હૅન્ગિંગ બ્રિજ (પ્રકરણ ૨)

22 November, 2022 11:17 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘કજરી, આઇ વિશ-’ અનન્યાએ ભાષા બદલી, ‘હું પ્રાર્થના કરીશ કે અખિલનાં માવતર તમારાં લગ્ન માટે માની જાય’

હૅન્ગિંગ બ્રિજ (પ્રકરણ ૨)

‘‍વા...ઉ! ઇટ્સ બ્યુટિફુલ’
કારમાંથી ઊતરી અનન્યા દોડીને બ્રિજ નજીક પહોંચી ગઈ. શનિની આજની સાંજે અહીં ખાસ ભીડ નહોતી. આભમાં સંધ્યાનો સોનેરી પ્રકાશ, ચારે બાજુ ગીચ વનરાજી અને ઊંડાણમાં વહેતી નદી પર લાકડાનો ઝૂલતો પુલ!
એના પ્રતિભાવે અક્ષત મલકી પડ્યો. 
ધરમપુરની ધરા સાવ અજાણી નથી રહી. પાછલા ત્રણેક મહિનામાં પ્રોજેક્ટ લિસ્ટ કરવા ઘણી વાર આવવાનું બન્યું છે. ક્યારેક મારી સાથે તો ક્યારેક મારા વિના મલ્હાર પણ આવી જાય... અહીંની જનજરૂરિયાત સમજી ત્રણ પ્રોજેક્ટ ફાઇનલ કર્યા છે : ચિકિત્સાલયનું આધુનિકીકરણ, શાળાનું નવીનીકરણ અને હૅન્ગિંગ બ્રિજની મરમ્મત! આ માટેની જરૂરી સરકારી મંજૂરીઓ પણ મેળવી લેવાઈ છે.
અમારી કંપની વતી હૉસ્પિટલ-શાળા અને હૅન્ગિંગ બ્રિજનાં કામો કાલિદાસની કંપની કરશે. એના એન્જિનિયર્સ સ્કિલ્ડ છે. 

ગઈ સવારે દાદાજીએ ત્રણે પ્રોજેક્ટની જવાબદારી મને સોંપી, ડેડલાઇન પણ આપી દીધી - દોઢ મહિના પછી કંપનીની પચાસમી ઍનિવર્સરી આવે છે, એ દહાડે આપણે ત્રણે પ્રોજેક્ટને લોકો માટે ખુલ્લા મૂકીશું! 
ધરમપુરના પ્રોજેક્ટ્સમાં હૅન્ગિંગ બ્રિજનું સાંભળી અનન્યા એને નિહાળવા ઉત્સાહી હતી., આજે કાલિદાસની કંપની સાથે વિધિવત્ ઍગ્રીમેન્ટ માટે આવવાનું હતું એના એક રાતના રોકાણમાં મારા-મલ્હાર ભેગી અનન્યા પણ જોડાઈ... બે દિવસ પછી શુભ મુરતમાં કામ શરૂ થશે એટલે અઠવાડિયામાં ત્રણ દિવસ હું અહીં રહીશ. રાતવાસો વલસાડના ઘરે કરવાનો છું એટલે તો આજે એ ઘરની પણ સફાઈ થઈ રહી છે.

આમ બધું ગોઠવાતું જાય છે, દિવસ આખો કાલિદાસની ઑફિસમાં ઍગ્રીમેન્ટમાં ગયો. સાંજે પરવાનગી મળતાં જ અનન્યાની હૅન્ગિંગ બ્રિજ જોવાની અધીરાઇ ઊછળી. અમારી સાથે આવવાને બદલે મલ્હાર જોકે વલસાડની હોટેલ પર રોકાયો છે - મારે થોડું ઊંઘવું છે!
તેનું નહીં આવવાનું કારણ ગળે ઊતર્યું નહોતું. અનન્યાને મારી સાથે એકલી મોકલવા મલ્હાર તૈયાર થયો એની પાછળ જરૂર કોઈ ગણતરી હોવી જોઈએ!
‘અક્ષત-’ અનન્યાના સાદે અક્ષત વિચારમેળો સમેટી તેની લગોલગ ઊભો રહ્યો.
‘અક્ષત, બ્રિજની બિસમાર હાલત દેખીતી છે. એની મરમ્મ્તનો આપણો પ્લાન શું છે?’
અનન્યાનો સવાલ સાંભળી ત્યાંથી પસાર થતી મજૂરણ બાઈ થંભી ગઈ.

