આૅનલાઇન ગેમિંગ એ જુગારથી વિશેષ કશું નથી

13 January, 2023 05:47 PM IST  |  Mumbai | Bhavini Lodaya

આજકાલ ભારતમાં રમી જ નહીં, બીજી અનેક ઑનલાઇન ગેમ્સનું પ્રમોશન બહુ લોભામણી જાહેરાતો દ્વારા થાય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પત્તાંની રમતો હંમેશાં ભારતીય ઘરોનો એક ભાગ રહી છે અને રમી સૌથી વધુ રમાતી રમતોમાંની એક છે. જોકે આજકાલ ભારતમાં રમી જ નહીં, બીજી અનેક ઑનલાઇન ગેમ્સનું પ્રમોશન બહુ લોભામણી જાહેરાતો દ્વારા થાય છે. રમી જેવી સાદી રમતમાં પણ પૈસા જોડીને એમાં ઘેરબેઠાં જુગાર રમવાની આદતને પ્રોત્સાહન આપવામાં આવે છે. ‘રમતાં-રમતાં જીતો’ અને ‘પૈસા જીતો’ જેવી ઍડ્વર્ટાઇઝમેન્ટ્સથી લોકો વગરમહેનતે પૈસા કઈ રીતે રળી શકાય એ વિચારતા થઈ ગયા છે. 

લોકોને પોતાની તરફ આકર્ષવા, વધારે પૈસા કમાવા માટે ‘માત્ર ગેમ રમો અને વધારે પૈસા કમાવો’ જેવી લાલચ છડેચોક આપવામાં આવે છે. મધ્યમ વર્ગના અને સદા પૈસાની દૃષ્ટિએ ખેંચમાં રહેતા લોકો ઇઝી મની મેળવી લેવાની લાલચમાં આવીને ફસાઈ જાય છે. 

ઑનલાઇન ગેમિંગ ઍપ્સમાં તમારે રજિસ્ટ્રેશન માટે બૅન્ક ડિટેલ અને ડોક્યુમેન્ટ પણ આપવા પડે છે. રમવા માટે ફી ચૂકવવા એનો ઉપયોગ થતો હોય છે. પહેલી જ વાર રમનારાઓને રજિસ્ટ્રેશન વખતે ભારેખમ વેલકમ બોનસ પણ અપાય છે, પણ આ વેલકમ બોનસ ક્યારે પૂરું થઈ જાય છે અને રમનારને આ ગેમની લત પડી જાય છે. 

આ ગેમિંગ ઍપ્સવાળાઓને ખબર છે કે જેને પૈસાની જરૂર છે એવા લોકો બહુ સરળતાથી આમાં ખેંચાઈ આવશે એટલે તેઓ સહાનુભૂતિ મળે એ માટે મધ્યમ વર્ગની સ્ત્રી કે યંગસ્ટરને આ ગેમિંગ ઍપથી કેટલો ફાયદો થયો અને એમાંથી તેમણે પોતાનાં કેવાં-કેવાં સપનાં પૂરાં કર્યાં એ બતાવીને લોકોને પોતાનાં સપનાં પૂરાં કરવાં એ ગેમિંગ ઍપ પર આવવા લલચાવે છે.

આ પણ વાંચો :  પૉલિટિકલ પ્રેશરમાં હડતાળ અને બંધ પાળવો એ સામાજિક પ્રદૂષણ છે 

ખરી સમસ્યા તો ત્યાં છે કે હવે તો ફિલ્મ સ્ટાર અને સેલિબ્રિટીઝ દ્વારા આવી રમતોનું પ્રમોશન થાય છે, જેનાથી નુકસાન સામાન્ય લોકોને થાય છે. ઑનલાઇન ગેમિંગ એ માત્ર ‘પૈસા’ અને ‘સમય’ બરબાદ કરવાનું માધ્યમ છે એ સમજાવવા માટે કોઈ જાગૃતિ નથી. લોભામણી અને ખોટી જાહેરાતો પણ બેરોકટોક ચાલે છે. 

શું આજે જુગારને પ્રોત્સાહન આપવું જોઈએ? આવી રમતોનો નશો એ પણ એક વ્યસન છે માટે આવા પ્રકારની રમતોથી દૂર કરવા માટે સોશ્યલ મીડિયામાં જાગૃતિ થવી જ જોઈએ. ફિલ્મ સ્ટારો દ્વારા કરાતું પ્રમોશન રોકવું જોઈએ અને સરકારે આના પર પ્રતિબંધ લગાડવો જ જોઈએ. ત્યાર બાદ સામાજિક સંસ્થાઓને પણ મારી અપીલ છે કે આને વધુ પ્રોત્સાહન ન મળે માટે રોકવું જોઈએ.

શબ્દાંકન : ભાવિની લોડાયા

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists bhavini lodaya