27 September, 2023 02:00 PM IST | Mumbai | Pravin Solanki
પ્રતીકાત્મક તસવીર
જેમ ‘માણસ એક, રંગ અનેક’ એમ ‘ઈશ્વર એક, દેવતા અનેક’. એ માન્યતા પ્રચલિત છે કે આપણા ધર્મમાં ૩૩ કરોડ દેવતા છે. હિન્દુસ્તાનની કુલ વસ્તી ૩૩ કરોડની હતી ત્યારે પણ આ માન્યતા પ્રચલિત હતી, ‘માણસદીઠ એક દેવતા.’ શું આ સાચું છે?
આ સરાસર ગેરસમજ છે. ‘કોટિ’ શબ્દનું ખોટું અર્થઘટન છે. ‘કોટિ’ શબ્દના બે અર્થ છે; એક અર્થ કોટિ એટલે કરોડ અને બીજો અર્થ છે કોટિ એટલે પ્રકાર, એટલે કે દેવતાના ૩૩ પ્રકાર છે, ૩૩ કરોડ દેવતા નહીં. દેવતાના ૩૩ પ્રકારમાં આઠ વસુ, ૧૧ રુદ્ર, ૧૨ આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિ.
સામાન્ય માણસ તો પાછો એ વાતથી પણ મૂંઝાઈ જાય કે ૮ વસુઓ કોણ, ૧૧ રુદ્ર કોણ, ૧૨ આદિત્ય કોણ? ગલીમાં ગલી અને એમાં પણ ગલી છે. માણસ ચકરાવે ચડી જાય એટલા ધર્મના વિભાગો અને પેટા-વિભાગો છે. ધર્મ સમજવા જતાં કર્મ ભુલાઈ જવાય એટલી ગડમથલ છે. આ બધામાં સૌથી મોટી મૂંઝવણ ભગવાન અને ઈશ્વર વિશેની છે. મોટા ભાગના લોકો ભગવાન અને ઈશ્વર એક નથી, ભિન્ન છે એ જાણતા-સમજતા જ નથી. આજે એ વિષય પર વાત કરવી છે.
ભગવાન કોણ ગણાય? કોણ છે? જેની પાસે ધન છે એ ધનવાન કહેવાય, વિદ્યા છે એ વિદ્વાન ગણાય, બુદ્ધિ છે એ બુદ્ધિવાન કહેવાય એમ જેની પાસે ‘ભગ’ છે એ ભગવાન કહેવાય. ભગ ધાતુ છે. ભગ+વાન = ભગવાન. જેની પાસે સંપૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ ધર્મ, યશ, શ્રી અને ત્યાગ એ ૬ ગુણો હોય એ ભગવાન ગણાય છે. પોતાનું જીવન માનવકલ્યાણ, સર્વજન હિતાય, સર્વજન સુખાય માટે વિતાવે છે એ ભગવાન કહેવાય. માનવને અજ્ઞાન, અત્યાચાર, ભય, શોષણથી મુક્તિ અપાવે એ ભગવાન કહેવાય.
ધર્મને જાણવાનું જ નહીં, ધર્મ પ્રમાણે જીવવાનું જે શીખવે અને અધર્મ અને અધર્મીઓને ત્યાગ કરવા જે પ્રેરે તે ભગવાન કહેવાય, આ હિસાબે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર ભગવાન સ્વરૂપ છે. તો પછી ઈશ્વર કોણ છે? કોને કહેવાય?
શાસ્ત્રો પ્રમાણે ઈશ્વરને બ્રહ્મ કહેવાયા છે, એ સિવાય પણ ઈશ્વરનાં અનેક નામ છે; પ્રણવ, સચ્ચિદાનંદ, પરબ્રહ્મ પરમાત્મા વગેરે. નામ જુદા-જુદા પણ બ્રહ્મ એક જ ‘નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’
દુનિયાના બધા ધર્મો કરતાં ઈશ્વર માટેની હિન્દુ ધર્મની ધારણા નોખી છે, અનોખી છે. ઋષિમુનિઓએ ઈશ્વરની માત્ર કલ્પના નથી કરી, તેને ઓળખ્યો છે, અનુભવ્યો છે. ઈશ્વર એ કોઈ પદાર્થ, જીવ કે જંતુ નથી, ઈશ્વર એક ચેતના છે. એને સ્પર્શી શકાતી નથી, બાળી કે પલાળી શકાતી નથી, ફક્ત અનુભવી શકાય છે.
