જાસૂસ જોડી - રૂડા અવસરે આફત (પ્રકરણ ૪)

11 July, 2024 06:08 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

અને દૂધ પીતાંની બે-ત્રણ મિનિટમાં તારામતી તમ્મર ખાઈને ઢળી પડ્યાં, હોહા મચી ગઈ

ઇલસ્ટ્રેશન

‘હવે કામની વાત.’ 

સામેથી કડપભર્યા સ્વરે કહેવાતાં નંદકુમારી એકાગ્ર થઈ.

‘થોડી વારમાં સગાઈની રસમ થશે. મહેમાનો માટે કેસરિયા દૂધ ફરતું હશે. તમારે એક પ્યાલો લઈ એમાં બેહોશીની દવા ભેળવી તમારાં સાસુને પીવડાવી દેવું. બે-પાંચ મિનિટમાં આની અસર દેખા દેશે. તેમને અસુખ લાગતાં તમારા કક્ષમાં લઈ આવવા અને તેમની ચાકરીના બહાને એકાંત મેળવી ઘરેણાં ઉતારી લેવાનાં, બસ!’

નંદકુમારી પસીને રેબઝેબ. આ બધું હું કરી શકીશ ખરી! મારી જ હાજરીમાં, મારા કક્ષમાંથી બેહોશ મહારાણીના દાગીના ચોરાય તો સૌને મારા પર જ શક જવાનો!

‘નહીં રાજકુમારી, તમારે તો ઘરેણાં સરકાવી કોઈક બહાને કક્ષમાંથી નીકળી આવવાનું... લોકો માની લેશે કે તમારી ગેરહાજરીમાં કોઈ હાથ સાફ કરી ગયું.’

‘અને ઘરેણાં?’

‘તમારા કક્ષની પાછળના હિસ્સામાં ફૂલોના ક્યારાનો બગીચો છે... ઘરેણાંનું પોટલું ત્યાં નાખી દેજો એટલે તમારું કામ પૂરું, ગૉટ ઇટ?’

 મતલબ બ્લૅકમેઇલર યા તેનો આદમી પૅલેસમાં છે એટલું તો નક્કી. હાંફતી છાતીએ રાજકુમારીને સૂઝ્યું, ‘વેઇટ, સાસુજીને બેહોશ કરવાની દવા હું ક્યાંથી લાવીશ?’

‘એ તમારા કક્ષના દરવાજે મુકાઈ ગઈ છે કુમારી, ઝટ લઈ લો.’

ફોન કટ થયો. નંદકુમારીએ દોડીને કક્ષનો દરવાજો ખોલ્યો. ઉંબરે જ દવાનું પત્તું હતું. વાંકા વળીને પત્તું ઉઠાવી, કમર સીધી કરતી નંદકુમારીએ જોયું તો વેઇટરનો સફેદ પોશાક પહેરેલો આદમી પૅસેજના ખૂણેથી વળતો હતો એટલે તેની પીઠ જ દેખાઈ અને સુંદર-નમણી યુવતી ત્યાંથી જ આ તરફ આવી રહી હતી!

પેલો વેઇટરનો વેશધારી જ બ્લૅકમેઇલર હશે કે પછી તેનો કોઈ આદમી? નંદકુમારીને સમજાયું નહીં.

એમ તો તર્જનીને પણ સમજાયું નહીં કે પોતે પૅસેજના વળાંકે વળી ત્યારે હમણાં ક્રૉસ થયેલા હેડ સર્વન્ટે ઉંબરે શું મૂક્યું, કક્ષમાં કમાડ ખોલીને રાજકુમારીએ શું ઉઠાવ્યું અને હવે તે ઓઢણી આડે જાણે શું છુપાવી રહી છે!

lll

‘હાય પ્રિન્સેસ!’ મનોભાવ સમેટીને તર્જનીએ મુખ મલકાવ્યું. પૅલેસના હૉલમાં રાજા-રાણી-કુંવરીનાં વિશાળ પોર્ટ્રેટ્સ હતાં એટલે કુમારીને ઓળખી જવું તર્જની માટે સ્વાભાવિક હતું. કુંવરી જોકે રૂબરૂમાં વધુ રૂપાળી લાગી.

