04 August, 2024 02:17 PM IST | Mumbai | Manish Shah
સિક્કાઓ
વાચકમિત્રો, ગયા અઠવાડિયે આપણે સંસ્કૃતિ નગરી વડોદરાની સુવર્ણ મુદ્રાઓની વાત કરી. આ વખતે ચાલો વાત કરીએ ચોટલીવાળી રાણીની. ના... ના... હસવાની વાત નથી. અંગ્રેજોના શાસન વખતે એક નહીં, બે-બે સિક્કા એવા હતા જેને લોકો ચોટલીવાળી રાણીના સિક્કા કહેતા.
ચાંદીના તથા સોનાના આ સિક્કાઓ તત્કાલીન વેપારી માંધાતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બહાર પાડ્યા હતા અને શરૂઆતમાં એના પર બ્રિટનનાં યુવાન રાણી ક્વીન વિક્ટોરિયાને મુદ્રિત કરવામાં આવ્યાં હતાં. આ વખતે આ એક મહોરના જ સિક્કાની વાત કરવી છે, પરંતુ આ એક મહોરની આખીયે તવારીખ કે કથની ખૂબ જ રસપ્રદ છે.
આપણે પ્રથમ પ્રકરણમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૮૩૫માં બહાર પાડેલી બે મહોરની વાત કરી જેના પર તત્કાલીન રાજા વિલિયમ ચોથાને મુદ્રિત કર્યા હતા. આ રાજાસાહેબ ૧૮૩૭માં મૃત્યુ પામ્યા અને તેમની ભત્રીજી વિક્ટોરિયા જે ત્યારે ફક્ત અઢાર વર્ષની તરુણી હતી તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. ૧૮ વર્ષની કુમળી વયે વિક્ટોરિયા રાણી વિક્ટોરિયા બની ગઈ. આવો મોકો વેપારી ઈસ્ટ ઇન્ડિયા કંપની થોડી છોડે? ૧૮૪૧માં તો ભારતમાં મહોર આવી પણ ગઈ. લાંબી ગ્રીવા, સુરેખ નાકનકશો, માથે ડબલ રિબન અને પાછળ નાનોશો અંબોડો વાળેલી વિક્ટોરિયા ક્વીનની મહોર સમગ્ર ભારતમાં છવાઈ ગઈ. ચાંદીના સિક્કા પણ આવી ગયા. સામાન્યજનો આ નવી આવેલી રાણીને ચોટલીવાળી રાણી તરીકે સંબોધવા લાગ્યા. આ સિક્કો છપાયો હતો મદ્રાસની ટંકશાળમાં. ડિઝાઇનર હતા જે. ટી. સ્મિથ. તેઓ મદ્રાસ ટંકશાળના મિન્ટ માસ્ટરના પદે બિરાજમાન હતા. આ સિક્કાની ખાસિયત એ હતી કે વિક્ટોરિયા ક્વીન સળંગ લખાયેલું છે. સિક્કાની મધ્યમાં રાણીનો ચહેરો અને નીચે મુદ્રણનું વર્ષ ૧૮૪૧. બીજું કંઈ જ નહીં.
સિક્કો ઊલટાવો. ઉપરના ભાગે ઈસ્ટ ઇન્ડિયા કંપની, મધ્યમાં ખજૂરીનું ઝાડ અને ભારતીય ઓળખ સમાન ડાલમથ્થો સાવજ. નીચે અંગ્રેજીમાં એક મહોર અને એની નીચે પર્શિયનમાં એક અશરફી. અતિશય સુંદર ડિઝાઇન.
સિક્કાનો વ્યાસ ૨૬ મિલીમીટર અને વજન ૧૧.૬૬૧ ગ્રામ. બીજી એક ખાસ વાત. સિક્કાના મુદ્રણવર્ષમાં ફેરફાર ન કરવો પડે એ માટે ૧૮૪૧ને કાયમી કરી નાખી. વર્ષ સ્થગિત. સિક્કો કોઈ પણ વર્ષમાં છપાય, પરંતુ વર્ષ ૧૮૪૧ જ છપાય. આમ ને આમ ચાલ્યું દસ વર્ષ સુધી.
