29 September, 2024 02:33 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
જીવનમાં આપણે દુનિયાભરના ફિલોસૉફરનાં વિધાનોને ટાંકતાં, સાંભળતાં કે વાંચતાં હોઈએ છીએ; એનાથી પ્રભાવિત થઈ બીજાને પણ કહેતા હોઈએ છીએ. બસ, જ્ઞાનની વાતો સાંભળીને કે વાંચીને જ આપણે પોતે જ્ઞાની થઈ ગયા હોવાના ભ્રમમાં પડી જતાં આપણને બહુ વાર નથી લાગતી. એમાંય વળી ફૉરેનના ફિલોસૉફરની વાત તો આપણા માટે સવિશેષ બની જાય છે. બીજાઓને પ્રભાવિત કરવા માટે પણ લોકો એવા ફિલોસૉફિકલ ક્વોટ્સ લખતા અથવા વક્તવ્યમાં ટાંકતા હોય છે.
સામાન્ય માણસોની વાત છોડો; મોટા-મોટા લેખકો, વક્તાઓ, ધર્મગુરુઓ, આધ્યાત્મિક ગુરુઓ અને મોટિવેશનલ ગુરુઓ પણ આવું કરતા હોય છે. જોકે આપણી આસપાસ એવા મિત્રો, પરિચિતો હોય છે જેઓ વાત-વાતમાં ચોક્કસ વિધાન કરતા રહે છે, જેમાંથી આપણને જીવનના સંદેશ કે શીખ મળતાં હોય છે. પણ ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’ની કહેવત મુજબ આપણું એના પર ધ્યાન જતું નથી, જાય તો પણ આપણે એને અલગ દૃષ્ટિથી જોવાનો કે એના અર્થઘટનને સમજવાનો પ્રયાસ પણ કરતા નથી.
વાસ્તવમાં જીવન પોતે એક 24X7 તાલીમ-સ્કૂલ છે. જો આપણાં આંખ-કાન અને દિમાગ બરાબર ખુલ્લાં રહી શકે તો રોજિંદા જીવનમાંથી કુદરત, આસપાસના લોકો, અનુભવો, વગેરેમાંથી સમજણના સહજ સંદેશા આપણને મળતા જ હોય છે. આજે કેટલાંક લાઇવ એક્ઝામ્પલ જોઈએ.
અમારા એક મિત્ર જ્યારે પણ કોઈ મુસીબત યા અણધારી ઘટના બનતાં મૂંઝવણમાં મુકાઈ જવાય ત્યારે એક વિધાન કાયમ દોહરાવે, ‘સ્કાય ઇઝ નૉટ ફોલિંગ’ (આભ તૂટી પડ્યું કે પડતું નથી).
બીજા એક મિત્રનો તકિયાકલમ છે, ‘જીવનમાં ઘણુંબધું છે.’ સુખ-દુઃખ, સારા-નરસા, આશા-નિરાશા, સંઘર્ષ દરેક પ્રસંગે આ મિત્રનું સૂત્ર બદલાતું નથી. એક જ રહે છે, જેમાં જીવનનો પૂર્ણ સ્વીકારભાવ છલકાય છે.
ત્રીજા મિત્રનું કાયમી વિધાન છે, ‘લાઇફ ઇઝ શૉર્ટ, બટ બ્યુટિફુલ.’ જીવન કેટલું છે એની આપણને ખબર નથી, મૃત્યુ ગમે ત્યારે આવીને લઈ જશે અથવા કહો કે જીવનને અખિલાઈથી જીવવાનું રાખીએ તો જીવન ટૂંકુ લાગે, પરંતુ જેવું અને જેટલું પણ છે, જીવન સુંદર છે. ‘લાઇફ ઇઝ બ્યુટિફુલ’ નામની એક સુંદર-અદ્ભુત અંગ્રેજી ફિલ્મ પણ છે. ચોથા મિત્રની દૃઢ માન્યતા છે કે આવતી કાલ હોતી નથી. ‘ધૅર ઇઝ નો ટુમોરો.’ અર્થાત્ જે છે એ આજ છે. આવતી કાલ પણ આવે છે ત્યારે આજ બનીને આવે છે. આજમાં પણ હાથમાં જે પળ છે એ પળ જ છે, બીજી પળે શું બનવાનું છે એની પણ આપણને તો ખબર જ નથી. જીવનને જોવાની દૃષ્ટિ બદલી નાખે એવા એક અંગ્રેજી પુસ્તકનું નામ છે ‘પાવર ઑફ નાઉ.’
આ ચાર વિધાનો બાદ જીવનમાં આપણી આસપાસ વાતે-વાતે બોલાતા સાદા-સરળ શબ્દો કે વાક્યો પણ ઘણું બધું કહી દેતાં હોય છે. થઈ રહેશે, દેખા જાએગા, જે થશે સારા માટે થશે. ઇન શૉર્ટ, જીવનમાં એક પણ ઘટના અર્થ વિના બનતી નથી, આપણને અર્થ ન સમજાય એ જુદી વાત છે. તમે પણ દોસ્તો વિચારજો કે તમારી આસપાસ પણ એવાં ઘણાં વિધાનો બોલાતાં-સંભળાતાં હશે, જેમાંથી જીવનના સંદેશ-સબક પ્રગટ થતા હશે, બાકી સમજો તો ‘ઇશારા કાફી’માં ઘણુંબધું આવી જાય છે.