✕

ઘટના (પ્રકરણ 2)

22 February, 2022 06:19 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘યસ પપ્પા’ ડાહી દીકરીની જેમ સુરીલી દોડી આવી, પછી ઉતાવળે ઉમેર્યું, ‘સૉરી, સાથે બ્રેકફાસ્ટ કરવાનો સમય નથી, મારે આજે ઑફિસમાં રિપોર્ટ સબમિટ કરવાનો છે’

ઘટના (પ્રકરણ 2)

‘લવ ઇઝ ઇન ધ ઍર...’
સ્ટડીરૂમમાં પ્રોજેક્ટનાં ડ્રૉઇંગ તૈયાર કરતી સુરીલીનો ગણગણાટ તેને ચા-નાસ્તો આપવા આવેલાં સુજાતાદેવીથી છૂપો ન રહ્યો. ‘અઠવાડિયા અગાઉ લોનાવલાથી પરત થયેલી તે મને બદલાયેલી કેમ લાગે છે? મીઠાં ગીતો ગણગણવાં, હાજર રહીને પણ બેધ્યાન બની જવું...’
‘અશ્વિન’ - આજે તેમનાથી ન રહેવાયું. ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયેલા પતિના હાથમાંથી છાપું ખૂંચવીને છણકો જતાવ્યો, ‘દુનિયાની પંચાત મૂકીને જરા ઘરમાં ધ્યાન આપો. સાચું કહો, તમને સુરીલીમાં કશો બદલાવ નથી લાગતો?’
અશ્વિને ટેબલ પર તબલાની જેમ થાપ ઠોકી, ‘મતલબ?’
‘એ ખોવાયેલી ખોવાયેલી રહે છે... જુઓને, આજે ચા-નાસ્તો કરવાય ભેગી ન બેઠી.’
‘કેમ કે દીકરી સમજદાર છે. 
પપ્પા-મમ્મીને રોમૅન્સનો ચાન્સ આપવા માગે છે.’
‘ઉફ, અશ્વિન!’ તંગ સ્થિતિમાંય પતિના હાવભાવે તેમનાથી મરકી જવાયું, ‘માનનીય મહેતાસાહેબ, તમને સીધા શબ્દોમાં સમજાઉં. મને વહેમ છે કે કોઈ છોકરો પથ્થરમાં ચિઠ્ઠી વીંટાળીને સુરીલીની રૂમમાં ફેંકી ગયો છે.’
‘હેં!’
અશ્વિનને ઇશારો સમજાયો. ‘અમારી પ્રણયગાથામાં બનેલું એનો હવાલો દઈ આડકતરી રીતે સુજાતા કહેવા માગે છે કે દીકરી પ્રેમમાં છે?’
‘ધારો કે આ સાચું હોય તો છોકરો તો એ જ હોય...’
‘આર્જવ?’
અશ્વિન-સુજાતા સાથે જ બોલી ઊઠ્યાં.
પચીસેક વર્ષનો આર્જવ ‘ઓમ ઇન્ટીરિયર્સ’નો સીઈઓ હતો. નોકરીમાં જોડાયાની ઘડીથી સુરીલી તેનાથી પ્રભાવિત હતી : ‘હી ઇઝ સ્કૉલર. કંપની શરૂ કર્યાને હજી બે વર્ષ જ થયાં, પણ પોતાની સુપરસ્કિલથી તેમણે જાયન્ટ્સનું ધ્યાન ખેંચ્યું છે. તેમના તાજેતરના પ્રોજેક્ટની નોંધ મીડિયામાં પણ લેવાઈ છે. હી ઇઝ હૅપી વિથ મી. મીટિંગ્સમાં પણ અમુકતમુક સજેશન પછી તો તેમણે મને સ્વતંત્ર પ્રોજેક્ટ ડિઝાઇન કરવા આપ્યા છે.’
સુરીલી બૉસને વખાણતી એ બહુ સ્વાભાવિક લાગેલું. બે-એક વાર તે સુરીલીને સાઇટ વિઝિટ માટે પિકઅપ કરવા ઘરે પણ આવી ગયેલો. દેખાવમાં આકર્ષક, વાત-વહેવારમાં વિવેકી. સુરીલીને વખાણે પણ ખરો : ‘શી ઇઝ બ્રિલિયન્ટ ઇન હર વર્ક...’
છોકરો કુંવારો છે, ગુજરાતી છે, પેડર રોડ રહે છે, મા-બાપનો એકનો એક છે એટલી તો જાણ છે. સુરીલીને તેની સાથે પ્રણયસંબંધ હોય તો પરિણયમાં ઝાઝું ખાસ વિચારવાનું રહેતું નથી!
‘છતાં તેનાં મા-બાપને તો આપણે એક વાર મળવું જોઈએ. અલબત્ત, પ્રથમ તો સુરીલી સાથે કન્ફર્મ કરીએ કે ખરેખર મામલો શું છે?’ કહી સાદ પાડ્યો, ‘સુરી, બહાર આવ. તારા પપ્પા બોલાવે છે’ પછી અશ્વિનને ધીમેથી કહ્યું, ‘હવે જુઓ ખેલ!’
‘યસ પપ્પા’ ડાહી દીકરીની જેમ સુરીલી દોડી આવી, પછી ઉતાવળે ઉમેર્યું, ‘સૉરી, સાથે બ્રેકફાસ્ટ કરવાનો સમય નથી, મારે આજે ઑફિસમાં રિપોર્ટ સબમિટ કરવાનો છે.’
‘એની જરૂર નથી’ સુજાતાએ ચહેરો ભારેખમ બનાવ્યો, ‘તારી નોકરી છૂટી ગઈ છે.’
‘હેં.’
‘ધેટ આર્જવ. તારો બૉસ, શું સમજે છે તેના મનમાં.’ સુજાતાના ચહેરા પર ક્રોધની લકીર અંકાતી જતી હતી, ‘થોડી વાર પહેલાં તેનો લૅન્ડલાઇન પર ફોન આવ્યો. મને કહે, ‘સુરીને આપો.’ સાંભળતાં જ મારો પિત્તો હટ્યો. કહી દીધું, ‘મારી દીકરીનું નામ સુરીલી છે, તેને સુરી કહેવાનો હક માત્ર અમને, તેનાં મા-બાપનો છે. મેં ઠીક કહ્યુંને, સુરી?’
સુરી શું બોલે!
‘પછી શું થયું એ કહેને મમ્મી.’ બિચારીનો જીવ ચૂંથાતો હતો.
‘થાય શું... આટલું સાંભળીનેય તે છોકરો નફ્ફટની જેમ કહે છે કે સુરીલીએ તમારી જાણ બહાર આ હક મને આપ્યો હોય પણ ખરો! નપાવટ.’
‘મા!’ સુરીલી સમસમી ગઈ, ‘આર્જવને ગમે એમ ન બોલ.’
સાંભળીને અશ્વિન-સુજાતાની નજરો મળી, છૂટી થઈ.
‘એ તો માણસ જેવો હોય એવો કહેવાય. મને તો તે નજરનો પણ મેલો લાગે છે. તેનું ચારિત્ર્ય...’
‘સ્ટૉપ મૉમ.’ સુરીલી તડપી ઊઠી, ‘આર્જવ વિરુદ્ધ હું એક શબ્દ નહીં સાંખી લઉં. તુંય બોલતાં પહેલાં વિચાર તો કર કે તેઓ તારા જમાઈ થવાના છે.’
આવેશમાં પોતે શું બોલી ગઈ એનીય ગતાગમ નહોતી સુરીલીને.
‘બસ, તારા મોઢે આ જ સાંભળવું હતું મારી લાડો.’
માએ ગાલ આમળતાં સુરીલીને જે બન્યું એ સમજાયું. રાતીચોળ બનીને તે માને વળગી પડી.
‘સુરી બેટા, આર્જવને તારા પ્રત્યે...’
‘હા, મા’ સુરીલી આટલું જ બોલી શકી.
અશ્વિને દીકરીના માથે હાથ મૂક્યો. સુરીલીને હજીય વિશ્વાસ નહોતો બેસતો : ‘આ સ્વપ્ન કે સત્ય!’