‘કેવળ મરમ્મત નહી, અનન્યા.. આ બ્રિજની તો કાયાપલટ થઈ જવાની. નવી ટેક્નૉલૉજીનું બેસ્ટ સસ્પેન્શન, વરલીના સી-લિન્ક જેવી ઊંચી રંગબેરંગી કમાનોથી પુલ શોભી ઊઠશે, મજબૂત એવો કે સાઇકલ પણ પસાર થઈ શકશે...’
‘તો-તો તમારો ઉપકાર, સાહેબ!’
મજૂરણ બોલી ઊઠી. સ્વચ્છ, સુઘડ અને ચણિયાચોળી ઓઢણીના પોશાકમાં અત્યંત ઘાટીલી લાગતી યુવતીને અક્ષત-અનન્યા બે પળ તો જોઈ જ રહ્યાં.
તે કજરી હતી.
‘અખિલ કહેતો’તો મને કે મુંબઈના શેઠ પુલનું સમારકામ કરાવવાના... આ પુલથી અમારો કલાકનો ચકરાવો બચી જાય છે.’
‘અખિલ?’ અનન્યાએ પૂછતાં કજરીના ગાલે શેરડા પડ્યા.
lll

કૉન્ટ્રૅક્ટર કાલિદાસના મુકાદમ અખિલ અને કજરીની પ્રણયગાથા અનન્યા-અક્ષતને સ્પર્શી ગઈ. દાદાજીની પુણ્યતિથિ નિમિત્તે ગઈ કાલે મોરબી જવા નીકળેલા અખિલના વિરહમાં હિજરાતી કજરી અજાણ્યા સમક્ષ હૈયું ઉઘાડી બેઠી એ ખરેખર તો અખિલને સંભારવાની નિશાની હતી. 
‘કજરી, આઇ વિશ-’ અનન્યાએ ભાષા બદલી, ‘હું પ્રાર્થના કરીશ કે અખિલનાં માવતર તમારાં લગ્ન માટે માની જાય.’
કજરી લજાઈ. મુંબઈથી આવેલાં શેઠ-શેઠાણી બહુ નેકદિલ લાગ્યાં.
‘ઈશ્વર તમારી જોડી સલામત રાખે.’ કહી કજરી તો નીકળી ગઈ, પણ હૃદયના ઊંડાણમાંથી નીકળેલી તેની દુઆએ અક્ષત-અનન્યાને સ્થિર કરી દીધાં. નયનમાં પ્રીતનો ઝંઝાવાત ઊમડ્યો. આજ સુધી આંખોથી પુછાતો સવાલ અનન્યાએ આજે હોઠોથી પૂછી લીધો - હજુ ક્યાં સુધી મૂંગા રહેશો અક્ષત? મને તો દાદાજીની આમન્યા રોકે છે, તમને કયું બંધન છે?
‘હું પણ દાદાજીનું જ વિચારી બૅકફૂટ પર આવી જાઉં છું, અનન્યા...’
અક્ષતની ચોખવટ અનન્યાને શાતા અર્પી ગઈ : અક્ષતને હું પસંદ છું એટલું તો ક્લિયર થયું!
આની ખુમારીમાં પ્રણયની પહેલ કરતી હોય એમ અનન્યાએ અક્ષતની નિકટ સરકી તેના ખભે માથું ટેકવ્યું. અનાયાસે અક્ષતનો હાથ તેની ફરતે વીંટળાયો.
તેમના એ પ્રથમ આલિંગનનો સાક્ષી બન્યો હૅન્ગિંગ બ્રિજ! એના રિનોવેશનમાં આગળ શું થવાનું એની ત્યારે ક્યાં ખબર હતી?
lll

