વિઘ્નહર્તા (પ્રકરણ-૨)

30 August, 2022 04:21 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘થૅન્ક્સ ભાભી, આ મુદ્દો છેડવા બદલ. મારે આપ સૌને કંઈક કહેવું છે. આઇ થિન્ક આઇ લાઇક સમવન’

વિઘ્નહર્તા (પ્રકરણ-૨)

લજ્જા શાહ.
પતિ-દિયર સાથે અંધેરી જવા નીકળેલી અનન્યા મનના મરોડ ઉઘાડા ન રહી જાય એની સાવધાની સાથે વાગોળી રહી -
સાસુ ઉષાબહેનનું સમાજમાં મોટું નામ. ખાસ તો નાની વયે પતિને ગુમાવ્યા બાદ હિંમત હાર્યા વિના તેમણે કુનેહથી રેડીમેડ ગાર્મેન્ટ્સનો વેપાર સંભાળ્યો, બે દીકરાને એકલે હાથે મોટા કર્યા એનો દાખલો દેવાતો. સિદ્ધાંતચુસ્ત, નીતિમત્તામાં માનનારાં ઉષાબહેનની કેવળણીમાં કહેવાપણું હોય જ નહીં. બે ભાઈઓમાં પાંચેક વર્ષનો વયભેદ એટલે પણ આદર્શ માથી વધુ મોટા ભાઈનો લાડકો.
અજય ભણીગણી વેપાર-દુકાન સંભાળતો થયો પછી ઉષાબહેન એમાં માથું મારતાં નહીં. ચાર વર્ષ અગાઉ તેનાં લગ્ન માટે પાત્ર શોધ દરમ્યાન ઉષાબહેન બહુ ખબરદાર રહેલાં. ‘અમારે સાંતાક્રુઝમાં દરિયા સામે મોટું ઘર છે. ચાર માળના અપાર્ટમેન્ટમાં આખો ત્રીજો માળ અમારો છે, એમાં વહુઓને ખપતી પ્રાઇવસી પણ મળી રહેશે, બાકી રહેવાનું તો સંયુક્ત કુટુંબમાં જ. મારા જીવતેજીવ તો અજય-આદર્શ છૂટા નહીં જ પડે!’ 
પોતાની એષણા તેમણે છુપાવી નહોતી. ‘અત્યારે સારું પાત્ર મળે છે તો હામાં હા ભળ્યે રાખ્યે, પછી વરજીને પલોટી જુદાં ક્યાં નથી થવાતું’ એવી વિચારસરણી સાથે કંકુપગલા માંડતી કન્યાઓ પ્રત્યે તેમને ભારોભાર રોષ. એવું પાત્ર અજયને ન ભટકાય એની સાવધાની સાથે તેમણે અનન્યાને પસંદ કરી હતી.
ખાર રહેતાં અને શૅરબજારનું કામકાજ કરતાં મધુરભાઈ-વીણાબહેન સ્થિતિસંપન્ન. તેમની બે દીકરીઓ. ફૅશન ડિઝાઇનિંગનું ભણેલી મોટી અનન્યા રૂપવતી હતી, સંસ્કારમઢી લાગી. અજયને એક નજરમાં ગમી ગયેલી કન્યા સાથે સગપણ નક્કી ઠેરવ્યા પછી વેવિશાળથી લગ્ન સુધીના છ મહિનાના ગાળામાં ઉષાબહેને એટલું પારખી લીધું કે છોકરીમાં બે ભાઈઓમાં ફૂટ પડાવવાનો ગુણ તો નથી જ. આદર્શને તો ભાભીનું દાઝે જ છે, અનન્યા પણ બે ભાઈઓમાં ભળી ગઈ છે. મને બીજું શું જોઈએ! 
લગ્ન પછી ઉષાબહેન તેને દીકરીના લાડથી રાખે. ક્યારેક ઊઠવામાં મોડું થાય કે રસોઈમાં આમતેમ થાય તોય ઠપકાનો શબ્દ નહીં. ફૅશન ડિઝાઇનિંગનું તેનું ગમતું કામ કરવાની પણ છૂટ.
‘મને તો લાગતું જ નથી હું સાસરે રહું છું!’
