19 April, 2023 01:10 PM IST | Mumbai | Rashmin Shah
નૉન-વેજ (પ્રકરણ ૩)
‘તેરા બાપ કરતા ક્યા હૈ?’
સૂમસામ રોડ પર ગાડી પાર્ક થઈ અને રંગાએ ગૌરવને બહાર ખેંચી લીધો. ગાડીની પાછલી સીટમાં બેઠેલી છાયા કોઈ કાંડ ન કરે એવા હેતુથી રંગાએ બિલ્લાને પાછળ બેસાડ્યો હતો. પાષણ હૃદયના બન્ને હરામખોર એ ભૂલી ગયા હતા કે નાનો ભાઈ જ્યાં સુધી તે હરામીઓ પાસે છે ત્યાં સુધી મોટી બહેન છાયા કોઈ પ્રકારની હિંમત નહોતી કરવાની. ખબર પણ ક્યાંથી હોય? આવી સામાન્ય વાત સમજવા બુદ્ધિની નહીં પણ લાગણીની જરૂર હતી અને એનો તે બન્નેમાં અભાવ હતો.
‘આર્મી મેં થા...’ ગૌરવે કહ્યું અને રંગાના પેટમાં ફાળ પડી, ‘અભી રિટાયર હુએ...’
હવે અહીંથી પૈસા નીકળે નહીં આ થઈ એક વાત અને બીજી વાત, આર્મી મૅનનાં આ બન્ને બાળકો સરળતાથી કાબૂમાં નહીં આવે એનો અનુભવ તો તે બન્ને ઑલરેડી કારમાં કરી ચૂક્યા હતા.
‘તું રુક...’ રંગા અવળો ફર્યો અને બીજી જ ક્ષણે તેણે ગૌરવને કહ્યું, ‘અગર કુછ કિયા તો યાદ રખના તેરી બહન હમારે પાસ હૈ...’
ગૌરવે હકારમાં મસ્તક નમાવ્યું એટલે રંગાએ ગાડી તરફ પગ ઉપાડ્યા.
હવે ગાડીની અંદરનું દૃશ્ય ગૌરવને પણ દેખાતું હતું. અંધકારને કારણે એ દૃશ્યમાં કોઈ સ્પષ્ટતા નહોતી, પણ અંદર થતી ઝપાઝપી તે જોઈ શકતો હતો.
lll
ગાડીની પાછળની સીટમાં બેઠેલો બિલ્લા જાત પર કાબૂ રાખી શક્યો નહીં અને તેણે છાયાની છાતી પર હાથ મૂક્યો કે તરત જ છાયાએ બિલ્લાને ફડાકો ઝીંકી દીધો.
સટાક...
‘સાલ્લી મા...’
ગાળ સાથે બિલ્લાએ પોતાના શરીરની તમામ તાકાત એકઠી કરીને છાયા પર હુમલો કર્યો અને એ હુમલામાં છાયાએ પહેરેલી કુર્તીનો આગળનો ભાગ આખો ચિરાઈ ગયો. ઉપરનું વસ્ત્ર ફાટતાં જ છાયાએ પહેરેલાં અંદરનાં આંતરવસ્ત્રો બહાર ઝળક્યાં અને બિલ્લાના શરીરમાં રહેલો રાક્ષસ જાગ્યો. તેણે ફરી વાર છાયાની છાતી પર હાથ નાખ્યો. આ વખતે તેણે એ આંતરવસ્ત્રો ખેંચવાની કોશિશ કરી, જેનાથી બચવા માટે છાયાએ પગથી બિલ્લાને લાત મારી અને જેવી તેણે લાત હવામાં ઉડાડી કે બીજી જ ક્ષણે બિલ્લાએ છાયાનો પગ પકડી લીધો.
