મમ્મી અને મમ્મી દ્વારા બોલાતાં વાક્યોમાં તમે ક્યારેય એક વાત નોટિસ કરી છે?

11 May, 2025 01:39 PM IST  |  Mumbai | Dr. Nimit Oza

એ વાક્યો તમે વાંચશો તો તમને પણ કંઈ નવું નહીં લાગે. એવું જ લાગશે કે આ બધું તો તમે વારંવાર સાંભળી ચૂક્યા છો અને એ તમારાં જ મમ્મીનાં વાક્યો છે. હા, એવું બની શકે કે આ વાક્યો વાંચતાં-વાંચતાં તમને કદાચ બીજાં આવાં વાક્યો યાદ આવી જાય

પ્રતીકાત્મક તસવીર

બુધવારે ઘરના સોફા પર બેઠો હતો ત્યારે કેટલાક ડાયલૉગ્સ કાને પડ્યા. એ ડાયલૉગ્સ મારી મમ્મી અને મારી દીકરીની મમ્મી દ્વારા બોલાયેલા. અચાનક મને રિયલાઇઝ થયું કે એક મમ્મીની ભાષા કેટલી સાર્વત્રિક અને સરખી હોય છે! આપણા ઘરમાં મમ્મી દ્વારા રૅન્ડમલી બોલાતા શબ્દો કેટલા અર્થસભર, ગૂઢ અને નિસબતથી ભરેલા હોય છે. એ પછી મેં એક નાની આવી માનસિક કસરત આદરી.

એક મમ્મી દ્વારા અવારનવાર બોલાતાય અતિ-સામાન્ય અને સર્વસામાન્ય વાક્યો (જેમાંની મોટા ભાગની સૂચનાઓ છે)ની એક યાદી તૈયાર કરી. એ યાદીમાંનાં તમામ વાક્યો /શબ્દો/ઉદ્ગારો લખ્યા પછી એમાં રહેલો લઘુતમ સામાન્ય અવયવ શોધી કાઢ્યો. એ લઘુતમ સામાન્ય અવયવ શું છે એની વાત હું તમને છેલ્લે કહીશ.

આ તો અત્યારે સૂઝેલાં વિધાનો છે. તમને કશુંક યાદ આવે તો તમે પણ આમાં ઉમેરી શકો, પણ એક વાત તો નક્કી છે કે આ યાદી અંતહીન છે.

The list is endless. Still, let me try.

‘ડિનરમાં શું ખાશો?’

‘તમારે જેમ કરવું હોય એમ કરો.’

‘આ ઘરમાં મારું તો કોઈ સાંભળતું જ નથી.’

‘ઉપર જાય છે? આ ધોયેલાં કપડાં લેતો જાને!’

‘નીચે જાય છે? આ પાણીની ખાલી બૉટલ લેતો જાને!’

‘આખું ઘર અસ્તવ્યસ્ત છે. તમારી વસ્તુઓ જગ્યા પર મૂકોને!’

‘ચાલો પપ્પા, અત્યારે મૂકું. પછી વાત કરીએ.’

‘આ મોજાં કોનાં છે?’

‘ક્યારની પૂછું’છું. જવાબ તો આપ!’

‘બ્રશ કર્યું? ચા પીવી છે? નાસ્તો શું કરીશ? એવું બધું ખાવા કરતાં કંઈક ગરમ ખાને!’

‘ડાયટ-ડાયટ કરીને સુકાતા જાઓ છો. થોડુંક ખાવાનું રાખો.’

‘હેલ્લો, હા બેટા, ઈ ઘરે નથી. એનો ફોન ઘરે જ ભૂલી ગયો છે.’ (ફોન મૂકીને) ‘આ લે તારો ફોન.’

‘હજાર વાર ના પાડી છે કે જમતી વખતે ટીવી નહીં જોવાનું.’

‘થોડી દાળ પીને!’

‘સાથે રાખને, કામ આવશે.’

‘ફોન પર વાત ચાલે છે યાર. બે મિનિટ શાંતિ રાખને!’

‘તું કામ પર ન આવવાની હોય તો બીજા કોઈને તો મોકલ.’

‘કંટાળો આવે છે એટલે શું? અમને નહીં આવતો હોય!’

