જીભને તો દાંત નામની વાડ પાછળ કેદ કરી શકાય; પણ આંખ બેવફા છે, એ ખરા સમયે જ ચાડી ખાય

08 May, 2022 03:11 PM IST  |  Mumbai | Rajani Mehta

મેં પાછળ વળીને જોયું તો નર્ગિસ ઊભી હતી. તેના ચહેરા પર સ્મિત હતું. અમે એકમેકનું અભિવાદન કર્યું. થોડી ઔપચારિક વાતો થઈ અને તેણે દિલગીરીભર્યા અવાજે માફી માગતાં કહ્યું....

રિશી કપૂરનાં લગ્ન વખતે કપૂર અને દત્ત પરિવાર એકસાથે. રાજ કપૂર, નીતુ સિંહ, સંજય દત્ત, નર્ગિસ, રિશી કપૂર, સુનીલ દત્ત, કૃષ્ણા કપૂર.

મેં પાછળ વળીને જોયું તો નર્ગિસ ઊભી હતી. તેના ચહેરા પર સ્મિત હતું. અમે એકમેકનું અભિવાદન કર્યું. થોડી ઔપચારિક વાતો થઈ અને તેણે દિલગીરીભર્યા અવાજે માફી માગતાં કહ્યું, ‘જેકાંઈ બન્યું એનો મને સખત અફસોસ છે. એને કારણે જે પીડા અને માનહાનિ તમારે સહન કરવી પડી એનું દુઃખ કેવું હોય એનો મને અહેસાસ છે.’

કહેવાય છે કે ‘દુઃખનું ઓસડ દહાડા.’ સમય જતાં રાજ કપૂરે ધીમે-ધીમે પોતાની જાતને સંભાળી લીધી. નર્ગિસ હવે શ્રીમતી દત્ત બની ગઈ છે એ વાતનો સ્વીકાર કરીને તેમણે બહારની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. રાજ કપૂરને ન્યાય કરવા એટલું કહેવું જોઈએ કે એ સમયે જાહેરમાં તેમણે નર્ગિસ માટે કશું ન બોલાય એનો ખાસ ખ્યાલ રાખ્યો


નર્ગિસનાં લગ્નના સમાચાર રાજ કપૂરના દિલ માટે જેટલો આઘાત હતો એના કરતાં અનેકગણો મોટો આઘાત તેમના અહમ્ પર હતો. આ બેવડો ભાર સહન કરવાની તેમનામાં તાકાત નહોતી. સાંજ થતાં તેઓ નર્ગિસની યાદમાં એટલા બેચેન થઈ જતા કે આરકે સ્ટુડિયોના કૉટેજમાં મદીરાપાન કરતાં-કરતાં જે નજીક હોય તેના ખભે માથું નાખીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડતા. તેમને લાગતું કે તેમની સાથે બહુ મોટો વિશ્વાસઘાત થયો છે.

રાજ કપૂરના નિકટના સાથીદાર અને વિખ્યાત પત્રકાર બની રુબેન લખે છે, ‘મને આજે પણ  કૃષ્ણાભાભીના શબ્દો યાદ છે. કૃષ્ણાભાભી કહેતાં, ‘રાજ દિવસોના દિવસો, દરરોજ સાંજ પડતાં નશામાં ડૂબી જતા અને તેમની પીડાને ભૂલવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા. લગભગ બેભાન અવસ્થામાં વહેલી સવારે ઘરે આવતા અને સીધા બાથરૂમમાં જઈ ટબમાં બેસીને રડવાનું શરૂ કરી દેતા. તેમની આ હાલત મારાથી જોવાતી નહોતી, પરંતુ હું નાઇલાજ હતી. હું પણ દુખી હતી, પરંતુ ચૂપચાપ સહન કર્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.’