છાયામાં હિંમત હતી, ક્ષમતા હતી; પણ એમાં ક્યાંક ને ક્યાંક અબળાપણું પણ ઝળકતું હતું જે બિલ્લા જેવા રાક્ષસની સામે ટકી રહેવાનું નહોતું.
lll
બહેન સાથે કારમાં થતી ઝપાઝપી જોઈને ટીનેજ પર આવીને ઊભેલા ગૌરવમાં ગુસ્સો ભભૂક્યો અને તેણે આજુબાજુમાં નજર કરી.
નસીબજોગે તેનાથી એકાદ ફુટ દૂર પાણીનો ગૅલ્વેનાઇઝ્ડ પાઇપ પડ્યો હતો.
ગૌરવે સ્ફૂર્તિ સાથે ઝપટ મારીને એ પાઇપ ઉપાડ્યો અને સીધો જ રંગા પર હુમલો કર્યો. જે સમયે ગૌરવે હુમલો કર્યો એ સમયે રંગા કાર તરફ જતો હતો એટલે તેની પીઠ ગૌરવ તરફ હતી.
ગૌરવે મારેલો ઘા રંગાના માથાના પાછળના ભાગમાં લાગ્યો. ઘામાં તાકાત હતી, પણ એ તાકાત રંગા જેવા પડછંદ માટે ટૂંકી હતી.
ધાડ...
રંગાના માથા પર ઘા આવતાં રંગાને ક્ષણવાર માટે ચક્કર આવ્યાં, પણ પછી તરત જ તેણે જાત પર કાબૂ મેળવ્યો. જે સમયે તેણે જાત પર કાબૂ મેળવ્યો એ સમયે તેને દેખાયું કે ગૌરવ દોડતો કાર તરફ આગળ વધી રહ્યો છે.
રંગાએ પણ પગમાં ગતિ પકડી અને લાંબી ડાંફ સાથે ગૌરવ પાસે પહોંચીને તેણે ગૌરવને કમરથી ઝાલી લીધો.
જાતને બચાવતી છાયાનું ધ્યાન એ સમયે માત્ર પોતાના પર કેન્દ્રિત હતું. ભાઈ સાથે થતી આ ઝપાઝપીથી તે અજાણ હતી.
ગૌરવને પાછળના ભાગથી કમરથી પકડીને રંગા સીધો પાસે આવેલી ઝાડીમાં ઘૂસ્યો, પણ ગૌરવ કોઈ હિસાબે કાબૂમાં આવે એવું લાગતું નહોતું. ગૌરવને શાંત કરવા રંગાએ તેને બે ફડાકા ઝીંકી દીધાં. ગૌરવની આંખમાં આંસુ આવી ગયાં. જોકે એ આંસુમાં પીડાનો ભાવ નહીં, આક્રોશની ગરમી સ્પષ્ટ વર્તાતી હતી.
થપ્પડ પડ્યા પછી પણ ગૌરવે ક્ષણનોય વિલંબ કર્યો નહીં અને તે ફરી ઊભો થયો. સામે પડછંદ રંગા હતો. બહેન સુધી પહોંચવા માટે તેણે રંગાને પાર કરવાનો હતો. ગૌરવે આજુબાજુમાં જોયું. તેને મળેલો પેલો ગૅલ્વેનાઇઝ્ડ પાઇપ ક્યાંક પડી ગયો હતો. ઊંડો શ્વાસ લઈને તેણે મનોમન નક્કી કર્યું કે હવે કોઈની જરૂર નથી.
બે હાથની મુઠ્ઠીઓ બંધ કરી ગૌરવે સીધી દોટ રંગા તરફ મૂકી અને જેવો એ રંગાની નજીક પહોંચ્યો ત્યાં...
ખચાક...
