આ પ્રતિજ્ઞાપત્રનું સમાપન થવા સમયે જીવનમાં શું ઉતાર્યું તમે?

23 July, 2020 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

આ પ્રતિજ્ઞાપત્રનું સમાપન થવા સમયે જીવનમાં શું ઉતાર્યું તમે?

ભારતીય રાષ્ટ્રીય ધ્વજ

પ્રતિજ્ઞાપત્ર.
ચારેક દિવસથી આપણે એના વિશે વાત કરીએ છીએ, પણ આજે એનું સમાપન કરવાનું છે. એવું નથી કે પ્રતિજ્ઞાપત્રમાં હવે આગળની કોઈ પ્રતિજ્ઞા નથી. છે અને લાઇનસર અનેક પ્રતિજ્ઞાઓ હજી પણ ત્યાં છે. દેશની મહત્તમ સ્કૂલોમાં પ્રાર્થના પૂરી થાય પછી આજે પણ એ બોલાય છે અને વિદ્યાર્થીઓ એ ઝીલી રહ્યા છે, પણ આ એક એવી પ્રક્રિયા થઈ ગઈ છે કે જેનાથી બોલાવનારાઓને કે બોલનારાઓને કોઈ ફરક નથી પડી રહ્યો. સૌ પોતપોતાનું કામ કરી રહ્યાં છે. મારે બોલાવવાનું છે એટલે હું બોલાવી લઉં છું અને બાળકોએ બોલવાનું છે એટલે એ ગોખણપટ્ટીની જેમ બોલી નાખે છે. કહોને બકી નાખે છે. કોઈ એ પ્રયાસ નથી કરતું કે લખવામાં આવેલી આ પ્રતિજ્ઞા સાચી રીતે બાળકો સુધી પહોંચે અને બાળક ભારત દેશનો અને આ સમાજનો એક નિષ્ઠાવાન નાગરિક બને. નાગરિકત્વ મેળવવું અને ઉમદા નાગરિકત્વ હાંસલ કરવું એ બન્ને વચ્ચે ફરક છે. નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયા કાનૂની સ્તર પર હોય છે, જ્યારે ઉમદા નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયા વૈચારિક રસ્તા પર ચાલતી હોય છે. આ પ્રકારનું નાગરિકત્વ અને નાગરિકભાવ માત્ર વાંચવાથી કે પછી લખવાથી નથી આવી જતાં. જો એવું જ હોત તો લાઇબ્રેરીઓ બંધ ન થતી હોત અને ફાલતું લેખકોનો જન્મ ન થતો હોત. સારા નાગરિક બનવા માટે માત્ર વિચારો જ નહીં, આચરણમાં પણ ફરક આવવો જોઈએ. આચરણ જ તમને સારા નાગરિક બનવાની દિશામાં આગળ લઈ જવાનું કામ કરે છે.
વાતો કરવાથી નિયમો બને, પણ બનેલા નિયમોનું પાલન કરવા માટે આચરણ જોઈએ, જેની આપણામાં કમી છે. આપણે ઇચ્છીએ છીએ કે બનાવવામાં આવેલા નિયમોનું સૌકોઈ પાલન કરે, પણ આપણે આપણી જાતને આ ‘સૌકોઈ’માંથી બાકાત કરી લઈએ છીએ. નિયમો પાળવા જ જોઈએ, પણ આપણા સિવાય આખી દુનિયાને આ વાત લાગુ પડે છે. ઑથેન્ટિક રીતે, સુયોગ્યપણે જ સૌકોઈએ જીવવાનું હોય, પણ આ વાત આપણને એકને લાગુ પડતી નથી. મા-બાપ, વડીલો અને ગુરુઓની સાથે શ્રેષ્ઠત્તમ રીતે વર્તવું જોઈએ, પણ એ વર્તન આપણે ન કરીએ તો ચાલે છે. જો દરેક વ્યક્તિ પોતાની જાતને નિયમોના અને આચારસંહિતાના બંધનમાંથી બહાર કાઢી લેશે તો પછી નિયમો કોની માટે રહેશે. નિયમો મારી માટે છે, તમારા માટે છે. નિયમો નરેન્દ્ર મોદી માટે છે, સોનિયા ગાંધી માટે છે. નિયમો આ દેશના આકાશ નીચે જીવતા દરેકેદરેક વ્યક્તિ માટે છે. નીતિઓનું પણ એવું જ છે અને ભાવનાઓનું પણ એવું જ કહી શકાય.
સૌકોઈ જ્યારે આ વાતને સારી રીતે અને સાચી રીતે સમજવા માંડશે ત્યારે સાચા અર્થમાં આ પ્રતિજ્ઞાપત્રનો અમલ થશે અને એ અમલ થશે ત્યારે કહેતી વખતે પણ ગર્વ થશે : ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારાં ભાઈ-બહેન છે.

manoj joshi columnists