રાજ કપૂર-નર્ગિસની પ્રેમકહાનીને લયલા-મજનુ કે હીર-રાંઝાની પ્રેમકથા જેવું અમરત્વ ભલે ન મળ્યું હોય, પરંતુ આ જોડીને આજ સુધીના હિન્દી ફિલ્મના ઇતિહાસની ‘Most Romantic Pair’ ઓળખવામાં આવે છે. રાજ કપૂરના જીવનમાં પ્રેરણામૂર્તિ તરીકે નર્ગિસનું જે સ્થાન હતું એનો ઇનકાર ન કરી શકાય. આ જોડીનું એકમેક પ્રત્યેનું આકર્ષણ તેમના અભિનયમાં ઉત્કટપણે વ્યક્ત થતું હતું. એ જમાનો બ્લૅક ઍન્ડ વાઇટ ફિલ્મોનો હોવા છતાં તેમનો પ્રેમ આજની રંગીન ફિલ્મો કરતાં વધુ કલરફુલ લાગતો. ‘રીલ લાઇફ’ અને ‘રિયલ લાઇફ’ વચ્ચેની ભેદરેખા અતિક્રમી જઈને બન્નેએ અદ્ભુત પ્રણયદૃશ્યો આપ્યાં હતાં, જેમાં અશ્લીલતાને કોઈ સ્થાન નહોતું. બન્નેની ‘Film Chemistry’ એટલી અદ્ભુત હતી કે તેમનો પ્રેમ જીવંત લાગતો. હૉલીવુડના ક્લાર્ક ગેબલ અને વિવિયન લી, બંગાળના સૌમિત્ર ચૅટરજી અને માધવી મુખરજી અથવા ઉત્તમકુમાર અને સુચિત્રા સેનની જોડીએ જે જાદુ પ્રેક્ષકોના મન પર ચલાવ્યો હતો એનાથી વેંત ઊંચો અભિનય કરીને આ જોડીએ આજ સુધી પ્રેક્ષકોના દિલોદિમાગ પર રાજ કર્યું છે.

એટલે જ રાજ કપૂર સાથેનો નર્ગિસનો ભૂતકાળ ગમે એટલો કાળો હોય, તો પણ તે ઘેરો થઈને તેના જીવનનું કલંક ન બન્યું. ચંદ્ર પરનો કાળો ડાઘ જેમ ચંદ્રની શોભા વધારે છે એવી જ રીતે નર્ગિસના જીવનમાં લાગેલો રાજ કપૂર નામનો કાળો ડાઘ તેના જીવનની શોભા વધારે છે. એનું મુખ્ય કારણ એ જ કે લગ્ન થયા બાદ તેણે પોતાના ભૂતકાળ તરફ જોવાની ભૂલ કર્યા વિના સમાજમાં એક ઉત્તમ ગૃહિણી તરીકે પોતાનું નામ કર્યું.

નર્ગિસે રાજ કપૂર સાથે કરેલો પ્રેમ એ યૌવનસુલભ ઉંમરની એક ભૂલ હતી, પરંતુ આ ભૂલ કરતી વખતે તે પોતાની જાત સાથે સંપૂર્ણ પ્રામાણિક હતી. રાજ કપૂરના જીવનમાં હતી ત્યાં સુધી તેમના પ્રત્યે એકનિષ્ઠ રહી અને એ નિષ્ઠામાં પણ પોતાનો સંયમ કદી ગુમાવ્યો નહોતો. આ સંયમ જ તેના જીવનની વિશિષ્ટતા હતી. એટલે જ જ્યારે તેને સમજાયું કે તેનું આ પગલું ભૂલભરેલું છે એટલે તરત જ તેણે નવેસરથી જીવન જીવવાનું શરૂ કર્યું. ભૂતકાળ ભૂલીને વર્તમાનને સ્વીકાર્યો અને સતત ભવિષ્ય વિશે વિચારતી રહી. 

બની રુબેન નર્ગિસના વ્યક્તિત્વના આવા જ એક પાસાને ઉજાગર કરતાં લખે છે, ‘રાજ કપૂર અને નર્ગિસના પ્રેમસંબંધના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે, વાંચ્યા હશે, પરંતુ મારી દૃષ્ટિએ એક કિસ્સો એવો છે જે એમાં શિરમોર છે. ફિલ્મી વર્તુળમાં જાણીતાં કમલા શિવદાસાણીના કફ પરેડના ઘરે એક પાર્ટી હતી. ત્યાં જે બન્યું એ વાત મને કૃષ્ણાભાભીએ કરી ત્યારે નર્ગિસ અને કૃષ્ણાભાભી, બન્ને માટે મારું માન વધી ગયું હતું.

