બરસાત કી એક રાત (પ્રકરણ-૨)

03 October, 2023 08:00 AM IST  |  Mumbai | Rashmin Shah

‘તમે કહેતા હો તો હું તમારા ઑનલાઇન ક્લાસ લેવા પણ તૈયાર છું...’ ટીચરે ચોખવટ કરી, ‘આ બધું હું મારી ફી માટે નથી કહેતી, તમારી હેલ્થ માટે કહું છું. તમારા રિપોર્ટ ખરેખર ખરાબ છે.’

ઇલસ્ટ્રેશન

ઘરરરર....

વૉમિટ સાથે આવેલું બ્લડનું સૅમ્પલ જાણે કે રસ્તા પર રહેવા ન દેવું હોય એ રીતે અચાનક જ વરસાદ શરૂ થયો અને એ પણ સીધો સાંબેલાધાર.

તમે ફટાફટ ગાડીમાં આવીને બેસી ગયા. પાણીની બૉટલ હંમેશાં તમારી સાથે રહેતી એટલે તરત બૉટલ હાથમાં લીધી અને એનો ઘૂંટડો ભર્યો. પણ આ શું? અચાનક ગાડીમાં મોગરાની ખુશ્બૂ કેવી રીતે આવવા માંડી?!

તમે ઊંડો શ્વાસ લઈને ફરી એક વાર ખુશ્બૂ છાતીમાં ભરી.

હા, મોગરાની જ ખુશ્બૂ છે.

હમણાં સુધી તો નહોતી આવતી અને હવે, આમ અચાનક જ...

તમે આજુબાજુમાં નજર કરી. કદાચ ક્યાંક કોઈ મોગરાનો છોડ દેખાઈ આવે. પણ ના, આજુબાજુમાં હરિયાળીનું નામનિશાન નહોતું. દૂર, તમારાથી પચાસેક ફુટ દૂર એક દેરાસર હતું, પણ એના દરવાજા બંધ હતા. સ્વાભાવિક છે કે રાતે બે-અઢી વાગ્યે દેરાસર ખુલ્લું ન હોય.

કારમાં આવતી મોગરાની ખુશ્બૂની તીવ્રતા વધતી હોવાનો તમને અનુભવ થયો.

તમે ફરી ખાતરી કરવા ઊંડો શ્વાસ લીધો. આ વખતે ઊંડો શ્વાસ લેતી વખતે તમે ટમી બહાર આવે એની ચીવટ પણ રાખી અને આ જ ચીવટ વચ્ચે તમે એ શ્વાસને થોડી ક્ષણો માટે છાતીમાં ભરી પણ રાખ્યો.

હજી હમણાં જ ટૅક્સી કરનારી તમારી એક પૅસેન્જર યોગ ટીચર નીકળી હતી.

તેના હાથમાં અનાયાસ જ તમારી ફાઇલ આવી ગઈ હતી.

lll

‘મારું માનો તમે, પ્રાણાયામ શરૂ કરી દો. બહુ સમય નહીં જાય અને હેલ્થમાં ચોક્કસ ફાયદો દેખાશે. પ્રૉમિસ...’

‘હા, પણ મૅડમ એટલો ટાઇમ નથી...’

‘આપણે એવું માનતા હોઈએ છીએ.’ યોગ ટીચરે જ્ઞાન આપ્યું, ‘જે કામ કરવાની દાનત હોય એ કામ કરવા માટે પૂરતો સમય નીકળી જ જતો હોય છે. સમય ત્યારે જ ઘટે જ્યારે એ કામ કરવાનું મન ન હોય.’

‘હં...’

‘તમે કહેતા હો તો હું તમારા ઑનલાઇન ક્લાસ લેવા પણ તૈયાર છું...’ ટીચરે ચોખવટ કરી, ‘આ બધું હું મારી ફી માટે નથી કહેતી, તમારી હેલ્થ માટે કહું છું. તમારા રિપોર્ટ ખરેખર ખરાબ છે.’

‘શ્યૉર...’ જવાબ આપીને તમે તરત જ ક્લૅરિટી પણ આપી દીધી, ‘હું વિચારીશ અને પૉઝિટિવલી તમને જવાબ આપીશ. જો વાંધો ન હોય તો તમે નંબર આપી દેજો...’

પેલીએ કાર્ડ જ આપી દીધું અને બીજા દિવસે તમે ફોન કરીને તેને જવાબ આપી દીધો, ‘સૉરી મૅડમ. હમણાં તો શક્ય નહીં બને.’