પિયરમાં અનન્યા ઊલટભેર કહેતી. દીકરીનું સુખ મા-બાપને પોરસાવતું. એમાં ત્રણેક મહિના અગાઉ અનન્યાની નાની બહેન બરખા ગ્રૅજ્યુએટ થઈ કે વીણાબહેને મોટીના કાને વાત નાખેલી : હવે થોડા વખતમાં આપણે બરખા માટે પાત્ર શોધવાનું થશે. બહુ દૂર શું કામ જવું? તારો દિયર ખરોને!
અનન્યાને ઇશારો કાફી હતો. આદર્શ માટે તેને લાગણી ખરી અને તેની લાયકાતમાં તો સંદેહ જ ક્યાં હતો? ભણીગણી તે પણ ભાઈ જોડે વેપારમાં ઘડાયો છે એટલે લગ્ન માટે તૈયાર પણ ગણાય... બરખા ડાહી છે, રૂપાળી છે. બહેન જ દેરાણી બનીને આવે તો ઘરનો સંપ પણ જળવાઈ રહે!
‘તું ચિંતા ન કર મા, હું યોગ્ય મોકો જોઈ મમ્મીજી સમક્ષ વાત મૂકીશ, પણ તું બરખાને પૂછી રાખજે. તેને તો આદર્શ પસંદ છેને?’
‘એ મેં પૂછી લીધું, તેની હા છે.’
‘તો તો પછી કરો કંકુના!’
અનન્યાને ખાતરી હતી કે મારી ભલામણ પછી આદર્શનો ઇન્કાર હોય જ નહીં, ને મા તો રાજી થવાનાં જ!
પહેલાં તેણે પતિને વિશ્વાસમાં લીધો. અજયને પણ આમાં કશું વાંધાજનક લાગ્યું નહીં, એથી અનન્યાનો ઉત્સાહ બેવડાયો. અને હજુ ગયા મહિને મોકો જોઈ ઉષામા સમક્ષ વાત મૂકી : મા, હવે આદર્શભાઈને પરણાવી દઈએને! દેરાણી આવે તો ઘરની રોનકને ચાર ચાંદ લાગે! 
‘તેં તો મારા મનની વાત છીનવી લીધી, વહુ,’ હીંચકે બેસી સોપારીની કાતરી પાડતાં ઉષાબહેનનો હરખ ઊછળી આવ્યો, ‘દેરાણી શોધવાની જવાબદારી જેઠાણીની ગણાય, અનન્યાવહુ.’ એ પછી અંતરની અબળખા દર્શાવી દીધી, ‘બાકી ઘરની રોનકને ચાર ચાંદ તો પાલણુ ઝૂલે એથીયે લાગે એમ છે. જોજો, આ મામલે દેરાણી તારાથી આગળ ન નીકળી જાય!.’
અનન્યા સહેજ શરમાઈ.
‘વાઉ, ભાભી, ગુડ ન્યૂઝ છે?’ થોડા ઘણા શબ્દો દુકાનેથી આવેલા આદર્શના કાને પડ્યા હશે એમાંથી ભળતું જ તારણ કાઢી આદર્શે ધમાલ મચાવી. અજય પઝલ્ડ હતો. ઉષાબહેને માંડ આદર્શને ઠંડો પાડ્યો - આમ ઊછળ નહીં. તને ચાચુ બનવાના ખબર નથી, આ તો તારી ભાભી તને ઘોડે ચડાવવા માગે છે!
પછી વહુને કહ્યું - આજે આપણે ન્યાતના ફંક્શનમાં જવાનું છે વહુ, તમારે સૌએ હજી તૈયાર થવાનું છે. કાલે નિરાંતે આ વિષય પર વાત કરીએ...
આજની વાત કાલ પર ઠેરવવામાં બરખાનું પત્તું કપાયું ને પેલી લજ્જા આગળ આવી ગઈ!
અત્યારે પણ અનન્યાનો જીવ ચચરી ઊઠ્યો.
ન્યાતના ફંક્શનમાં ઉષામા મોટા ભાગે કમિટીમાં હોય એટલે અમારે પણ પ્રથમ રૉમાં બેસવાનું થાય. કાંદિવલીમાં આવેલી વાડીમાં શામિયાણો બંધાયો હતો. વાર્ષિક હિસાબની રજૂઆત, તેજસ્વી તારલાઓનાં સન્માન, મુખ્ય મહેમાનની સ્પીચ જેવા રૂટિન વચ્ચે આ વખતે મનોરંજનનો પ્રબંધ પણ કરાયો હતો. કોઈ શાયરી બોલી જાય, કોઈ જોક સંભળાવે એમ ‘હવે લજ્જા શાહ લતાજીનાં ગીતોની મેડલી રજૂ કરશે’ની જાહેરાત થઈ, અરે, સિમ્પલ એવી યલો ગ્રીન કુર્તીમાં પણ અત્યંત મારકણી દેખાતી કન્યા અમારી આગળથી જ પસાર થઈ સ્ટેજનાં પગથિયાં ચડી ત્યારે અણસાર સુધ્ધાં નહીં કે પોતાની રજૂઆતથી તે સીધી દિયરજીના હૈયે ઊતરી જશે!
બેશક, તેનું પર્ફોર્મન્સ વખાણવાયોગ્ય હતું. ફંક્શન પછી ખાણીપીણીના કાર્યક્રમ દરમ્યાન કોઈ તેના માટે બોલતું પણ હતું કે : સાવકી મા જેને બૂંદિયાળ કહી વગોવે છે એ છોકરીની ટૅલન્ટ તો જુઓ!
બસ, આટલી જ વાત. ફંક્શનમાં મળેલાં પપ્પા-મમ્મીને પોતે કહેલું પણ ખરું કે કાલ સવારે વાત પાકી કરી, ખુશખબર આપું છું!  
પણ હાય રે. બીજી સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠક લઈ પોતે દિયરનાં લગ્નની પ્રસ્તાવના બાંધી કે આદર્શ બોલી પડ્યો -
‘થૅન્ક્સ ભાભી, આ મુદ્દો છેડવા બદલ. મારે આપ સૌને કંઈક કહેવું છે. આઇ થિંક આઇ લાઇક સમવન.’
હેં. અનન્યાને સૌથી વધુ ફાળકો પડ્યો.
‘લજ્જા.’
દીકરાએ પસંદની ઓળખાણ આપતાં પહેલો પ્રતિભાવ ઉષામાનો આવ્યો, ‘મને છોકરી ગુણવંતી લાગી. બૅન્ક મૅનેજર નયનભાઈની દીકરીને? તેમણે તારા પિતાને બિઝનેસમાં લોન માટે એ સમયે ઘણી મદદ કરેલી... ભગવાનના માણસ.’
અનન્યાને બાજી સરકતી લાગી.
‘મા, પણ છોકરી અપશુકનિયાળ તરીકે વગોવાઈ છે.’
‘એવું તો કાલે મેં પણ સાંભળ્યું...’ કહી ઉષામાએ ડોક ધુણાવી, ‘પણ હું એવામાં માનતી નથી. એમાં આ તો સાવકી માએ ફેલાવેલી વાત. એમ તો હુંય નાની ઉંમરે વિધવા બની, એથી કોઈ મને બૂંદિયાળનું લેબલ ઠોકી દે તો તમે માનો ખરાં!’
માએ વિરોધનો મુખ્ય મુદ્દો જ ઉડાવી દીધો ત્યારે અનન્યાથી ન રહેવાયું, ‘એ કેમ બને મા? હું આદર્શભાઈ માટે મારી બહેન બરખાનો પ્રસ્તાવ મૂકવાની હતી!’
હેં.
મુત્સદ્દી ગણાતાં ઉષાબહેન પણ મૂંઝાયાં. ના, આદર્શ માટે બરખા તેમના ધ્યાનમાં નહોતી, પણ છોકરી બધી રીતે લાયક ગણાય એમાં બેમત નથી. પાછી વહુની જ બહેન. દેરાણી-જેઠાણી તરીકે બે બહેનો હોય તો ભાઈઓમાં ભાગલા પડવાથી રહ્યા.
‘મેં પપ્પા-મમ્મીને પ્રૉમિસ કર્યું છે, અરે, બરખાને પણ કહી દીધું છે કે આદર્શ મને તો ના નહીં જ પાડે!’
‘એ તેં ખોટું કર્યું વહુ.’ ઉષાબહેને તરત જ ઠપકાભેર કહ્યું, ‘આદર્શને પૂછ્યા વિના તું વચન આપી જ કેમ શકે? આદર્શની બરખા માટે હા હોય ને તે લજ્જાને જોઈ ફરી જાય તો તેનો કાન ખેંચનારી હું બેઠી છું, પણ તેના હૈયે લજ્જા હોય ને કેવળ તે ભાભીનું મન રાખવા અન્યત્ર પરણે એ ચલવી પણ ન લઉં. તું તો ઠાવકી છે વહુ. આવા સંબંધનું આયુષ્ય શું એ સમજી જ શકીશ. આદર્શ પરણે બરખાને ને તેના દિલમાં લજ્જા હોય એ પરિસ્થિતિ બરખાને પણ સ્વીકાર્ય નહીં હોય.’
‘આઇ ઍમ સૉરી ભાભી.’
આદર્શની દિલગીરી સાચી, પતિએ પણ એ જ મતલબનું સમજાવ્યું કે લગ્ન પરાણે ન હોય... પિયરમાં મા-બાપ સમજ્યાં, અરે, બરખાએ ખુદ કહ્યું - આદર્શને બીજું પાત્ર ગમ્યું હોય તો ઇટ્સ ઓકે વિથ મી. હું ક્યાં તેને પ્રેમ કરતી હતી!
છતાં અનન્યાનું મન માનતું નથી.
જે જગ્યા મારી બહેનની હોવી જોઈતી’તી ત્યાં બીજું તો કોઈ કેમ જ આવે! લજ્જા તો નહીં જ.
જાણે-અજાણે લજ્જા પ્રત્યે દ્વેષ ઘૂંટાતો રહ્યો. ઘરમાં તેણે ભલે દાખવ્યું કે પોતે બરખાના ડ્રૉપ થયાથી અપસેટ નથી, દેરાણીને આવકારવા આતુર છે, ભીતર જુદાં જ વમળ સર્જાતાં. ઉષાબહેન લજ્જાના રિપોર્ટ મેળવવા માંડ્યા, લજ્જા અભાગણી તરીકે વગોવાઈ એ સાચું, પણ લોકોને એમાં તેની સાવકી મા કૌશલ્યાનો દ્વેષ કારણભૂત લાગતો ને ઉષાબહેન માટે આમેય એનું મહત્ત્વ નહોતું. ગયા અઠવાડિયે તેમણે નયનભાઈ સાથે વાત કરતાં તે અવાક્ બન્યા - મારી દીકરીને તમારી ઓથ મળે ઉષાબહેન તો માની ખોટ સરભર થાય!
પિતાના આ વાક્યમાં ઘણુંબધું કહેવાયું ને ઉષાબહેન એ સમજી પણ ગયાં. રવિના આજના શુભ મુરતમાં છોકરા-છોકરી મળી લે એવું ગોઠવાયું. 
સંભવ છે રૂબરૂ મુલાકાતમાં આદર્શને લજ્જાની કોઈ વાત, કોઈ મૂલ્યો ન ગમે તો વાત જ આગળ ન વધે એવી આછીપાતળી આશા ખરી!
કાશ, એવું થાય તો બરખાનો માર્ગ મોકળો બને!
અનન્યાએ વધુ એક વાર ફિંગર ક્રૉસ કરી.
lll
છેવટે બે જુવાન હૈયાં ખંડમાં એકલાં પડ્યાં.
ન્યાતના ફંક્શનમાં પોતાના પર્ફોર્મન્સને તન્મયતાથી માણનાર જુવાન લજ્જાના ધ્યાનમાં હતો જ. પ્રોગ્રામ પછી રૂબરૂ મળી તેણે અભિનંદન પણ પાઠવ્યાં. તેનો પ્રસ્તાવ આવતાં હૈયું ધડકી ગયેલું. 
આજના મેળાપમાં ઉષામા આવવાનાં નહોતાં, અજયભાઈ-અનન્યાભાભી મળતાવડાં લાગ્યાં અને આદર્શ... તેની હાજરી માત્રથી હૈયે જુદાં જ સ્પંદન સર્જાતાં હતાં. 
‘આજે તમારો મધુર કંઠ સાંભળવા નહીં મળે?’
આદર્શના પ્રશ્ને લજ્જાની ભીતર પડઘો ઊઠ્યો - ના, અમુક ચોખવટ મારે આ તબક્કે જ કરી લેવી ઘટે!
‘કંઠ મધુર હોય, આદર્શ એનું જીવન પણ મધુર હોય એ જરૂરી નથી...’ લજ્જા ગંભીર બની, ‘તમે કદાચ જાણતા નથી, હું અપશુકનિયાળ તરીકે વગોવાઈ છું.’
‘એ તો તમારી સાવકી માના કારણે.’ આદર્શ બોલી પડ્યો અને લજ્જા ટટ્ટાર થઈ.
‘પ્લીઝ, મારા માટે તે કેવળ મા છે. હું ભલે તેમના મન ઓરમાન હોઉં.’
સૂક્ષ્મ ભેદ લજ્જાએ કેવી સરળતાથી સમજાવી દીધો. એક નજરમાં ગમી ગયેલી છોકરી આ પળે સીધી અંતરમાં ઊતરી ગઈ.
‘હું કોઈ લેબલમાં માનતો નથી, લજ્જા. મારા તરફથી એટલું જ કહીશ કે ઘરમાં હું સૌથી નાનો છું અને જીવનસાથી પ્રત્યે એટલી જ એક અપેક્ષા કે મારાં મોટેરાંઓને તે જાળવી જાણે...’
‘હું એમાં ઊણી નહીં ઊતરું આદર્શ, નિશ્ચિંત રહેજો.’ લજ્જાના સંકલ્પે બે હૈયાંનું ઐક્ય ઘૂંટાયું.
lll
‘ચાલો ત્યારે, રજા લઈએ.’
રૂબરૂ મેળાપ પછી આદર્શ-લજ્જાએ હકારનો અણસાર દેતાં અનન્યા માટે સહજ રહેવું મુશ્કેલ હતું, પરાણે સંયમ જાળવી તેણે છેવટે વિદાય માગી. 
‘હું માને વાત કરું છું, મોટા ભાગે આવતા રવિવારે તમે અમારે ત્યાં આવો એવું ગોઠવીએ. લજ્જા ઘર જોઈ લે, મા તમને સૌને મળી લે...’
સ્વાભાવિકપણે વહેવારની વાત તે કૌશલ્યાબહેનને કરતી હતી અને તેમની જીભ સખણી ન રહી - ‘ભલે બેટા, અમારે તો અભાગણી દીકરીને આવું સાસરું મળે એનો જ આનંદ.’
નયનભાઈ ક્ષોભ પામ્યા, અજય-અનન્યા મૂંઝાયાં, લજ્જાને ફિક્કી પડતી જોઈ આદર્શ બોલી ઊઠ્યો - જેના માથે તમારા જેવી મમતામયી માતાનો હાથ હોય તે અભાગણી કઈ રીતે ગણાય?
લજ્જા ખીલી ઊઠી, નયનભાઈ આડું જોઈ મલકી પડ્યા, અર્ણવ તો ‘જીજુ’ કહી વળગી જ પડ્યો આદર્શને.
લો, આ છોકરાએ મને વખાણી કે પછી કટાક્ષ કરી ગયો? કૌશલ્યાબહેનને સમજાયું નહીં!
પણ હશે. ઘરનાની ધારણાથી વિપરીત મહેમાનો સમક્ષ મેં ઉમળકો વર્તાવ્યો, સ્વાગતમાં કચાશ ન રાખી એમાં મારો જ સ્વાર્થ છે. હું ઇચ્છું છું કે સંબંધનો પતંગ હવામાં ઊંચે ચડે. પછી ડોર કાપનારી હું બેઠી જ છુંને!
- ત્યારે ઘરે વળતી અનન્યા પણ આ જ વિચારમાં ગોથાં ખાય છે: લજ્જાનો પ્રસ્તાવ વાળવા માટે તારી પાસે અઠવાડિયું છે, અનન્યા ડુ સમથિંગ!

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff