અઘોર નગારાં વાગે (પ્રકરણ ૨)

21 March, 2023 03:54 PM IST  |  Mumbai | Rashmin Shah

થોડા સમય પછી બહારથી જ અમને ખબર પડી કે મમ્મીએ પછી પેલા અઘોરી સાથે મૅરેજ કરી લીધાં અને પછી તે પોતાના આ સેકન્ડ હસબન્ડ સાથે વડોદરામાં મારાં નાનીનો જે બંગલો હતો ત્યાં શિફ્ટ થઈ ગઈ.

અઘોર નગારાં વાગે (પ્રકરણ ૨)

‘સીધી વાત અને કોઈ જાતનાં નાટક નહીં...’
‘ડન સર...’ 
વિવેકે સોમચંદની સામે હાથ જોડ્યા. સમય અને સંજોગોને સમજીને સોમચંદ પાછા વળી ગયા. તેમની આંખો સંજના પર હતી. સંજનાની આંખો ભીની થઈ ગઈ હતી. રાતે લીધેલા ટકિલાના શૉટ્સનું હૅન્ગઓવર હતું તો મનમાં ચાલતો વિષાદ પણ હવે ઘેરો થવા માંડ્યો હતો. સુપરમૉડલ હોવાનું સ્ટેટસ મનમાંથી ઊતરતું નહોતું એટલે થોડી-થોડી વારે એ વર્તનમાં ઉમેરાઈ જતું હતું.
‘અઘોરીની વાત ચાલતી હતી...’ ફરીથી સોફા પર બેસતાં સોમચંદે વાતને રીકનેક્ટ કરી, ‘જો રિઝલ્ટ જોઈતું હોય તો જેટલી ઝડપથી વાત કરશો એટલું ઝડપથી રિઝલ્ટ આવશે. સ્ટાર્ટ...’
વિવેકના મનમાં ચાલતું સ્ટ્રેસ દૂર કરવાનું કામ સંજનાએ વાત શરૂ કરીને કર્યું.

‘મારી મમ્મીનું કૅરૅક્ટર થોડું લૂઝ હતું.’ સંજનાની નજર નીચી હતી, ‘એક તો મમ્મીનું કૅરૅક્ટર અને ઉપરથી ચંદ્રાસ્વામીની થોડી લાલચ કે તે દીકરો આપશે. આ વાત થઈ ત્યારે મારા પપ્પા હાજર હતા, પણ તેમને એમ કે કોઈ મેડિસિન કે મંત્રોચ્ચાર એવો હશે જેનાથી મમ્મીની દીકરાની ઇચ્છા પૂરી થાય.’
‘બન્નેનું મળવાનું કેવી રીતે શરૂ થયું?’

‘પપ્પાના ઘણા ક્લાયન્ટ આફ્રિકાના એટલે તેમને વારંવાર આફ્રિકા જવાનું બને. તે ફૉરેન જાય ત્યારે ચંદ્રાસ્વામી ઘરે આવે અને પછી બન્ને કલાકો સુધી રૂમમાં ભરાયેલાં રહે. તેમનો એ ખેલ નિયમિત થઈ ગયો. સિસ્ટર્સમાં હું મોટી. મને તે માણસ ઘરમાં આવતો એ ગમતું નહીં, પણ મારી એજ એવી હતી નહીં કે હું કંઈ કહું કે બોલું... પણ એક વખત મેં જ રસ્તો કાઢ્યો...’ સંજનાએ પહેલી વાર સોમચંદની સામે જોયું, ‘મેં પપ્પાને વાત કરી અને પપ્પા ફૉરેનના નામે અમદાવાદ જઈને બે દિવસમાં પાછા આવી ગયા. મમ્મીને મનમાં હતું નહીં કે પપ્પા આવશે. એટલે તે તો ચંદ્રાસ્વામીને ઘરે બોલાવીને તેમની રંગરેલિયાં...’
સંજના અટકી ગઈ એટલે સોમચંદે વાત આગળ વધારી...
‘બન્ને રંગેહાથ પકડાયાં...’