‘હવે તમે કાંઈક કહોને આને.’

‘મોડું થવાનું હોય તો એક ફોન તો કર.’

‘મારે ઈ કાંઈ સાંભળવું નથી.’

‘જો, તેં ગઈ કાલે પણ સૅલડ નહોતું ખાધું.’

‘પપ્પાને પૂછ.’

‘નજીકથી ટીવી નહીં જો.’

‘આ વેફર્સ ખાવાનો ટાઇમ છે? ભૂખ લાગી હોય તો જમી લેને!’

‘ના એટલે ના. તું વારંવાર પૂછીશ તો એ હા નહીં થઈ જાય.’

‘તારી તબિયત તો બરાબર છેને?’

‘આજે કેમ વહેલો ઊઠી ગ્યો? કેમ વહેલી સૂઈ ગઈ? કેમ ભૂખ નથી? કેમ આટલી બધી થાકી ગઈ? ઑફિસમાં કાંઈ થયું’તું? સ્કૂલમાં કોઈ ખિજાયું? આંખો કેમ સોજેલી છે? તું ઓકે છેને?’

‘શૂઝ તો સરખાં મૂક. પગલાં ન પાડ. અરે, હમણાં જ પોતાં થયાં છે.’

‘જમી લેને, તો વાસણ થઈ જાય. નાહી લેને, તો કપડાં નીકળી જાય.’

‘આ શૅમ્પૂ ક્યારે ખાલી થયું?’

‘ત્રણ દિવસથી એકનું એક ટ્રાઉઝર પહેરે છે. હવે તો ધોવા નાખ.’

‘દાળ-ઢોકળીમાં કોણ-કોણ છે? અને કોણ ખીચડી ખાવાનું છે? મને અત્યારથી કહી દો એટલે ખબર પડે...’

‘આ કાંઈ ચા પીવાનો ટાઇમ છે?’

‘આટલું ઠંડું પાણી નહીં પી. ગળું ખરાબ થશે.’

‘બહારની પાંઉભાજી નથી ખાવી, હું તને ઘરે બનાવી દઉં તો?’

‘માથું દબાવી દઉં?’

‘આરામ કર ઘરે ને આજે રજા લઈ લે.’

‘જેટલું શાક છે એટલું બધું લઈ લેજે. મને તો બહુ ભૂખ જ નથી.’

‘અરે, સામાન્ય દુખાવો છે. કામ કરીશ એટલે મટી જશે.’

‘એવું બધું તો થયા કરે, એને ગણકારવાનું નહીં.’

‘છાતીમાં દુખે છે. ગભરામણ થાય છે. સોડા લઈ આવને!’

‘હૉસ્પિટલ નથી જવું. મને કાંઈ નથી થ્યું.’

‘અરે, થોડો શ્વાસ તો ચડે જને.’

‘આપણે કોઈ રિપોર્ટ્સ નથી કરાવવા. મને ઘરે લઈ જાને!’

‘એક પ્રૉમિસ આપ. મારા ગયા પછી તારું ધ્યાન રાખીશને?’

આ અને આવાં અસંખ્ય વિધાનોમાં રહેલો લઘુતમ સામાન્ય અવયવ એ છે કે આમાં પોતાના વિશે તો ક્યાંય વાત જ નથી, ક્યાંય વાત નથી. હંમેશાં બીજાની કાળજી, બીજાની ચિંતા, બીજાની ઉપાધિ અને પોતાની જાત? એ તો ક્યાંય આવી જ નહીં.

આ આખી સ્ક્રિપ્ટ નિરાંતે વાંચ્યા પછી સમજાય કે આ સુપરહિટ ડાયલૉગ્સ અને ફૅમિલી ડ્રામા દર્શાવતી ગોલ્ડન જ્યુબિલી ઑસ્કર વિનિંગ ફિલ્મમાં મુખ્ય પાત્ર તો ક્યાંય છે જ નહીં. હવે બુદ્ધિસ્ટ લોકોને કોણ સમજાવે કે ‘સ્વ’ને ઓગાળવાનું તો કોઈ મમ્મી પાસેથી શીખે!

columnists gujarati mid-day mothers day