‘એમ તો લોનાવલામાં આર્જવે પ્રણયનો એકરાર કર્યો એ પણ એટલું જ અણધાર્યું હતું. ના, અમે એકમેકથી પ્રભાવિત તો હતાં જ, સાથે કામ કરતાં ગયાં એમ પ્રણયના અંકુર ફૂટવા સ્વાભાવિક હતા. નાની વયે પોતાનો કારોબાર માંડનાર આર્જવ પોતાના ધ્યેયમાં સ્પષ્ટ છે, મૂલ્યોમાં માનનારો છે, એની હૈયાપાટી કોરી છે.’ આ તથ્યો સુરીલીને આકર્ષવા પૂરતાં હતાં. તો આર્જવ મોહ્યો સુરીલીની સાદગી પર. મેકઅપનો ઠઠારો નહીં કરતી યુવતીની પારદર્શિતા તેને સ્પર્શી ગઈ. લોનાવલામાં તેણે હૃદયભેદ ખોલી દીધો, સુરીના હકારે તે કેવો ઝળહળી ઊઠેલો! ઘરે કેમ વાત મૂકવી એની બન્નેને મૂંઝવણ હતી, આજે એનોય અંત આવી ગયો!
‘જા, આર્જવને કહે કે અમે તેના પેરન્ટ્સને મળ‍વા માગીએ છીએ. આવતા શનિવારનું ખાણું આપણા ઘરે રાખે. એક વાર તે તેનાં મા-બાપને વાત કરી લે, પછી હું તેનાં મધરને ફોન કરીને વિધિવત્ નિમંત્રણ પણ પાઠવીશ.’
સુરીલી ખુશ થતી ગઈ. અશ્વિનથી બોલી જવાયું,
‘અમેઝિંગ સુજાતા! આજે સમજાય છે વૉટ વી મિસ્ડ!’
અશ્વિન ભાગ્યે જ આટલા ગંભીર બનતા. સુજાતાનું હૈયું ધડકી ગયું.
‘થોડી વાર પહેલાં તારો અભિનય જોઈને હું તો છક થઈ ગયો. એ તારા ડાન્સિંગના ભાવપ્રદર્શનને કારણે હતુંને! ઓહ, તેં નૃત્ય ચાલુ રાખ્યું હોત તો દર્શકોને અનન્ય અનુભૂતિનો અહેસાસ કરાવી શકત. અરે, બીજા ખાતર નહીં તો તારા પોતાના નિજાનંદ ખાતર કળા જીવંત રાખી હોત તો તારી આભા જુદી હોત, એ આજના દાખલા પરથી સમજાય છે... જાણું છું સુજાતા, તારા ગુરુજી સાથે જે થયું એ પછી નૃત્યમાંથી તારું મન ઊઠી ગયું ને તેં ઘૂંઘરુને સદા માટે તિલાંજલિ આપી દીધી...’ 
સુજાતાએ હોઠ કરડ્યો. ‘કહેવાયું નહીં કે આ સત્ય નથી. નૃત્યમાંથી મન વાળવાનું કારણ ગુરુજી સાથે જે બન્યું એ નહીં, તેમની છેવટની પળોમાં જે બન્યું એ છે! પણ આ બધું કોઈને કહેવાયું નથી, જે ઘટના બની એમાં મારો કોઈ વાંકગુનો ન હોવા છતાં કહી શકી નથી, તમને પણ નહીં!’
‘હું તને કેમ મનાવી ન શક્યો! મેં કદી આ બાબત પર ફોકસ જ ન કર્યું. ડાન્સ ઇઝ સ્ટીલ વિધિન યુ. સુજાતા, તારી કળાને ગૂંગળાવવાનો તને કોઈ હક નથી. તું ફરી ઘૂંઘરુ નહીં જ પહેરે સુજાતા? મારે ખાતર 
પણ નહીં?’
‘અશ્વિન આ કેવો વિષય ઉખેળી બેઠા!’
‘અત્યારે આ બધી ચર્ચા છોડો જનાબ...’ સુજાતાએ રણકો ઊપસાવ્યો, ‘ઘડિયાળના કાંટાને લક્ષમાં લો, ઑફિસમાં આજે કશી અગત્યની મીટિંગ હોવાનું તમે કહેતા’તાને. તમારે મોડું નથી થતું!’
એ રીતે વાત આગળ વધતી અટકી ગઈ, પણ પિતા-પુત્રી પોતપોતાના કામે નીકળ્યા પછી એકલાં પડતાં જ સુજાતાના ચિત્તમાં ગતખંડ સળવળવા માંડ્યો...
