04 April, 2022 06:00 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
જલન (પ્રકરણ 1)
લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. ઓમકારે પ્રસન્નતા અનુભવી.
ગામના ઘરે સવાર આમ જ ઊગતી, વર્ષોથી. મધુર રણકારે પોતે આંખ ચોળતો જાગી જાય અને રૂમમાંથી સીધો મંદિરમાં જઈને સેવા કરતી માના ખોળામાં લપાઈ જાય. દાદી કેટલું કહે - ‘ચાલ, તને નવડાવી દઉં બેટા. નાહ્યા વિના મંદિરમાં ન જવાય...’
પણ માને એ બીજા. ત્રણ-ચાર વર્ષના ઓમને તો ઊઠતાં જ મમ્મી જોઈએ! ન દાદીનું સાંભળે, ન પપ્પાનું માને. નયનામા તેને બન્ને હાથે આવકારે, ખોળામાં બેસાડીને બહાર બબડાટ કરતાં દાદીને હસીને કહે પણ - ‘મા, બાળકને આપણે ભગવાનનું રૂપ કહીએ છીએ, પછી ભગવાનને નાહવા-ધોવાનો બાધ ક્યાં લાગે?’
‘વારુ, વારુ. તું ને તારો દીકરો!’ દાદી મેંશના ટપકા જેવું
બબડી લે.
‘ઓહ, કેવો સ્નેહ, કેવું સુખ હતું અહીં! મા, પપ્પા, દાદી - ત્રણેયનો હું જાણે શ્વાસપ્રાણ.’ વિશાળ આંબાવાડીને કારણે વલસાડ નજીકના ભદેલી ગામમાં પિતાજીનો મોભો હતો. દેસાઈ શેરીમાં બે માળનું મકાન હવેલીના નામે ઓળખાતું.
- ‘પણ સુખને કાળની નજર લાગી ગઈ...’ ઓમકારે હળવો નિ:શ્વાસ નાખ્યો.
ઓમ હજી તો સાત વર્ષનો થયો ત્યાં નયનામાએ પિછોડી તાણી.
‘સાવ અચાનક બધું બની ગયું. ઘરમાં રસોડાની પાછળ મોટો વાડો. ત્યાં વાસણ ધોવાની ચોકડી, નાવણિયું ને કૂવો પણ ખરો. ચોમાસાના દિવસો હતા, વરસાદને કારણે વાડાની માટી ભીની હતી. એમાં માનો પગ લપસ્યો, હળવી ચીસ નાખતી તે પડી, માથામાં વાગ્યું.’
‘ના, એ મામૂલી ઇન્જરી નહોતી.’
‘માને સુરત શિફ્ટ કરાઈ. સુરતથી મુંબઈ... મમ્મીના પિયરમાં કોઈ હતું નહીં, પણ પપ્પાના કઝિન્સ તેમની સાથે ગયેલા, કુટુંબની સ્ત્રીઓ ઓમ અને દાદીને સાચવવા દિવસ-રાત રહેતી. તેમની રમતમાં થોડી વાર પૂરતું ઓમ બધું ભૂલીય જાય. પણ પછી એ જ જીદ - મારે મમ્મી પાસે જવું છે! મમ્મીને લઈ આવોને!’
‘મા સાતમા દિવસે આવી ખરી, પણ મૃત!’
માને સ્મશાને લઈ જતી વેળા પોતે કરેલું કલ્પાંત અત્યારે પણ ઓમની પાંપણ ભીંજવી ગયું.
‘મા જતાં ઘર પણ કેવું સૂનું થઈ ગયું હતું!’
‘નયનાવહુ તો નિર્મોહીની જેમ જતી રહી ગંગાભાભી...’
એક બપોરે સ્કૂલથી આવેલા ઓમે પપ્પાની કાકીને દાદીને સમજાવતાં ભાળ્યાં, ‘આપણેય હવે ખર્યું પાન. લાંબો રસ્તો કાપવાનો છે મહાદેવે. તેનાં લગ્નનું વિચારો, એમાં તમારા પૌત્રને માનું સુખ પણ મળી રહેશે!’
‘માનું સુખ.’