ઑલ સેટ! 
અક્ષત-અનન્યા ફરવા નીકળ્યાં કે વલસાડની હોટેલમાં રોકાયેલા મલ્હારે પોતાનું મુખ્ય કામ હાથમાં લીધું. અગાઉની વિઝિટમાં તેણે કામનો માણસ તારવી રાખેલો તે કાલિદાસની કંપનીના સિવિલ એન્જિનિયર દાંડેકરને મળી બાજી ગોઠવી દીધી!
‘તમે નચિંત રહો, મલ્હારસાહેબ...’ શેઠે આપેલી બે હજારની થોકડીઓ પૅન્ટના ગજવામાં સરકાવતાં ચાલીસેક વરસના આધેડ દાંડેકરે ખાતરી ઉચ્ચારી, ‘ઝૂલતો પુલ નવો બનશે ખરો, પણ ટકશે નહીં!’
મલ્હારની સમક્ષ તૂટી પડતો પુલ ને નદીમાં ખાબકતા લોકોનું કલ્પનાચિત્ર તરવરી ઊઠ્યું.
આ હોનારતનો હાહાકાર તારું સર્વ કંઈ છીનવી લેવાનું, અક્ષત... તારો ખુદનો આત્મવિશ્વાસ, તારી પ્રતિષ્ઠા, શેઠજીનો તારા પરનો ભરોસો અને અનન્યાનો પ્યાર...પછી અનન્યાને મારી થતાં કોઈ નહીં રોકી શકે! 
અને મલ્હારના ચહેરા પર જીતની ખંધાઈ તરવરી ઊઠી.
lll

‘તેં અખિલને કહ્યું તો નથીને? છોકરો કશી વાતે મૂંઝાતો હોય એમ લાગેલું.’
શનિની રાત્રે રૂમમાં એકલાં પડતાં જ દયાનંદભાઈએ પત્ની સમક્ષ થડકો જતાવ્યો. નંદિનીબહેને ડોક ધુણાવી,
‘મનેય એવું જ  કંઈક લાગ્યું. પણ ના, તમારી વાત તો હજુ મેં તેને કરી જ નથી.’
ટીવી બંધ કરી મેડીનાં પગથિયાં તરફ વળતો અખિલ દરવાજાની ફાટમાંથી સરી આવેલા માતાના વાક્યે તેમના રૂમના બારણે થંભી ગયો. માએ પપ્પાની કઈ વાત મને નથી કરી?
ધરમપુર ગયા પછી ગામ આવવાનું ઘટતું ગયું. આવવાનું થાય તો પણ એક-બે દિવસની ઊડતી મુલાકાતો હોય. દાદાજીની તિથિ નિમિત્તે આવ્યો છું તો કજરી બાબત મમ્મી-પપ્પાનું મન ટટોળવાનો ઉદ્દેશ્ય પણ રમ્યા કરે છે. કજરીને પોતે તરાશી છે. અક્ષરજ્ઞાનથી એનામાં ભાષાશુદ્ધિ આવી છે, એના સંસ્કારમાં તો આમ પણ કહેવાપણું ક્યાં છે? છતાં તેની વાત માવતરને કહી શકતો નથી એની મૂંઝવણ તેમને પરખાઈ એ ખરું, પણ માએ પિતાજી વિશેની કઈ વાત મને કહેવાની રહી ગઈ છે? અખિલે કાન સરવા કર્યા. આમ કોઈની બંધબારણાની ચર્ચા સાંભળવી છાજે નહીં, પણ મમ્મી-પપ્પા દીકરાથી તેમની તકલીફ જ છુપાવે એટલે જાણવું જરૂરી છે.

‘બગલમાં તમને નીકળેલી નાનકડી ગાંઠ ટીબીની પણ હોઈ શકે, બાયોપ્સી કરાવ્યા વિના કૅન્સર હોવાનો ધ્રાસકો અખિલને શું કામ આપવો?’
ગાંઠ. કૅ...ન્સર! અખિલના બદનમાંથી કંપારી પસાર થઈ ગઈ. દાદાને કૅન્સર નીકળ્યું, તેમનો મોટી હૉસ્પિટલમાં ઇલાજ ન કરાવી શક્યો, એનો વસવસો આજેય છે. હવે થોડી ઘણી બચત ખરી, તોય શ્રેષ્ઠ ઇલાજ તો પહોંચ બહાર જ ગણાય. રે ઈશ્વર, શા માટે ફરી આ પરીક્ષા? તારે મને પતનમાં જ ધકેલવો હોય તો ગમે એટલું ખોટું કરીને પણ હું પિતાનો ઇલાજ કરાવીશ. પિતાને તો હું દાદાની જેમ જવા નહીં દઉં!

