૧૦૧ ટુકડા (પ્રકરણ - ૩)

21 September, 2023 07:50 AM IST  |  Mumbai | Rashmin Shah

સિરાજના ઘરેથી નીકળ્યા પછી સોમચંદે તરત જ સિરાજના બન્ને મોબાઇલનું લાસ્ટ લોકેશન શોધવાનું કામ શરૂ કર્યું હતું, જે કામ હકીકતમાં તો સિરાજ ગુમ થયો એ સમયે પોલીસે કરવાનું હતું; પણ એવી કોઈ ઇન્ક્વાયરી થઈ નહોતી.

ઇલસ્ટ્રેશન

સોમવારે રાતનાં જે સીસીટીવી ફુટેજ વર્સોવાથી મળ્યાં હતાં એના આધારે આ આખા વિસ્તારનાં ૧,૦૦૦થી વધારે ફુટેજ લેવામાં આવ્યાં. ફુટેજની માત્રા અઢળક હતી, પણ આ ઘટનામાં એક ઍક્ટિવા અને રિક્ષાની ભૂમિકા ભેદી હોવાથી પોલીસ ડિપાર્ટમેન્ટે રિક્ષા અને ઍક્ટિવાની જુગલબંધી શોધવાનું જ કામ કર્યું, જેને લીધે ૧૦૦ જેટલાં ફુટેજ એવાં મળ્યાં જેને બેઝ બનાવીને આગળ વધવાનું શરૂ થયું.

આ કામ આઠ કલાક ચાલ્યું. આ આઠ કલાકમાં સોમચંદે આખેઆખી એક એવી ફિલ્મ તૈયાર કરી જેનાથી સમગ્ર લાશના ટુકડાનો નિકાલ કેવી રીતે થયો એ આખો ઘટનાક્રમ સ્પષ્ટ થતો હતો.

lll

‘ગર્ગ, જો આ...’ ફરી એક વખત લૅપટૉપની સ્ક્રીન પર હાથ મૂકીને ડિટેક્ટિવ સોમચંદે ઘટના વર્ણવવાની શરૂ કરી, ‘આ કોકિલાબેન અંબાણી હૉસ્પિટલની બહારનો એરિયા છે. અહીં આ એક રિક્ષા ઊભી છે... આ રિક્ષા પાસે એક ઍક્ટિવા આવે છે... જેણે આ રિક્ષાવાળા પાસે જઈને વાત કરી અને સવારી ફાઇનલ કરી...’

સોમચંદે તૈયાર કરેલા સીસીટીવી ફુટેજમાંથી નાહકનો સમય કાઢતાં ફુટેજ હટાવી દીધાં હતાં જેને લીધે બન્યું એવું હતું કે તેની કૉમેન્ટરી અને ફુટેજ ઑલમોસ્ટ એકસાથે આગળ વધતાં હતાં.

‘બન્ને વચ્ચે જુઓ કોઈ વાત થાય છે... અને આ વાત પછી હવે એ બન્ને અહીંથી રવાના થાય છે...’

એવું જ બન્યું.

રિક્ષા સ્ટાર્ટ થઈ અને એને રસ્તો દોરવતાં આગળ લઈ જવા માટે ઍક્ટિવાએ આગેવાની લીધી.

‘આ રિક્ષાને લઈને તે ઍક્ટિવાવાળો હવે જાય છે વિજયનગર મેટ્રો સ્ટેશનની નીચેની ગલીમાં...’ સોમચંદે કહ્યું, ‘આ ફુટેજ આપણને આ એરિયામાં આવેલી સાઇકલની એક શૉપની બહારનાં સીસીટીવી ફુટેજમાંથી મળ્યાં છે. આપણે આ ફુટેજમાં જરૂરી લાગે એવી ચાલીસ જગ્યાનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ લીધાં છે અને સાચો ઘટનાક્રમ કોકિલાબેન હૉસ્પિટલ અને વિજયનગર મેટ્રો સ્ટેશનની સામેની ગલીમાંથી શરૂ થાય છે, જે છેક વર્સોવાની પેલી બે ટ્રક સુધી પહોંચે છે...’