શાસ્ત્રો પ્રમાણે ઈશ્વર કોણ નથી? ઈશ્વર કોઈ પુરુષ નથી કે નથી કોઈ સ્ત્રી. ઈશ્વરને નથી કોઈ જાતિ, જ્ઞાતિ. ઈશ્વર એ નથી કોઈ ભગવાન કે શેતાન. એ નથી કોઈ દેવી કે દેવતા. ઈશ્વર એ નથી પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ કે આકાશ. ઈશ્વર એ ન માતા છે કે ન પિતા, ન રામ છે કે ન કૃષ્ણ હા, એ બધા ઈશ્વર સમાન છે, પણ ઈશ્વર નથી. ઈશ્વરના કોઈ સ્વામી નથી કે ન એ કોઈનો સ્વામી છે. ઈશ્વર કોઈ સમય કે સ્થાનથી પ્રભાવિત નથી થતો, ઈશ્વર ન તો ધરતી પર છે કે ન આકાશ કે પાતાળમાં. તે સર્વત્ર હોવા છતાં ક્યાંય નથી. ઈશ્વર સૃષ્ટિ પહેલાં પણ હતો અને સૃષ્ટિ જ્યારે નહીં હોય ત્યારે પણ તે હશે. ઈશ્વર બધાનો
આત્મા છે અને આત્મા જ બધાનો ઈશ્વર છે. તકલીફ એ છે કે કોઈ એનો અનુભવ કરવાનો પ્રયત્ન નથી કરતું. એને માટે આત્મજ્ઞાન જરૂરી છે.
ઈશ્વર બધાથી દૂર છે અને નજીકમાં નજીક પણ છે. એ સર્વવ્યાપી છે, પણ માયાના આવરણથી એની પ્રતીતિ નથી થતી. ઈશ્વર કલેશ, વિવાદ, કર્મ, અકર્મ, આશયથી પણ પર છે. ઈશ્વરને ન તો કોઈ બંધન છે કે ન મુક્તિ. ઈશ્વરને ન કોઈ જન્મ છે કે ન કોઈ મરણ. એ અજન્મ છે, નિરાકાર, નિર્વિકાર છે. ઈશ્વર કોઈનો ન્યાય કરતો નથી કે કોઈને અન્યાય કરતો. તેને કોઈ પ્રિય નથી કે અપ્રિય નથી. ઈશ્વર ન તો કોઈ આજ્ઞા આપે છે કે ન કોઈ ઉપદેશ, ન કોઈને સજા આપે છે, ન કોઈને પુરસ્કાર.
ઈશ્વર થકી જ સૃષ્ટિનું સર્જન થયું અને એના થકી જ સૃષ્ટિનું સંચાલન થાય છે. શરીર કરતાં પ્રાણનું મહત્ત્વ વધારે છે અને પ્રાણ કરતાં મનનું. મન કરતાં બુદ્ધિનું ને બુદ્ધિ કરતાં વિવેકનું, વિવેક કરતાં ચેતનાનું ને ચેતના કરતાં આત્માનું. આત્મા જ પરમાત્મા છે. આમ આત્મા જ બ્રહ્મ છે. આત્મા જ ઈશ્વર છે.
સમાપન
હિમાલયની ગોદમાં એક અંધ સાધુ રહેતા હતા. તેઓ દરરોજ સાંજે હિમાલયમાં ઊંચાં-ઊંચાં શિખરો પર ભ્રમણ કરવા નીકળી પડતા. એક દિવસ એક શિષ્યએ પૂછ્યું, ‘ગુરુજી આપને આંખે દેખાતું નથી છતાં રોજ શિખર પર લટાર મારવા જાઓ છો, તો ખીણમાં ગબડી જવાનો ડર નથી લાગતો?’ ગુરુજીએ કોઈ જવાબ ન આપતાં એ સાંજે શિષ્યને સાથે લઈ ગયા.
ફરતાં-ફરતાં ઊંચાઈએ આવ્યા પછી અચાનક ગુરુજી બોલ્યા, ‘વત્સ, મને ધક્કો મારી ખાઈમાં ગબડાવી દે.’ શિષ્ય આ સાંભળીને અવાક થઈ ગયો. બોલ્યો, ‘ગુરુજી, હું મારા દુશ્મન સાથે પણ આવું વર્તન ન કરું.’ ગુરુજીએ ગુસ્સે થઈને કહ્યું, ‘આ મારી આજ્ઞા છે, નહીં પાળે તો તું નરકમાં જઈશ.’ શિષ્યએ કહ્યું, ‘નરક મને મંજૂર છે, પણ હું આવું હરગિજ નહીં કરું.’
ગુરુજી ખડખડાટ હસવા લાગ્યા, ‘નાદાન બાળક, તારા જેવું સાધારણ પ્રાણી મને ખાઈમાં ધકેલી નથી શકતું તો મારો પરમાત્મા, મારો માલિક ભલા મને ખાઈમાં કઈ રીતે પડવા દે? માલિકને તો પડતાને ઊભો કરતાં આવડે, પડતાંનો હાથ ઝાલતાં આવડે. આપણો તેનામાં વિશ્વાસ હોવો જોઈએ.’
‘આદમ ખુદા નહીં, ખુદા આદમ નહીં,
લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહીં...’
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)