મેરી ઉંગલી પકડ કે ચલતે થે, અબ મુઝે રાસ્તા દિખાતે હૈં અબ મુઝે કિસ તરહ જીના હૈ, મેરે બચ્ચે મુઝે સિખાતે હૈં

30 November, 2022 05:07 PM IST  |  Mumbai | Pravin Solanki

ઉંમર એક આંકડો છે એવું ભલે કહેવાયું હોય, પરંતુ વધતી ઉંમર ઘટતાં આયુષ્યની એંધાણી છે અને એ ભયના ઓથાર નીચે વ્યક્તિની માનસિકતા બદલાતી રહે છે. 

મેરી ઉંગલી પકડ કે ચલતે થે, અબ મુઝે રાસ્તા દિખાતે હૈં અબ મુઝે કિસ તરહ જીના હૈ, મેરે બચ્ચે મુઝે સિખાતે હૈં

‘માણસ વૃદ્ધ થાય એટલે સમૃદ્ધ થાય’ એ એક ભાવનાત્મક વાક્ય છે. વૃદ્ધત્વ પર તત્ત્વજ્ઞાન ઘણું થયું છે, પણ વાસ્તવિકતાનું અવલોકન બહુ ઓછું થયું છે. ઉંમર એક આંકડો છે એવું ભલે કહેવાયું હોય, પરંતુ વધતી ઉંમર ઘટતાં આયુષ્યની એંધાણી છે અને એ ભયના ઓથાર નીચે વ્યક્તિની માનસિકતા બદલાતી રહે છે. 

મારા એક વડીલમિત્ર, ૯૨ વર્ષની ઉંમર. બહોળો પરિવાર. બે દીકરા, બે વહુ, બે પરણેલી દીકરીઓ, બે પૌત્રો. મારા મિત્ર હાથે કોળિયો ભરી શકે, પણ પલાંઠી વાળીને બેસી ન શકે. ખુરસી પર બેસી શકે, પણ ખુરસી પરથી ઊભા માંડ-માંડ થઈ શકે. જીભ કાતરની જેમ ચાલે, પણ કાન જે સાંભળવું હોય એ જ સાંભળી શકે, આંખો થોડી નિસ્તેજ પણ મગજ સાબૂત. વજન પ્રમાણસર, પણ સ્વજનમાં પ્રમાણ જળવાય નહીં. 

બે દિવસ પહેલાં મને ફોન કરીને તાત્કાલિક ઘરે બોલાવી બોલ્યા, ‘લેખક તમે નાટક ભલે લખો, પણ મારા ઘરમાં જે ભવાઈના જુદા-જુદા વેશ ભજવાય છે એને બંધ કરવાનો ઉકેલ બતાવો.’

ટૂંકમાં વાત એમ હતી કે મોટો દીકરો, વહુ અને પૌત્ર પરદેશ ફરવા ગયાં હતાં અને નાનો દીકરો અને વહુ મિત્રો સાથે આસામની ટૂર પર જઈ રહ્યાં છે. વડીલે મને કહ્યું કે મેં નાનાને સમજાવ્યો કે મોટો આવી જાય પછી તું જા, તો તે કહે કે મિત્રો સાથે પ્રોગ્રામ નક્કી થયો છે, હવે ચેન્જ ન થાય. મેં કહ્યું, ‘પણ મારું શું?’ તો મને કહે કે ‘તમે ગમે એમ કરીને આઠ દિવસ રોળવી લેજો.’
હું ભડક્યો, ‘રોળવી લેજો એટલે શું?’ 

તો મને કહે કે ‘અઠવાડિયું મોટી બહેનને ત્યાં ચાલ્યા જાઓ.’ 

મારું ટેમ્પરેચર આઉટ ઑફ થર્મોમીટર થઈ ગયું, ‘ડોફા, તારી બહેને મને ફોન કરીને કીધું કે પપ્પા તમે મારે ત્યાં આવી જાઓ? વણબોલાવ્યો હું દીકરીના ઘરમાં પનાહ લઉં? જમાઈના માથે પડું? એના કરતાં હું વખ ઘોળવાનું પસંદ કરીશ.’ 

વૃદ્ધત્વની લાચારીના આ નાનકડા લાગતા ઉદાહરણમાં બહુ મોટી સમસ્યા છુપાયેલી છે. વૃદ્ધત્વ કંઈ અચાનક નથી આવતું, છાને પગલે આવે છે, ક્રમબદ્ધ રીતે આવે છે, ધીરે-ધીરે આવે છે અને પછી એકાએક ભરડો લે છે. એ પહેલાં એ એના આગમનનાં એંધાણ આપવાનું ચૂકતું નથી.

અજાણ્યા-પારકા માણસો દયા ખાતા થઈ જાય અને પોતાના માણસો અછૂત ગણતા થઈ જાય ત્યારે સમજી લેવું કે વૃદ્ધત્વ આવ્યું છે. અજાણ્યા માણસો તમારો હાથ પકડીને રસ્તો ક્રૉસ કરાવે અને પોતાના માણસો તમારો હાથ પકડીને ઘરમાં બેસાડી રાખવાના પ્રયત્ન કરતા થઈ જાય ત્યારે સમજી જવાનું કે વૃદ્ધત્વ આવ્યું છે. 

નાનાં બાળકો તમને વાર્તા સંભળાવવાનું કહે ને મોટા તમને ચૂપ રહેવા માટે દબાણ કરે ત્યારે સમજી લેવાનું કે વૃદ્ધત્વ આવ્યું છે. તમારું કોઈ સાંભળે નહીં અને તમારે બધાનું સાંભળવું પડે એવી સ્થિતિ આવે કે...

ભાવતું નહીં, પણ ફાવતું ખાવું પડે. ઘરમાં તમે ગમે ત્યાં કે તમને ગમે ત્યાં બેસી ન શકો, તમારા માટે ઘરમાં કોઈ એક ચોક્કસ ખૂણો નક્કી થઈ જાય, વાંચેલું યાદ ન રહે, બોલેલું ભુલાઈ જાય, વસ્તુઓ ગમે ત્યાં મુકાઈ જાય આવું બધું બને ત્યારે સમજી લેવું કે... 

વૃદ્ધત્વનો સહર્ષ સ્વીકાર કરી લીધા સિવાય બીજો કોઈ પર્યાય નથી. બધા જ વૃદ્ધો કમનસીબ હોય છે એવું પણ નથી. કેટલાય વૃદ્ધો ભાગ્યશાળી પણ હશે જે બધાનો પ્રેમ, માન-સન્માન, 
સેવા-ચાકરી પામતા હશે, પણ વ્યક્તિએ વૃદ્ધત્વના અમુક સંજોગો માટે તૈયાર થઈ જ જવું પડે જેવા કે... 

પતિ કે પત્નીનો વિયોગ થઈ જાય, મૃત્યુ પામે. એ જ રીતે અન્ય સ્વજનો-મિત્રોને પણ આંખ સામે વિદાય લેતાં જોવાં પડે. જુવાનીમાં તમને જે મહત્ત્વ-માન મળતું હોય એ બંધ થઈ જવાની શક્યતા પણ ખરી, હૃદય પર ભાર વધે, હાડકાં ઢીલાં થઈ જાય, ઘૂંટણ ઘસાવા લાગે, એક રોગ મટે કે બીજો આવે, કુટુંબમાં થતા કલેશને મૂંગે મોઢે જોયા કરવા પડે, માન મેળવવાની આશા છોડી દેવી પડે, અપમાન ગળી જતાં શીખવું પડે. વૃદ્ધત્વ આવતાં આવી ઘણી બધી બાબતો માટે કાળજી લેવી પડશે. 

બુઢાપાને ગૌરવશાળી બનાવવા માટે જુવાનીમાં શિસ્ત અને સંયમ રાખવો પડે. જેટલી જુવાની રંગીન બનાવશો એટલો બુઢાપો ગમગીન બનશે. બાળપણ, યુવાની, બુઢાપો એ કુદરતી ક્રમ છે, અફર નિયમ છે. બુઢાપો એ વણમાગ્યો મહેમાન કે અતિથિ નથી. એ એના આગમનની એંધાણી આપવાનો જ. જરૂર છે એ એંધાણી ઓળખી લેવાની. 

અરીસામાં દશરથ રાજાએ એક સફેદ વાળ જોયો અને પછી જે જ્ઞાન-ભાન થયું અને એ થકી જે રામાયણ ઊભું થયું એ કોનાથી અજાણ છે? 

સમાપન

ઉમ્ર બીતા દી હમને બચ્ચોં કી ફિકર કરને મેં 
બચ્ચેં અબ વ્યસ્ત હૈ, હમારે કમિયોં 
કા જિકર કરને મેં 
અને અંતમાં... 
એક વૃદ્ધાશ્રમના દરવાજા પર લખ્યું હતું...
‘નીચે ગિરે સુખે પત્તોં પર 
અદબ સે ચલના જરા 
કભી કડી ધૂપ મેં તુમને 
ઇનસે પનાહ માંગી થી...’

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Pravin Solanki