‘હું તર્જની, તમારા પ્રીતમની કાસદ.’

તેના નટખટ અવાજે કુંવરીને એક જ અણખટ થઈ ઃ મારી જિંદગીનો આજે સૌથી ખૂબસૂરત દિવસ, એની આમ મજા માણવાને બદલે હું કેવી બ્લૅકમેઇલિંગના ચક્કરમાં ફસાઈ છું!

રામ જાણે ચોરીની ઘટના જાહેર થતાં કેવો હાહાકાર મચશે!

lll

  ‘બધાઈ હો!’

અને અર્ણવસિંહે નંદકુમારીને રિંગ પહેરાવતાં ફૂલોની વર્ષા થઈ, હૉલ તાળીઓથી ગુંજી ઊઠ્યો. હૉલની મધ્યમાં નવયુગલ માટે સજાવેલા નાનકડા સ્ટેજ પર મંડપમાં અર્ણવ-નંદા, બન્ને વેવાઈ-વેવાણો, લેખા-રાજવીર ઉપરાંત રાજમાતા બિરાજમાન હતાં.

‘તર્જની, તું મારી સાથે ચાલ, આપણે વહુની પધરામણીની છાબ લઈ આવીએ.’

મંડપમાંથી નીકળીને લેખા તર્જનીને બાજુ પર દોરી ગઈ. કોઈ બોલ્યું પણ કે મહારાણીની મોટી વહુ રાજપૂત કુંવરી નથી, પણ છે બહુ ગુણિયલ!

આ બાજુ વીરનગરનાં મહારાણી જમાઈરાજને ભેટસોગાદથી વધાવતાં હતાં એ જ વખતે હેડ સ્ટુઅર્ડ ચાંદીના પ્યાલામાં કેસરિયા દૂધ લઈને ઉપર હાજર થયો.

એવો જ એક ગ્લાસ ઊંચકીને નંદકુંવરીએ એની ધાર લૂછવાના બહાને હાથ ફેરવવાની ક્રિયામાં મુઠ્ઠીમાં જડેલી દવાની ટીકડી દૂધમાં સરકાવી દીધી, ‘માને તો હું મારા હાથે દૂધ ​પિવડાવવાની!’

- અને દૂધ પીતાંની બે-ત્રણ મિનિટમાં તારામતી તમ્મર ખાઈને ઢળી પડ્યાં. હોહા મચી ગઈ.

 ‘અથરા ન થાવ...’ રાજમાતાએ હવાલો સંભાળ્યો, ‘જુઓ, તેના શ્વાસોશ્વાસ બરાબર ચાલે છે એટલે ગભરાવા જેવું ચોક્કસ નથી. ધરમસિંહજી, આપના ફૅમિલી ડૉક્ટરને તત્કાળ બોલાવો અને આપણે તારામતીને રૂમમાં લઈ જવાની વ્યવસ્થા કરીએ.’

‘હા... હા...’ નંદાકુમારી જીવ પર આવી, ‘માને મારા ઓરડામાં જ લઈ જઈએ... અહીંના શોરબકોરમાં નીચેની રૂમમાં તેમને શાંતિ નહીં લાગે...’

આમાં કોઈને શું વાંધો હોય!

તારામતીને લઈ જવાયાં એ વખતે લેખાએ આપેલી પહેરામણીના દાગીનાની બૅગ સંભાળતી તર્જનીએ જોયું તો પેલો હેડ સ્ટુઅર્ડ પણ ક્યાંય દેખાયો નહીં!

lll

‘આપ સૌ નીચે જાઓ, મહેમાનોને સંભાળો.’

પૅલેસના નિષ્ણાત ડૉક્ટરે તારામતીને તપાસ્યાં, થકાવટ યા અતિ ઉમંગને કારણે પણ બેહોશીનો અટૅક આવે એવી સમજ આપી કલાકેકમાં તેમને હોશ આવવા જોઈએની ધારણા બાંધી ત્યારે સૌના શ્વાસ હેઠા બેઠા. નંદકુમારીએ પણ રાહતનો શ્વાસ લેતાં કહી દીધું, હું મા પાસે રોકાઉં છું!