કૃષ્ણાભાભીએ કહ્યું, ‘નર્ગિસ અને સુનીલ દત્ત પણ ત્યાં હાજર હતાં. શિવદાસાણી પોતાનાં લગ્નની રજત જયંતીની ઉજવણી કરતાં હતાં એટલે ચારેકોર ખુશીનું વાતાવરણ હતું. દત્ત-પરિવાર પણ સેલિબ્રેશનના મૂડમાં હતો, કારણ કે સંજય દત્તની પહેલી ફિલ્મ ‘રૉકી’ની જાહેરાત થઈ ચૂકી હતી. અમે સૌ શૅમ્પેન પીતાં, ગપ્પાં મારતાં બેઠાં હતાં. નર્ગિસ થોડી દૂર બેઠી હતી. મેં નોટિસ કર્યું કે તે સતત મને જોયા કરતી હતી. તેની આંખો કહેતી હતી કે મારે કશુંક કહેવું છે. હું વાતોમાં મશગૂલ હતી ત્યાં અચાનક પાછળથી મારા ખભા પર કોઈકે હાથ મૂક્યો. મેં જોયું તો નર્ગિસ ઊભી હતી. તેના ચહેરા પર સ્મિત હતું. અમે એકમેકનું અભિવાદન કર્યું. થોડી ઔપચારિક વાતો થઈ અને તેણે દિલગીરીભર્યા અવાજે માફી માગતાં કહ્યું, ‘જેકાંઈ બન્યું એનો મને સખત અફસોસ છે. એને કારણે જે પીડા અને માનહાનિ તમારે સહન કરવી પડી એનું દુઃખ કેવું હોય એનો મને અહેસાસ છે.’ તે હજી આગળ કંઈક બોલવા જતી હતી ત્યાં મેં તેને અટકાવીને કહ્યું, ‘જે બની ગયું એના વિશે વાત ન કર. જે થવાનું હતું એ થઈ ગયું. હવે એ ભૂતકાળ છે. તારે એના વિશે માફી માગવાની કે જવાબદારી સ્વીકારવાની જરૂર નથી, કારણ કે જો તું ન હોત તો બીજી કોઈ સ્ત્રી હોત.’

એ સમયે મને લાગ્યું કે તે સાચા દિલથી મારી માફી માગતી હતી. તેના અવાજમાં સચ્ચાઈ હતી. હવે તે એક ગૃહિણી હતી, માતા હતી. એટલે એ દિવસોમાં મારી શું હાલત થઈ હશે એ વાતનો તેને અહેસાસ જરૂર થયો હશે.’

કહેવાય છે કે ‘દુઃખનું ઓસડ દહાડા.’ સમય જતાં રાજ કપૂરે ધીમે-ધીમે પોતાની જાતને સંભાળી. નર્ગિસ હવે શ્રીમતી દત્ત બની ગઈ છે એ વાતનો સ્વીકાર કરીને તેમણે બહારની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. રાજ કપૂરને ન્યાય કરવા એટલું કહેવું જોઈએ કે એ સમયે જાહેરમાં તેમણે નર્ગિસ માટે કશું ન બોલાય એનો ખાસ ખ્યાલ રાખ્યો (વર્ષો બાદ એ કડવાશ જુદા સ્વરૂપે બહાર આવી એ વાત જુદી છે. એ વિશેની વાતો આગળ કરીશું).