ફુટેજ ફરી ચાલુ કરીને સોમચંદે લૅપટૉપની સ્ક્રીન ઇન્સ્પેક્ટર ગર્ગ

તરફ ફેરવી.

‘હવે જોતો જા...’ સોમચંદે કહ્યું, ‘નકામું ફુટેજ ખવાતું હોય એવા શૉટ્સ એમાંથી ડિલીટ કરી નાખ્યા છે, પણ આ ફુટેજથી તને આખી ઘટનામાં એટલું તો ક્લિયર થઈ જશે કે રિક્ષા ક્યાંથી કરવામાં આવી હતી અને ડેડ-બૉડી ભરેલા થેલાઓ કયા એરિયામાંથી લેવામાં આવ્યા હતા... જો...’

ઇન્સ્પેક્ટર ગર્ગે ધ્યાનથી એ આખું એડિટિંગ જોયું. મનોમન તેને સોમચંદ પર માન થઈ આવ્યું, પણ અત્યારે વખાણ કરવાનો સમય નહોતો. આખી ઘટના કદાચ સ્પષ્ટ થઈ રહી હતી, પણ આરોપી તો હજી બહાર જ હતો.

‘હવે શું?’ ઇન્સ્પેક્ટર ગર્ગે બે

વખત ફુટેજ જોયા પછી સોમચંદની સામે જોયું, ‘આપણે આ ઍક્ટિવાવાળા સુધી પહોંચવું પડશે...’

‘જેમાં મોસ્ટ પ્રોબેબ્લી આપણને ગુમ થયેલા લોકોની યાદી કામ લાગશે...’ સોમચંદે હાથ લંબાવ્યો, ‘લિસ્ટ ક્યાં?’

‘મેં તને વૉટ્સઍપ કરી દીધું એ તો...’ ગર્ગે ટેબલ પરથી પેપર્સ હાથમાં લીધાં, ‘તને પ્રિન્ટ જોઈતી હોય તો આ રહી...’

‘પ્રિન્ટ જ જોઈએ છે... સાલ્લું સ્ક્રીન પર સ્ટડી કરવાની મજા નથી આવતી. નૉવેલ કે જોક સુધી મોબાઇલની સ્ક્રીન બરાબર છે, પણ જો કંઈ મનમાં ઉતારવું હોય તો આ કાગળ અને એની ખુશ્બૂ...’ પેપરની ખુશ્બૂ લેતાં સોમચંદે કહ્યું, ‘એવું લાગે જાણે કે હું પોતે આ સમય જીવી રહ્યો છું...’

‘સમજી ગયો...’ ઇન્ટરકૉમ પર ચાનો ઑર્ડર આપતાં ઇન્સ્પેક્ટર ગર્ગે સોમચંદને કહ્યું, ‘કામે લાગી જા, શુક્રવારે મારી દીકરીનો બર્થ-ડે છે. મારે એ પહેલાં આ ચૅપ્ટર ક્લોઝ જોઈએ છે...’

‘બોલે તો એવી રીતે છે, જાણે કે તારા પરમ પૂજ્ય પિતાશ્રીનો નોકર હોઉં.’

‘ભૂલ છે તારી...’ ગર્ગે હસતાં-હસતાં જ કહ્યું, ‘પૂજ્ય પિતાશ્રીનો નહીં પણ મારો અને એ પણ નોકરથી બે સ્ટેપ આગળ કહેવાય એવો દોસ્ત...’

બન્ને દોસ્ત પહેલાં તો ખડખડાટ હસી પડ્યા, પણ પછી હસવાનો અવાજ ચેમ્બરની બહાર જશે એ વાતના ડર વચ્ચે બન્નેએ પોતાના હસવા પર કન્ટ્રોલ કર્યો અને કામે લાગ્યા.

lll

‘ગર્ગ, ત્રણ મુસ્લિમ યંગસ્ટર્સ છ દિવસથી ગાયબ છે...’ ચાની ચૂસકી લેતા સોમચંદની નજર લિસ્ટ પર હતી, ‘આપણે બહુ લાંબું કૅલ્ક્યુલેશન ન કરીએ તો પણ એટલું તો કરવું જ રહ્યું કે સોમવાર પહેલાં જે વહેલામાં વહેલું ગુમ થયું હોય તેને શોધવાનું શરૂ કરીએ અને એમ કરતાં પાછળ જઈએ. લાશમાંથી બદબૂ હજી શરૂ નહોતી થઈ એટલે ડેડ-બૉડીને લાંબો સમય સાચવી રાખવામાં નહીં આવ્યું હોય...’

‘પહેલું નામ છે સિરાજ અહમદનું...’ ગર્ગ મોબાઇલમાં એ લિસ્ટ ચેક કરતા હતા, ‘સિરાજ રહેતો જોગેશ્વરી...’

‘અંધેરીની નજીકનો એરિયા...’ હાથમાં રહેલા લિસ્ટ પર નજર નાખતાં સોમચંદે થિયરી અપનાવી, ‘ગુમ થયો છે રવિવારે અને સોમવારે આપણને ડેડ-બૉડી મળી છે. મતલબ કે તે હોઈ શકે છે...’

સોમચંદે સિરાજનું નામ લેવાનું ટાળ્યું એ ગર્ગે નોટિસ કર્યું.

‘જોગેશ્વરી જવું પડે?’

‘અત્યારે જ...’ સોમચંદ ઊભા થઈ ગયા, ‘નીકળીએ જ...’

‘ચા પીવી છે?’

‘બિલકુલ નહીં... હવે પહેલાં મર્ડરરનું લોહી પીવું છે.’ સોમચંદે કારની ચાવી હાથમાં લઈ લીધી, ‘કમ ફાસ્ટ...’

lll

‘તે શું કહીને ગયો ઘરેથી?’

સામે સિરાજનાં માબાપ બેઠાં હતાં. ઘરના ઇન્ટીરિયર પરથી ખબર પડતી હતી કે ફૅમિલી સામાન્ય છે. અલબત્ત, એ પછી પણ સિરાજના પેરન્ટ્સ ખુશ હતા. છેલ્લા એક કલાકથી સોમચંદ અને ગર્ગ બન્ને સિરાજના ઘરે આવી ગયા હતા. સિરાજની વાત કરતાં પેરન્ટ્સ સહેજ પણ થાકતા નહોતા.

‘અરે સાહેબ, અમે તો ચાલીમાં રહેતા. તે છોકરાએ અમને ત્યાંથી બહાર કાઢ્યા અને આ, આવા... સરસ ફ્લૅટમાં લઈ આવ્યો.’ અવાજમાં ભરાતા જતા ડૂસકાને દબાવતાં અમ્મીએ કહ્યું, ‘અમે તો ટીવી પણ ક્યારેય જોયું નહોતું; પણ સિરાજ, અમારા દીકરાએ અમને બધી જાહોજલાલી આપી... પરવરદિગાર કા શુકર હૈ, હમેં ઐસી ઔલાદ દી જો ખુદા સે ઝ્યાદા અપને અબ્બુ-અમ્મી કો ચાહતી હૈ...’

‘ઘરેથી શું કહીને તે નીકળ્યો હતો?’ ઇમોશનલ થઈ ગયેલા પેરન્ટ્સને લાઇન પર લાવવાનું કામ સોમચંદ માટે અઘરું હતું, ‘કેટલા વાગ્યે તે નીકળ્યો ઘરેથી?’

‘યે હી કરીબન, સાત-સાડેસાત બજે...’ અબ્બુએ જવાબ આપ્યો, ‘કહ કર ગયા થા કિ ઘંટેભર મેં આ જાઉંગા...’

અબ્બુના બધા જવાબો ટૂંકમાં

રહેતા, પણ અમ્મી જરા વધારે વિગત સાથે વાત કરતી હતી અને સોમચંદને એ જ જોઈતું હતું.

અબ્બુના જવાબ પછી સોમચંદે અમ્મી સામે જોયું અને અમ્મીની ભીની આંખોમાંથી આંસુનું એક ટીપું ગાલ પર આવી ગયું...

