શબ્દોમાં પણ પ્રાણ હોય છે, પણ જીભને ક્યાં એની જાણ હોય છે?

18 January, 2023 09:25 AM IST  |  Mumbai | Pravin Solanki

દરેક માણસની બોલવાની રીત જુદી-જુદી હોય છે. તેના બોલવા પરથી તેના સ્વભાવની ઝાંખી થઈ શકે છે. વાસણના અવાજ પરથી ખબર પડી જાય છે કે એ ધાતુનું છે, કાચનું છે, માટીનું છે કે લાકડાનું.

અર્ચના ગૌતમ અને એમસી સ્ટેન

બોલવું એ કલા છે, ચૂપ રહેવું એ સાધના છે. આપણામાંના મોટા ભાગના લોકોમાં નથી એ કલા કે સાધના. પાણી અને વાણી ગાળીને જ પીવાં જોઈએ એટલું જ નહીં, તોળીને વાપરવાં પણ જોઈએ. 

કોઈ દિવસ વિચાર કરજો કે આખા દિવસમાં આપણે કેટલું બોલીએ છીએ? એમાં કેટલું કામનું હોય છે અને કેટલું નકામું હોય છે. જગતમાં કેટલાક લોકો એવા પણ છે જેમની પાસે કહેવા જેવું કંઈ પણ નથી હોતું છતાં તેઓ કહ્યે જ રાખે છે. જેમની પાસે સરસ રીતે વાત કરવાનું ચાતુર્ય ન હોય કે મૂંગા રહેવા માટે વિવેકબુદ્ધિ ન હોય એવા લોકોની બહુમતી છે. 

દરેક માણસની બોલવાની રીત જુદી-જુદી હોય છે. તેના બોલવા પરથી તેના સ્વભાવની ઝાંખી થઈ શકે છે. વાસણના અવાજ પરથી ખબર પડી જાય છે કે એ ધાતુનું છે, કાચનું છે, માટીનું છે કે લાકડાનું. 

મુદ્દાસર અને ટૂંકમાં જવાબ આપવાની આપણને આદત જ નથી. એક મિત્રને મેં પૂછ્યું, ‘કાલે લલિતના દીકરાનાં મૅરેજમાં તું આવવાનો છે?’ 

જવાબ મળ્યો, ‘આ લગ્નગાળાએ તો લોહી પીધું છે. એક જ દિવસે કેટલી જગ્યાએ જવું? ચાર-ચાર કંકોતરીઓ એ દિવસની આવીને પડી છે. બધીયે અંગત સંબંધોવાળી. સાલું ન જઈએ તો પણ મુશ્કેલી અને જાવું પણ કઈ રીતે? એક લગ્ન ચર્ચગેટમાં છે ને એક મુલુંડમાં, ને કાલનો દિવસ તો મારા માટે માથાનો દુખાવો છે. સવારે મારી દાંતના ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ છે, બપોરે બૉસ સાથે ઑફિસમાં મીટિંગ છે. વળી બૉસ અળવીતરો છે. તેને જો ખબર પડી કે મારે જલદી જવાનું છે તો ધરાર મીટિંગ લાંબી ચલાવે. અધૂરામાં પૂરું, સાંજે મારે વાઇફને લઈને મલાડ મારા સાળાની ખબર કાઢવા જવાનું છે. આઠ દિવસથી હૉસ્પિટલમાં છે. સાલું જવાતું જ નથી. વાઇફ પણ બગડી છે. અને મલાડ જવું એ ખાવાનો ખેલ થોડો છે? ગમે એ સમય હોય, ટ્રાફિકની મોકાણ તો ઊભી જ હોય.’ 

મને ચક્કર આવી ગયાં. તેને અટકાવ્યો ન હોત તો કોણ જાણે ક્યારે પૂરું થાત. ટૂંકો ને મુદ્દાસર જવાબ એ હોવો જોઈએ કે ‘યાર, કાલે હું ઘણો વ્યસ્ત છું. મારાથી કદાચ ન આવી શકાય તો લલિતભાઈ પાસે મારા વતી માફી માગી લે જે. હું તેની સાથે ફોન પર વાત કરી લઈશ.’ મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે તમે કોઈને પ્રશ્ન કરો છો ત્યારે એના જવાબમાં મોટા ભાગે વ્યક્તિનો ‘હું’ કેન્દ્રમાં હોવાનો. દરેક માણસ, એમાં પણ ખાસ કરીને મહિલા પોતાને વ્યક્ત કરવા સદૈવ આતુર હોય છે. પોતાની દશા, સુદશા, અવદશા, હૃદયમાં ધરબી રાખેલો ગુસ્સો કે આનંદ બહાર નથી નીકળતાં ત્યાં સુધી તેને ચેન નથી પડતું. 