એક તરફ આરંગેત્રમની તૈયારી ચાલતી હતી, બીજી બાજુ અશ્વિન સાથેનો પ્રણય પુરબહાર હતો, એમાં ગુરુમાએ માની સંભાળ માટે પિયર જવાનું થયું. આના લગભગ બે મહિના પછીના એક રવિવારે...
સુજાતાદેવી સમક્ષ ભૂતકાળ તરવરી ઊઠ્યો.
lll
‘આવ, આવ, સુજાતા!’
રવિની સવારે અગિયારેક વાગ્યે પ્રૅક્ટિસ માટે આવેલી શિષ્યાને ગુરુજી કંઈક વધુ પડતા ભાવથી આવકારતા હોય એવું લાગ્યું. પાછું શરીરે કેવળ પિતાંબર પહેર્યું છે!
સુજાતા સહેજ સંકોચાઈ.
‘આજથી આપણે ડ્રેસ-રિહર્સલ શરૂ કરવાનાં છીએ.’ ગુરુજીએ પોતાના વસ્ત્રપરિધાનનો ખુલાસો વિનાપૂછ્યે કરી દીધો, ‘જો રૂમમાં તારું કૉસ્ચ્યુમ પણ કાઢ્યું છે. જઈને ચેન્જ કરી લે.’
સ્ત્રી વિનાના ઘરમાં વસ્ત્રો બદલવાનું બહુ રુચ્યું નહીં. સુજાતાએ આનાકાની દર્શાવી, ‘ભરતનાટ્યમનું કૉસ્ચ્યુમ પહેરવામાં મને કોઈની મદદ જોઈએ ગુરુજી. ગુરુમા મોજૂદ હોત તો તેઓ મને હેલ્પ કરત, પણ હવે...’
‘ગુરુમા નથી, પણ હું તો છુંને!’
ઉત્સાહમાં રાધેશ્યામ બોલી તો ગયા, પણ શિષ્યા ભડકી જશે એ ખ્યાલે સત્વર વાળી લીધું, ‘ઠીક છે, તારે તૈયાર ન થવું હોય તો વાંધો નહીં, પણ ટેબલ પર ખીર મૂકી છે એ તો ખાઈશને!’
‘ખીર!’ ગુરુમાની ગેરહાજરીમાં ગુરુજી રસોડાનો કારભાર પણ સંભાળી જાણે છે એની જાણ હતી.
‘શું છે કે આજે સાસુજીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો છે એટલે ભગવાનને પ્રસાદમાં ખીર ધરી.’
‘વાઉ.’ સુજાતાને ખુશી એ વાતની વધુ થઈ કે માની તબિયત ઠીક થતાં હવે ગુરુમા પણ જલદી મુંબઈ આવી જવાનાં!
‘એટલે તો મને પણ ઉતાવળ છે’ કહીને રાધેશ્યામ હસ્યા, ‘જા, પહેલાં ખીરનો વાટકો લઈ લે.’
ગુરુજીએ મારા માટે વાટકો ભરીને પ્રસાદ રાખ્યો! સુજાતા ડાઇનિંગ ટેબલ તરફ વળી. સ્ટીલના બાઉલ પરનું ઢાંકણ હટાવીને બાજુએ મૂકે છે કે ડાઇનિંગ ટેબલ પર પડેલી જાંબુડિયા રંગની નોટબુક પર ધ્યાન ગયું. 
‘ગુરુજી, આ નોટ કેવી!’
સુજાતાએ ૨૦૦ પાનાંની નોટબુક ઉઠાવતાં ગુરુજી દોડી આવ્યા, ‘એ તારા કામની નથી!’ 
નોટ ઝૂંટવી લઈને તેમણે પોતાની હરકતનું કારણ પણ કહેવું પડ્યું, ‘એમાં ઘરનો રોજનો હિસાબ છે.’ કહેતાં સામેના ભીંતકબાટ તરફ ગયા. અડધિયું ખોલીને કપડાની થપ્પી વચ્ચે નોટબુક દબાવી દીધી.
‘કમાલ છે, હિસાબની ડાયરી આમ કબાટમાં મૂકવાની શી જરૂર!’
‘તું શું જોયા કરે છે! ખીર પી લે.’
