કાં તો બાળકને મારો અને કાં તો માથે ચડાવો - તમારું પેરન્ટિંગ શું કહે છે?

07 August, 2025 02:00 PM IST  |  Mumbai | Jigisha Jain

એક તરફ માતા-પિતા કહે એમ જ, બીજી તરફ બાળક ઇચ્છે એમ જ; આ બન્ને રસ્તાઓ એક્સ્ટ્રીમ છે. હકીકતે સાચું પેરન્ટિંગ આ બન્ને વચ્ચેનો મધ્યમ માર્ગ છે

પ્રતીકાત્મક તસવીર

એક સમયે પેરન્ટ્સ એવા હતા કે બાળકોએ તેમના કહેવા મુજબ જ કરવું જોઈએ અને આજે એ બાળકો જ્યારે માતા-પિતા બન્યાં છે ત્યારે તેઓ કહે છે કે અમે અમારા પેરન્ટ્સ જેવા નથી. એટલે તેમનાં બાળકોને બધી જ છૂટ છે. બાળક પ્રમાણે માતા-પિતા જીવતાં થઈ ગયાં છે. તેને જે ભાવે એ, તેને જે કરવું હોય એ, તેને જે ગમે તે; કોઈ ફોર્સ નહીં, કોઈ સ્ટ્રેસ નહીંના નામે બાળકને કોઈ રોકટોક જ નથી. એક તરફ માતા-પિતા કહે એમ જ, બીજી તરફ બાળક ઇચ્છે એમ જ; આ બન્ને રસ્તાઓ એક્સ્ટ્રીમ છે. હકીકતે સાચું પેરન્ટિંગ આ બન્ને વચ્ચેનો મધ્યમ માર્ગ છે જે શોધવાની કોશિશ અનિવાર્ય છે

કિસ્સો   બાળકે થર-થર કાંપતાં પપ્પાને કહ્યું, ‘પપ્પા, પ્રિન્સિપાલે તમને સ્કૂલમાં બોલાવ્યા છે.’ આ વિધાન સાંભળતાં જ પપ્પા છડી લઈને વરસી પડ્યા, અહીં દિવસ-રાત કાળી મજૂરી કરીને તારો બાપ તને સ્કૂલમાં મોકલે છે અને તારે ભણવું નથી.

બાળક રડતું રહ્યું. પપ્પા તેને મારતા રહ્યા.

કિસ્સો   બાળકે ઘરે આવીને કહ્યું, ‘પપ્પા, મારે કાલથી સ્કૂલ નથી જવું.’ ‘કેમ બેટા? શું થયું?’

‘મને મારા ક્લાસ-ટીચર બધા વચ્ચે ખિજાયા. પનિશમેન્ટ આપી કે આખા પિરિયડ દરમિયાન ક્લાસમાં ઊભા રહેવાનું કહ્યું. મને એ ટીચર જરાય ગમતા નથી. તે મને ખૂબ સ્ટ્રેસ આપે છે. મને સારા ટીચર જોઈએ છે. સારી સ્કૂલ પણ.’

દીકરાની આ વાત સાંભળીને પપ્પાએ કહ્યું કે ‘કાલે હું પ્રિન્સિપાલ સાથે વાત કરું છું બેટા. હું કોશિશ કરીશ કે તારે તેમના ક્લાસમાં ન બેસવું પડે.’

‘ના પપ્પા, સ્કૂલ જ નવી જોઈએ છે. હવે મને ત્યાં નથી ગમતું.’

એના જવાબમાં પપ્પાએ કહ્યું, ‘સારું, સ્ટ્રેસ નહીં લે. આપણે કંઈક વિચારીએ.’

કિસ્સો   બાળક સ્કૂલથી ઘરે આવ્યું. તેનું મોઢું ઊતરેલું છે. કૅલેન્ડર પપ્પાના હાથમાં આપ્યું. પપ્પા કૅલેન્ડરમાં વાંચે છે કે શિક્ષકે તેની ફરિયાદ કરી છે કે આજે ક્લાસમાં બાળકનું ધ્યાન નહોતું. તેને બે વાર ટોક્યા પછી પણ તે વાતો જ કરતો હતો એટલું જ નહીં, આખા ક્લાસને ડિસ્ટર્બ પણ કરતો હતો. પપ્પાએ કૅલેન્ડર બંધ કરીને દીકરાને પૂછ્યું, ‘શું તેં આવું કર્યું?’