હવે આવે છે આપણા બીજા સિક્કાની વાત. કલકત્તાની ટંકશાળ કાર્યાન્વિત થઈ ચૂકી હતી. ભારતીય મૂળના કાશીનાથ દાસ મુખ્ય કારીગર. રૉયલ મિન્ટ, લંડનના ખ્યાતનામ ડિઝાઇનર શ્રીમાન વિલિયમ વ્યોનને આ સિક્કાને વધારે નિખારવાનું કહેવામાં આવ્યું. તેમણે વધુ કંઈ ન કર્યું. વિક્ટોરિયા ક્વીન આ શબ્દને છૂટા પાડી નાખ્યા. સિક્કાની ડાબે વિક્ટોરિયા અને જમણે ક્વીન. મોઢું થોડું વધારે સુરેખ અને અંબોડી થોડી ઢીલી કરી નાખી. પોનીટેઇલ થોડી લાંબી. વર્ષ બદલવાનો સવાલ જ નહોતો. પાછળની બાજુમાં પણ કોઈ જ બદલાવ નહીં. એ જ ખજૂરીનું ઝાડ, સિંહ અને અંગ્રેજી તથા પર્શિયનમાં લખેલી સિક્કાની કિંમત. આ સિક્કો ટાઇપ ટૂ કહેવાયો. ખરું જોઈએ તો મુદ્રણનું વર્ષ ૧૮૫૧, પરંતુ છપાય તો ૧૮૪૧ જ. એટલે જ ટાઇપ વન કન્ટિન્યુઅસ લેજન્ડ (CL) અને ટાઇપ ટુ ડિવાઇડેડ લેજન્ડ (DL) તરીકે ઓળખાયા.
એક આડ વાત. આમ તો સોનામહોર ચલણમાં નહોતી, પરંતુ પંદર ચાંદીના સિક્કાના બદલામાં એક મહોર ચાલતી ખરી. હવે થયું એવું કે ઑસ્ટ્રેલિયામાં સોનાના ભંડાર મળી આવ્યા અને સોનું સસ્તું થવાની ભીતિએ જોર પકડ્યું. ભારતીયોના ભેજાની કમાલ જુઓ. હજારોની સંખ્યામાં સોનામહોર જમા થતી ગઈ. એક મહોર આપો અને પંદર ચાંદીના સિક્કા લઈ જાઓ. જોતજોતામાં એ બદલાવવાનું વલણ એટલી હદે વધી ગયું કે ૧૮૫૩માં સરકારે ખાસ પરિપત્ર બહાર પાડીને સોનામહોર સ્વીકારવાની ના પાડવી પડી. આપણા ભેજાને ખરેખર કોઈ ન પહોંચે! પોતે જ છાપેલી સોનામહોરનો અસ્વીકાર કરવો પડ્યો અંગ્રેજોએ.
વર્ષો પસાર થતાં ગયાં. ૧૮૫૭ના સ્વતંત્રતા-સંગ્રામ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી કાર્યભાર અંગ્રેજ સરકારે હસ્તગત કરી લીધો. ભારત અંગ્રેજ શાસનની વસાહત બન્યું. અહીં આગમન થયું આપણા ત્રીજા સિક્કાનું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાણીનું માથું ખુલ્લું રાખ્યું હતું. હવે રાજ્યના શાસનમાં આ કેવી રીતે ચાલે? રાણીના હોદ્દાને માન આપવું પડે. વધારે અસરકારક, રુઆબદાર ન હોય તો થોડી ચાલે. ચાલો નવો સિક્કો બનાવો. નવો સિક્કો! વાહ રે વાહ! આખો જ નવો. ફક્ત ડિવાઇડેડ લેજન્ડ જ રહેવા દીધું. રાણીસાહેબાને મુગટ પહેરાવી દીધો. સુંદર ગૂંથેલા વાળ અને થોડી લટો જ મુગટની બહાર દેખાય. પોનીટેઇલનો ફક્ત નીચલો હિસ્સો દેખાય અને રાણીના પોશાકમાં એકદમ સુંદર ભરતકામ. સોનામાં પણ અદલોઅદ્દલ કોતરી નાખ્યું. સિક્કાનો સંપૂર્ણ દેખાવ જ બદલી નાખ્યો. આગળના ભાગમાં હવે બીજું કંઈ જ નહીં. પાછળની બાજુએ પણ ભૌમિતિક રચના આવી ગઈ. દસ ત્રિકોણ અને વીંટળાયેલી વેલ. ખૂબ જ સુંદર ટપકાવાળી ભાતની વચ્ચે અંગ્રેજીમાં વન મહોર. નીચે ઇન્ડિયા અને મુદ્રણનું વર્ષ ૧૮૬૨, જે ૧૮૪૧ની જેમ જ સ્થગિત કરી નાખવામાં આવ્યું. વ્યાસ અને વજન એટલાં જ, કારણ કે આ તો મહોરનો જ સિક્કો હતો. પ્રમાણ તો એ પ્રમાણે જાળવવું પડે. વાચકમિત્રો, લગભગ પંદર વર્ષ સુધી ૧૮૬૨ જ છપાતું રહ્યું. વર્ષો દર્શાવવા ઈસવીસન ૧૮૬૨ નીચે ટપકાં ઉમેરાતાં. જેમ કે ૧૮૬૩ હોય તો એક ટપકું, ૧૮૬૪ માટે બે ટપકાં એમ. આ ચાલ્યું ૧૮૭૭ સુધી.
લગભગ સમગ્ર દુનિયામાં અંગ્રેજોનું સામ્રાજ્ય સ્થપાયું. રાજ્ય અને સામ્રાજ્યનો ફરક સમજાયો હવે? કિંગ અને એમ્પરર. આમ તો બે જ શબ્દો, પરંતુ મોભામાં ભારે ફરક. બ્રિટિશ સામ્રાજ્ય સમગ્ર જગતમાં વધતું ચાલ્યું. એટલે સુધી કહેવાતું કે બ્રિટિશ સામ્રાજ્યમાં સૂરજ ક્યારેય અસ્ત થતો જ નથી. ૧૮૭૬માં બ્રિટિશ સંસદે એક મહત્ત્વનો ઠરાવ પસાર કર્યો. રાણી, રાણી ન રહ્યાં. હવે કહેવાયાં સમ્રાજ્ઞી. સમગ્ર જગતમાં પથરાયેલા અંગ્રેજ સામ્રાજ્યનાં સર્વેસર્વા. જેમ કિંગ બને એમ્પરર એમ ક્વીનમાંથી બન્યાં એમ્પ્રેસ વિક્ટોરિયા. ક્વીન વિક્ટોરિયા હવે વિક્ટોરિયા એમ્પ્રેસ બની ગયાં. એને પગલે ૧૮૭૭માં ફરી સિક્કાની ડિઝાઇન બદલવાનું નક્કી કર્યું, પરંતુ હવે શું બદલે? લગભગ બધું જ અપનાવી ચૂક્યા હતા એટલે ફક્ત ક્વીનની જગ્યાએ એમ્પ્રેસ છાપીને કામ પૂરું કર્યું. આગળ-પાછળ બધું જ સરખું. વ્યાસ અને વજન પણ. આ એમ્પ્રેસે રાજ કર્યું છેક ૧૯૦૧માં મૃત્યુ પામ્યાં ત્યાં સુધી. તેમનો રાજ્યકાળ વિક્ટોરિયા યુગ તરીકે ઓળખાયો. એનો સમયગાળો હતો ૬૩ વર્ષ ૨૧૬ દિવસનો. આ કાર્યકાળ અંગ્રેજ સામ્રાજ્યનો બધી જ રીતે સુવર્ણકાળ બની રહ્યો. ચોટલાવાળી યુવાન રાણીએ લગભગ આખા જગતનાં સમ્રાજ્ઞી બનીને આ દુનિયામાંથી વિદાય લીધી. અંતમાં આ વિક્ટોરિયા યુગના શરૂઆતથી સાક્ષી રહેલા આપણા ભારત દેશના આ ચાર સિક્કાની એટલે કે મહોરની કિંમત પણ જણાવી દઉં. સૌપ્રથમ CL એટલે કે ટાઇપ વન તરીકે ઓળખાતી સારી ક્વૉલિટીની મહોરની કિંમત ગણાય છે લગભગ પોણાબે લાખ રૂપિયા. DL એટલે કે ટાઇપ ટૂ મહોરની કિંમત ગણાય છે લગભગ દોઢ લાખ રૂપિયા. ૧૮૬૨ની મહોર પણ લગભગ દોઢ લાખની અને ૧૮૮૨ની અહીં આપેલી મહોરની કિંમત ગણાય લગભગ અઢી લાખ રૂપિયા. પહેલી મહોર મદ્રાસ અને બાકીની ત્રણેય કલકત્તા મિન્ટમાં મુદ્રિત કરવામાં આવી હતી.
અંગ્રેજ રાજાશાહીમાં બે સ્ત્રીઓનો કાર્યકાળ ઘણો જ લાંબો રહ્યો છે. એક તો આપણાં એમ્પ્રેસ વિક્ટોરિયાનો. બીજો અને સૌથી લાંબો ૭૦ વર્ષ ૨૧૪ દિવસનો ક્વીન એલિઝાબેથ IIનો જે હમણાં જ ૨૦૨૨માં અવસાન પામ્યાં. નારીશક્તિનું આનાથી વધુ ઉત્તમ ઉદાહરણ બીજે ક્યાં મળે?
અનોખા સિક્કાઓ સાથેની સફરમાં મળીએ આવતા અઠવાડિયે.