આએગા તો મોદી હી : જાણો છો તમામ એક્ઝિટ પોલે શું કામ આ જ વાત કહી છે?

21 May, 2019 10:15 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આએગા તો મોદી હી : જાણો છો તમામ એક્ઝિટ પોલે શું કામ આ જ વાત કહી છે?

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આ વાત ખરેખર વિચારવાની જરૂર છે.

શું કામ તમામ એક્ઝિટ પોલે એક જ વાત કહી છે કે બીજેપી (કે પછી એનડીએ)ની જ સરકાર રચાશે? જરા વિચારો, શું કામ તમામનો એક જ સૂર છે. એક પણ ચૅનલ કે એક પણ એક્ઝિટ પોલ એવો નથી જેમાં મોદીને તકલીફ હોય એવું દેખાડવામાં આવ્યું હોય. કારણ શું? શું પૈસો, મીડિયાને મૅનેજ કરવાની સ્કિલ કે પછી મોદીની આંખની શરમ? આજે વિરોધીઓ સતત એવું બોલી રહ્યા છે કે આ બધું બીજેપીએ મૅનેજ કરી લીધું અને એટલે આવો એક્ઝિટ પોલ જોવા મળે છે. મારું એટલું જ કહેવું છે કે આજે કોઈ મીડિયા હાઉસ એવું નથી જે બોંતેર જ કલાકમાં પોતે ખોટા પડવાના હોય અને એ પછી પણ સેટલમેન્ટ માટે કે પછી પેલી ટિપિકલ બોલીમાં કહીએ એમ સેટિંગ કરવા તૈયાર થાય.

ના, ક્યારેય નહીં.

આ જે એક્ઝિટ પોલ આવ્યા છે એ ગ્રાસરૂટ લેવલનો સર્વે છે. ગઈ કાલે એક ન્યુઝ ચૅનલની ડિબેટમાં હાજર હતો ત્યારે આમ આદમી પાર્ટીના એક સિનિયર નેતાએ સરસ દલીલ કરી હતી. તેણે કહ્યું કે આમ આદમી પાર્ટીનો વોટર જાહેરમાં આવતો નથી, તે ગાઈવગાડીને કોઈને કહેવા જતો નથી. સર્વે કરનારાઓને પણ તે કશું કહેવા રાજી નથી એટલે આમ આદમી પાર્ટી વિશે ક્યારેય કોઈ સાચી વાત બહાર આવતી નથી. વાત ખોટી જરા પણ નથી. સાચું જ છે આ. દરેક પાર્ટીના વોટરની એક ખાસિયત હોય છે; પણ મારે કહેવું છે કે હવે એ ખાસિયત બદલાઈ રહી છે, હવે વોટર બદલાઈ રહ્યો છે. હવે પહેલાંનો મતદાર નથી રહ્યો. આમ આદમી પાર્ટીને આ વાત લાગુ નથી પડતી.

એ નવી જનરેશનની પાર્ટી છે, પણ બીજેપી અને કૉન્ગ્રેસને આ વાત ખાસ લાગુ પડે છે. પહેલાં એવું કહેવાતું કે બીજેપી શહેરી જનોની પાર્ટી છે, શિક્ષિત લોકો બીજેપીને વધારે પસંદ કરે છે અને કૉન્ગ્રેસ ગામડાંઓની નસોમાં ઊતરી ગયેલી પાર્ટી છે. મુંબઈવાસી બીજેપીને સહન કરે અને કોંકણના ગામડામાં રહેતો મરાઠી પરિવાર કૉન્ગ્રેસીઓને સ્વીકારે.

આ પણ વાંચો : ૨૦૧૯ની ૨૩ મે : સાચી એકવીસમી સદીની શરૂઆત દેશમાં આ તારીખથી થશે

અગાઉની લોકસભાના રિઝલ્ટને તમે જોયા હોય કે એની વાતો કોઈ પાસે સાંભળી હોય તો તમને આ વાત સમજાશે પણ ખરી. એ સમયે શહેરી બેઠકો પર બીજેપીની જીતની અપેક્ષા રહેતી અને મતપેટીઓ ખૂલતી ત્યારે ખબર પણ પડી જતી કે હવે કયો વિસ્તાર કે પછી શહેરના મતની ગણતરીઓ થતી હશે. જોકે અત્યારે વાત એ સમયની નથી; વાત અત્યારની, આ સમયની આ સત્તરી લોકસભા ઇલેક્શનની છે. હવે પુરવાર થઈ રહ્યું છે કે વોટર ક્યાંયનો પણ હોય, પણ તેને ખબર છે કે તેણે કઈ પાર્ટીની સાથે આગળ વધવું છે, કઈ પાર્ટીના ઉમેદવારને વોટ કરવો છે. નવો વોટર તો માત્ર સ્થાનિક ઉમેદવારને જોવા પણ રાજી નથી, તે તો આ સ્થાનિક ઉમેદવારના નેતા કોણ છે એ પણ જાણે છે; કારણ કે ઇન્ટરનેટનો જમાનો છે આ. પાંચ સેકન્ડમાં આખું પિક્ચર તે જોઈ લે છે. ગઈ કાલની વાત કહું તમને, હું જે ચૅનલની ડિબેટમાં હતો એ ચૅનલના વેઇટિંગમાં કેટલાક યંગસ્ટર્સ બેઠા હતા. એ લોકો વચ્ચે વાત નરેન્દ્ર મોદીની ઉંમર વિશે ચાલતી હતી. એકે પ્રશ્ન પૂછ્યો, બીજાએ મોબાઇલ કાઢીને પાંચમી સેકન્ડે સાચી ઉંમર કહી દીધી. કહેવાનું તાત્પર્ય એ જ કે એક્ઝિટ પોલ સાવ નકામા નથી અને ખોટા નથી. વોટર હવે બદલાયો છે અને બદલાયેલા આ વોટર જ દેખાડે છે સર્વની પસંદગી એક જ છે. સાચી કે ખોટી, સારી કે ખરાબ જે કહો એ; પણ આ જ હકીકત છે અને આ હકીકત જ એક્ઝિટ પોલમાં રિફ્લેક્ટ થઈ છે.

columnists manoj joshi