સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારત : તમારા શરીરને ઉકરડો કહે તો તમને કેવું લાગે?

11 May, 2019 10:36 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારત : તમારા શરીરને ઉકરડો કહે તો તમને કેવું લાગે?

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

દરેક દેહમાં ભગવાન છે એવું કહેવાતું રહ્યું છે. શાસ્ત્રો પણ કહે છે અને પુરાણ પણ કહે છે, પરંતુ એમ છતાં ઈશ્વરના આ ઘરને સાચવવાનું કામ આપણે કરવા રાજી નથી. અંદર જગતભરનો કચરો ઓરી દઈએ છીએ અને ઓરી દીધા પછી એ કચરો કાઢવા માટે પણ આપણે કોઈ તસ્દી લેતા નથી. જરા વિચારો તો ખરા, તમારા શરીરને કોઈ ઉકરડો કહે તો તમને કેવું લાગે? કેવું લાગે તમને ત્યારે જ્યારે કોઈ તમારા શરીરની તુલના ગટર સાથે કરે? ન ગમે, સાચું જ છે કે ન જ ગમવું જોઈએ, પણ ગમા-અણગમાથી પર થઈને કેમ તમે ક્યારેય એવું નથી વિચારતા કે આવું ન બને, આવું સંબોધન કોઈના મનમાં ન આવે એ માટે તસ્દી તમારે પણ લેવાની જરૂર છે.

ઍવરેજ મુંબઈકર સવારે ૭ વાગ્યાનો ઘરની બહાર નીકળી જાય છે અને રાતે ૧૦ વાગ્યે ઘરમાં આવે છે. આ અવસ્થામાં સવારે પાંચ વાગ્યાથી બનવાનું શરૂ થયું હોય એવું ફૂડ તે ખાય છે અને આખો દિવસ શરીરમાં ચા-કૉફી ઓર્યા કરે છે. અનેક મહાનુભાવોને મેં જોયા છે કે તે એવું દેખાડે છે કે તે ચા પીએ છે, કૉફી પીએ છે, પણ શુગર તો બિલકુલ નાખતા જ નથી. યુ સી, શુગર તો શરીર માટે ઝેર છે. ધૂળ અને ઢેફાં. શરીર માટે એ બધું ઝેર છે જે અતિરેક સાથે આવી રહ્યું છે. અતિ હંમેશાં ક્ષતિ ઊભી કરે. સરળ જીવન કરી નાખો અને સાદગીભર્યો ખોરાક કરી નાખો. તમારું ફૂડ પોતે જ એક પ્રકારનો ડૉક્ટર છે અને તમારે એ ડૉક્ટરને ઓળખવાનો છે. એવું કશું નથી ખાવું જે જીભને સ્વાદ આપે છે, એવું નથી ખાવું જે ખાવાની મજા આવે છે. સ્વાદ અને મજા એ માણસે ઊભી કરેલી સૃષ્ટિ છે. એક વાત તમને કહેવી છે આજે.

આ પણ વાંચો : સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારત : ઈશ્વરે તમને આપેલી સિક્સ-પૅક્સ ક્યાં ગઈ?

તમે પ્રાણીઓને ક્યારેય રાંધતાં જોયાં છે ખરાં? તમે ક્યારેય શિયાળને મટન-બિરયાની બનાવતો જોયો કે પછી તમે ક્યારેય હરણને સૂપ બનાવતાં દીઠું? નહીંને. આ સૃષ્ટિનો નિયમ છે અને સૃષ્ટિનો નિયમ જો આ બધા પાળી શકતા હોય તો પછી તમે નિયમ નહીં પાળીને પુરવાર કરી રહ્યા છો કે તમે સૃષ્ટિ વિરુદ્ધ જઈ રહ્યા છો. આયુર્વેદ જ નહીં, તમામ પ્રકારનાં મેડિકલ શાસ્ત્રો કહે છે કે જેટલી ઓછી પ્રોસેસ સાથે તમે ફૂડ આરોગશો એટલા વધારે તમને એના ગુણ મળશે, લાભ કરશે. હળદરનો પાઉડર ખાવાને બદલે કાચી હળદર ખાવાનું રાખો. હમણાં જ એક નેચરોપથી એક્સપર્ટ સાથે વાત થઈ, તેમણે કહ્યું કે હળદરનો પાઉડર તો આંતરડા પર ચોંટી જશે પણ જો કાચી હળદર ખાધી હશે તો એ દાંત વાટે ચવાશે અને એનાં તમામ ગુણકારી સત્વો જીભ વાટે શરીરના અંગ-અંગ સુધી પહોંચશે. વાત લૉજિકલ છે અને સહેલાઈથી સમજાય એવી પણ છે. પ્રોસેસ કરીને કશું ખાવું નથી અને પ્રોસેસ વિના જેકંઈ ખાઈ નથી શકાતું એને ઓછામાં ઓછી પ્રોસેસ સાથે ખાવાનું છે. ઘઉં, લોટ, કણક અને રોટલી, આ ચાર પ્રોસેસ થઈ. ચાર પ્રોસેસમાંથી કઈ પ્રોસેસ તમે ઘટાડી શકો છો એ જુઓ. શાકભાજી, બાફવાની પ્રક્રિયા અને પછી વઘાર. આ ત્રણ પ્રોસેસ થઈ, આમાંથી કેટલી ઘટાડી શકાય એમ છે એ જુઓ અને એને ફૉલો કરો. ઓછામાં ઓછી પ્રોસેસ સાથે લેવામાં આવેલું ફૂડ ગુણકારી છે. હું તો કહીશ કે જે શાકભાજી કાચાં ખાઈ શકાય એમ છે એને એ જ રીતે ખાવાનું રાખો અને એનાથી જ પેટ ભરો. આજનો સ્વાદનો આગ્રહ તમારે માટે આવતી કાલનું હૉસ્પિટલ બિલ હોઈ શકે છે.

manoj joshi columnists health tips