27 May, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉનાળો હજી ગયો નથી ને ચોમાસું બેઠું નથી. પણ વર્ષારાણીના આગમનની છડી પોકારતાં પ્રી-મૉન્સૂન શાવર્સ આ વખતે જરા વધુ ગેલમાં ખાબકી રહ્યાં છે. વૈશાખના વાયરા હજી શમ્યા નથી ને જેઠે લાજ કઢાવવાનું શરૂ કર્યું નથી ત્યાં તો નવલી વહુઆરુની રૂમઝૂમ સંભળાવા લાગી. ચોપાટીની પાળે બેઠેલાને ભીંજવીને આગ લગાડવાનું કોઈ સાવન પાસેથી શીખે. ‘ભીગે આજ ઇસ મૌસમ મેં, લગી કૈસી યે અગન, સુલગ-સુલગ જાએ મન.’ વાદળના ગડગડાટે અને વીજળીના ચમકારે મનની મોસમ પણ તનની સાથે તરબતર થઈ જાય છે. પાનબાઈ ભલે કહે, ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો બાઈ’, અત્યારે તો તપેલાં તન-મન ગેરુઆ રંગે રંગાવા તૈયાર નથી. પોકારી-પોકારીને કહે છે, ‘ના રે, ના રે, ના રે, બરસો રે મેઘા, મેઘા બરસો રે.’
પણ મ્યુનિસિપાલિટીને ક્યાં મન હોય છે? એના ‘ડામ્બર`નાં કાળાં વાદળ રસ્તાના ગાલ પર પડતાં ખંજનને ક્યારે ભરચક ભીંજવશે? પેલી મલકાતી મલિશ્કા ‘ગેલી ગેલી ગેલી મુંબઈ ખડ્યાત ગેલી’ ગાવા ક્યારનીય ઊછળી રહી છે. મ્યુનિસિપાલિટી પણ દર વર્ષની જેમ આ વર્ષે તેને નારાજ નહીં જ કરે ભલે પછી મુંબઈ તારાજ થઈ જાય.
જળ એ પંચમહાભૂતોમાંનું એક અંગ છે. સ્કૂલમાં જળચક્ર દોરી-દોરીને પાકું થઈ ગયું છે કે કેવી રીતે અશુદ્ધ જળને શુદ્ધ કરી કુદરત આપણને પાછું આપે છે. પણ આપણે ચાતકની જેમ સીધું મોંમાં તો ઝીલી ન શકીએ તેથી મિનરલ વૉટરના ચકરાવામાં પડી ગયા છીએ. નદીઓય હવે પવિત્ર તો ફક્ત શ્લોકોમાં જ રહી ગઈ છે. સનાતનીઓય ગંગાજળનું આચમન લેતાં અચકાય છે. હવે તો ગંગા ફરી કોઈ દેવવ્રતને જન્મ આપે અને એ ભીષ્મપ્રતિજ્ઞા લે તો જ ગંગા શુદ્ધીકરણનો પ્રોજેક્ટ પૂરો થાય.
મુંબઈમાં પહેલાં જલઘરિયાં દેખાતાં હતાં. કૂવાનું પાણી તાંબા-પિત્તળના લોટામાં જ પીનારા વૈષ્ણવોના ઘરે હવે ઍક્વાગાર્ડ લાગી ગયાં છે. મુંબઈમાં જે થોડાંઘણાં કૂવા અને તળાવ (ટૅન્ક) હતાં એ ટૅન્કરવાળાના તાબામાં છે ત્યારે વૈષ્ણવ કેવી રીતે ગાય કે ‘જમુનાજળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા?’
પાણીપુરાણના અંતે ગુજરાતી બોલવાનું ટાળતી આજની પેઢીને કહેવાનું કે ‘આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ, ઊની-ઊની રોટલી ને કારેલાનું શાક’ ગાશે તો આઇ અશ્યૉર યુ ડિયર, યુ વિલ રિયલ્લી ફીલ કૂ...લ.
-યોગેશ શાહ