સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારત : ડાયટની બાબતમાં પરિવારનો સપોર્ટ મળવો જરૂરી

12 May, 2019 12:34 PM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારત : ડાયટની બાબતમાં પરિવારનો સપોર્ટ મળવો જરૂરી

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

જો પરિવારનો સહકાર ન હોય તો ક્યારેય તમે તમારી ખાવાપીવાની રીતરસમ બદલાવી ન શકો. બે દિવસથી આપણે જે આ સિરીઝ ચલાવીએ છીએ એના પ્રત્યુત્તરરૂપે અનેક લોકોના મેસેજ અને મેઇલ આવે છે. બધાનું કહેવું એક જ છે કે અમારે સ્વાસ્થ્ય બાબતમાં વધારે ચીવટ રાખવી છે, પણ કોઈ ને કોઈ કારણ એવું બને છે કે અમારી એ ચીવટ પડી ભાંગે છે. આ કોઈ ને કોઈ કારણમાં મોટા ભાગનો વાંક જો નીકળતો હોય તો એ છે વાઇફ અને ફૅમિલી. વાઇફે સમજવું પડશે કે તેનો પ્રેમ કે પછી તેની લાગણી જો તેના વરને હેરાન કરી મૂકે એમ હોય તો તેમણે એ પ્રેમ અને લાગણી છોડવા પડશે. આપણા ગુજરાતી પરિવારોમાં એવું પુષ્કળ બને છે. પતિ નક્કી કરે કે હવે મારે આ અને આ પ્રકારનું ફૂડ ખાવું નથી. તે બાપડો નક્કી કરે અને બીજા જ દિવસે એ ફૂડ બન્યું હોય. ઘરે વાત પણ કરી હોય અને સ્પષ્ટતાપૂર્વક ખુલાશો પણ કર્યો હોય તો પણ આવું બને અને તે ખાવાની ના પાડે તો વાઇફ જ આગ્રહ કરીને તેને જમાડે. તમે માનશો નહીં, હસબન્ડ પોતે રાતના જમણ માટે નક્કી કર્યા મુજબનો ડાયટ-પ્લાન બનાવીને કહે કે રાતે તે હવેથી ખીચડી જ ખાશે, પણ વાઇફ એ વાત માને જ નહીં.

અહીંયા ક્યાંય વાઇફની નિંદા કરવામાં નથી આવી રહી, પણ અહીંયા કહેવાનો તાત્પર્ય એ છે કે આ બાબતમાં તમારે સભાનતા સાથે સહયોગ આપવો પડશે. પરિવારના સભ્યોને પણ એ વાત લાગુ પડે છે. જો કોઈ આખું પોતાનું ડાયટ-ટેબલ ચેન્જ કરતો હોય તો તમારે એ ટેબલને વાજબી રીતે સ્વીકારવું પડશે અને એ ટેબલને ફૉલો કરવામાં મદદ પણ કરવી પડશે. મમરા નથી જ ખાવા એવું પુરુષ નક્કી કરે છે એ દિવસથી ઘરમાં વઘારેલા મમરા સિવાય બીજો કોઈ નાસ્તો જ નથી રહેતો. આ અનાયાસ હોઈ શકે, પરંતુ આવો અનાયાસ પણ ટાળવાનો પ્રયાસ કરવો એ પરિવારની ફરજ છે. પુરુષ એ ઘરની બે પૈકીની એક મહત્વની જીવાદોરી છે અને આ મહત્વની જીવાદોરી પરિવારની આર્થિક જવાબદારીનું વહન કરે છે. આર્થિક જવાબદારી એક એવી જવાબદારી છે જે ક્યારેય દેખાતી નથી, પણ એનું વહન કરનારાની ગેરહાજરીમાં એ સૌથી વધારે આકરી રીતે ખૂંચે છે.

આ પણ વાંચો : સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારત : તમારા શરીરને કોઈ ઉકરડો કહે તો તમને કેવું લાગે?

ડાયટ-પ્લાનને પાળવો એ પહેલો ધર્મ છે તો ડાયટ-પ્લાન પાળી શકાય એવો માહોલ અને એવી સગવડો ઊભી કરી દેવી એ બીજો મહત્વનો ધર્મ છે. આપણે ત્યાં પહેલા ધર્મ માટે તૈયાર થનારાઓની સંખ્યા મોટી છે, પણ બીજી મહત્વની જવાબદારી પાળનારાઓની સંખ્યામાં મોટી ઓટ છે. જો તમે ઇચ્છતા હો કે તમારા પરિવારના પુરુષ પોતાના અદોદરાપણામાંથી બહાર આવે તો તમે પોતે તે નક્કી કરે એ પ્રકારના ડાયટ માટે અનૂકુળતા ઊભી કરો અને હેલ્પ કરો. તમે માનશો નહીં, પરંતુ એક હકીકત એ પણ છે કે જ્યારે પણ કોઈ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સભાનતા લાવવાની કોશિશ કરે છે ત્યારે તેને ઉતારી પાડનારાઓની સંખ્યા મોટી થઈ જાય છે. ઉતારી પાડવાને બદલે બહેતર છે કે મોરલ બૂસ્ટ કરો અને સહકાર આપો. અલ્ટિમેટલી, એનો લાભ પણ તમને અને પરિવારને જ થવાનો છે.

manoj joshi columnists