ત્યાં લલિતાબહેને હાજરી પુરાવી, ‘રાજકુમારી, તમે પણ જાઓ. હું છુંને મહારાણીની ચાકરી માટે.’

ખરેખર તો મોકો જોઈ તેમની દાઢ સળકી હતી ઃ બેભાન થયેલા તારાના અંગ પરથી બે-ચાર ઘરેણાં સરકાવી લઉં તો પણ કોણ જોવા-જાણવાનું! પણ એમ તો દીકરી સાવકી માની રગરગથી વાકેફ હતી. મહેલમાં આવીને મારી પાસે મા જેવા નેકલેસની માગણી કરી ચૂકનારીના લોભ પર થોભ લગાવા દે. 

‘નહીં મા...’ લેખાએ જ ટાઢું પાણી રેડ્યું, ‘આપણે સૌ જઈએ, મા હોશમાં આવે એટલે નંદકુમારી આપણને તેડાવશે.’

હા...શ. બધા નીકળ્યા. બંધ કક્ષમાં એકલાં પડતાં જ નંદકુમારીએ ઘરેણાં ઉતારવા માંડ્યાં.

માના બદન પરથી ઝવેરાત ઉતારવાનું વધુ કષ્ટજનક રહ્યું, પણ આવી પડેલી આફતમાંથી બને એટલું જલદી મુક્ત થવું હતું એટલે દાગીના થેલીમાં ભરી, ઝરૂખે જઈ બગીચામાં એનો ઘા કર્યો. આ તરફ અવરજવર આમેય ઓછી થતી. આજે ત્યાં પ્રકાશ પણ નહોતો. જરૂર બ્લૅકમેઇલરે જ લાઇટ બંધ કરી યા કરાવી હશે. તો શું બ્લૅકમેઇલર પૅલેસનો જ કોઈ જાણભેદુ હશે? પિતાશ્રીનો કોઈ હિતશત્રુ હોય એવું મને કેમ યાદ નથી આવતું!

નંદકુમારીએ જોયું તો એક આકૃતિ બગીચામાં સરકી આવી અને પોટલી લઈ ગઈ.

થોડી ક્ષણો તેણે રાહ જોઈ, પણ બ્લૅકમેઇલરનો ફોન રણક્યો નહીં. તેણે ખુદ તેનો નંબર ડાયલ કરતાં ફોન સ્વિચ્ડ-ઑફ આવ્યો. ત્યારે તો બ્લૅકમેઇલિંગનો અંત આવ્યો એમ જ સમજવુંને?

જોકે ખરી કસોટી તો હવે થવાની!

lll

‘રાજવીર... અર્ણવ!’

તારામતીની ઊંચા અવાજ જેવી

ચીસે મહેલના નોકરવર્ગનું ધ્યાન ગયું. તરત હૉલમાં સંદેશો પહોંચ્યો.

ફટાફટ ઉદયસિંહજી, રાજવીર-લેખા, 

અર્ણવ ઉપરાંત રાજમાતા દોડ્યાં. ધરમસિંહ-સૂર્યારાણી પાછળ દોરાયાં.

‘શું થયું મા?’ રાજવીર-અર્ણવ માની આજુબાજુ ગોઠવાયા, ‘તમે ઠીક તો છોને?’

‘મને કંઈ થયું નથી રાજ... અર્ણવ...’ તારામતીએ કોરા હાથ આગળ કર્યા, ‘હું પૂછું છું, મારાં ઘરેણાં ક્યાં?’

હેં! હવે બધાનું ધ્યાન ગયું કે મહારાણીના બદન પર નાકની નથ સુધ્ધાં નથી! એ કેમ બને?

‘શું થયું?’

કક્ષના દરવાજેથી આવેલા સાદે બધાની નજરો એ દિશામાં ફરી ઃ લો, જેને મહારાણીની સંભાળ સોંપી હતી તે નંદકુમારી તો બહારથી આવીને અજાણ્યાની જેમ પૂછે છે કે શું થયું!

‘તું ક્યાં હતી નંદા?’ સૂર્યા મહારાણી તપી ગયાં, ‘વેવાણને એકલાં મૂકીને ગઈ જ કેમ?’

‘મા? મને ગયાને દસ મિનિટ માંડ થઈ હશે. ગળે શોષ પડતો હતો, કક્ષમાં પાણી નહોતું એટલે...’ નંદકુમારી અંદર આવી, ‘પણ એમાં થયું શું?’

‘થયું એટલું જ રાજકુમારી કે તમારી એ દસ મિનિટની ગેરહાજરીમાં કોઈ તમારા કક્ષમાં આવીને તારામતીનાં ઘરેણાં ચોરી ગયું!’

હેં. જાણે પહેલી જ વાર જાણ્યું હોય એમ નંદકુમારીએ મોં પર હાથ દાબ્યો.

‘કોઈ દાસી-ચાકરને તેં અહીં મૂકેલાં?’

‘ના મા. બધાં ફંક્શનમાં વ્યસ્ત લાગ્યાં, કોઈ દેખાયું નહીં એટલે તો મારે પાણી પીવા રસોઈઘર સુધી જવું પડ્યું.’

‘એ દરમ્યાન કક્ષ ખુલ્લો રહ્યો, મહારાણી બેહોશ હતાં, એમાં કોઈ આબાદ ખેલ રચી ગયું!’ કહેતાં મીનળદેવીએ મોબાઇલનાં બટન દબાવ્યાં. સામેથી ફોન ઊંચકાયો એટલે એટલું જ બોલ્યાં, ‘તર્જની, ઇમર્જન્સી, ઉપર આવી જા.’

તર્જનીને આ મામલા સાથે શું સંબંધ! બાકીનાની આંખમાં અચરજ, પ્રશ્ન તરવર્યો એટલે રાજમાતાએ ફોડ પાડ્યો, ‘તર્જની બાહોશ જાસૂસ છે.’

જા..સૂ..સ! ઓછોવધતો ધક્કો સૌને લાગ્યો; પણ એમાં નવાઈ વધુ હતી. જ્યારે નંદકુમારીના પેટમાં વળ ઊભરવા માંડ્યા ઃ ખલાસ!

lll

‘હં.’

રાજમાતા પાસે ઘટનાક્રમ સમજીને તર્જનીએ ફટાફટ કડીઓ ગોઠવવા માંડી, ‘પ્રથમ તો એ કે આ કરતૂત કોઈ સ્ત્રીની છે.’ 

હેં. સૌ ચોંક્યા. નંદકુમારીને થયું, આ તે જાસૂસ કે જાદુગરણી!

‘એવું કઈ રીતે?’ રાજવીરે બધાની જિજ્ઞાસાને વાચા આપી, લેખાના દિમાગમાં ટિકટિક થવા લાગ્યું.

‘બહુ સિમ્પલ છે. તમે જોશો તો મહારાણીસાહેબાના શરીર પર નાનોસો ઉઝરડો સુધ્ધાં નથી.’

‘હા, તો?’

‘એ જ સૂચવે છે કે આ કામ કોઈ પુરુષનું નથી. એક તો તેમને ઘરેણાં ઉતારવાની ફાવટ નથી હોતી. એમાં રાજકુમારી આવી ચડે એ પહેલાં કામ પતાવવાની ઉતાવળનો રઘવાટ ભળે ત્યારે બંગડીની કડી છોડવામાં કે બુટ્ટીનો ફેર ઉતારતાં ક્યાંક કોઈ ઘર્ષણ થવું સ્વાભાવિક છે, પણ ચોરે તો નાકની નથ પણ એવી રીતે કાઢી છે કે જાણે તેના માટે એ રોજનું કામ હોય!’

અજાણતાં જ નંદકુમારીનો હાથ નાકની નથ પર ગયો. અર્ણવની કાસદ તરીકે પહેલી વાર મળેલી યુવતી બહુ તેજ લાગી.

‘સૂર્યા?’ રાજમાતાએ પૃચ્છા આવરી, ‘તમારા મહેલની દાસીઓમાંથી કોઈ એવું ખરું...’

‘ના રાજમાતા...’ જવાબ નંદકુમારીએ આપ્યો, ‘અમારો સ્ટાફ વિશ્વાસુ છે. આજ સુધી મહેલમાંથી એક સોય આઘીપાછી નથી થઈ. હા, હમણાં ફંક્શનને કારણે બહારના વર્કર્સ ઘણા છે. મે બી, એમાંથી કોઈ આવ્યું હોય...’