ગુરુજીના સ્વરમાં રહેલી અકળામણ–ખીજે આજ્ઞાંકિત બની સુજાતાએ ચમચીથી ખીર પીવા માંડી.
જોકે પહેલા જ કોળિયે મોં બગડવા જેવું થયું : ‘ખીરનો સ્વાદ જુદો કેમ લાગ છે?’
‘ન ભાવી? મેં કેસર નાખ્યું છે. ખાંડ તો બરાબર છેને!’
ઉત્સુકતાથી પૂછતા ગુરુજીને સચ ક્યાં કહેવું!
‘ના, ના, ખીર સરસ છે...’ મોં બગાડ્યા વિના સુજાતાએ ખીરનો વાટકો ખાલી કર્યો.
‘ગુરુજી, આ તો પેટ ભારે થઈ ગયું. હવે ડાન્સ કેમ થશે!’
ગુરુજી પણ હસી પડ્યા, ‘થોડી વાર બેસ. ઘૂંઘરુ પહેરીને તૈયાર થા.’
‘તમારે ઘૂંઘરુ નથી પહેરવાના, ગુરુજી?’
ભીંતકબાટની બાજુમાં, ગોખલાની નીચે બે ખીલા જડ્યા હતા જ્યાં ગુરુજી તેમના વજનદાર ઘૂંઘરુ લટકાવતા. ગુરુજી બહુ ગર્વથી કહેતા કે આ ઘૂંઘરુ તેમને તેમના ગુરુ તરફથી આશીર્વાદરૂપે મળેલા.
‘હું પણ ઘૂંઘરુ પહેરું જ છું.’
- ‘આ શું! ગુરુજીનો અવાજ મને દૂરથી આવતો હોય એવો કેમ લાગે છે! મને ચક્કર જેવું કેમ આવે છે! ધૂંધળું કેમ દેખાય છે!’
‘અરે, તું આમ ઢળી ક્યાં પડી! ઊભી થા, ચલ તને રૂમમાં લઈ જાઉં...’
ગુરુજી તેનો હાથ પકડીને રૂમમાં દોરી ગયા, પલંગ પર બેસાડી એવી જ સુજાતા પથારીમાં ઢળી પડી. ના, તેણે હજી હોંશ નહોતા ગુમાવ્યા. આંખો હજી ઉઘાડ-બંધ થતી હતી. શિથિલ થતા દિમાગને ગુરુજી મલકી રહ્યા હોવાનું પણ પરખાતું હતું.
ગુરુજીની ધીરજ ન રહેતી હોય એમ બહાર દોડી ગયા. જાળી તો બંધ જ હતી. તેમણે દરવાજો પણ બંધ કરીને ડબલ લૉક ચડાવી દીધું અને રૂમમાં આવી રાધેશ્યામ પલંગ પર સુજાતાના પડખે ગોઠવાઈ ગયા. 
‘સૂઈ ગઈ!’
સુજાતાએ અર્ધ બીડેલી આંખે કણસાટ કર્યો, ‘ગુરુજી, આપ...’
‘મને ગુરુ નહીં શ્યામ કહે, પ્રિયે!’ રાધેશ્યામનો શ્વાસ દહેકતો હતો, ‘આ ઘડીઓ માટે હું કેટલું તરસ્યો છું! માફ કરજે હં, ખીરમાં ઘેનની દેવા ભેળવીને તને બેહોશ કરવી પડી, પણ ચિંતા ન કર. કળીમાંથી ફૂલ બનનારી તું મારી પ્રથમ છાત્રા નથી!’
ગુરુજીના શબ્દો સુજાતાને કાને પડતા હતા, પણ સમજવાની શક્તિ રહી નહોતી.
‘ચાલ, અનંગનો ઓચ્છવ મનાવીએ. તારા ગોરા બદન પર વસ્ત્રોનું આવરણ મને કનડે છે, પ્રિયે! લાવ, એને ઉતારી જ દઉં...’
‘તેમણે ઓઢણી ખેંચી અને પછી...’ 
‘પછીની ઘટના કોઈને કહેવાઈ નથી... અશ્વિનને પણ નહીં!’
નહીં વહેંચાયેલી ગાથા સુજાતાદેવી વાગોળી રહ્યાં...

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff