25 June, 2024 07:54 AM IST | Mumbai | Rashmin Shah
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લિફ્ટનો દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો કે તરત મેલિસ્કાના ફ્લૅટ પાસે બેઠેલો કૉન્સ્ટેબલ આંખોમાંથી ઊંઘ ભગાડી ઊભો થઈ ગયો. તેને ખાતરી હતી કે બીજા પોલીસ અધિકારીની જેમ ગાંવકર ડ્યુટીના ટાઇમે નહીં પણ આંખ ખૂલતાંવેંત જ આવી પહોંચશે અને બન્યું પણ એવું જ.
‘ગુડ મૉર્નિંગ...’
નાઇટ ડ્રેસમાં જ મેલિસ્કાના ઘરે આવી ગયેલા ગાંવકરે ફ્લૅટમાં પગ મૂકતાં પહેલાં ટાઇમ જોઈ લીધો. સવારે ૬ વાગીને ૧૪ મિનિટ થઈ હતી. જોકે ઊતરતા ઉનાળાના દિવસો હોવાને કારણે આકાશમાં સૂર્યપ્રકાશ પથરાઈ ગયો હતો.
ઘરમાંથી હજી પણ વાસ આવતી હતી. ગાંવકરે આખા ઘરમાં નજર કરી. ઘર ફેંદવામાં આવ્યું હોય એમ હૉલનો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. જ્યાં મેલિસ્કાને સળગાવવામાં આવી હતી એ રૂમમાં આગને કારણે આજુબાજુના ભાગમાં જ્વાળાઓ પહોંચવાને કારણે એ ભાગ કાળો પડી ગયો હતો, પણ એટલું નક્કી હતું કે મેલિસ્કાનું મર્ડર પહેલાં થઈ ચૂક્યું હતું જેને લીધે તેણે કોઈ વિરોધ કે સામનો નહોતો કર્યો. બાકી તેને બાળવામાં આવી એ સમયે જો તે સામાન્ય બેહોશ હોત તો પણ આગે તેને જગાડી દીધી હોત અને મેલિસ્કાએ દેકારો મચાવી દીધો હોત.
ઘરનું નિરીક્ષણ કરતા ગાંવકર કિચનમાં આવ્યા. પ્લૅટફૉર્મ પર કાકડી અને ટમેટાં પડ્યાં હતાં, જેમાંથી અડધાં ટમેટાં સમારી લેવામાં આવ્યાં હતાં. સુધારવામાં આવેલાં આ વેજિટેબલ્સ
પાસે કોઈ નાઇફ પડ્યું નહોતું, જેના આધારે અનુમાન લગાવી શકાતું હતું કે ઘરમાં આવેલી વ્યક્તિએ એ જ નાઇફનો ઉપયોગ કર્યો છે જેનાથી મેલિસ્કા વેજિટેબલ્સ સમારતી હતી.
કિચનમાંથી ગાંવકર હૉલમાં આવ્યા. તેમની નજર જમીન પર ફરતી-ફરતી મેઇન ડોર તરફ ગઈ.
મેઇન ડોર ખુલ્લો હતો. ફ્લૅટના દરવાજા પાસે આવીને ગાંવકરે દરવાજો અંદરથી બંધ કરી અંદરની સાઇડથી દરવાજાને ઑબ્ઝર્વ કર્યો. દરવાજા પર કોઈ પ્રેશર થયું હોય એવું લાગતું નહોતું અને એની સંભાવના ભારોભાર હતી, કારણ કે જે સમયે મર્ડર થયું એનો અંદાજિત સમય મોડી સાંજનો હતો અને એ પછી જ આગ લગાવવામાં આવી હતી. જો એવું જ હોય તો
મોડી સાંજે ઘરમાં આવનારાએ
જોર-જબરદસ્તી કરી નહીં હોય, નહીં
તો આડોશી-પાડોશીને અવાજ આવે.
ગાંવકરનું દિમાગ તો કામ કરતું હતું, હાથ અને આંખ પણ. મેઇન ડોરને ત્રણ લૉક હતાં અને ત્રણેત્રણ સલામત હતાં. મતલબ કે મેલિસ્કા મર્ડરરને ઓળખતી હતી અને તેણે જ પેલાને ઘરમાં આવવા દીધો હશે. ગાંવકરે ફ્લૅટની બહાર પગ મૂક્યો ત્યાં જ તેમની નજર જમીન પર
પડેલા સ્ક્રૂ પર પડી. ગાંવકરે સ્ક્રૂ હાથમાં લીધો. સ્ક્રૂ જે સાઇઝનો હતો એ જોતાં લાગતું હતું કે એ કોઈ ઇલેક્ટ્રૉનિક આઇટમનો હતો.
ગાંવકર ફરી ઘરમાં આવ્યા અને તેમણે ઘરમાં નજર કરવાની શરૂ કરી અને એક પણ આઇટમ ખોલવામાં
આવી હોય એવું તેમને પહેલી નજરમાં દેખાયું નહીં.
‘પાવર શરૂ થઈ ગયો?’
‘ના સર...’ કૉન્સ્ટેબલે જવાબ આપ્યો, ‘આજે બપોરે શરૂ થશે...’
‘હંઅઅઅ...’ ગાંવકરે ફરી સવાલ કર્યો, ‘પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ...’
‘તમને વૉટ્સઍપ કરવાના હતા...’ કૉન્સ્ટેબલે ચોખવટ કરી, ‘ફિઝિકલ કૉપી ૧૨ વાગ્યા સુધીમાં સ્ટેશને આવી જશે...’
‘હંઅઅઅ...’
ગાંવકરની આંખો ઘરમાં ફરતી હતી એ દરમ્યાન તેમનું ધ્યાન અચાનક બારીની પાછળ ચાલતી હરકતો પર ગયું. તેમણે કૉન્સ્ટેબલ મિર્ઝાને હાથથી નજીક ખેંચ્યો અને ઇશારાથી બારી પાછળ ચાલતી હરકત દેખાડી.
કૉન્સ્ટેબલ તરત સમજી ગયો અને તે દબાયેલા પગલે ફ્લૅટની બહાર નીકળીને બારીની દિશામાં ગયો.
‘સર, મને બીજું કંઈ જોઈતું નહોતું... હું તો એમ જ... ત્યાં જોવા આવ્યો.’
એક થપ્પડ સાથે સુકેતુનું પૅન્ટ
ભીનું થઈ ગયું હતું. તે હાથ જોડીને કરગરવા માંડ્યો,
‘ક્યુરિયોસિટી જ હતી મને... એ સિવાય બીજું કંઈ નહીં...’
‘તો અંદર આવી જવાનું હોય... આમ બારી પાછળ સંતાઈને શું કામ સાંભળતો હતો? શું સાંભળ્યું તેં...’
‘સર, કંઈ અવાજ જ નહોતો આવતો... શું સાંભળવાનો હું?’ સુકેતુના હાથ હજી પણ જોડાયેલા હતા, ‘તમે, તમે કહો તેના સોગન ખાઉં... હું તો એમ જ ત્યાં જોવા આવ્યો હતો. ખરેખર...’
‘એ બારીમાંથી કંઈ દેખાય છે?’
સુકેતુએ ના પાડી, પણ તેની આંખો સામે તો એ દૃશ્ય આવી ગયું હતું જે જોવાની તેને લગભગ આદત પડી
ગઈ હતી.
હવામાં રહેલા ખારાશભર્યા ભેજને કારણે લાકડાની એ બારીનો અમુક ભાગ સડી ગયો હતો, જેને લીધે અમુક જગ્યાએ કાણાં પડી ગયાં હતાં. બારીમાં પડેલાં કાણાંમાંથી એક કાણું એક ઇંચ જેટલું મોટું થઈ ગયું હતું. મેલિસ્કાએ ક્યારેય એ દિશામાં વિચાર્યું નહોતું અને ઘરમાં એવું કંઈ કીમતી હતું નહીં જેને કારણે તેણે સલામતીનો વિચાર કરવો પડે. મેલિસ્કાની રૂમની એ બારી પૉર્ચ એરિયામાં ખૂલતી હતી.
રોજ સવારે તે સાડાસાત વાગ્યે શાવર લેવા જતી અને શાવર લીધા પછી એ બાથરૂમમાંથી બર્થસૂટમાં જ બહાર આવીને તૈયાર થતી. મેલિસ્કાનો આ રોજિંદો ક્રમ, જે પહેલી વાર સુકેતુની નજરમાં આવ્યો. સાવ અમસ્તા જ પૉર્ચમાં ચક્કર મારવા નીકળેલા સુકેતુએ જ્યારે બારીમાં પડી ગયેલાં કાણાં જોયાં ત્યારે તો તેણે સહજ ભાવથી અંદર નજર કરી લીધી હતી, પણ એ સહજ ભાવ તેના મનમાં વિકૃતિ જન્માવી ગયો.
પ્રમાણમાં ભરાવદાર કહેવાય એવી મેલિસ્કા એક પણ વસ્ત્ર વિના મિરર સામે ઊભી રહીને તૈયાર થતી હતી. જાણે આદમ અને ઈવના યુગમાં પોતે પહોંચી ગયો હોય એમ સુકેતુએ જોયું કે મેલિસ્કાને પોતાની નગ્નતા સામે કોઈ વાંધો કે છોછ ન હોય એમ તે સહજ રીતે ઘરમાં ફરતી હતી. પંદરેક મિનિટ સુધી તૈયાર થવામાં લીધા પછી મેલિસ્કાએ કપડાં પહેરવાનું શરૂ કર્યું અને જ્યારે કપડાં પહેરવાનું શરૂ કર્યું કે તરત સુકેતુ બારી પાસેથી હટી ગયો. જોકે એ પછી તો નિયમિત રીતે એ સમયે બારી પાસે પહોંચવું એ સુકેતુનો નિત્યક્રમ બની ગયો અને તેણે આંખોથી જ મેલિસ્કા પર બળાત્કાર કરવાનું શરૂ કરી દીધું.
‘આ માણસ પર નજર રાખ...’ સુકેતુને રવાના કરી ગાંવકરે કૉન્સ્ટેબલને સૂચના આપી, ‘વાઇફ પ્રેગ્નન્ટ છે એટલે બને કે એ મહાશય પણ બદઇરાદે અહીં આવ્યા હોય અને પછી...’
બાકીના શબ્દો ગાંવકરના મોઢામાં જ રહી ગયા.
તેની નજર વૉટ્સઍપ પર આવેલા મેલિસ્કાના પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ પર હતી. રિપોર્ટ જોયા પછી તેણે બીજી જ સેકન્ડે ડૉક્ટરને ફોન લગાડ્યો,
‘હેલો ડૉક્ટર પંડિત...’
‘જો મેલિસ્કા વર્જિન હોય તો તેની બૉડીને નેકેડ કરીને બાળવાનું કારણ શું?’
‘સિમ્પલ છે... મર્ડરર કેસને બીજી જ દિશામાં લઈ જવા માગતો હોય...’ ડૉક્ટરે અનુમાન સાથે કહ્યું, ‘બીજી વાત ગાંવકરસાહેબ, મેલિસ્કાનું મોત છરીના ઘાને કારણે નથી થયું. તેનું મોત ગળું દબાવવાને કારણે થયું છે. બને કે
મર્ડરરને ડાઉટ હોય કે મેલિસ્કા મરી નહીં હોય એટલે તેણે ડેડ-બૉડી પર નાઇફનો ઘા માર્યો છે.’
‘એનો અર્થ એવો થાય કે મેલિસ્કા જો બચી જાય તો તે આરોપીને ઓળખી જાય અને એનો અર્થ એવો કે...’
‘તમારી ક્લાયન્ટ તેને
ઓળખતી હતી...’