રંગાએ તૈયાર રાખેલો મટન કાપવાનો છરો તેનાં આંતરડાં ચીરતો પીઠમાંથી બહાર નીકળ્યો. ગૌરવ એ પછી પણ હિંમત નહોતો હાર્યો. જીવનની એ અંતિમ ક્ષણોમાં તેણે પોતાના દાંત ફરી એક વાર રંગાની છાતી પર બેસાડી દીધા અને એ જ અવસ્થામાં તેનો જીવ ગયો. ગૌરવની એ બત્રીસીની નિશાની રંગા જીવ્યો ત્યાં સુધી તેની છાતી પર રહ્યા, જે એક બહેન માટે રાખડી પછી આપેલી બિક્ષસ હતી.
lll
‘ભાઈ તો ગયા...’ ગૌરવને માર્યા પછી રંગાએ જ કહ્યું હતું, ‘નૉન-વેજ અભી ઝિન્દા હૈ... થોડા ખચપચ-ખચપચ કર લે...’
‘અબ આયા પિઠ્ઠુ પહાડ કે અંદર...’ બિલ્લા ખુશ થઈ ગયો, ‘મન તો મેરા ભી બહોત હૈ... ક્યા ચીઝ બનાયી હૈ ભગવાનને...’
‘તેરા અભી તક નહીં હૂઆ...’
આ પણ વાંચો : નૉન-વેજ (પ્રકરણ ૨)
‘વો તો ટ્રેલર થા...’ બિલ્લાએ આંખ મીંચકારી, ‘અભી ઉસને ચીખેં કહાં દી હૈ...’
માર અને હવસને કારણે લોહીલુહાણ થયેલી છાયાને બિલ્લાએ પગથી ખેંચી, ગાડીની બહાર કાઢી...
‘ગૌર...’
‘હૈ, તેરી હી રાહ દેખ રહા હૈ...’
રંગાએ છાયાનો કબજો હાથમાં લઈને વિકૃતિ સાથે તેના શરીર પર હાથ ફેરવ્યો. છાયાએ કોઈ પ્રતિકાર કર્યો નહીં. તેનો જીવ નાના ભાઈમાં અટવાયેલો હતો.
‘આ આગે...’ રંગાએ ઝાડી તરફ હાથ કર્યો, ‘વહાં તેરી રાહ દેખતા હૈ...’
વાત સાચી હતી. ગૌરવ ત્યાં હતો. ફરક માત્ર એટલો હતો કે તેનામાં જીવ નહોતો. ભાઈના દેહને જોઈ છાયાને ચક્કર આવી ગયાં અને પછડાટ સાથે તે ત્યાં જ ફસડાઈ પડી. ઑલમોસ્ટ અર્ધબેહોશ એવી છાયા પર રંગાએ બે વખત અને બિલ્લાએ ચાર વખત રેપ કર્યો. છાયામાં શ્વાસ લેવાની પણ કોઈ ત્રેવડ રહી નહીં. જો એમ જ તેને ત્યાં મૂકીને રંગા-બિલ્લા નીકળી ગયા હોત તો પણ કદાચ છાયા બચી ન હોત, પણ રંગાને ડર હતો કે ખાસ્સો સમય સુધી તે બન્નેને નજીકથી જોનારી છાયા જો પોલીસ સમક્ષ વર્ણન કરી દેશે તો તે બન્ને પકડાઈ જશે.
‘ઝિન્દા રખના પાપ હૈ બિલ્લા...’
‘તો માર પર એક શર્ત પે...’ બિલ્લાએ છાયાના નગ્ન શરીર પર નજર કરીને રંગાને કહ્યું, ‘દૂધ કે કેન સાથ લે લે... કલ નૉન-વેજ કી યાદ આયી તો કામ લગેંગે.’
‘જો આજ્ઞા મેરે પ્રભુ...’
છાયાના શરીર પાસે બેસીને રંગાએ છરો હાથમાં લીધો. તેની આંખો છાયાનાં વક્ષઃસ્થળ પર હતી અને બરાબર એ જ સમયે ઝાડીમાં સળવળાટ થયો.
જાણે કે ઝાડીમાંથી વંટોળ બહાર ફેંકાયો હોય એ રીતે આવેલા એ ધક્કાએ સૌથી પહેલાં તો રંગાને માથાના ભાગથી ઉપાડીને હવામાં ફંગોળ્યો અને પછી બિલ્લા તરફ જોયું. બિલ્લાની આંખો મોટી થઈ ગઈ.
