૨૦૧૯ની ૨૩ મે : સાચી એકવીસમી સદીની શરૂઆત દેશમાં આ તારીખથી થશે

20 May, 2019 10:14 AM IST  | 

૨૦૧૯ની ૨૩ મે : સાચી એકવીસમી સદીની શરૂઆત દેશમાં આ તારીખથી થશે

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આ જે તારીખ છે એ તારીખે લોકસભા ઇલેક્શનનું રિઝલ્ટ આવશે અને આ તારીખે નક્કી થશે કે કેન્દ્રમાં કોની સરકાર બનશે? સરકાર કોની બને છે એ અત્યંત મહત્વનું છે અને એ માટે એક ચોક્કસ કારણ પણ છે. દેશની સરકાર એક ચોક્કસ માનસિકતા ઊભી કરવાનું કામ કરે છે. દેશવાસીઓમાં જે માનસિકતા છે એ માનસિકતા બીજા કોઈ કારણસર નહીં પણ સરકાર અને સરકારની નીતિને આધારિત હોય છે. આ આખી વાતમાં એક વાત સમજવાની તાતી જરૂર છે કે આજે પણ આપણે આઝાદી સમયની માનસિકતા સાથે જ જીવીએ છીએ. કિશાનોના પ્રશ્નો આજે પણ આ દેશ પાસે મહાકાય રૂપમાં છે અને આ દેશમાં દલિતોનો મુદ્દો આજે પણ વિકરાળ છે. આ દેશ પાસે આજે પણ અનામતનો મુદ્દો અકબંધ છે અને આ દેશ પાસે આજે પણ ચોમાસાના વરતારાઓને આધાર બનાવીને જીવવાની માનસિકતા છે.

- પણ હવે એવું નહીં બને એ નક્કી છે અને આવું નક્કી પણ સરકારની માનસિકતાને લીધે નહીં, દેશવાસીઓએ બનાવેલી માનસિકતાના કારણે છે.

દેશને હવે વિકાસથી ઓછું કંઈ નથી જોઈતું. મોંઘવારી સામે હવે આ દેશની જનતાને લડવું નથી. હવે નવી નીતિ સાથે જીવવું છે અને વૈશ્વિક સુવિધા તથા સમૃદ્ધિઓનો લાભ એને લેવો છે. આપણા દેશની એક મોટી ખાસિયત છે. આ દેશને તમે એક વખત જે રસ્તા પર વાળી દો એ રસ્તા પર આ દેશ અને દેશવાસીઓ આગળ વધ્યા કરે છે. આજે પણ એ જ માનસિકતા છે અને ભૂતકાળમાં પણ આ જ માનસિકતા હતી. તમે જુઓ જરા ભૂતકાળ, તમને દેખાઇ આવશે. જે સમયે ભગતસિંહની વિચારધારા પ્રબળ હતી એ સમયે ભગતસિંહના વિચારો પર દુનિયા ભાગી રહી હતી. જે સમયે મહાત્મા ગાંધીની વિચારધારાએ પોતાની અસર ઊભી કરી એ સમયે મહાત્મા ગાંધીના વિચારોને આધીન થઈને દેશવાસીઓ આગળ વધ્યા. આજે વિકાસની વિચારધારા સૌ કોઈના મનમાં છે. ‘મેઇક ઇન ઇન્ડિયા’ની માનસિકતા સૌ કોઈના મનમાં છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને ડેવલપમેન્ટની દિશા સૌ કોઈની આંખ સામે છે. હવે દુનિયા નાની થઈ ગઈ છે અને ભારતવાસી આ નાની દુનિયાને ઘરમાં બેસીને જોઈ રહ્યો છે.

આ પણ વાંચો : અલવિદા ઇલેક્શન: જો ઈશ્વરે ધાર્યું તો હવે મળીશું પાંચ વર્ષ પછી 2024ના મે મહિનામાં

હવે નથી ચાલવાનું કે તમે જનતાને રમાડી શકો કે જનતાને વાયદાઓ કરી શકો. હવે એ પણ નહીં ચાલે કે તમે દેશવાસીઓને લૉલીપોપ આપો અને દેશવાસી એ લૉલીપોપ ચૂસીને પાંચ વર્ષ ખેંચી કાઢે. હવે સૌ કોઈને રિઝલ્ટ જોઈએ છે. જો રિઝલ્ટ આપવામાં તમે નિષ્ફળ જશો તો તમારી એ નિષ્ફળતા માટે દયા દર્શાવવાની માનસિકતા પણ આ પ્રજામાં રહી નથી અને એમાં કશું ખોટું પણ નથી. જરા વિચારો તમે, દુનિયા આખી બદલાઈ ગઈ છે ત્યારે પણ આપણી પાસેથી એ જ અપેક્ષા રાખવામાં આવે છે કે આપણે મોટું મન રાખીને બેસી રહીએ અને આપણે બધું જતું કરતાં રહીએ. જતું કરવાનો સમય ગયો હવે, હવે ઍક્શનનો સમય છે. આંખ સામે કામ થતું દેખાવું જોઈએ અને આંખ સામે સરકારની મહેનત પણ દેખાવી જોઈએ. જો સરકાર એ મહેનત કરવા સક્ષમ હશે તો જ એને બીજી વખત ચાન્સ મળવાનો છે, સરકાર કે પછી સરકારનો પ્રતિનિધિ, જરા પણ નિષ્ફળ ગયો તો આ પ્રજા હવે એને માફ નથી કરવાની - અને કરે પણ શું કામ, આ દેશ પર રાજ એ જ કરી શકે જેને આ દેશ અને દેશવાસીઓની સેવા કરવાની ભાવના હોય.

columnists manoj joshi