‘મને ખબર હતી કે આ જ જવાબ આપશો એટલે મેં તમારા માટે થોડા વિડિયો તૈયાર કર્યા છે. જો વાંધો ન હોય તો તમને વૉટ્સઍપ કરી દઉં.’

‘સો કાઇન્ડ ઑફ યુ...’ તમે કૃતજ્ઞતા દર્શાવી દીધી, ‘હું પૂરી ટ્રાય કરીશ કે મારાથી થાય અને એવું હશે તો હું તમને એનો ચાર્જ પણ...’

‘કોઈ જરૂર નથી... બસ, તમે હેલ્ધી રહો એટલે ઘણું.’

lll

ફોન કટ કર્યો એ સમયે જે વિચાર મનમાં આવ્યો હતો એ જ વિચાર અત્યારે આ સમયે પણ તમારા મનમાં ઝબકી ગયો હતો.

ખરેખર સારી લેડી છે.

એ વિચાર સાથે ફરી વાર તમે અનુલોમ-વિલોમ માટે પાંચ મિનિટ ફાળવી દીધી. ટટ્ટાર બૅક સાથે શ્વાસોશ્વાસની કરેલી એ એક્સરસાઇઝે તમને નવેસરથી ફ્રેશનેસ આપી, પણ એ ફ્રેશનેસ વચ્ચે તમારું સતેજ થયેલું દિમાગ હવે સ્ટ્રૉન્ગલી કહેવા લાગ્યું કે ગાડીમાં ખુશ્બૂ આવે છે.

અનુલોમ-વિલોમ કરી તમે ફરી એક વાર ઊંડો શ્વાસ લઈને ખુશ્બૂનો અનુભવ કર્યો. હવે તો એની કોઈ જરૂર પણ નહોતી, કારણ કે મોગરાની એ ખુશ્બૂ આખી ગાડીમાં પ્રસરી ગઈ હતી.

ગાડીમાં બેઠાં-બેઠાં જ તમે ફરી એક વાર બહાર નજર કરી. રસ્તો સૂમસામ થઈ ગયો હતો. વરસાદની ગતિ વધવા માંડી હતી અને વીજળીના કડાકા-ભડાકા પણ તીવ્ર થઈ ગયા હતા.

સાલ્લું, અહીં ઊભા રહેવામાં માલ નથી.

મનમાં વિચાર ઝબક્યો અને ઝબકેલા એ વિચાર સાથે જ તમને નાનપણમાં વાંચેલી હરકિસન મહેતાની નવલકથા યાદ આવી ગઈ.

શું નામ હતું એનું?

હા, ‘ભેદ-ભરમ’.

સિદ્ધિવિનાયક મંદિર પાસેથી પસાર થતી ગાડીમાં આ જ રીતે મોગરાનાં ફૂલની ખુશ્બૂ આવે છે અને એ પછી જે ભટકતો આત્મા હતો એ પોતાનો બદલો લેવાના હેતુથી પાછો આવે છે.

વરસતા વરસાદ અને ઍરકન્ડિશન્ડ વાતાવરણ વચ્ચે પણ તમને પરસેવો વળવો શરૂ થઈ ગયો અને તમે ગાડીની સેલ્ફ મારી દીધી.

હવે અહીં ઊભા રહેવામાં સાર નથી. જોકે સેલ્ફ મારતી વખતે અચાનક જ તમારી નજર દેરાસર પર પડી અને તમારામાં નવેસરથી હિંમત આવી ગઈ.

જ્યાં આવડો મોટો ભગવાન બેઠો હોય ત્યાં થોડા નિશાચર જીવ ફરકે?

ક્યારેય નહીં. સવાલ જ નથી. એ આવે જ નહીં.

એમ છતાં સલામતી ખાતર તમે ગાડી લઈને દેરાસરના દરવાજા પાસે આવી ગયા.

સંશયની ક્ષણોમાં બહેતર છે કે ભગવાનની નિશ્રામાં રહેવું. ભય ભાગે નહીં તો કંઈ નહીં, ભય વળગે તો નહીં જ.

lll

ઠક... ઠક...

તમારી આંખો ખૂલી ગઈ.

દરવાજાના કાચ પર કોઈ ટકોરા મારતું હતું. ટકોરા મારનારાએ પૂજાનાં કપડાં પહેર્યાં હતાં. તમે વિન્ડો પરથી ગ્લાસ ઉતાર્યો.