દુનિયા એવી છે કે તમારે અણગમતી ઘટના ભૂલીને આગળ વધવું હોય તો પણ લોકોને એ વિશે ખણખોદ કરીને તમારી પીડા તાજી કરવામાં રસ હોય છે. ફિલ્મ ‘મૈં નશે મેં હૂં’માં એક ગીત હતું. ‘કિસી નર્ગિસી નઝર કો દિલ દેંગે હમ, કાલી ઝુલ્ફ કે સાયે મેં દમ લેંગે હમ...’ ફિલ્મનાં હીરો-હિરોઇન હતાં રાજ કપૂર અને માલા સિંહા. ગીતની ધૂન શંકર જયકિશને રાજ કપૂરની ચાલને ધ્યાનમાં રાખીને બનાવી હતી. હસરત જયપુરી લિખિત આ ગીત માટે મુકેશના અવાજમાં ટિપિકલ રાજ કપૂર ટચ હતો. રાજ કપૂરે આ ગીત પોતાના પર ફિલ્માંકન કરવાની ના પાડી અને પડદા પર કૉમેડિયન મારુતિએ એ ગીત ગાયું. એ દિવસો હતા જ્યારે રાજ કપૂરને છોડીને નર્ગિસે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યાને થોડો જ સમય થયો હતો. રાજ કપૂરે જો પડદા પર આ ગીત ગાયું હોત તો એને નર્ગિસ સાથેના સંબંધ સાથે જોડીને, પ્રેક્ષકોએ જુદો જ કોઈ અર્થ કાઢીને સિસોટીઓ મારી હોત.

એવી રીતે ફિલ્મ ‘ફિર સુબહ હોગી’માં એક ગીત હતું, ‘જિસ પ્યાર મેં  યે હાલ હો, ઉસ પ્યાર સે તૌબા તૌબા’ (ખૈયામ–સાહિર લુધિયાનવી) ગીતના એક અંતરામાં સાહિર લખે છે,

હમને ભી સોચા થા કભી પ્યાર કરેંગે 
છુપ છુપ કે કિસી શૌખ હસીના પે મરેંગે 
દેખા જો અઝીઝોં કો મોહબ્બત મેં તડપતે 
ઇન નર્ગિસી આંખો કે છુપે વાર સે તૌબા તૌબા

રાજ કપૂર અને રહેમાન પર આ ગીતનું ફિલ્માંકન થવાનું હતું. આ પંક્તિઓ રાજ કપૂર માટે લખાઈ હતી. તેમની મનાઈ બાદ આ પંક્તિઓ રહેમાન પર ફિલ્માંકન કરવામાં આવી હતી.
રાજ કપૂરના મનમાં ક્યાંક ને ક્યાંક નર્ગિસ માટે આદરભાવ હતો એ નક્કી હતું. આ બન્ને ગીતો પોતાને માટે લખાયાં હોવા છતાં પડદા પર એ ગાઈને નર્ગિસના પ્રેમને બદનામ કરવાની તેમની  ઇચ્છા કે હિંમત  નહોતી. તેમણે સ્વીકાર કરી લીધો હતો કે પોતે નર્ગિસનો ભૂતકાળ છે અને સુનીલ દત્ત તેનો વર્તમાન અને ભવિષ્યકાળ છે. 
છૂટા પડ્યા બાદ રાજ કપૂર પોતાની દરેક ફિલ્મોના પ્રીમિયર માટે નર્ગિસને આમંત્રણ મોકલતા. નર્ગિસ કદી પ્રીમિયરમાં હાજરી ન આપે. ફિલ્મ ‘સંગમ’ના પ્રીમિયર માટે ખુદ રાજેન્દ્રકુમાર આમંત્રણ આપવા નર્ગિસ પાસે ગયા હતા, છતાં નર્ગિસે રાજ કપૂરથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું, પરંતુ પૃથ્વીરાજ કપૂરના અવસાન બાદ થોડા સમયમાં જ તેમનાં પત્ની રમાનું મૃત્યુ થયું ત્યારે કપૂર-પરિવારને સાંત્વન આપવા નર્ગિસ તેમના ઘરે ગઈ. રાજ કપૂરે ‘બૉબી’ માટે ફરી એક વાર દત્ત-પરિવારને આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ તેમણે હાજરી નહોતી આપી.

એક સમયે અનહદ પ્રેમ કરતી બે વ્યક્તિઓ જીવનના એક વળાંક પર અજનબી બનીને વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. એક સમયે ધોધમાર વહેતું ઝરણું માર્ગ બદલીને બીજી દિશામાં ફંટાઈ જાય ત્યારે પણ ભેખડોની વચ્ચે થોડી ભીનાશ બચેલી હોય છે. યાદોનો વરસાદ એ ભીનાશને ઓછેવત્તે અંશે જીવંત રાખે છે.

સમયની તાકાત છે કે એ ભલભલા ઊંડા ઘા રુઝાવી દે. સમય જતાં કડવાશ એક અનુભવ બનીને સ્મૃતિપટમાં અંકિત થઈ જાય છે. દરેક અનુભવ વ્યક્તિને પરિપક્વ બનાવતો હોય છે. સાચો પ્રેમ દોષને ઓળખે છે, પણ એને ચૂંથતો નથી. એક સમયે નિર્ણય કર્યો હોય કે જેની સાથે સંબંધ તૂટ્યો હોય તેને કદી નથી મળવું, પણ તેને જ મળવાનો યોગ નિર્માણ થાય છે. મારી કવિતાની પંક્તિઓ યાદ આવે છે...

‘મળ્યા તોયે ઠીક, ન મળ્યા તોયે ઠીક 
રસ્તે તો તમે મને મળશો કદીક...’

કાળના પ્રવાસમાં ફરી એક વાર નર્ગિસ અને રાજ કપૂર આમને-સામને આવ્યાં. રિશી કપૂરનાં લગ્ન વખતે, કપૂર-પરિવારનું આમંત્રણ સ્વીકારીને દત્ત-પરિવારે હાજરી આપી હતી. (મારી પાસે ‘ફિલ્મ ફેર’નો એ અંક હતો જેમાં એક ‘રેર’ ફોટો છે. એમાં યજમાન રાજ કપૂર અને કૃષ્ણા કપૂર   મહેમાન નર્ગિસ અને સુનીલ દત્તને આવકાર આપે છે. એક જ ફ્રેમમાં ચાર સસ્મિત ચહેરા એ વાતની સાબિતી આપે છે કે All is well that ends well. અફસોસ છે કે એ અંક મળતો નથી. પરવાનગી લીધા વિના પુસ્તક અને મૅગેઝિન લઈ જતા આવા જાણભેદુઓની ફરિયાદ કોને કરવી?)

આમ કપૂર-પરિવાર અને દત્ત-પરિવાર વચ્ચે એક ઔપચારિક વ્યવહાર શરૂ થયો. રાજ કપૂર અને નર્ગિસ કદી એકમેક સાથે વાતચીત નહોતાં કરતાં, પણ રાજ કપૂર અને સુનીલ દત્ત જાહેર પ્રસંગોએ મળતા ત્યારે સહજ રીતે મળતા. જ્યારે સુનીલ દત્તે રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે રાજ કપૂર તેમની ચૂંટણીસભામાં હાજર રહી તેમને માટે પ્રચાર કરતા. કૅન્સરની બીમારીને કારણે નર્ગિસનું અવસાન થયું ત્યારે સ્મશાનયાત્રામાં રાજ કપૂર શરૂઆતથી હાજર હતા. કાળાં ચશ્માં પહેરીને આવેલા રાજ કપૂર એક સ્વજનની જેમ સુનીલ દત્તને સાંત્વન આપતા હતા. ટેલિવિઝન પર જોયેલું આ દૃશ્ય ભુલાતું નથી.

જીભને તો દાંત નામની વાડની પાછળ કેદ કરી શકાય. મનના ભાવ ચહેરા પર ન આવે એની તકેદારી રાખી શકાય, પણ આંખ બેવફા છે. એ ખરા સમયે જ ચાડી ખાય. એટલે જ તેને કાળાં ચશ્માં પાછળ કેદ કરી રાખવી સારી. રાજ કપૂર આ વાત સારી રીતે જાણતા હતા.

columnists rajani mehta