આ શબ્દો સાડાસાત વર્ષના ઓમના ચિત્તમાં જડાઈ ગયા.
ઘરના વાતાવરણમાં તેણે બદલાવ ભાળ્યો.
‘દાદી-પિતાજી વચ્ચે કાનાફૂસીમાં લાંબી ચર્ચાઓ થતી. દાદીનાં અશ્રુ ડબડબતાં. પિતાજી માની છબિને તાકી રહેતા.’ છેવટે એક સાંજે તેમણે ઓમને ખોળામાં બેસાડીને પૂછ્યું,
‘બેટા, ઘરમાં તારા માટે નવી મમ્મી આવે તો તને ગમે?’
‘નવી મમ્મી.’ ઓમ સ્તબ્ધ.
‘યશોદા તને નયનામા જેટલું જ વહાલ કરશે.’
‘ઓહ!’ ઓમની દ્વિધા શમી ગઈ, ‘તો તો મને નવી મમ્મી ગમે જને.’
ઓમની મંજૂરી પછી મહાદેવભાઈને કચવાટ ન રહ્યો. ત્રીજા દહાડે ઓમ સ્કૂલથી આવ્યો ત્યારે ઘરમાં દાદી, પપ્પા સાથે અજાણી સ્ત્રીને જોઈને ઓમ સહેજ સંકોચાયો.
‘આવ બેટા, આમને મળ...’ પિતા તેને તેડીને એ સ્ત્રી નજીક લઈ ગયા, ‘આ છે યશોદા, તારી નવી મમ્મી.’
‘મમ્મી!’ ઓમે ઊછળીને એ સ્ત્રીને વળગી પડવું હતું. ‘અરે, હમણાં એ સ્ત્રી જ મને તેડી લેશે. મા તો એવું જ કરેને!’
‘પણ આ સ્ત્રી તો કેવળ મીઠું હસી, માથે હાથ ફેરવ્યો, કેમ છે, દીકરા?’
ઓમનો હરખ ઓસર્યો તો નહીં, પણ સંકાચાયો જરૂર.
નમણાં, દેખાવડાં યશોદામાએ બીજવરને શું કામ પરણવું જોઈએ એ વિચારવાની ઓમની ત્યારે ઉંમર નહોતી. માની જેમ યશોદામાના પિયરમાં કોઈ નથી, દૂરના કાકાને આશરે રહેતાં યશોદામા ચીંધ્યા ઠેકાણે પરણી ગયાં એવુંય નહોતું. ઘર-વર જોયા પછી તેમણે મરજીથી સાત વર્ષના દીકરાની મા બનવાનું સ્વીકારેલું.
અને લગ્ન પછી યશોદામાએ ઘર અને ઘરના રીતરિવાજ બખૂબી સંભાળી લીધા હતા. સવાર ફરી એ જ મધુર રણકાર સાથે ઊગતી. આંખો ચોળતો પોતે મંદિરમાં પહોંચી જતો, પણ પછી દોડીને યશોદામાના ખોળામાં લપાઈ જવાતું નહીં, કેમ કે માની જેમ હાથ ફેલાવાને બદલે યશોદામા સ્મિત કરીને તેને બાજુના આસનિયા પર બેસવા સૂચવતાં.
‘આસનિયાથી ખોળા સુધીનું અંતર વીત્યાં આ ત્રેવીસ-ત્રેવીસ વર્ષોમાં પણ ઓળંગાયું નહીં! ન માએ ખોળો ચીંધ્યો ન મારાથી આસનિયું છોડાયું. અલબત્ત, યશોદામા મારી ખૂબ કાળજી રાખતાં, એમાં બનાવટ પણ નહોતી અને છતાં જાણે-અજાણે એક રેખા રહી અમારી વચ્ચે, શક્ય છે એ માના ધ્યાનમાં પણ નહીં હોય...’
બલકે કુટુંબીઓ, ગામલોકો એકઅવાજે યશોદામાને વખાણતા, ‘નમાયા દીકરાને તેણે સંભાળી જાણ્યો!’
‘આમ જુઓ તો આનો ઇનકાર પણ કેમ હોય? અને અમરના આગમન પછી તો મને કોઈ અધૂરપ પણ ક્યાં રહી!
નાના ભાઈના સ્મરણથી ઓમકાર હરખાઈ ઊઠ્યો.
‘દીકરા ઓમ, તને ભાઈ જોઈએ કે બહેન?’
હોળીનો તહેવાર હતો. રંગોથી રમીને ઘરે આવેલો ઓમ દાદીના સવાલે સહેજ હેબતાયો. હવે તે ૯ વર્ષનો હતો અને દાદીના પ્રશ્નનો મતલબ સમજાય એટલી પરિપક્વતા કદાચ વય કરતાં પહેલાં કેળવાઈ ચૂકેલી. ‘મતલબ, યશોદામા ખુદ મા બનવાનાં!
‘ભાઈ હોય કે બહેન, હું તેને બહુ વહાલ કરીશ!’
અને ખરેખર, નૂતન વર્ષના શુભ દિને જન્મેલો અમર ઓમકારની ભાવનાઓનું કેન્દ્ર બની ગયો. કહો કે નયનામા અને યશોદામા વચ્ચેનો જે ખાલીપો હતો એ તેણે અમરના રસ્તે ભરી દીધો.
સ્વાભાવિકપણે અમર પણ તેનો એટલો જ હેવાયો બનતો ગયો. બે ભાઈઓનાં હેતપ્રીત જોઈને કોઈ કહી ન શકે કે બન્ને સાવકા ભાઈઓ છે!
વખત વીતતો ગયો, મોટા થતા ભાઈઓને નિહાળી ગામલોકો પણ કબૂલતા, ‘ઓમ-અમર તો અમારા ગામના રામ-લક્ષ્મણ છે! અને આનો યશ પણ યશોદાવહુને જ મળે...
કૈકેયીને બદલે સુમિત્રા બનીને તેણે કૌશલ્યાના રામને સંભાળ્યો, પછી તેનો દીકરો તો લક્ષ્મણ જ હોય! ધન્ય છે યશોદાવહુને!’
ઓમ પોતાનો માજણ્યો ભાઈ નથી એની અમરને જાણ હોવા છતાં એનો ભેદભાવ કદી જન્મ્યો જ નહીં.
દાદીમાએ આના સંતોષભેર આંખો મીંચી, પણ પછી મહાદેવભાઈનું જવું અણધાર્યું હતું. આંબાવાડીમાં એરુ આભડતાં તેમણે ત્યાં જ પ્રાણ છોડ્યા.
ઓમકાર ત્યારે ટ્વેલ્થમાં. આમ જુઓ તો તેના વિદ્યાર્થીકાળનું પાયાનું વર્ષ. ડૉક્ટર બનવાનું ધ્યેય તો કદાચ નયનામાની વિદાયની ઘડીથી ગંઠાઈ ગયેલું: ‘હું એટલો કુશળ ડૉક્ટર થઈશ કે ફરી કોઈ ઓમે મા ગુમાવવી ન પડે!’ ઓમ બુદ્ધિમંત તો હતો જ, છતાં કારકિર્દીના અગત્યના વર્ષમાં પિતાની વિદાય મોટો સેટબૅક ગણાય, પણ એનાં રોદણાં રડવાને બદલે ઓમકારે જ્યેષ્ઠ પુત્રની પીઢતાથી ઘરને, યશોદામા-અમરને સંભાળ્યાં એમ આંબાવાડીના રખરખાવમાં પણ પહોંચી વળ્યો. આ પડકાર છતાં તે બોર્ડની એક્ઝામમાં રાજ્યમાં ત્રીજો આવ્યો ત્યારે ગામવાળા એકઅવાજે બોલી ઊઠ્યા : ‘ઓમકારનું કહેવું પડે, બાપ જતાં પોતે પહાડ થઈને મા-ભાઈને જાળવી લીધાં!’
‘વાત સાચી, પણ એથી કાંઈ ઓમે ઉપકાર નથી કર્યા અમારા પર! ઓમને બદલે મારો અમર મોટો હોત તો તેણે પણ આવું જ કર્યું હોત.’
‘મા સાચાં હતાં, મારો ઉપકાર હોય જ નહીં. માની દલીલ તાર્કિક હતી, છતાં એમાં કશુંક ન પરખાય એવું અગમ્ય તત્ત્વ પણ હતું.’
‘મારો અમર.’ માના આ શબ્દો પણ તેને ક્યાંક ખટક્યા ઃ ‘અમર તેમનો, ને હું?’
‘યશોદામા માટે હું કેવળ પતિનું સંતાન જ રહ્યો? યશોદામાએ ઓરમાનપણું કદી દાખવ્યું નથી, બસ, અધિકારમાં તેઓ જરાં ઓછાં પડ્યાં!’
‘હશે. મને આની ટેવ છે. હવે જ્યારે પપ્પા પણ નથી ત્યારે આ બધું ચર્ચવાનો અર્થ પણ નથી. મારે તો એટલું કે અમરને કંઈ ઓછું ન આવવું જોઈએ, બસ!’
એટલે તો ઓમે અમદાવાદની શ્રેષ્ઠ કૉલેજનો મોહ જતો કરી સુરતની સિવિલમાં ઍડ્મિશન લીધું જેથી ઘરેથી અપડાઉન થઈ શકે... સાથે અમરના ઉછેર, અભ્યાસ પર પણ તેની બાજનજર રહેતી.
‘લો, અમરને ઓમ ભણાવે છે એટલે તે પણ ડૉક્ટર થવાનો જ સમજો!’
ઓટલાનું મહિલામંડળ ક્યારેક બોલી જતું ને યશોદાબહેન અચૂક સુધારો મૂકતાં - ‘મારો અમર પહેલેથી જ હોશિયાર છે. ઓમ ન ભણાવે તોય ડૉક્ટર થાય એવો.’
‘વળી એ જ અનુભવાય છતાં ન કળાય એવું તત્ત્વ. હશે, મને તો અમરના વખાણનો આનંદ હોવો જોઈએ...’
- એ જ વખતે બાજુમાંથી ટહુકો સંભળાયો, ‘ઓમ!’
વિચારમેળો સમેટતાં ઓમને ધ્યાનમાં આવ્યું કે આરતીના મધુર રણકારથી પ્રેરાઈને વહેલી સવારનું વાતાવરણ માણવા પોતે વાડામાં આવી ઊભો છે ને બાજુના વાડામાંથી રેવા સાદ દઈ રહી છે!
રેવા ખરેખર તો પાડોશી ગૌતમીકાકીના ભાઈની દીકરી. ૬ વર્ષ અગાઉ, ઓમ ફાઇનલ એમબીબીએસમાં પ્રથમ આવ્યો ત્યારે અમરના આગ્રહથી યશોદામાએ સત્યનારાયણની કથા રાખેલી, આખો મહોલ્લો આવેલો. એમાં છેવટે પ્રસાદ વહેંચતી યુવતીને ઓમ મુગ્ધતાથી નિહાળી રહેલો. જાંબુડિયા રંગના ચૂડીદારમાં છોકરી ગજબની સોહામણી લાગી. ‘ગોરો વાન, તીખો નાકનકશો. રૂપ તો ઘણાને હોય, કામની સૂઝ પણ હોય, પણ આની તો વાત જ નિરાળી છે.’
ઓમકારે આવું આકર્ષણ કદી અનુભવ્યું નહોતું. ‘આ છોકરી છે કોણ!’
‘નામ છે એનું રેવા.’ ભાઈની નજર ક્યાં અટકી છે એનું અમરને તો ધ્યાન હોય જને. ત્યારે પંદરેક વર્ષના અમરે વિગત ઠાલવી દીધી, ‘બાજુવાળાં ગૌતમીકાકીની ભત્રીજી છે. કૉલેજમાં ભણે છે. તેણે મા નાનપણમાં ગુમાવેલી, થોડા મહિના પહેલાં પિતાનું અવસાન થતાં એકલી પડેલી ભત્રીજીને ગૌતમીકાકી પોતાને ત્યાં લઈ આવ્યાં છે.’
સમાજમાં કંજૂસની છાપ ધરાવતાં ગૌતમીકાકી અનાથ ભત્રીજી પર આટલું કેમનું વરસ્યાં!
‘કંજૂસ છે એટલે જ વરસ્યાં.’ અમર પાસે આનો પણ જવાબ હતો, ‘ભત્રીજીને ઓથ આપવાને બહાને ભાઈના ઘરની ચાવી મળી, છોકરી તેમનું ઘરકામ કરશે એ બીજો લાભ, ગૌતમીકાકીનાં દીકરા-વહુ વિદેશ વસ્યા પછી એકલાં પડેલાં વર-બૈરીને સંભાળનારી વગર પગારે મળી એ ત્રીજો ફાયદો.’
‘ઓહ, પણ તું છોકરીઓની આટલી ખબર કેમ રાખે છે?’
‘કેમ કે મારો ભાઈ પરણવાયોગ્ય થઈ ગયો છે. તમે ડૉક્ટર થઈ ગયા ભાઈ, હવે રેવા જેવી ભાભી આણી દોને.’
એ જ વખતે રેવા બન્નેને પ્રસાદ આપવા આવી એનો ક્ષોભ અનુભવવાને બદલે અમરે ઠાવકાઈથી પૂછ્યું, ‘મેં સાચું કહ્યુંને?’
સીધા પ્રશ્ને રેવા મૂંઝાઈ. ‘આમ તો ફોઈના ઘરે પહેલી વાર આવવાનું બન્યું. અઠવાડિયાના વસવાટમાં ઓમકાર વિશે ઘણું સાંભળ્યું છે. સમહાઉ આટલા દિવસોમાં તેમનો આમનોસામનો ન થયો, પણ આજે તેને રૂબરૂ જોતાં જ હૈયું ધડકી ગયેલું. કોઈ જુવાન આવો સોહામણો હોઈ શકે!’
‘મારા ભાઈને જોઈને બધાની પાંપણ પલકારો મારવાનું ભૂલી જાય છે.’
અમરની ટિપ્પણીએ રેવા રાતીચોળ. જાત પર ગુસ્સોય ચડ્યો.
‘પણ મારા ભાઈની નજર આજે પહેલી વાર અટકી છે.’
હળવું મલકી અમર સરકી ગયો. ઓમ-રેવા પણ બે પળ તો આમતેમ જોતાં ખોડાઈ રહ્યાં. પછી ઓમને સૂઝ્યું.
‘આયૅમ સૉરી, તમારા પેરન્ટ્સ વિશે અમરે મને કહ્યું. આ બાબતે આપણે સમદુખિયા છીએ.’
‘હું નથી માનતી.’ રેવાએ તરત ભેદ તારવેલો, ‘તમારા માથે માનું છત્ર છે અને યશોદાઆન્ટી સ્ટેપમધર જેવાં બિલકુલ નથી એવું મેં સાંભળ્યું છે. લક્ષ્મણ જેવો ભાઈ છે, સંબંધોની દુનિયામાં તમે સુખી છો, ઓમ.’
જવાબમાં ઓમ કંઈ કહે એ પહેલાં બૂમાબૂમ થઈ ગઈ. કથામાં આવેલા મધુરભાઈને તમ્મર આવતાં ઢળી પડ્યા અને નવાસવા ડૉક્ટર થયેલા ઓમે પીઢતાથી સાચવીને ૧૦ મિનિટમાં મધુરભાઈને બેઠા કરી દીધા, એ સાથે જ રેવાએ ઓમનું નામ પણ હૈયે કંડારી દીધું! અમર બન્નેના હૈયાંની સીડી બન્યો.
‘અમર...’ ઓમકારે વર્તમાનની કડી સાધી :
‘બે વર્ષ અગાઉ, માએ જીદ કરીને અમરને મેડિકલનું ભણવા ઠેઠ યુક્રેન મોકલેલો. હવે ત્યાં રશિયા સાથે યુદ્ધનાં વાદળ મંડાઈ રહ્યાં છે ત્યારે તેને વેળાસર દેશ બોલાવી લેવામાં જ શાણપણ છે, એ માટે માને મનાવવા જ પોતે મુંબઈથી ગામ દોડી આવ્યો છે!’
ઓમને ક્યાં જાણ હતી કે આ ફેંસલો કેવી કસોટીરૂપ બનવાનો!
(વધુ આવતી કાલે)