સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારત : ઈશ્વરે તમને આપેલી સિક્સ-પૅક્સ ક્યાં ગઈ?

10 May, 2019 09:20 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારત : ઈશ્વરે તમને આપેલી સિક્સ-પૅક્સ ક્યાં ગઈ?

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

હા, પરમકૃપાળુ પરમાત્માએ બધાને સલમાન ખાન જેવી સિક્સ-પૅક્સ આપી છે, તમામેતમામને અને દરેકેદરેક વ્યક્તિને, પણ ફરક માત્ર એટલો છે કે આપણે આપણી ખાનપાનની આદતના કારણે કાં તો એ પૅક્સ ભરી દીધી અને કાં તો એ પૅક્સ સાવ ઓગાળી નાખી છે. બાકી ભગવાને કોઈ જાતની વહાલા-દવલાની નીતિ રાખી નહોતી, તેણે તો બધાને એકસરખું શરીર આપ્યું અને બધાને એકસરખું સ્વાસ્થ્ય આપ્યું, પણ આપણે આપણા ખાનપાન પર ધ્યાન આપવાને બદલે માત્ર આપણી જીભને પ્રાધાન્ય આપ્યું અને શરીરનો સોથ વાળી દીધો.

ખોરાક આપણે માટે છે. આ એકદમ સરળ અને સીધી કહેવાય એવી વાત આપણે વીસરી ગયા અને આપણે એવું ધારી બેઠા કે ખોરાક માટે આપણે બન્યા છીએ. જીભને ભાવે એવું ખાવું છે અને જીભને ગમે એવું જ શરીરમાં ઓરવું છે. ફાસ્ટ-ફૂડ તો સાવ જુદો વિષય છે અને એના પર તો આખું પુરાણ લખી શકાય એમ છે, પરંતુ ફાસ્ટ-ફૂડ સિવાય પણ આપણે સ્વાસ્થ્યને બગાડવાના તમામ રસ્તાઓ વાપરીએ છીએ. જમવાનો સમય યોગ્ય નથી તો આહારમાં શેનું પ્રમાણ વધારે હોવું જોઈએ એ વિશે પણ આપણી પાસે જ્ઞાન નથી. આપણે શરીરને આપણી તાકાત માનીએ છીએ, પણ આ તાકાતને અકબંધ રાખવા માટે જેકોઈ રસ્તા અપનાવવાના હોય એ અપનાવવા માટે રાજી નથી. ફાફડા આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને તળેલા નાસ્તા આપણા શ્વાસમાં વણાઈ ગયા છે. ગળ્યું ખાવું છે, પણ એ યાદ નથી રાખવું કે શરીર પણ એક સમયે નબળું પડવાનું છે એટલે નબળા પડતા શરીરમાં આપણે હવે શું ઓરવાનું છોડવું જોઈએ અને શું ઓરવાનું પ્રમાણ વધારવું જોઈએ?

આ પણ વાંચો : ખુદી કો કર બુલંદ ઇતના : જો જીવનમાં કાંઈ હાંસલ કરવું હશે તો સઘળું છોડવાની તૈયારી રાખવી પડશે

તમે ક્યારેય કોઈ હાથીને આંખે ચશ્માં પહેરેલો જોયો છે? તમે ક્યારેય કોઈ કીડીને ડાયાબિટીઝ થયો એવું સાંભળ્યું છે ખરું? ચકલીનું બ્લડ-પ્રેશર વધતું નથી અને કૂતરાને લકવો થતો નથી. શું કામ? માત્ર એક જ કારણ કે તેઓ પ્રકૃતિ વિરુદ્ધ જઈને વર્તતાં નથી. ખાવાનું રાખો, પણ બને એટલી ઓછી પ્રોસેસ સાથે ફૂડ ખાવા મળે એવું કરો. આપણી પ્રોસેસ ફૂડના બાદશાહ બનતા જાય છે. કાચું એટલું સોનું, આયુર્વેદ આવું કહે છે. બને ત્યાં સુધી કાચું ખાવાનું રાખો અને શક્ય હોય ત્યાં સુધી મેંદાની વરાઇટીઓ ખાવાનું બંધ કરો. મેંદો આપણું ફૂડ છે જ નહીં. મેંદો આપણા આહારમાં ક્યાંય હતો જ નહીં. એ તો અંગ્રેજો લાવ્યા અને જતી વખતે આપણે ત્યાં મૂકતા ગયા. અંગ્રેજો કુકીઝ ખાતા એટલે આપણે પણ તેમની દેખાદેખીમાં પડ્યા. પૂડલા ખાવાને બદલે આપણે પણ ગળ્યા કુકીઝ ખાતા થઈ ગયા. બાજરાના રોટલા ખાવાને બદલે આપણે પણ ઘઉં ખાતા થઈ ગયા. આ આપણો આહાર નથી અને એટલે આપણે એને આપણી થાળીમાંથી બહાર કાઢવાનો છે. સૂપ આપણાં નહોતાં, દાળ આપણી હતી. બેકરીની આઇટમ આપણી હતી જ નહીં, દૂધની મીઠાઈ આપણી હતી. બટર આપણે જોયું જ નહોતું, આપણે તો માખણના પિંડા ખાવામાં માનતા. આ આખી અવસ્થા આવી એ દેખાદેખીનું પરિણામ છે અને આ દેખાદેખીએ આપણા શરીરનો સોથ વાળી નાખ્યો છે. જો તંદુરસ્ત રહેવું હોય તો તમારે તંદુરસ્તીની વ્યાખ્યા પણ સમજવી પડશે અને એનું પાલન પણ કરવું પડશે.

columnists manoj joshi