નવનીત જોષી : આવજો વહાલા, ફરી મળીશું

13 May, 2019 01:42 PM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

નવનીત જોષી : આવજો વહાલા, ફરી મળીશું

નવનીત જોષી

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

મધર્સ ડેના દિવસે પપ્પાને ગુમાવવા...

બહુ વિચિત્ર અનુભવ કહેવાય આ, પણ હા, આ વાસ્તવિકતા છે. ગઈ કાલે મેં મારા પિતા જ નહીં, મારા ગુરુ, મારા ગાઇડ અને મારા ફિલોસૉફર પણ ગુમાવ્યા. મારા જીવનનો કબીરવડ મેં ગુમાવ્યો. સાચું કહું તો આ કૉલમ પણ માત્ર તેમની ઇચ્છાથી શરૂ થઈ હતી. વર્ષો પહેલાં જ્યારે મીડિયાની નોકરી સાથે કરીઅરની શરૂઆત કરી ત્યારથી તેમને એવું હતું કે હું લેખક બનું અને રાષ્ટ્રની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેવા કરું.

સેવાનો ભાવ તેમના મનમાં સતત રહેતો અને એ જ કારણે આ કૉલમની જ્યારે વાત નીકળી ત્યારે સૌથી પહેલાં તેમનો જ વિચાર આવ્યો હતો. તેમની સાથે આ વિષય પર વાત પણ થઈ હતી અને તેમની જ ઇચ્છા સાથે કૉલમના ડીપીમાં તિરંગો રાખવાનું નક્કી કર્યું હતું. કૉલમ શરૂ થયા પછી એ નિયમિત કૉલમ વાંચે. બહુ લાંબી વાતો ન કરે, પણ તેમની આંખો પરથી પરખાઈ જાય. છેલ્લા થોડા સમયથી તેઓ બેડ-રેસ્ટ પર હતા. વાત ભાગ્યે જ કરે. મોટા ભાગનો સમય સૂતા હોય, પણ તેમની રૂમમાં કોઈ પણ જાય એટલે તરત જ તેમની આંખો ખૂલે. ખુલ્લી આંખે આવકાર આપે. પાસે જઈને બેસું એટલે તેઓ ધીમેકથી હાથ લંબાવે. તેમનો હાથ હાથમાં લેવાનો અને પછી બસ, એમ જ ચૂપ બેસીને મૂકસંવાદ સાથે છૂટા પડવાનું.

સંસ્કૃત અને શાસ્ત્રો એ બન્ને મારા જીવનમાં લાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ મારા પપ્પા હતા. તેમને કારણે જ સંસ્કૃત વાંચવાનું પણ શરૂ કર્યું અને તેમને લીધે જ શાસ્ત્રો પણ વાંચવાનું જ્ઞાન આવ્યું. એ બહુ આગ્રહ ન કરે, પણ કહે ત્યારે તમારે ધારી લેવાનું, માની લેવાનું કે એ કરવાનું જ છે. આ જે અધિકારભાવ તેમના સ્વરમાં હતો એ અદ્ભુત હતો. આ અધિકારભાવ વચ્ચે તેમની પાસે વાત સમજવાની ક્ષમતા પણ હતી. મૂળ કર્મકાંડી પણ એ પછી પણ વિચારોનું બંધિયારપણું તેમના સ્વભાવમાં જરા પણ જોવા મળતું નહીં. નવી વાત, નવા વિચારો અને નવી વિચારધારાને સ્વીકારવાની ક્ષમતા તેમનામાં ભારોભાર હતી. નવી અને જૂની વાતો વચ્ચે સંતુલન કરીને ત્રીજો માર્ગ કાઢવાનું કૌવત પણ તેમનામાં અદ્ભુત હતું. નાનો હતો ત્યારથી હું આ બધું જોતો અને જોઈને મનોમન એક જ વાત વિચારતો, જીવનમાં બનવું તો નવનીત જોષી જેવું. હા, આ મારું સપનુ હતું, છે અને રહેશે; પણ સાચું કહું તો, બહુ અઘરું છે એ મુજબનું બનવું.

આ પણ વાંચો : સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારત : ડાયટની બાબતમાં પરિવારનો સપોર્ટ મળવો જરૂરી

અછત વચ્ચે પણ સતત હસતા રહેવાની ભાવના પ્રબળ રહે. અછત પછી પણ સતત હકારાત્મક રહેવાની લાગણી અકબંધ હોય અને અછત વચ્ચે પણ આશા અને સદ્ભાવના છલકતી રહે એ નાની વાત નથી, ઓછી વાત નથી. બહુ શીખવા મળ્યું, બહુ શીખવાનું બાકી રહી ગયું અને એ પછી પણ સાથ અધૂરો રહી ગયો, માતૃત્વના દિવસે જ પિતૃત્વનો આધાર ગુમાવી દીધો. બીજું તો શું કહું તમને હું, બસ એટલું જ કહીશું : આવજો વહાલા ફરી મળીશું.

manoj joshi columnists