‘હા અને એ પછી બન્નેના ઝઘડા વધવા માંડ્યા. ચંદ્રાસ્વામીએ તો અમારા બધાની હાજરીમાં જ મારા પપ્પાને કહી દીધું હતું કે જો તું કોઈ હોશિયારી કરીશ તો અત્યારે જ તને લોહીની ઊલટીઓ કરાવી-કરાવીને મારી નાખીશ...’
‘ધતિંગ...’ ઇચ્છા નહોતી તો પણ સોમચંદથી બોલાઈ ગયું, ‘પછી શું થયું?’
‘ઘરમાં ઝઘડા વધતા જતા હતા. અમે પણ બધું સમજતા હતા. ઘરનું વાતાવરણ સાવ બગડી ગયેલું અને એનો અમને પણ ઘરમાં જબરદસ્ત ત્રાસ છૂટતો હતો. છતાં પપ્પા સારા હતા. તે અમને સાચવી લેતા. જોકે મમ્મીને તો બસ પેલા બાવા વગર જાણે બીજું કોઈ દેખાતું જ નહોતું.’ 
હવે સંજના રડી પડી. સોમચંદે ઇશારો કરીને વિવેકને પાણી આપવા કહ્યું. વિવેકે પાણીનો ગ્લાસ ભરી આપ્યો, જે સંજના એકશ્વાસે પી ગઈ.
‘પછી?’

‘નથિંગ સર...’ સંજનાનું ગળું હજી ભરાયેલું હતું, ‘મારે વાત નથી કરવી.’
‘જુઓ, તમે જે વાત કરો છો એ તમારા હિતમાં જ નહીં પણ સોસાયટીના હિતમાં પણ છે... આના જેવા કેટલાય બાવાઓ છે જે આપણા દેશની મહિલાઓને...’
‘દેશસેવાનો મારો કોઈ મૂડ નથી...’
‘જાત પર તો ઉપકાર કરી શકોને?’ સોમચંદે કહ્યું, ‘તમારાં મમ્મી ક્યાં છે એની તમને ખબર નથી અને ચંદ્રાસ્વામી તમને જવાબ આપવાનો પણ નથી... તો જો વાત કરશો તો જ કંઈક રસ્તો નીકળશે.’

‘શૉર્ટમાં કહી દઉં...’ સંજનાએ ફરી મક્કમતા હાંસલ કરી, ‘ત્રણેક વર્ષ પછી મમ્મી-પપ્પાના ડિવૉર્સ થઈ ગયા. મમ્મી અમને લઈ જવા માગતી નહોતી અને પપ્પા પણ એવું ઇચ્છતા નહોતા એટલે અમે પપ્પા પાસે રહ્યાં. થોડા સમય પછી બહારથી જ અમને ખબર પડી કે મમ્મીએ પછી પેલા અઘોરી સાથે મૅરેજ કરી લીધાં અને પછી તે પોતાના આ સેકન્ડ હસબન્ડ સાથે વડોદરામાં મારાં નાનીનો જે બંગલો હતો ત્યાં શિફ્ટ થઈ ગઈ. એ બંગલો મારી મમ્મીને વારસામાં મળ્યો હતો એટલે એ મમ્મીની માલિકીનો છે. મમ્મીનાં મૅરેજ થયાં ત્યારે અમે બહેનોએ પપ્પાને જ સપોર્ટ કરેલો. કહ્યું એમ મારી સિસ્ટર તો મમ્મીનું મોઢું પણ જોવા માગતી નહોતી. ટીનેજ દીકરીઓની ઉંમર પ્રેમમાં પડવાની હતી અને એ સમયે મારી મમ્મી પોતે... અને એ પણ કોના? પેલા અઘોરી, ઢોંગી બાવાના...’

‘માણસને કુબુદ્ધિ ત્યારે જ સૂઝે જ્યારે તેનું અહિત થવાનું શરૂ થતું હોય...’ સોમચંદે સંજના સામે જોયું, ‘પછી શું થયું એ વાત કરો...’
‘શરૂઆતમાં તો અમને બહારથી ખબર પડતી કે તે બન્ને બહુ સારી રીતે જીવે છે. મારાથી ક્યારેક રહેવાતું નહીં તો હું મમ્મીને ફોન કરતી. શરૂઆતમાં તેણે પણ અંતર જાળવી રાખ્યું, પણ પછી મારી સાથે વાત કરવાની તેણે શરૂ કરી. અમે ક્યારેક-ક્યારેક વાતો કરતાં અને એ પછી હું દિલ્હી શિફ્ટ થઈ તો તે મને મળવા ત્યાં પણ બે-ત્રણ વાર આવી. અમારી વચ્ચે નૉર્મલ રિલેશનશિપ શરૂ થઈ. મેં તેને માફ કરી દીધી અને તેણે મને ફ્રેન્ડ તરીકે સ્વીકારી લીધી. તેની વાત પરથી ક્યારેક મને લાગતું કે તેને પસ્તાવો થાય છે, પણ તે પોતે ટૉપિક ચેન્જ કરી નાખતી અને હું પણ એ વિશે વધારે પૂછતી નહીં.’
‘તેની દીકરાની ઇચ્છા...’