મેલિસ્કા માટે ક્લાયન્ટ શબ્દ વપરાયો એ ગાંવકરે નોટિસ કર્યું અને તેને ગમ્યું પણ ખરું. શબ્દમાં સભ્યતા હતી, વિક્ટિમ શબ્દમાં રહેલી લાચારી ક્લાયન્ટ શબ્દમાંથી
ઝળકતી નહોતી.
‘રેપ થયો નથી અને મર્ડર ગળું દબાવવાને કારણે થયું છે. બાકી બધું ડિપાર્ટમેન્ટને અલગ દિશામાં ખેંચી જવા માટે કરવામાં આવ્યું હોવાના ચાન્સિસ છે...’
‘રાઇટ...’
ગાંવકર ફોન મૂકવા જતા હતા ત્યાં જ ડૉક્ટર પંડિતના શબ્દો તેના કાને પડ્યા,
‘મેલિસ્કાના મર્ડર-કેસમાં બહુ ઊંડા ઊતરવા જેવું નથી ગાંવકરસાહેબ... છોકરીનો પાસ્ટ બહુ વિવાદાસ્પદ છે...’
‘એ સમયે હું સમજી ગયો હતો,
પણ મને થયું કે આપણે રૂબરૂ વાત કરીએ એટલે હું સીધો અહીં આવ્યો...’ ડૉક્ટર પંડિત સામે બેસતા ગાંવકરે
વાતનું અનુસંધાન જોડ્યું, ‘શું હતો મેલિસ્કાનો ભૂતકાળ...’
‘તમને કેવી રીતે હું કહું...’ પંડિતે શબ્દો શોધવાની તસ્દી લેતાં કહ્યું, ‘છોકરીનું કૅરૅક્ટર ખાસ કંઈ બરાબર નહોતું. બહુ બધા લોકો સાથે તેનાં અફેર ચાલતાં... મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે વન-નાઇટ સ્ટૅન્ડમાં પણ છોકરીને કોઈ પ્રૉબ્લેમ નહોતો.’
‘પૉસિબલ છે, અમેરિકન કલ્ચરમાં તો એ બહુ કૉમન પણ છે.’
‘હા, પણ આપણે ત્યાં તો એવું ન ચાલેને...’ પંડિતે સહેજ દાંત ભીંસ્યા, ‘પર્સનલી હું કહીશ કે કૅરૅક્ટરને લઈને જ પ્રશ્ન ઊભો થયો હશે અને એને લીધે જ તે ફસાઈ હશે.’
‘તમે ક્યારથી ઓળખો તેને...’
‘હું કૉર્પોરેટ હૉસ્પિટલમાં મેડિકલ ઇન્ચાર્જ હતો ત્યારથી... અમારા મૅનેજમેન્ટની જ ઇચ્છા હતી કે આ
છોકરી આપણે ત્યાં આવે... પણ મેં ઇન્ક્વાયરી કરી અને પછી મૅનેજમેન્ટને સમજાવ્યું કે આ છોકરી હૉસ્પિટલમાં ગંદવાડ ઊભો કરશે.’
‘આ સરસ છે...’ ઊભા થઈને ડૉક્ટરની પાછળ રાખવામાં આવેલા કૅલેન્ડરને જોતાં ગાંવકરે કહ્યું, ‘ફાર્મા કંપનીએ ગિફ્ટ આપ્યુંને?’
‘હા... ઇન્સ્પેક્ટર. આ કૅલેન્ડરની ખાસિયત કહું તમને...’ હવે પંડિત પણ ઊભા થઈને કૅલેન્ડર પાસે આવી ગયા હતા, ‘આ કૅલેન્ડર ગોલ્ડ ઇન્કમાંથી પ્રિન્ટ કરવામાં આવ્યું છે. વર્ષ પૂરું થઈ જાય એટલે એને સળગાવી દો તો એમાંથી ૧૨ ગ્રામ ગોલ્ડ મળશે...’
‘અને તમને સળગાવ્યા હોય તો...’
પંડિત કંઈ સમજે કે પૂછે એ પહેલાં તેમના ગાલ પર ગાંવકરના ૬ ઇંચના પંજાની છાપ ઊપસી આવી.
સટાક...
‘ધારું તો આ સેકન્ડે, અત્યારે જ તમારી અરેસ્ટ કરી શકું છું મિસ્ટર પંડિત...’ ગાંવકરે ટેબલ પર પડેલો મેલિસ્કાનો પોસ્ટમોર્ટમ-રિપોર્ટ હાથમાં લીધો, ‘જે છોકરીને તમે વર્જિનનું સર્ટિફિકેટ આપો છો અને પછી તમે જ બોલો છો કે એ તો વન-નાઇટ સ્ટૅન્ડની મેન્ટલિટી રાખતી હતી.’
ચબરાક ક્યારેક ચકલીના ચ-વાળી ગાળનો વપરાશ કરી શકાય એવી હરકત કરી બેસતા હોય છે. પંડિતે પણ અજાણતાં એ જ ભૂલ કરી હતી.
‘મેલિસ્કા વિશે જેકંઈ જાણતા હો એ બધું કહી દો... ક્વિક.’
‘મુંબઈ આવી ત્યારે તે મારી અસિસ્ટન્ટ હતી. તેણે મારી વિરુદ્ધ મૉલેસ્ટેશનની કમ્પ્લેઇન્ટ મૅનેજમેન્ટને
કરી અને મૅનેજમેન્ટે મારું રેઝિગ્નેશન
માગી લીધું...’
ખોટું બોલવામાં પંડિતને તકલીફ પડતી હતી, પણ એના સિવાય તેમની પાસે કોઈ છૂટકો પણ નહોતો.
‘એક્ઝક્યુઝ મી સર...’ ડિક્ટેશન લખતાં-લખતાં જ મેલિસ્કા ઊભી થઈ, ‘તમારી જાણ ખાતર... તમે જ્યાં સતત જુઓ છો એનાથી એક ફુટ ઉપર મારો ફેસ છે. અગાઉ પણ મારે તમને આ વાત કહેવી હતી, પણ મને એમ કે... તમે તમારી જાતે સુધરી જશો, બટ નો... તમને એ સમજણ આવી નહીં. હવે હું મૅનેજમેન્ટને વાત કરું છું...’
‘મેલિસ્કા, પ્લીઝ... મારી વાત સાંભળ...’
‘નો સર... નાઓ ધિસ ઇઝ આઉટ ઑફ ધ લિમિટ.’
‘સાંભળ... તને એમ છે કે મૅનેજમેન્ટ તારા જેવી છોકરીની વાત માની લેશે?’
‘ના, જો હું વર્બલી કહું તો... બાકી તમારી જ ચેમ્બરમાં રહેલા સીસીટીવી કૅમેરાનાં વિઝ્યુઅલ્સ તો તેમને સાચી વાત દેખાડી શકેને!’
ડૉક્ટર પંડિતની નજર ઝાટકા સાથે સીસીટીવી કૅમેરા પર ગઈ અને તેના કાનમાં મેલિસ્કાના શબ્દો અથડાયા,
‘આજે સવારે જ ચેમ્બરના કૅમેરાનો ઍન્ગલ ચેન્જ કરીને તમારા પર કર્યો છે. ટી-શર્ટમાં તમે શું જોતા હતા એ બધું રેકૉર્ડ થયું હશે અને એ પણ ક્લોઝઅપ સાથે...’ મેલિસ્કાએ ચેમ્બરની બહાર પગ મૂકતાં કહ્યું, ‘આઇ ઍમ રિયલી સૉરી સર... પણ તમારા ઇન્ડિયામાં બે પ્રકારના પુરુષો સતત જોવા મળે છે; એક, જે દરેક ગર્લમાં માતાને જુએ છે અને બીજા, તમારા જેવા... જે દરેક ગર્લને માતા બનાવવા માગે છે. પહેલા પ્રકારના પુરુષોને કારણે હું ઇન્ડિયામાં ટકી ગઈ છું. આશા રાખીએ કે બીજા પ્રકારના પુરુષોને કારણે હું આ દેશ છોડીને પાછી ન જાઉં...’
વધુ આવતી કાલે