‘છોકરો મૂંઝવણમાં છે, પણ શરીરે ભરાયો છે...’ મા મલકી, ‘લાગે છે તેનું ધ્યાન રાખનારી કોઈ મળી ગઈ છે.’
સાંભળીને અખિલનો આક્રોશ સરી ગયો, નસોમાં મીઠું કંપન પ્રસરી ગયું. એક પળ તો થયું અંદર જઈ પ્રીતનો ભેદ ખોલી દઉં... પણ ના, ન્યાતજાત વિનાની કન્યાને મમ્મી-પપ્પા વહુ તરીકે સ્વીકારી શકે ખરાં? મારું મન રાખવા તેઓ ઝૂકી જાય, પણ અંતરની અણખટ કજરીના પૂર્ણ સ્વીકારમાં અંતરાયરૂપ રહે એ મને મંજૂર નથી. મા-પિતાજી તેમની મનમરજીથી કજરીને અપનાવી લે તો કેવું! આવો ચમત્કાર સંભવ છે ખરો?
આનો જવાબ અખિલને બીજી સવારે જ મળી ગયો.
lll

‘ગાંડી થઈ છે, સુરભિ? જુવાન દીકરી પર આવા જોરજબરદસ્તી થતાં હશે!’
વહેલી સવારે તૈયાર થઈ અખિલે મેડીનાં પગથિયાં ઊતરી જોયું તો ત્રીજા ઘરે રહેતા મહેતાઅંકલ-સુરભિઆન્ટી તેમની બાવીસ વરસની દીકરી સૃષ્ટિને લઈને આવ્યાં હતાં, મુદ્દો હતો પરન્યાતના જુવાન સાથેનુ તેનું પ્રેમપ્રકરણ! 
દયાનંદભાઈ-નંદિનીબહેનની સૂઝનો આડોશપાડોશમાં દાખલો દેવાતો. સૃષ્ટિ ઊતરતી જાતિના જુવાનને પ્રેમ કરે છે જાણી પિતાએ ફિટકારી, માએ બે દહાડા રૂમમાં પૂરી તોય તેણે તંત ન મૂકતાં સમજાવટ માટે અખિલને ત્યાં લઈ આવ્યાં...  વિગત જાણી મા-બાપ ઊલટાં મહેતાદંપતીને સમજાવે છે એ જોઈ અખિલ એકાગ્ર બન્યો. 
‘જમાઈની ન્યાત આપણા કરતાં નીચી છે, આપણે ઉચ્ચ વર્ણનાં છીએ - આ બધા અઢારમી સદીના ખ્યાલો છે, સુરભિ, તું એ જો કે છોકરો ભણેલો છે, સારું કમાય છે, સૃષ્ટિ કહે છે એમ તેના પર પ્રાણ પાથરે છે... એકની એક દીકરીનાં માવતરને બીજું શું જોઈએ?’
માની દલીલ અખિલમાં જુદો જ ઝળહળાટ પ્રેરતી હતી.
‘સૃષ્ટિએ ધાર્યું હોત તો પ્રેમી સાથે ભાગીને પરણી શકત... પણ તેણે તમને કહેવાની હામ કરી, તેની પસંદમાં ખોટ નહીં હોય તો દીકરીને જોઈતું સુખ આપી દો, એ તમારું અદકેરું સુખ બની રહેવાનું!’

‘છોકરામાં બીજું કંઈ કહેવાપણું નથી...’ 
‘તો પછી કરો કંકુના!’ 
મા-પિતાની સમજાવટે સૃષ્ટિના પેરન્ટ્સ પરન્યાતના જમાઈને સ્વીકારવા તૈયાર થયાં એ ચમત્કાર જેવું જ લાગ્યું અખિલને. હવે દેર નથી કરવી. પાડોશીઓના જતાં જ તે બોલી ઊઠ્યો.
‘મમ્મી, પપ્પા; હમણાં તમે જે કહ્યું એ કેવળ અંકલ-આન્ટીને મનાવવા ખાતર હતું કે પછી તમે સાચે જ એમાં માનો છો?’
‘અખિલ?’ પિતાએ નારાજગી જતાવી, ‘જેમાં અમે માનતાં ન હોઈએ એવી સલાહ બીજાને શું કામ આપીએ?’
‘બસ, તો તો મારી કજરીને સ્વીકારી લો.’
હાથ જોડી ઘૂંટણિયે બેઠેલા દીકરાને મા-બાપ અચરજભર્યાં નેત્રે જોઈ રહ્યાં.
lll

‘...અને માતાજી-પિતાજી માની ગયાં?’
કજરીને વિશ્વાસ નહોતો બેસતો. 
રવિની મોડી રાત્રે પરત થયેલા અખિલે આવતાંવેંત મને ઊંચકી લઈ આ કેવા ખબર આપ્યા! વૈતરણી પાર કરવા જેવું કામ આમ રમત-રમતમાં થઈ જતું હશે! 
ત્યાં તો અખિલે નવો મોબાઇલ ધર્યો, ‘જો, માએ તારા માટે ખાસ મોબાઇલ મોકલ્યો, હવે રોજ વાત કરજો સાસુ-વહુ’ કહી એમાંથી જ વિડિયોકૉલ જોડ્યો.
‘પા...પાય લાગુ, માતાજી’ કજરી સાચે જ વાંકી વળી, પાછળ પિતાને જોઈ માથે ઓઢણીનો ઘૂંઘટો તાણ્યો.
‘છોકરીમાં કપટ નથી’ પિતાજી મલક્યા.
‘અખિલની પસંદમાં અમને શ્રદ્ધા છે, બેટી.’ આશીર્વાદ દઈ નંદિનીબહેન બોલ્યાં, ‘તું તો આ સંબંધમાં રાજી છેને?’
સગપણમાં કન્યાની મરજીને પણ એટલું જ મહત્ત્વ આપનારાં દીકરાનાં માવતર કેટલાં? કજરી આ એક સવાલમાં જિતાઈ ગઈ. 
‘તમારો દીકરો તો મારો શ્વાસ છે માડી. તેની-તમારી ચાકરી જ મારો ધર્મ.’
આમા દંભ નહોતો. મા-બાપના જીવ ટાઢા થયા. 

અને કૉલ કટ કરતાં જ કજરીએ અખિલને ચૂમીઓથી ભીંજવી દીધો.
ખુશીના માહોલમા એક બાબત હજુ રહી જાય છે. અખિલના ચિત્તમાં પડઘો પડ્યો : પિતાજીની માંદગી! પપ્પા-મમ્મીએ તો મને હજુ ગાંઠ વિશે કહ્યુ જ નથી. ટેસ્ટમાં રખેને અણગમતું નીકળે એ ધ્રાસકાએ મેં પણ વાત ન ઉખેળી.. ખેર, પપ્પાને કૅન્સર નહીં જ હોય એવી શ્રદ્ધા રાખીને પણ મારે હવે યેનકેન પ્રકારે પૈસો ભેગો કરવો છે. ના, આમાં અમીરીની ભૂખ નથી, લક્ષ્મીની નરી ઘેલછા નથી. પૈસાને કારણે પોતાના પ્રિય દાદાજીનો સરખો ઇલાજ ન કરાવી શક્યાનો વસવસો, પપ્પા પર તોળાતો બીમારીનો હાઉ મને પ્રેરી રહ્યો છે, પણ આવું બધું કહી કજરીને શું કામ સંતાપમાં નાખવી? 
અને તાણ વિસારી અખિલે કજરીને ભીંસી દીધી.
lll

‘વેરી ગુડ.’
સોમની સવારે ધરમપુરની વિઝિટના બ્રીફિંગથી ત્રિભુવનદાદા સંતુષ્ટ બન્યા : આવતા મહિનાની અઢાર તારીખ ને રવિવારની ઓપનિંગ ડેટ ચુકાય નહીં. અનન્યા, હવે અક્ષતની વલસાડની વિઝિટ વધશે એટલે કામનું ભારણ વધશે, હોં બેટા.
‘હું છુંને, દાદાજી.’ મલ્હારે તરત ટાપશી પૂરતાં દાદાજી મનમાં જ મલક્યા : આવું જ કંઈક વિચારી પોતે અક્ષતને ધરમપુરનો ચાર્જ આપ્યો હતો... કામના ભારણના બહાને પણ અનન્યા-મલ્હાર નજીક આવે એથી રૂડું શું?  ‘અફકોર્સ-’ ત્રિભુવનભાઈએ કહ્યું, ‘તમે છો એટલે મને ચિંતા નથી.’
ચિંતા તમારે કરવાની પણ નથી... બસ, ધરમપુરનો ઝૂલતો પુલ તૂટે ત્યારે અક્ષતને ચોક્કસ જગ્યાએ લાત મારી ખદેડી મૂકજો, દાદાજી એમાં મને બધું મળી ગયું!
મનમાં બોલતા મલ્હારના કપટનો કોઈને અણસાર પણ ક્યાંથી હોય! 

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff