ઑપોર્ચ્યુનિટી તેને જ મળે જેણે આંખ, કાન, નાક ખુલ્લાં રાખ્યાં હોય

29 May, 2024 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉલેજના છેલ્લા દિવસે જ્યારે બધા ફ્રેન્ડ્સ છૂટા પડતા હોય ત્યારે તેમની સામે હવે કરીઅર આવવાની છે અને મોટા ભાગના ફ્રેન્ડ્સનો સાથ કદાચ છૂટી જવાનો છે

પ્રતીકાત્મક તસવીર

મારી આ વાતનું બેસ્ટ એક્ઝામ્પલ હું જ છું. થોડા સમય પહેલાં ‘મિડ-ડે’માં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં મેં કહ્યું હતું કે મારે તો મ્યુઝિક-ડિરેક્ટર બનવું હતું અને એના માટે મેં લાંબો સમય સ્ટ્રગલ પણ કરી અને એ પછી હું ફિલ્મ-ડિરેક્ટર બન્યો. ઘણા લોકો મને પૂછે છે કે આવું કેવી રીતે બન્યું? તો મારો એક જ જવાબ છે. ઑપોર્ચ્યુનિટી ત્યારે જ મળે જ્યારે તમે આંખ, કાન, નાક ખુલ્લાં રાખીને ફરતા હો.

મ્યુઝિક-ડિરેક્ટર બનવા હું સ્ટ્રગલ કરતો હતો એ વખતે મને એક સબ્જેક્ટ સૂઝ્યો કે કૉલેજના છેલ્લા દિવસે જ્યારે બધા ફ્રેન્ડ્સ છૂટા પડતા હોય ત્યારે તેમની સામે હવે કરીઅર આવવાની છે અને મોટા ભાગના ફ્રેન્ડ્સનો સાથ કદાચ છૂટી જવાનો છે. છેલ્લા દિવસે તમારી આંખ સામે એ છેલ્લાં ત્રણ વર્ષ હોય જેમાં તમે બહુ મજા કરી હોય, પેઇન પણ જોયું હોય અને સપનાંઓ બનતાં અને તૂટતાં પણ જોયાં હોય. હું મારા ફ્રેન્ડ્સની સાથે આ વનલાઇન ડિસ્કસ કરતો રહ્યો. મારી ઇચ્છા હતી કે આ વનલાઇન પર કોઈ ફિલ્મ બનાવે. મારા મનમાં એટલો સ્વાર્થ કે જો કોઈ એના પર ફિલ્મ બનાવે તો મ્યુઝિકનો ચાન્સ મને મળે. જોકે બધા સ્ટોરી સાંભળીને કહે કે વિષય સારો છે પણ અમારે ફિલ્મ નથી કરવી.

મને વિચાર આવ્યો કે કોઈ વનલાઇનને ​રિજેક્ટ નથી કરતું તો પછી હું જ શું કામ એ ન લખું અને મેં લખવાનું શરૂ કર્યું. ટાઇટલ આપ્યું, ‘છેલ્લો દિવસ’. એ સમયે પણ મને હતું કે હું સ્ક્રિપ્ટ કોઈને ફિલ્મ બનાવવા માટે આપી દઈશ અને મેં એ રીતે પણ અમુક ડિરેક્ટરનો અપ્રોચ કર્યો. રાઇટિંગ મારો ફોર્ટે નહીં, અગાઉ મેં ક્યારેય ફિલ્મ લખી પણ નહોતી; પણ ફિલ્મો જોઈ બહુ હતી એટલે ફિલ્મ-રાઇટિંગનું ફૉર્મેટ મને ખબર હતી. મેં જેમને પણ એ ફિલ્મ સંભળાવી તે બધા એ સાંભળીને હસતા, એને એન્જૉય કરતા; પણ ફિલ્મ ડિરેક્ટ કરવા કોઈ તૈયાર થાય નહીં. એવામાં મને એક પ્રોડ્યુસર મળ્યા. તેમને મેં આ સબ્જેક્ટ સંભળાવ્યો. તેમણે તરત ફિલ્મ કરવાની હા પાડી દીધી. વાત આવી ફિલ્મ ડિરેક્ટ કોણ કરશે એની અને મેં તરત કહ્યું કે હું કરવા તૈયાર છું. તેમને પણ વાંધો નહોતો. અગાઉ મેં ક્યારેય કોઈ ફિલ્મ ડિરેક્ટ કરી નહોતી. ઍકૅડે​મિકલી હું ફિલ્મ-ડિરેક્શન પણ શીખ્યો નથી, પણ અનુભવના આધારે મેં ફિલ્મ ડિરેક્ટ કરી. આજે પાછળ ફરીને જોઉં છું ત્યારે મને સમજાય છે કે જો મેં આંખ, કાન, નાક ખુલ્લાં ન રાખ્યાં હોત તો કદાચ હું આજે પણ મ્યુઝિક-ડિરેક્ટર બનવા સ્ટ્રગલ કરતો હોત.

 

- કૃષ્ણદેવ યાજ્ઞિક (અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મ આપી ચૂકેલા લેખક ગુજરાતી ફિલ્મોના જાણીતા રાઇટર-ડિરેક્ટર છે)

columnists krishnadev yagnik