બાળકે કહ્યું કે તેનો મિત્ર વેકેશન પરથી આજે જ આવેલો એટલે તેની પાસેથી તેને જાણવું હતું કે ડિઝનીલૅન્ડમાં કેટલી મજા આવી એટલે તે પોતાની જાતને રોકી ન શક્યો.

પપ્પાએ કહ્યું, ‘સમજી શકાય કે તને તારા મિત્ર જોડે ખૂબ વાત કરવી હતી પણ મૅથ્સના પિરિયડમાં તો એ ન જ કરી શકાય. રિસેસમાં વાત કરી શક્યો હોત. જો એ શક્ય નહોતું તો તેને ફોન કરી લેત ઘરે આવીને અને પછી નિરાંતે વાત કરત. સ્કૂલમાં ચાલુ ક્લાસે આવું ન કરાય. ટીચર જ્યારે તને ખિજાયા ત્યારે તેં તેમને સૉરી કહ્યું?’

બાળકે માથું ધુણાવ્યું.

‘આ ખોટું કર્યું બેટા, કાલે તું જ ટીચર પાસે જજે અને તેમને સૉરી કહેજે. તેમને બાંયધરી આપજે કે તું આવું ક્યારેય ફરી નહીં કરે.’

lll

આ ત્રણ કિસ્સાઓ ત્રણ અલગ પ્રકારના પેરન્ટિંગ વિશે વાત કરે છે. મોટા ભાગના લોકો પહેલા અને બીજા કિસ્સાવાળા પેરન્ટ્સને ખૂબ સારી રીતે ઓળખે છે. એક તેમના પેરન્ટ્સ હતા અને બીજામાં તે પોતે છે, પરંતુ ત્રીજા કિસ્સામાં પેરન્ટ્સે જે કર્યું એ આદર્શ પરિસ્થિતિ છે જે પહેલા અને બીજાની વચ્ચેની પરિસ્થિતિ છે. આદર્શ પેરન્ટિંગ કડક અને નરમ પેરન્ટિંગ વચ્ચેનો મધ્યમ માર્ગ છે.

આજનું મૉડર્ન પેરન્ટિંગ

પહેલાંના પેરન્ટિંગ કરતાં આજનું પેરન્ટિંગ ઘણું જુદું છે એ સમજી શકાય છે. આજનાં મોટા ભાગનાં ઘરોની પરિસ્થિતિનો ચિતાર લઈએ તો ઘરમાં બાળક જે ખાય એ જ બધા ખાય. તેની પસંદની જ વસ્તુઓનું શૉપિંગ થાય. મમ્મી-પપ્પા પણ તેને પૂછીને જ બધાં કામ કરે. તેને ઘરમાં તો કોઈ ન જ વઢે પણ બહાર પણ કોઈ ખિજાય એ ચલાવી ન લેવાય. એક્ઝામ આવી રહી છે તોય વિડિયો-ગેમ છૂટતી નથી તો તેને રિયલાઇઝ કરાવવાની જરૂર નથી કે તારું ભણવામાં ધ્યાન નથી, એનાથી તેને સ્ટ્રેસ થઈ જાય. બાળકને તેના માર્ક્સ નહીં પૂછવાના, એનાથી તેને લાગે કે તમે તેને જજ કરી રહ્યા છો. કોઈ સગાંવહાલાં આવે તો તેને રૂમમાંથી બહાર આવવું હોય તો આવે, તેને તેમની સાથે વાત કરવી હોય તો કરે; એ તેની ચૉઇસ છે. તેની પાસે પરાણે કશું કરાવવું નથી. આ માહોલ આજની તારીખે ઘણાં ઘરોમાં જોવા મળી રહ્યો છે. આવા પેરન્ટ્સ પોતાની જાતને પેરન્ટ્સ નથી કહેતા, તેઓ નથી માનતા કે તેઓ જેમ કહે એમ બાળકે માનવું કે કરવું. આવાં ઘરોમાં બાળકને જેમ જીવવું હોય, જે કરવું હોય એ બધાની આઝાદી હોય છે.

અંતિમવાદ

એક તરફ એવા પેરન્ટ્સ હતા જેનો પડ્યો બોલ ઝીલવો પડતો હતો. તેમને ક્યારેય પૂછી ન શકાતું કે કેમ? તેમણે કહ્યું એટલે કરી જ નાખવાનું. કોઈ વસ્તુની છૂટ ન હોય. બધું પૂછીને જ કરવાનું. દરેક વસ્તુ માટે પરવાનગી અનિવાર્ય હતી. મમ્મી કે પપ્પાની આંખ ફરતી અને છોકરા સીધા થઈ જતા. સ્કૂલમાં જ્યારે કહેતા કે પેરન્ટ્સને બોલાવીશું તો તે રડી પડતા અને કહેતા કે પ્લીઝ, પેરન્ટ્સને નહીં બોલાવો. માર એવો પડતો કે સમસમી જવાય. આ પેરન્ટિંગ અને આજનું પેરન્ટિંગ બન્ને અંતિમવાદી વિચારધારા છે જેને અંગ્રેજીમાં એક્સ્ટ્રીમ કહેવામાં આવે છે. શું આ બન્ને વચ્ચે કોઈ સંબંધ છે? એ સમજાવતાં પેરન્ટિંગ કોચ હરપ્રીત સિંહ કહે છે, ‘જેમના પેરન્ટ્સ નાનપણમાં ખૂબ કડક રહ્યા હોય તેમનાં બાળકો મોટા ભાગે બે પ્રકારનાં જોવા મળે છે. એક, પોતે પણ તેમના જેવા જ સ્ટ્રિક્ટ હોય કારણ કે તેમને જોઈને તેઓ એ જ શીખ્યા હોય. બીજા પ્રકારનાં બાળકો એવાં હોય જે પોતાનાં માતા-પિતાને નફરત કરતાં હોય એટલે તેઓ વિચારે કે ના, હું તેમના જેવો નથી; તેમણે જે કર્યું એ તો હું કરીશ જ નહીં. એટલે તે અતિ લિબરલ બની જાય. આમ અતિ લિબરલ પેરન્ટ્સ અતિ સ્ટ્રિક્ટ પેરન્ટ્સમાંથી જન્મે છે. બન્ને અંતિમો છે. દેખાવમાં જુદા-જુદા પરંતુ વાત એક જ છે. સ્ટ્રગલ છે મધ્યમ માર્ગ પર આવવાની. કઈ જગ્યાએ કડક રહેવું અને કઈ જગ્યાએ છૂટ આપવાની, કેટલી ઢીલ આપવી અને કેટલી પકડ મજબૂત રાખવી એ સમજવું જરૂરી છે.’

કડકાઈનું નુકસાન

કડક અને નરમ બન્ને પેરન્ટિંગના પોતાનાં નુકસાન છે એ વિશે વાત કરતાં હરપ્રીત સિંહ કહે છે, ‘જેઓ પોતાનાં બાળકો સાથે ખૂબ કડક રહે છે તેમને તેમના બાળક સાથેની રિલેશનશિપ સારી રાખવી અઘરી પડે છે. તેમની કડકાઈને કારણે બાળકના મગજનો એક ભાગ અવિકસિત રહી જાય છે જેને કારણે તેની નિર્ણયશક્તિ પર અસર પડે છે. બાળકમાં કૉર્ટિઝોલ વધે છે એટલે સ્ટ્રેસ વધે છે. એ સ્ટ્રેસની અસર દરેક બાળક પર અલગ-અલગ હોય છે, પણ થાય છે એ નક્કી વાત છે. જેમના પેરન્ટ્સ ખૂબ કડક હોય એવાં અમુક બાળકો રિબેલ પણ બને છે. બળવાખોર સ્વભાવને કારણે ખોટી આદતો તરફ તેઓ વળી જાય છે. જો તમારું બાળક અતિ શાંત હોય, કંઈ વાત જ ન કરતું હોય, મૂરઝાયેલું લાગતું હોય કે પછી ખૂબ ગુસ્સો કરતું હોય તો બન્ને કેસમાં એ સમજવું કે તમે ખૂબ વધુ કડકાઈ વાપરી રહ્યા છો અને તમને તમારી પેરન્ટિંગ સ્ટાઇલ બદલવાની જરૂર છે.’ 

નરમ હોવાનું નુકસાન

આજનું જે લિબરલ પેરન્ટિંગ છે જેમાં બાળકની દરેક વાતને માન આપવામાં આવે છે, તેને પૂરી છૂટ છે અને કોઈ રોકટોક નથી એને કારણે પણ બાળકને નુકસાન થાય જ છે. એ વિશે વાત કરતાં હરપ્રીત સિંહ કહે છે, ‘આ પ્રકારના પેરન્ટિંગને કારણે બાળક ક્યારેય માતા-પિતાની વાત સાંભળતું નથી. જ્યારે ખરેખર બાળકને ગાઇડ કરવાની જરૂર છે ત્યારે તે કોઈ પણ બહારની વ્યક્તિની વાત માનશે, પણ તમારી નહીં. આજનાં બાળકો એટલે જ સલાહ માટે કોઈ ઇન્ફ્લુઅન્સર પાસે જાય છે, Chat GPT પાસે જાય છે; પણ માતા-પિતા પાસે જતાં નથી. એમાં નુકસાન એ છે કે બાળક માર્ગ ભટકી શકે છે અને માતા-પિતા સાથેનું તેનું કનેક્શન નબળું પડે છે.’

