? મેં કહ્યું કે હું મૅનેજ કરી લઈશ, પણ તેમણે આગ્રહ કર્યો કે ડૉલર લેવા જ પડશે. સાંજે ફરી પાછા મને મળ્યા ત્યારે એક જૂની શેફર્સ પેન મારા હાથમાં મૂકતાં કહે, ‘આ પેનથી ‘આવારા’ માટે ઘણું લખ્યું છે. રાખી લે. ના નહીં  પાડતો.’ મારા જીવનની આ અણમોલ ભેટ છે. જે સ્ટાઇલથી તેમણે ફિલ્મો બનાવી એ જ સ્ટાઇલથી તેમણે આ સુવેનિયર મને આપ્યું. તેમની સાથે જે સમય પસાર કર્યો એ મારા જીવનનું અમૂલ્ય ભાથું છે.’ 

રાજ કપૂરને વિદેશના અનેક કલાકારો સાથે ઘરોબો હતો. એ પ્રવાસ દરમ્યાન ગ્રેગરી પૅક ઘણી વાર તેમની સાથે ગપ્પાં મારવા હોટેલ પર આવતા. ડેની કે. એક માસ્ટર કુક તરીકે જાણીતા હતા. એક દિવસ તેમણે રાજ કપૂરને ડિનર પર બોલાવ્યા. ડિનરમાં તેમણે પાસ્તા અને સૅલડ બનાવ્યાં હતાં. એ ડિનર યાદ કરતાં રાજ કપૂર કહે છે, ‘મારા જીવનમાં આટલું અદ્ભુત ડિનર મેં ખાધું નથી. ખાસ વાત એ હતી કે તેનો (ડેની કે.નો) ડ્રોઇંગ રૂમ જ તેનું કિચન છે. એ એટલો વિશાળ છે કે એમાં તમને દુનિયાભરના મસાલા મળી જાય.’

રાજ કપૂર પોતે એક સારા કુક હતા. કૃષ્ણા કપૂરની ખાસ મિત્ર મીરા અડવાણીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘૧૯૭૫માં રાજ કપૂર લૉસ ઍન્જલસ આવ્યા ત્યારે તેમના માનમાં મારા   ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. તમે માનશો, મારા માનવંતા મહેમાને પૂરી સાંજ કિચનમાં કામ કરીને સૌને માટે સ્વાદિષ્ટ પેશાવરી ડિનર બનાવ્યું. તેમનું આ સ્વરૂપ હું આજ સુધી ભૂલી નથી. એક મહાન કલાકાર આટલો સીધોસાદો હોઈ શકે એ કોઈના માનવામાં જ ન આવે.

અમે સૌ ડિઝનીલૅન્ડ ગયાં ત્યારે તેમનું બાળસ્વરૂપ જોવા મળ્યું. સૌથી મોટા બાળક તો એ જ હતા. દરેક રાઇડ લેતાં તે ચિચિયારી પાડતા. એટલી મસ્તીથી માણતા કે અમે જોયા જ કરીએ. ૧૯૮૫માં તેમની તબિયત બહુ સારી નહોતી. એમ છતાં જીવનને માણી લેવાની તેમની જિજીવિષામાં કોઈ કમી નહોતી આવી. સમય મળે ત્યારે વૉક કરવા, ડ્રાઇવ પર જવા કે પછી આઇસક્રીમ ખાવા તે હંમેશાં તૈયાર રહેતા.’  

 આ પ્રવાસની ફળશ્રુતિ એટલી કે રાજ કપૂરને એક વાતનો સંતોષ થયો કે હૉલીવુડના કલાકારો અને પ્રેક્ષકોએ હિન્દી ફિલ્મ માટેના તેમના યોગદાનની પૂરતી નોંધ લીધી. એ મુંબઈ પાછા આવ્યા ત્યારે તેમની તબિયત સારી નહોતી પરંતુ તેમના મનમાં સતત હવે પછીની ફિલ્મના વિચારો જ ઘુમરાયા કરતા હતા. 

rajnimehta45@gmail.com

columnists raj kapoor rajani mehta