ઝાડીમાંથી બહાર બીજું કોઈ નહીં, એક ગાય આવી હતી.
જો એ રાતે એ ગાય ન આવી હોત કે પછી એ ગાયે આગેવાની ન લીધી હોત તો પોલીસની બેદરકારીથી દરેક ક્ષણે અટવાતો રહેલો આ કેસ ક્યારેય સામે આવ્યો ન હોત અને આરોપી રંગા-બિલ્લા પણ ક્યારેય કાયદાના કબજામાં આવ્યા ન હોત.
lll
ગૌરવે મારેલી પાઇપ અને એ પછી ગાયે પણ મારેલી એ જ ઘા પરની ઢીંકને કારણે રંગાનું પેઇન વધી ગયું હતું તો લોહી પણ બંધ થતું નહોતું.
‘નહીં સહન થાય...’ રંગાએ કારમાં બેઠાં-બેઠાં જ કહ્યું, ‘લે લે હૉસ્પિટલ...’
બિલ્લાએ હૉસ્પિટલ તરફ ગાડી દોડાવી. જોકે ગાડી હૉસ્પિટલમાં દાખલ કરતાં પહેલાં તેણે ચોરેલી એ ગાડી રસ્તા પર અવાવરું કારની જેમ મૂકી દીધી તો સાથોસાથ તે બન્ને લૂંટાયા હોય એવું સાબિત કરવાના પણ પુરાવા પણ ઊભા કરી લીધા, જેમાં બિલ્લાના ધ્યાનમાંથી છાયાની રિસ્ટ-વૉચ રહી ગઈ, જે રંગાએ પહેરી હતી.
જો હૉસ્પિટલમાં બિલ્લાએ વાત સાચવી ન લીધી હોત તો બન્ને પકડાઈ ગયા હોત, પણ કહે છેને કે સારો સ્ટોરીટેલર એ જ હોય જે જૂઠું બોલવામાં માહેર હોય.
lll
છાયા અને ગૌરવની હત્યા એ રંગા-બિલ્લાની સાથે કરેલી નવમી હત્યા હતી તો બિલ્લાનું આ નવમું મર્ડર અને અગિયારમો રેપ હતો.
છાયા પર મલ્ટિપલ રેપ અને એ પછી તેનું અને નાના ભાઈ ગૌરવનું મર્ડર કરી, હૉસ્પિટલમાં રંગાની પાટાપિંડી કરાવીને રંગા-બિલ્લાએ દિલ્હી છોડી દીધું. તે બન્નેએ દિલ્હી છોડ્યું ત્યાં સુધી તો હજી છાયા-ગૌરવને શોધવાની તપાસ પણ દિલ્હી પોલીસે શરૂ નહોતી કરી, જે આ દેશની સૌથી મોટી કરુણતા હતી.
lll
હી... હી... હૈય...
ગાયો સાથે આગળ વધતા નોએડાના હરદીપ ભરવાડની ગાયોના ધણને ભડકાવવાનું કામ એક અજાણી ગાયે કર્યું. સામેથી દોડતી આવતી ગાય આખી રાત આમ જ ભટકતી રહી હતી, પણ ત્યાંથી પસાર થતા કોઈ વાહને એના વર્તન કે વ્યવહાર પર ધ્યાન આપ્યું નહીં. આપે પણ ક્યાંથી? એ તો બાપડા એવું જ ધારતા હતા કે ગાય ભડકી છે; પણ ના, એવું નહોતું. એ એક મેસેજ આપવા માગતી હતી; પણ એનો મેસેજ એ જ સમજી શકવાનું હતું જે ગાયો સાથે રહ્યો હોય, ગાયો સાથે રહેતો હોય.
પરોઢ થતાં ગાયોને ચરાવવા નીકળેલા હરદીપની ગાયો-ભેંસો ભડકી એટલે હરદીપનું ધ્યાન પેલી આકરી થયેલી ગાય પર ગયું. હરદીપે ગળામાંથી બુચકારા કર્યા અને એ બુચકારાએ આકરી થયેલી ગાયને જરાતરા શાંત કરવાનું કામ કર્યું.
‘ક્યા હૂઆ...’ ગાયની નજીક જઈને હરદીપે એની ગરદન પર પ્રેમથી હાથ ફેરવ્યો, ‘ક્યૂં પરેશાન હૈ?’
ગાયે એક દિશામાં જોઈને ભાંભરડાં નાખ્યાં એટલે હરદીપે અનુમાન માંડ્યું કે ગાયનો માલિક ત્યાં હશે. સાપ-વીંછી જેવું કંઈ કરડ્યું હશે એટલે આ ગાય માલિકને બચાવવા તરફડિયાં મારતી હશે. આવી જ ધારણા સાથે હરદીપે એ દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું જે દિશામાં એ ગાયે ઇશારો કર્યો હતો.
હરદીપ એ દિશામાં ચાલવાનો શરૂ થયો એટલે ગાયને પણ જાણે કે સાંત્વન થયું હોય એમ એણે પણ એ તરફ દોટ મૂકી અને એ હરદીપથી આગળ થઈ ગઈ.
ગાયની પાછળ ચાલતા હરદીપે હવે પગમાં ઉતાવળ ભરી.
‘આ રહા હૂં... જરા સબ્ર રખ...’
એક વખત હરદીપે પાછળ ફરીને પણ પોતાનાં ઢોરને પણ જોઈ લીધાં હતાં. એ બધાનું ધ્યાન પણ માલિકની દિશામાં હતું. એ આગળ વધતાં નથી એ વાતનું આશ્વાસન લઈને હરદીપ પેલી ગાયની પાછળ ઝાડીમાં દાખલ થયો અને દાખલ થતાંની સાથે જ તેની આંખો સામે જે દૃશ્ય આવ્યું એ દૃશ્યએ તેને ધ્રુજાવી દીધો.
સામે બે લાશ પડી હતી.
કિશોરના પેટમાંથી આંતરડાં બહાર ખેંચાઈ આવ્યાં હતાં અને એના પર માખી બણબણતી હતી તો તે છોકરાથી પાંચેક ફુટ દૂર પડેલી સત્તરેક વર્ષની છોકરીના શરીર પર એક પણ વસ્ત્ર નહોતું અને તેને જાણે કે કોઈએ ફોલી ખાધી હોય એમ તેના આખા શરીર પર બચકાંઓની નિશાની હતી, જેમાંથી અમુક બચકાંમાંથી નીકળેલું લોહી થીજી ગયું હતું.
શરીરમાં પ્રસરેલી અરરાટી પર કાબૂ મેળવીને હરદીપ ઝાડીમાંથી બહાર નીકળ્યો. તાત્કાલિક પોલીસને જાણ કરવી જરૂરી હતી, જેના માટે કોઈ વાહન રોકવું જરૂરી હતું.
ગાયો-ભેંસના ધણને એની ભાષામાં સમજાવી, રસ્તા પર બેસાડીને હરદીપ રસ્તાની બરાબર વચ્ચે ઊભો રહી ગયો. પાંચેક મિનિટમાં રિક્ષા નીકળી. ઇચ્છા ન હોય તો પણ રસ્તો રોકીને ઊભેલી ગાયો-ભેંસોને કારણે ડ્રાઇવરે રિક્ષા રોકી અને હરદીપ સીધો એમાં ચડી ગયો.
‘જલ્દી પોલીસ સ્ટેશન લે...’ ડ્રાઇવર કશું કહે એ પહેલાં જ હરદીપે કહ્યું, ‘જલ્દી કર... યહાં દો ખૂન હૂએ હૈ...’
ક્ષણનો વિલંબ કર્યા વિના રિક્ષાએ યુ-ટર્ન લીધો અને રંગા-બિલ્લાની કિસ્મતનો અંતિમ સમય શરૂ થયો.
વધુ આવતી કાલે