શાહરુખ ખાન અને રણવીર સિંહ સાથે સ્ટેજ પર ડાન્સ કરી ચૂક્યાં છે આ માઇક્રોબાયોલૉજિસ્ટ

23 May, 2023 04:12 PM IST  |  Mumbai | Laxmi Vanita

છેલ્લાં વીસ વર્ષથી મેડિકલ લૅબોરેટરી ટેક્નૉલૉજિસ્ટ તરીકે કામ કરતાં ૪૫ વર્ષનાં ઉષ્મા સીમરિયા એક જાણીતા અવૉર્ડ શોમાં બૉલીવુડ સુપરસ્ટાર્સ સાથે પર્ફોર્મ કરી ચૂક્યાં છે

ઉષ્મા વિપુલ સીમરિયા

કાંદિવલીમાં જ જન્મેલાં અને મોટાં થયેલાં ૪૫ વર્ષનાં ઉષ્મા વિપુલ સીમરિયા નાનપણથી જ મેડિકલ ક્ષેત્રે કામ કરવા પ્રેરાયાં હતાં અને ડાન્સ પ્રત્યે પણ એટલો જ પ્રેમ હતો. ઉષ્માબહેને ક્યારેય વિચાર્યું નહોતું કે ફિલ્મી દુનિયામાં અને એ પણ જાણીતા અવૉર્ડ શોના સ્ટેજ પર બૉલીવુડ સુપરસ્ટાર્સ સાથે ડાન્સ કરવાનો મોકો મળશે અને જ્યારે આ તક મળી ત્યારે તેમની પાસે શબ્દો જ નહોતા. છેલ્લાં વીસ વર્ષથી મેડિકલ ક્ષેત્રમાં કાર્યરત માઇક્રોબાયોલૉજિસ્ટ આજે પણ ડાન્સ અને ઇવેન્ટ્સ સાથે સંકળાયેલાં રહે છે. 

કેવી રીતે મળી પ્રેરણા?

નાનપણથી જ વિજ્ઞાનક્ષેત્રે જિજ્ઞાસુ ઉષ્મા સીમરિયા કહે છે, ‘હું મુંબઈમાં જ મોટી થઈ. મારા પેરન્ટ્સ વર્કિંગ હતા એટલે અમને ઘણીબધી નવી પ્રવૃત્તિઓ અને જગ્યાઓનું એક્સપોઝર મળ્યું. પહેલાં તો સંજોગોવશાત મેં ભરતનાટ્યમ અને કથકનાં બે વર્ષ કર્યાં પણ મારો ઝુકાવ ભરતનાટ્યમ પ્રત્યે વધારે હતો, કારણ કે મને એ વધારે એક્સપ્રેસિવ લાગતું હતું એટલે મેં એમાં વિશારદ ડિગ્રી મેળવી જેમાં મારાં ગુરુ સુમિત્રા ભટ્ટાચાર્ય હતાં. ડાન્સ પણ એક પ્રોફેશન એવો ઑપ્શન હતો પરંતુ મેડિકલક્ષેત્રે તો બહુ જ પહેલેથી મારો ઝુકાવ હતો. મારા નાનાજી આંખોના સર્જ્યન હતા. અમે અમારા દરેક વેકેશન તેમની સાથે વિતાવેલાં છે તો વેકેશનમાં તેમના કૅમ્પ અને મેડિકલ વિઝિટ પર અમે જતાં તો ત્યારે જે પેશન્ટ સાથે આત્મીયતાથી વાત કરવાની, તેમની તકલીફ દૂર કરવાની એમાં મને વધારે હ્યુમેનિટી લાગતી. ડાન્સ પૅશન હતું અને આજે પણ છે, પરંતુ મારે પેશન્ટની નજીક કામ કરવું હતું એટલે હું માઇક્રોબાયોલૉજિસ્ટ બની. છેલ્લાં વીસ વર્ષથી મારા પ્રોફેશન સાથે મેં ડાન્સને પણ જીવંત રાખ્યો છે.’ 