એક મનોચિકિત્સક પોતાના નિરીક્ષણમાં કહે છે કે હું જ્યારે-જ્યારે મારી ભાભીને પૂછું કે તમે જમી લીધું? ચા-પાણી નાસ્તો કરી લીધાં? ત્યારે કોઈ દિવસ જવાબ હા કે નામાં મળે જ નહીં. મોટા ભાગે જવાબ આવો જ હોય કે ‘જમે ક્યાંથી? કપડાં કોણ ધોશે મારો કાકો? આજે કામવાળી આવી નથી, તમારાં મમ્મી મંદિરે ગયાં છે. કોણ જાણે ક્યારે પાછાં આવશે? ક્યાંક ચોવટ કરવા બેસી ગયાં હશે. તેમના હૈયે ટાઢક હશે કે ઘરમાં વહુ છેને, બધું સંભાળી લેશે. તમારા ભાઈ તો પરણીને નોકરાણી જ લઈ આવ્યા છેને. તેમની મદદની તો કોઈ દિવસ આશા જ નહીં રાખવાનીને? તો છોકરાઓ તો બાપને વટલાવે એવા છે. હોમવર્ક પણ મારે કરી આપવાનું. ને તમારા ભાઈને તો તમે જાણો જ છો. જાણે અદલ-એ-જહાંગીર. તેઓ ઘરમાં હોય એટલે તેમની સેવામાં મારે તેમની આજુબાજુ જ રહેવાનું.’ વગેરે... વગેરે... સવાલ પૂછ્યા પછી થાય કે ન પૂછ્યો હોત તો સારું હતું. 

સ્ત્રી હોય કે પુરુષ, વ્યક્તિ ભણેલી હોય કે અભણ, ગરીબ હોય કે શ્રીમંત, પદવીધારી હોય કે મામૂલી - દરેક વ્યક્તિ ઓછાવત્તા અંશે વાતનું વતેસર કરતી જ હોય છે. આપણે પૂછીએ કંઈક અને જવાબ એવો મળે જે આપણને અભિપ્રેત જ ન હોય. 

આ પણ વાંચો : જો સુધરે વહ હમ નહીં ઔર હમેં સુધારે ઇતના દુનિયા મેં દમ નહીં!

ઓછું બોલવું એટલે મુદ્દાસર બોલવું, જરૂર હોય એટલું બોલવું અને જરૂર હોય ત્યાં જ બોલવું. જરૂર ન હોય ત્યાં બોલવાથી શું નુકસાન થાય છે એની એક સત્ય ઘટના જાણવા જેવી છે. ત્રણ એન્જિનિયરે સાઉદી અરેબિયામાં એક પુલ બાંધ્યો અને એક વરસમાં એ પુલ તૂટી પડ્યો. મોટી જાનહાનિ થઈ. સઘન તપાસ પછી સાબિત થયું કે એન્જિનિયરોની ભૂલને કારણે આ જ ઘટના ઘટી છે. ત્રણેયને ફાંસીની સજા થઈ. 

સાઉદીમાં એ સમયે ફાંસી આપવાની અનોખી પદ્ધતિ હતી. ગુનેગારને લાકડીની પટ્ટીઓથી જાહેરમાં માંચડા પર બાંધવામાં આવતો અને તેના માથા પર તેજ ધારવાળી એક તલવાર ચક્કર-ચક્કર ઘૂમતી અને ગુનેગારનું માથું કાપતી. 

પહેલા એન્જિનિયરને બાંધવામાં આવ્યો. ગોળ ચકરી ચાલુ થઈ, પણ માથા પાસે આવતાં જ અટકી ગઈ. જોનારા પોકારી ઊઠ્યા કે અલ્લાહની તેના પર મહેરબાની છે, તેને માફ કરી દો. બીજા એ​ન્જિનિયરને બાંધ્યા પછી પણ એવું જ થયું અને તે પણ બચી ગયો. હવે ત્રીજા એન્જિનિયરનો વારો આવ્યો ને તેનાથી બોલાઈ ગયું કે ‘શું અલ્લાહ, અલ્લાહ કરો છો? જોતા નથી કે ચકરીનો એક નટ ઢીલો છે એટલે એ અટકી જાય છે.’ પોતાની હોશિયારી બતાવવા ગયો અને જીવ ખોયો.

સમાપન

મહાભારતના યુદ્ધમાં હજારો-લાખો માણસોએ જીવ ખોયા. કોના કારણે? દ્રૌપદીના માત્ર એક વાક્યને કારણે - ‘આંધળાનો પુત્ર આંધળો જ હોય.’ 
કહેવાય છે કે દ્રૌપદી ચૂપ રહી હોત તો મહાભારત ન થયું હોત અને સીતાજી બોલ્યાં હોત તો રામાયણ ન થયું હોત.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Pravin Solanki