‘ક્યારેય પૂરી ન થઈ...’ સંજનાએ કહ્યું, ‘કદાચ એટલે જ તેનો પેલા બાવાનો મોહ ઊતરી ગયો હતો અને કદાચ એટલે જ મને મળીને તેને રાહતનો અહેસાસ થતો. એવું તે પોતે પણ કહેતી કે તને મળીને મને નિરાંત થાય છે.’ 
‘છેલ્લે તમે ક્યારેય મળ્યાં?’

આ પણ વાંચો: અઘોર નગારાં વાગે (પ્રકરણ ૧)

‘લાસ્ટ યર...’ સંજનાએ ચોખવટ કરી, ‘૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં. તે મારા પ્રોગ્રેસથી બહુ ખુશ હતી. તેની ઇચ્છા મારી સાથે રહેવા આવવાની હતી અને મેં પણ કોઈની બીક રાખ્યા વિના તેને કહી દીધું કે તું અહીં મુંબઈમાં મારી સાથે રહે. મેં કહ્યું એના બે દિવસ પછી તેનો ફોન આવ્યો કે પંદરેક દિવસમાં તે મારી સાથે થોડો સમય રહેવા આવશે. એ જ ફોનમાં તેણે મને એ પણ કહ્યું કે રૂબરૂ આવશે ત્યારે ઘણી પર્સનલ વાતો પણ શૅર કરશે.’

‘મમ્મી રોકાવા ન આવી. રાઇટ?’ સંજનાએ હા પાડી એટલે સોમચંદે પૂછ્યું, ‘ન આવવાનું કારણ શું આપ્યું?’
‘વાત થાય તો ખબર પડેને?!’ સંજનાની વાતમાં હવે સોમચંદને રસ પડ્યો, ‘મમ્મીનો ફોન ન આવ્યો એટલે એકાદ વીક પછી મેં તેને ફોન કર્યો તો મમ્મીનો મોબાઇલ નો રિપ્લાય થયો. મેં ઘરે ફોન કર્યો તો ફોન પેલા હરામખોરે રિસીવ કર્યો. મેં મમ્મી વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે મમ્મી સુરત ગઈ છે. મેં થોડા દિવસ એમ જ પાસ કર્યા અને પછી ફરીથી ફોન કર્યો. મોબાઇલ નો રિપ્લાય થયો એટલે મેં ઘરે ફોન કર્યો અને ઘરે પેલા હરામખોરે મને કહ્યું કે મમ્મી હૈદરાબાદ કોઈનાં મૅરેજમાં ગઈ છે. ફરી બે-ચાર દિવસ પછી ફોન કર્યો તો અઘોરીએ કહ્યું કે મમ્મી પ્રેગ્નન્ટ છે અને તેને દીકરો થવાનો છે.’
સંજનાએ સહેજ દાંત ભીંસ્યા...

‘ચંદ્રાસ્વામીએ એ ફોનમાં મને કહ્યું કે જે વિધિથી દીકરો થવાનો છે એ વિધિના કેટલાક નિયમ છે અને નિયમ મુજબ હવે તારી મમ્મી છોકરીઓ સાથે વાત કરવા માગતી નથી, છોકરીઓ સાથે વાત કરવાથી અપશુકન થાય એમ છે. એ સાંભળીને મારું તો દિમાગ હટી ગયું સર. પુરુષો જન્મે લેડીઝની કૂખેથી અને લેડીઝને જ અપશુકનિયાળ સાબિત કરે. આ તે કંઈ રીત છે...’ 
સંજનાના મોઢેથી ગુજરાતી ગાળ નીકળી ગઈ, પણ આ વખતે એનો વિરોધ સોમચંદે કર્યો નહીં. તેના મનમાં પણ એ જ ગાળ ચાલતી હતી.
‘પછી શું થયું?’

‘મેં થોડા મહિના ફોન કર્યો જ નહીં, પણ એક વાર ફોટોશૂટ માટે મારે બરોડા જવાનું થયું ત્યારે હું સીધી ત્યાં ઘરે પહોંચી ગઈ... મન તો નહોતું, પણ નીકળતી વખતે મને થયું કે ઍટ લીસ્ટ જઈને મારી માને એટલું કહી આવું કે આજે તારા નામનું સાચે જ નાહી નાખવાની છું... પણ ઘરે ગઈ તો ત્યાં ચંદ્રાસ્વામી એકલો હતો. તે હરામખોરે મને કહ્યું કે મમ્મી બાળકની ડિલિવરી માટે ન્યુ યૉર્કની રુઝવેલ્ટ હૉસ્પિટલમાં દાખલ થઈ છે. રુઝવેલ્ટમાં મારા કૉન્ટૅક્ટ્સ છે. હૉસ્પિટલના ડીન મારા ફ્રેન્ડ જેવા છે. એ હૉસ્પિટલ માટે મેં મૉડલિંગ કૅમ્પેન કર્યું હતું. મને થયું કે એ જ જગ્યાએ મમ્મી છે તો ઍટ લીસ્ટ હું જાણ કરી દઉં કે ભલે તને દીકરી ન ગમે; પણ તારી દીકરી માટે આ હૉસ્પિટલ ઘરની છે, કોઈ કામ હોય તો મને કહેજે...’
‘મમ્મીએ હેલ્પ લીધી?’

‘ક્યાંથી લે? મમ્મી ત્યાં હોવી તો જોઈએ...’ સંજનાએ વાત આગળ વધારી, ‘હૉસ્પિટલના સ્ટાફમાંથી મને ખબર પડી કે એ નામની એક પણ વ્યક્તિ હૉસ્પિટલના મૅટરનિટી ડિપાર્ટમેન્ટમાં નથી. મેં બરાબર તપાસ કરવા કહ્યું અને પછી ડાયરેક્ટલી ડીનને પણ વાત કરી તો તેણે પણ કહ્યું કે આવું કોઈ અહીં નથી... મને બરાબરનો ગુસ્સો આવ્યો. મેં ચંદ્રાસ્વામીને ફોન કર્યો તો સાલ્લો મીંઢાની જેમ ફોન પર જ હસવા લાગ્યો. મને કહે કે મારે તો તારી માની ઇચ્છા મુજબ ચાલવાનું હતું.’
‘મીન્સ?’

‘મીન્સ એમ કે મારી મમ્મીના કહેવાથી જ ચંદ્રાસ્વામીએ મને ખોટી માહિતી આપી હતી. મને ખરેખર મમ્મી પર બહુ ગુસ્સો આવ્યો. મેં થોડો સમય ફરીથી પસાર કર્યો અને એ દરમ્યાન મારે એક અવૉર્ડ ફંક્શન માટે ફરી બરોડા જવાનું થયું. ફંક્શન પહેલાં હું મમ્મીના ઘરે ગઈ; પણ ન તો મને મારી મા મળી, ન તો મને કોઈ ઇન્ફર્મેશન.’ સંજના સ્વરમાં ભરપૂર ચિંતા અને પીડા હતી, ‘એ પછી તો બીજી બે-ત્રણ વાર પણ હું ઘરે જઈ આવી; પણ સેમ, ન તો મમ્મી મળી કે ન તો તેનો કોઈ ફોન આવ્યો.’

‘કદાચ તે તમને મળવા નહીં માગતી હોય.’ સોમચંદે ધીમેકથી તારણ આપ્યું, ‘પૉસિબલ તો છે જ...’
‘હા, પણ મને પેલા હરામખોર પર જરા પણ વિશ્વાસ નથી...’ સંજનાએ કહ્યું, ‘મને ડાઉટ છે...’
 ‘તો હવે તું શું કરવાનું વિચાર છે?’

‘ઑનેસ્ટલી કહું તો કંઈ સમજાતું નથી.’ સંજનાએ મૂંઝવણથી બે હાથ વચ્ચે માથું દબાવી દીધું, ‘ક્યારેક થાય છે કે જઈને એ બાવાને બે ફડાકા મારીને તેની પાસેથી સાચું બોલાવું અને ક્યારેક થાય છે કે પોલીસને કહીને તપાસ કરું, પણ પોલીસમાં તેના કૉન્ટૅક્ટ બહુ સારા છે... પૉલિટિકલી પણ બહુ સ્ટ્રૉન્ગ છે.’
‘આપણે એટલે તો સોમચંદસરને બોલાવ્યા છે...’ વિવેકે ધીમેકથી કહ્યું, ‘મારા અંકલ ધનંજય દેસાઈની ડૉટર સાથે ઇશ્યુ થયો હતો ત્યારે તેમણે પણ સરને જ બોલાવ્યા હતા. સંજના, કોઈને વાત નહીં ખબર પડે અને આપણને સાચી વાતની પણ ખબર પડી જશે... ડોન્ટ વરી.’

‘સમજાવવાની જરૂર નથી...’ સોમચંદ શાહ ઊભા થયા, ‘કેસ તો હવે ઑન થઈ ગયો છે. સંજના રૉયની હા હોય તો ઑફિશ્યિલ કામ થશે અને જો ના હશે તો...’
‘તો?’

‘તો અનઑફિશ્યલી રીતે તપાસ થશે, પણ તપાસ તો થશે જ...’ સોમચંદ શાહે મોબાઇલમાં ટાઇમ જોયો, ‘બાવાને કહી દો, હિઝ ટાઇમ સ્ટાર્ટ્સ નાઓ...’

વધુ આવતી કાલે

columnists Rashmin Shah