‘બસ, તબ સે ઘર નહીં આયા...’ અમ્મીએ ગળું ખંખેરીને વાત આગળ વધારી, ‘મોડી રાત સુધી અમે રાહ જોઈ, તેને ફોન કર્યા; પણ તેના બેઉ મોબાઇલ સ્વિચ્ડ-ઑફ હતા એટલે એમ જ આખી રાત બેસી રહ્યા. સવારે સાતેક વાગ્યે અમે પોલીસ સ્ટેશને જઈને જાણ કરી તો કહ્યું કે એકવીસ વર્ષથી મોટી ઉંમરનો છે એટલે તરત તો ગુમ થયાની ફરિયાદ નહીં લખવામાં આવે, પણ અમે માહિતી લઈ લઈએ છીએ.’

‘એ પછી શું થયું?’

‘ચોવીસ કલાક સાંજે પૂરા થયા એટલે અમે ફરી પોલીસ પાસે ગયા એટલે ગુમ થયાની ફરિયાદ તેમણે લખી, પણ હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો...’

‘તમારા દીકરા પર કોઈ એવું નિશાન...’ સોમચંદ શબ્દો શોધી-શોધીને બોલતા હતા, ‘કોઈ એવી નિશાની જેના આધારે ખબર પડે કે આ તમારો દીકરો...’

‘ના સાહેબ, એવું તો કંઈ...’ અબ્બાને વચ્ચે કાપતાં જ અમ્મી બોલ્યાં, ‘હા સાહેબ, તેણે છેને હમણાં કાંડા પર પોતાનું નામ લખાવ્યું હતું, ટૅટૂ કરાવે એમાં...’

સોમચંદે તરત જ ઇન્સ્પેક્ટર ગર્ગ સામે જોયું.

લાશના કાંડાથી હાથ નહોતા એનું કારણ હવે તે બન્નેને સમજાતું હતું. આ કારણના આધારે તે બન્નેને એ પણ સમજાતું હતું કે જે લાશ મળી છે એ સિરાજની હોવાની શક્યતા વધતી જાય છે.

‘અમને જો ફોટો મળે તો...’

‘છેને સાહેબ, બહુબધા ફોટો છે...’

અમ્મી ઊભી થઈ રૂમમાં જઈને મોટું આલબમ લઈ આવી, જેમાં સિરાજના નાનપણના ફોટોથી લઈને તે અઢાર વર્ષનો થયો ત્યાં સુધીના ફોટોગ્રાફ્સ હતા; પણ કોઈ કરન્ટ ફોટો નહોતો.

‘અમને તેનો તાજેતરનો ફોટો જોઈએ છે... લેટેસ્ટ ફોટો.’

‘એ તો સાહેબ, હવે ક્યાં કોઈની પાસે હોય છે. બધા મોબાઇલમાં જ...’ બોલતાં-બોલતાં જ અમ્મીને ટ્યુબલાઇટ થઈ અને તેણે પોતાનો મોબાઇલ ચેક કરવાનું શરૂ કર્યું, ‘આમાં હશે એકાદ ફોટો. હમણાં મારી દીકરીના દીકરાનો જન્મદિવસ હતો એ સમયનો...’

થોડાં ખાંખાંખોળા કર્યા પછી એ ફોટો મળ્યો એટલે અમ્મીએ સોમચંદને ફોટો દેખાડ્યો. સિરાજનો જે સ્કિન કલર હતો એ જોતાં વધુ એક વખત ખાતરી થતી હતી કે જે લાશ મળી છે એ લાશ સિરાજની હોઈ શકે છે.

lll

‘ગર્ગ, આ તારો ડિપાર્ટમેન્ટ કામ કરવાની બાબતમાં ખરેખર રેઢિયાળ

છે. આજે ટેક્નૉલૉજી એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે પાંચમી મિનિટે લોકેશન જાણી શકાય ત્યારે...’

સિરાજના ઘરેથી નીકળ્યા પછી સોમચંદે તરત જ સિરાજના બન્ને મોબાઇલનું લાસ્ટ લોકેશન શોધવાનું કામ શરૂ કર્યું હતું, જે કામ હકીકતમાં તો સિરાજ ગુમ થયો એ સમયે પોલીસે કરવાનું હતું; પણ એવી કોઈ ઇન્ક્વાયરી થઈ નહોતી.

‘સર, બન્ને સેલફોન છેલ્લે વિજયનગરમાં હતા. ટાવરની ડીટેલ્સ તમને મોકલી છે. એ ટાવર સાથે મોબાઇલ કનેક્ટ થયા પછી મોબાઇલ ત્યાંથી બહાર નીકળ્યા નથી.’

મોબાઇલ ઑપરેટરે ઇન્ફર્મેશન આપી એટલે સોમચંદે કન્ફર્મેશન લઈ લીધું.

‘જે ટાવરમાં મોબાઇલ સ્વિચ્ડ-ઑફ થાય એ જ ટાવરનું છેલ્લું લોકેશન રહે...’

‘યસ સર...’

‘સંજય, એ લોકેશન પર કેટલી

વાર ફોન રહ્યો છે...’ સોમચંદે પૂછ્યું, ‘કેટલા વાગ્યાથી ફોન એ ટાવર સાથે કનેક્ટેડ હતો?’

‘આમ તો તમને ડીટેલ મોકલી દીધી છે, પણ કહી દઉં...’ કમ્પ્યુટરની કીનો ખળખળાટ સંભળાયો અને પછી અવાજ આવ્યો, ‘૮ વાગીને ૩૯ મિનિટમાં ફોન ટાવર રેન્જમાં એન્ટર થયો અને એ પછી એ જ ટાવરની રેન્જમાં રહ્યો છે.’

‘ઠીક છે.’ સોમચંદે વાત પૂરી કરતાં કહ્યું, ‘આ બન્ને નંબર પર વૉચ રાખજે. જો એમાં કોઈ મૂવમેન્ટ હોય તો ઇમિડિયેટ ઇન્ફૉર્મ કરજે...’

lll

અંધેરીના વિજયનગરનું છેલ્લું લોકેશન હતું એનો અર્થ એવો થયો કે સિરાજ ઘરેથી નીકળીને વિજયનગરમાં આવ્યો છે. જો આ એરિયાના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરવામાં આવે તો કદાચ સિરાજનો પત્તો મળે, પણ એ ઘાસના ઢગલામાંથી સોય શોધવા જેવું કામ હતું. એવું કરવા જતાં બની પણ શકે કે સિરાજના કાતિલ સુધી વાત પહોંચે પણ ખરી, એટલે એ દિશામાં આગળ વધવાને બદલે બહેતર છે કે એવું કોઈ સ્ટેપ લેવું જેમાં સીધી એ જ જગ્યાએ તરાપ મારી શકાય જે જગ્યાએ સિરાજ ગયો હોય.

એ આખી રાત ડિટેક્ટિવ સોમચંદ પથારીમાં પડખાં ઘસતા રહ્યા. કેસનો અંત હવે તેને નજીક દેખાતો હતો અને એમ છતાં પ્રકાશનો અભાવ હતો.

જો સિરાજને કોઈ સાથે દુશ્મની હોય તો વાત આગળ વધે, પણ સિરાજને કોઈ સાથે દુશ્મની નહોતી એવું તેની ફૅમિલીનું કહેવું છે. સિરાજ તો તેના પાર્ટનર હૈદર સાથે પણ...

હૈદર...

ભાગીદાર સાથે થતો મતભેદ મોટા ભાગના લોકો કોઈને કહી શકતા નથી હોતા, પછી એ જીવનસાથી હોય કે ધંધાદારી સાથી.

સોમચંદ બેડમાંથી ઊભો થઈ ગયો.

હૈદર સુધી પહોંચવું જરૂરી છે, વાત હૈદર સુધી પહોંચે એ પહેલાં...

‘ઑફિસે જલદી આવ...’ ઇન્સ્પેક્ટર ગર્ગને મોબાઇલ પર સૂચના આપતાં સોમચંદે કહ્યું, ‘આપણે તાત્કાલિક સિરાજની ઑફિસે જવું છે. કદાચ લૉક તોડવું પડે તો એ પણ તોડીશું... કમ ફાસ્ટ.’

 

વધુ આવતી કાલે

columnists Rashmin Shah