‘ભાઈ, જરાક આગળ પાર્ક કરોને... દેરાસરના ગેટ સામે તમે ગાડી પાર્ક...’

તમે ઝાટકા સાથે દેરાસર સામે અને પછી પેલા ભાઈ સામે જોયું.

‘આઇ ઍમ સૉરી, રાતે અહીં...’ તમે ગાડીને સેલ્ફ માર્યો, ‘લઈ લઉં. આઇ ઍમ સૉરી...’

પેલા ભાઈના ચહેરા પર સૌમ્ય સ્મિત આવ્યું અને તમે થોડા મીટર આગળ ગાડી લઈ લીધી. રાતની આખી ઘટના હવે તમારી આંખ સામે ફરીથી આવી ગઈ હતી. થયેલી વૉમિટ, ગાજવીજ સાથે વરસેલો વરસાદ અને એ પછી ગાડીમાં આવતી મોગરાની ખુશ્બૂ.

તમે ઝાટકા સાથે ગાડીની બહાર આવ્યા અને પાછળનો દરવાજો ખોલીને અંદરની સીટ પર નજર કરી. કદાચ કોઈ ફૂલ આવી ગયું હોય કે પછી કોઈ પૅસેન્જર કશું ભૂલી ગયો હોય. પણ ના. એવું કશું તમને મળ્યું નહીં. પાછળની આખી સીટ પર ખાંખાંખોળા કરીને તમે ખાલી હાથે ફરી ગાડીમાંથી બહાર આવ્યા.

હવે, અત્યારે ગાડીમાંથી એવી કોઈ ખુશ્બૂ આવતી નહોતી.

ગાડીની બિલકુલ સામે જ ચાવાળો ઊભો હતો.

ગાડી લૉક કરીને તમે ચાવાળા પાસે આવ્યા અને ઇશારાથી જ કટિંગ ચાનું કહ્યું.

ગરમ ચાની પહેલી ચૂસકીએ વાતાવરણમાં પ્રસરેલી ઠંડકમાં તમને રાહત આપી તો સાથોસાથ વાત કરવાની સ્ફૂર્તિ પણ.

‘કેટલા ટાઇમથી અહીં ઊભા રહો છો?’

‘અરે સા’બ, સાલોં હો ગયે...’ ચા ઉકાળતાં-ઉકાળતાં જ પેલાએ કહ્યું, ‘સામેનું આ દેરાસર પણ નહોતું બન્યું ત્યારથી અને આ દેરાસર બન્યાને વીસેક વર્ષ થઈ ગયાં.’

‘હં...’ મનમાં ચાલતા વિચારોને તમે વાક્યમાં ગોઠવ્યા, ‘અહીં ક્યાંય કોઈ મોગરાનું ઝાડ... છે?’

‘ક્યૂં, ક્યા હુઆ...’ ચાવાળાએ પહેલી વાર ધ્યાનથી તમારી સામે જોયું, ‘ફૂલ તો મળે જ છે દેરાસરની બહાર. લઈ લો ત્યાંથી...’

‘ના, મને મોગરાનાં ફૂલ જોઈએ છે.’ હવે વાતની તમે વધારે નજીક ગયા, ‘રાતે મને અહીં મોગરાની ખુશ્બૂ આવતી હતી.’

પેલાએ ઝાટકા સાથે તમારી સામે જોયું.

પહેલાં સામે અને પછી પગથી માથા સુધી તમને નીરખી લીધા અને નીરખવાનું કામ પૂરું કરીને તેણે માથું ધુણાવીને માત્ર ના પાડી. એ નકાર પછી તેને તમારામાં રસ ન હોય એ રીતે તમારા એક પણ સવાલનો જવાબ આપ્યો નહીં. તમારા પ્રશ્નો વધતા ગયા એટલે જાણે કે તે કંટાળ્યો હોય એ રીતે મરાઠી પેપર ખોલીને વાંચવા બેસી ગયો.

તમે સમજી ગયા કે હવે અહીંથી નીકળી જવામાં સાર છે.

ખાલી ચાનો પ્યાલો તેના કાઉન્ટર પર મૂકીને તમે ખિસ્સામાંથી વીસની નોટ કાઢી તેની સામે ધરી.

‘છુટ્ટા નહીં હૈ...’

‘મેરે પાસ ભી નહીં હૈ...’

‘ચલેગા...’ પેલાએ આંખ મિલાવ્યા વિના જ કહી દીધું, ‘બાદ મેં દે દેના...’

lll

રાબેતા મુજબ જ તમે ઘર તરફ ગાડી ડ્રાઇવ કરી.

ખાતરી હતી કે અત્યારે કલ્પનાનો મૂડ ઠેકાણે આવી ગયો હશે. મૂડ પણ અને વર્તન પણ. જોકે તમારી એ માન્યતા આજે પહેલી વાર ખોટી પડવાની હતી.

કલ્પનાએ નક્કી કરી લીધું હતું કે હવે તે તમારાથી જુદી થઈને રહેશે.

તમારાથી નહીં, તમને પોતાનાથી જુદી કરીને.

lll

ખટ... ખટ...

બેલ પણ મારી લીધી અને દરવાજે નૉક પણ ઘણી વાર કર્યું, પણ ઘરનો દરવાજો ખૂલ્યો નહીં એટલે તમે નાછૂટકે તમારી પાસે રહેતી ચાવીથી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પણ વ્યર્થ.

તમને ખબર નહોતી કે ગઈ કાલે જ આ લૉક બદલાઈ ગયું છે.

ચાર-પાંચ વખત વ્યર્થ પ્રયાસ કર્યા પછી તમે લૉક ખોલવાનો પ્રયત્ન પડતો મૂક્યો અને ફોયરમાં રહેલા અન્ય બન્ને ફ્લૅટ પર નજર કરી. એક ફ્લૅટનો મેઇન ડોર બંધ હતો તો બીજા બે ફ્લેટના સૅફ્ટી ડોર બંધ હતા.

lll

ઠક... ઠક...

‘એક્સક્યુઝ મી...’

પાડોશીના દરવાજે નૉક કરીને તમે સહેજ અવાજ કર્યો, જેથી જાણીતો અવાજ સાંભળીને ઘરમાલિક સામે આવે. માલિક સામે તો આવ્યો, પણ દરવાજાથી તે લગભગ ચારેક ફુટ દૂર ઊભો રહી ગયો.

‘બોલો...’

‘જી, કલ્પના બહાર ગઈ છે?’ તમે સૌમ્યતા સાથે પૂછ્યું, ‘તમારું ધ્યાન હોય તો...’

‘માલૂમ નહીં...’

તે ફ્લૅટના માલિકે તરત તમારા પરથી ધ્યાન હટાવ્યું અને અંદર કામ કરતી બાઈને રાડ પાડીને ખખડાવવાનું ચાલુ કર્યું...

‘કેટલી વાર તને કીધું છે કે તું આવે એટલે તારે મેઇન ડોર બંધ કરી દેવાનો... ભાન નથી પડતી, એકની એક વાત વારંવાર કહેવાની તને?!’

કહેવાતું હતું પેલીને, પણ સંભળાવવામાં આવતું હતું તમને.

નજર નીચી કરીને તમે ત્યાંથી હટી ગયા.

ફરીથી બહાર નીકળી જવા સિવાય હવે કોઈ રસ્તો બાકી રહ્યો નહોતો એટલે તમે સોસાયટીમાંથી પણ બહાર આવી ગયા.

આજે પહેલો દિવસ હતો જ્યારે તમે શાવર લીધો નહોતો. શાવરનું શું કરવું એનો વિચાર મનમાં ચાલતો હતો ત્યાં જ તમારા મોબાઇલ પર નોટિફિકેશન આવ્યું...

ટ્ણીંન ટ્ણીંન...

લિટલ સ્ટાર પ્લેહાઉસ પાસે સવારી હતી. બેસી રહેવા કરતાં તો બહેતર છે કે કામ પર લાગી જવું અને આમ પણ કોઈ જ્ઞાની પુરુષે કહ્યું છેને કે પગ ચાલતા હોય તો દિમાગ અટકેલું રહે.

જ્ઞાની પુરુષે કે પછી જ્ઞાની સ્ત્રીએ?!

મનમાં જન્મેલા વિચારને બ્રેક મારીને તમે તરત પગને કામે લગાડ્યા અને આમ પણ પગ ચાલતા રહે એ તમારા માટે અત્યારે જરૂરી પણ હતું. જોકે તમને ખબર નહોતી કે ચાલતા રહેનારા પગ આજે ફરી એ દિશામાં આગળ વધવાના છે જે દિશાથી તમે દૂર ભાગવા માગો છો.

 

વધુ આવતી કાલે

columnists Rashmin Shah