ગોલ્ડન તક

સવારના છથી સાંજના છ પરિવાર અને પ્રોફેશનને આપ્યા બાદ પૅશનને ફૉલો કરતાં ઉષ્માબહેન કહે છે, ‘હું નવરાત્રિથી નવરાત્રિ ડાન્સ કરતી. મને ડાન્સ શીખવવાના ઘણા પ્રસ્તાવ આવ્યા, પરંતુ મારી પાસે એટલુંબધું કામ હતું કે એ શક્ય નહોતું. મારો દીકરો અત્યારે સેકન્ડ યર એમબીબીએસમાં છે. તે મોટો થઈ ગયા પછી મેં ફરીથી ડાન્સ શીખવાનું શરૂ કર્યું. ડાન્સમાં ગરબા ક્લાસિસના ચાર લેવલ હોય છે. તો હું ડાન્સ પ્રૉપર પોસ્ચર સાથે શીખું તો જ મને સંતોષ થાય. લલિતા સોની જેમની ડાન્સ ઍકૅડેમી છે એ મને ઓળખતાં હતાં અને મારી પાસે ડાન્સની ડિગ્રી પણ છે. ૨૦૧૮માં તેમણે મને બોલાવીને ઑડિશન આપવા કહ્યું. ચારેક ગ્રુપ ઑડિશનમાં હતાં જેમાં અમારું ગ્રુપ સિલેક્ટ થયું. ત્યારે મારો દીકરાને બોર્ડ્સ હતું તો પણ હું બધું જ મૅનેજ કરીને રિહર્સલ કરતી. નાનપણથી હું એ અવૉર્ડ શો જોતી આવી છું અને આજે પણ દેશમાં એ બહુ જ ફેમસ છે. એ સ્ટેજ પર પર્ફોર્મ કરવાની તક એક સપના જેવી લાગતી હતી.’ 

એ દિવસનો અનુભવ

 ‘અમે લોકો રેડી હતાં. પાંચ કે આઠ મિનિટમાં અમારે ત્રણ કૉસ્ચ્યુમ બદલવાનાં હતાં. પહેલાં તો પોલકા ડૉટ ટૉપ અને પૅન્ટ નક્કી હતાં પણ પછીથી સાડી નક્કી થઈ હતી’ એમ જણાવીને ઉષ્માબહેન આગળ ઉમેરે છે, ‘સાડી જેવો કૉસ્ચ્યુમ બદલવામાં તો સમય જોઈએ પણ પર્ફોર્મન્સ દરમિયાન તમારી પાસે માત્ર સાત કે આઠ જ સેકન્ડ છે. એમાં તમારે સ્પીડ રાખવાની છે. તો એ ફિલ્મી દુનિયા જે દૂરથી જ જોઈ હતી અને ક્યારેય સપનામાં પણ આવા સ્ટેજ પર પર્ફોમ કરવાનું નહોતું વિચાર્યું એવી તક હતી. અનુભવ તો શબ્દોમાં ન કહી શકાય. સૌથી પહેલાં જ ઓપનિંગ શાહરુખ ખાન સાથે થયું હતું અને પછી રણવીર સિંહ સાથે ઓલા લા લા પર પર્ફોર્મન્સ હતો, કારણ કે બપ્પી લાહિરીને ટ્રિબ્યુટ આપી રહ્યા હતા. વર્ષમાં હું બે વખત તો આવી ડાન્સ ઇવેન્ટ સાથે જોડાઉં છું અને રિહર્સલમાં કે ડાન્સના મેદાનમાં મારો થાક એનર્જીમાં બદલાઈ જાય છે. આ વર્ષે જ ફેબ્રુઆરીમાં મેં લાવણી નૃત્ય કર્યું જે મારે ઘણા લાંબા સમયથી શીખવું હતું. રેગ્યુલર વૉક અને વીક-એન્ડ પર સાઇક્લિંગ કરીને પોતાને ફિટ રાખું છું. મારી મમ્મી ૭૦ પ્લસ હોવા છતાં ખૂબ ઍક્ટિવ છે એટલે મારી પ્રેરણા જ ત્યાંથી આવી છે.’

columnists Shah Rukh Khan ranveer singh