ચાર પ્રકાર

‘ધિસ બુક વિલ નૉટ ટીચ યુ પેરન્ટિંગ, બટ ઇટ વિલ મેક યુ અ બેટર પેરન્ટ’ નામની બુકનાં લેખક, સાઇકોથેરપિસ્ટ અને પેરન્ટિંગ કોચ રિરી ત્રિવેદી જણાવે છે કે પેરન્ટિંગને કયા ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે.

 ઑથોરિટેરિયન - આ એ પ્રકારનું પેરન્ટિંગ છે જેમાં પેરન્ટ્સ કહે એમ જ થવું જોઈએ. એમાં બાળકને કોઈ સવાલ પૂછવા દેવાની આઝાદી હોતી નથી. કહ્યું એટલે થઈ જવું જોઈએ એ પ્રકારની અપેક્ષા માતા-પિતાને બાળકથી હોય છે.

 ઑથોરિટેટિવ - આમાં પેરન્ટ્સ બાળકને એક માળખું આપે છે જેની અંદર તેણે રહેવું જરૂરી છે. પેરન્ટ્સને બાળકથી શું અપેક્ષા છે એ તેઓ ક્લિયરલી બાળકને જણાવે છે પણ સામે બાળકને ભરપૂર પ્રેમ અને ઉષ્માથી ઉછેરે છે. બાળક માટે શું જરૂરી છે, તેની ઇચ્છાઓ શું છે એની પણ કાળજી રાખે છે. તેને સપોર્ટ કરે છે.

 પર્મિસિવ - અહીં પેરન્ટ્સની બાળક પાસે કોઈ ડિમાન્ડ નથી. બાળક સાથે તે કોઈ માથાકૂટ કરવા માગતા નથી. બાળકે આમ જ કરવું અને આમ ન કરવું એવું કશું નથી. તેને જેમ કરવું હોય એની બધી તેને છૂટ હોય છે.

 અનઇન્વૉલ્વ્ડ - આ પ્રકારનાં માતા-પિતા પોતાના જીવનમાં અતિ વ્યસ્ત છે. તેમને ખબર જ નથી કે બાળકોના જીવનમાં શું ચાલે છે અને એ બાબતે તેમને કોઈ ચિંતા પણ નથી એટલે તે નથી કડક કે નથી નરમ. બાળકથી ફિઝિકલી અને ઇમોશનલી ઘણાં દૂર છે.

કયા પ્રકારનું પેરન્ટિંગ યોગ્ય ગણાય એ વિશે વાત કરતાં રિરી ત્રિવેદી કહે છે, ‘બીજા નંબરનું ઑથોરિટેટિવ પેરન્ટિંગ યોગ્ય ગણાય. કઈ બાબતમાં કડક રહેવું અને કઈ બાબતમાં નરમ એ તો દરેક માતા-પિતાએ પોતે વિચારવાનું, જેમ કે અમુક ઘરોમાં પૂજા કરવી મહત્ત્વની છે તો એ બાબતે કડક રહી શકાય. અમુક ઘરોમાં માતા-પિતાને એવો આગ્રહ નથી હોતો તો એ બાબતે તે નરમ રહે તો ચાલે. મહત્ત્વનું એ છે કે તમારા મુજબ ઘરના નિયમો કે જીવનના મૂળભૂત નિયમો તો તમારે તેને બાંધી જ આપવા પડે. બાળકને મોટા થવા માટે એક માળખું તો જોઈએ. આટલું તો કરવાનું જ છે એ તેને સમજાવું જોઈએ. આ સિવાય શિસ્ત કેળવવી ખૂબ જ જરૂરી છે. એની સામે બાળકની ઇચ્છાઓ, તેના વિચારને પણ અવગણવાની જરૂર નથી. એને પ્રગટ કરવાની છૂટ તેને હોવી જોઈએ. પછી એ અયોગ્ય લાગે તો એના પર ચર્ચા કરીને નિર્ણય લઈ શકાય અને એ સમયે માતા-પિતાને ‘ના’ બોલતાં પણ આવડવું જોઈએ. આમ બૅલૅન્સ બેસાડવું જરૂરી છે.

columnists gujarati mid day mumbai Jigisha Jain