‘હે ભગવાન...’ ધરમસિંહ બેસી પડ્યા, ‘મારા આંગણે આપનું સ્ત્રીધન ચોરાયું, વીરનગરના માથેથી આ કલંક કેમ ઊતરશે!’

‘અમને ક્ષમા કરજો...’ સૂર્યાબહેન તારામતીનાં ચરણોમાં ઝૂક્યાં, ‘અમે તમારું માન જાળવી ન શક્યાં!’

‘મા...’ નંદકુમારીનો જીવ ચચર્યો. ત્યાં તો આગળ વધીને લેખાએ તેમને ઊભાં કર્યાં, ‘આપે માફી માગવાની ન હોય, હું જાણું છું કે ગુનેગાર કોણ છે!’

‘હેં...’ નંદકુમારીને પ્રસ્વેદ ફૂટ્યો.

‘મને બે મિનિટ આપો, હું હમણાં ચોરને લઈને આવી.’

લેખાની વાણીમાં સંકલ્પ હતો. રાજવીરને આજે પત્નીનું તેજ નિરાળુ લાગ્યું. તેના નીકળ્યા બાદ ઉદયસિંહને સાંભર્યું, ‘ચોર પકડાય એના કરતાં ઘરેણાં મળી જાય તો સારું. અરે, બીજું કંઈ નહીં તો તારામતીનો કુંદનવાળો નેકલેસ મળી રહે એ ઘણું.’

તેમણે રાજમાતાને નિહાળ્યા, ‘તેના પેન્ડન્ટમાં રાજના છૂપા ખજાનાનો નકશો છે!’

હેં! રાજમાતા અને તર્જનીની

નજરો મળી. ત્રિકમગઢના રાજવી પાસે હીરા-માણેકનો ખજાનો હોવાની વાયકા સાચી ઠરી. એ તો ઠીક, સવાલ એ છે કે શું આ ચોરી ખજાનાના નકશા માટે થઈ?

ત્યાં તો લેખાએ દેખા દીધી. એક હાથે લલિતાબહેનને અને બીજા હાથે રણ​જિતને ખેંચીને લાવતી લેખાએ ધક્કાભેર તેમને આગળ ધર્યાં, ‘આ છે તમારા ગુનેગાર!’ તેનો શ્વાસ હાંફતો હતો, ‘મારી સાવકી મા અને તેનો સગો દીકરો!’

સા...વકી મા? ત્રિકમગઢનો રાજવી પરિવાર હેબતાયો.

‘અને તેમનાથી મોટી અપરાધી હું છું તમારી...’ લેખાની તાકાત નિચોવાઈ ગઈ હોય એમ તે ઘૂંટણિયે બેસી પડી, ‘મારા પારિવારિક સંબંધ જ નહીં, પેદાશનું સત્ય છુપાવ્યું ઃ હું રાજકુટુંબને લાયક નથી, મારા રાજને લાયક નથી... કેમ કે મારી મા... એક તવાયફની દીકરી હતી!’

વીજળી જેવી પડી. ઉદયસિંહ-તારામતી ચોંક્યાં, ધરમસિંહ-સૂર્યા હેબતાયાં, 

અર્ણવ-નંદકુમારીએ આઘાત અનુભવ્યો. રાજવીર પૂતળા જેવો થયો.

લેખાને આ શું દુર્બુદ્ધિ સૂઝી! લલિતાબહેન અકળાતાં હતાં. એક તો હૉલમાંથી અમને રણચંડીની જેમ ખેંચી લાવી, અમને સાવકા કહીને ચોરીના ગુનેગાર ગણાવ્યા અને તવાયફવાળો ભેદ પણ ખોલી દીધો! અરે, અમે તો મરતાં મરીશું, પણ તુંય રાજની રાણી નહીં રહે એટલો પણ વિચાર ન આવ્યો મૂરખને?

 રાજમાતા ઝડપથી આંચકો પચાવી ગયાં, જ્યારે તર્જનીના દિમાગમાં જુદી જ ગણતરી ચાલતી હતી.

(ક્રમશ:)

columnists Sameet Purvesh Shroff