શબ્દોનું મહત્વ અકબંધ રહેશે તો જ તમે અહોભાવનું સ્થાન અકબંધ રાખી શકશો

11 February, 2019 11:51 AM IST  |  | મનોજ નવનીત જોષી

શબ્દોનું મહત્વ અકબંધ રહેશે તો જ તમે અહોભાવનું સ્થાન અકબંધ રાખી શકશો

ચાણક્ય

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

મન, બુદ્ધિ અને આત્માની વાત ચાલી રહી છે. ચાણક્યએ કહ્યું છે, ‘જો તમે તમારા સાથીઓને કાયમી તમારા કરીને રાખવા માગતા હો તો તમારે એક જ કામ કરવાનું છે. તેમનાં મન, બુદ્ધિ અને આત્માને જીતી લો. વ્યક્તિ જીવનકાળ દરમ્યાન ક્યારેય તમને છોડીને જશે નહીં એટલું જ નહીં, તમારો ભક્ત બનીને રહેશે.’

આપણે કોઈને ભક્ત નથી બનાવવા, પણ સંબંધોમાં રહેલી ભક્તિ ઘટે નહીં એ પણ જોતા રહેવાનું છે.

ગઈ કાલે તમને મન અને બુદ્ધિથી વ્યક્તિને જીતવા વિશે વાત કરી. આજે વાત કરવાની છે કોઈને આત્માથી પણ જીતવો હોય તો શું કરવું એ માટે. ચાણક્ય કહે છે, ‘આત્માની પ્રાપ્તિ માટે તમારામાં રહેલું એકમાત્ર કૌવત કામ લાગશે અને એ છે સમર્પણભાવ. વ્યક્તિને તેના આત્માથી ત્યારે જ જીતી શકાય જ્યારે સમર્પણભાવની ચરમસીમા સુધીના સંબંધો વિકસે.’

ચાણક્યએ આ જ કર્યું હતું. આત્માથી વ્યક્તિને જીતવા માટે તમારે લાડ નથી કરવાનાં કે પછી કોઈનાં લાડને સહન નથી કરવાનાં. એ કરવા માટે તમારો અહોભાવ જન્માવવાનો છે. ચાણક્ય પોતાની સેનાના લોકો સામે વેશપલટો કરીને જતા અને ઋષિમુનિના સ્વાંગમાં જઈને એ સેના પાસેથી પોતાના માટે અને ચંદ્રગુપ્ત માટે આ સેના શું માને છે એ જાણવાની કોશિશ કરતા અને જાણ્યા પછી તે પોતે જ ચંદ્રગુપ્ત અને પોતાના વિશે પ્રવર્તતી ગેરમાન્યતાઓનું ખંડન કરતા. ચાણક્ય કહે છે, ‘અહોભાવ હશે ત્યાં છેલ્લા સ્તરનો ઝઘડો ક્યારેય નહીં થાય. અહોભાવ હશે તો ખોટી રીતે કામ કરાવવાની માનસિકતા હશે તો પણ એ કામ શ્રદ્ધા સાથે થશે.’

ચાણક્ય પોતાના પ્રત્યેનો અહોભાવ ક્યારેય છોડતા નહીં. તે ક્યારેય બધા સાથે બેસીને મોજમસ્તી કરતા નહીં. તે હંમેશાં એવા કાર્યક્રમોની ગોઠવણ સેના માટે કરતા, પણ પછી પોતે પ્રેમથી એ જગ્યાએથી નીકળી જતા. એક સમય એવો આવી ગયો કે ચાણક્યને સેના આગ્રહ કરતી, પણ ચાણક્ય ક્યારેય એવી જગ્યાએ બેસતા નહીં. ચાણક્યએ પોતાના પ્રત્યેનો અહોભાવ અકબંધ રાખ્યો કે પછી એ રાખી શક્યા એનું કારણ પણ ચાણક્ય જ સમજાવે છે. ચાણક્ય કહે છે, ‘તમારા શબ્દોનું મહત્વ અકબંધ રહેશે તો જ તમે અહોભાવનું સ્થાન અકબંધ રાખી શકશો. બાળક પ્રત્યે ક્યારેય અહોભાવ નથી હોતો. તેમના પ્રત્યે લાડ હોય, પણ વડીલ કે પૂજનીય એ જ બની શકે જેમના માટે અહોભાવ હોય. લાડમાં તમે સારું ખવડાવી શકો, પણ જો તમે પૂજનીય હો તો પણ લોકો તમારી આગતાસ્વાગતા સારી રીતે કરે અને તમારા માટે સિંહાસન પણ ખાલી કરી આપે.’

આ પણ વાંચો : મન, બુદ્ધિ અને આત્મા : જો જીતી શક્યા આ ત્રણ તો તમને નહીં હરાવી શકે કોઈ

ચંદ્રગુપ્ત મૌર્યને ચાણક્ય માટે જેટલો અહોભાવ હતો એટલો જ અહોભાવ મૌર્ય સામþાજ્ય સાથે જોડાયેલી એકેએક વ્યક્તિને ચાણક્ય માટે હતો અને એટલે જ ચાણક્ય માટે ક્યારેય કોઈને ઘસાતું બોલવાની કે પછી ઘસાતું કહેવાની ફરજ નથી પડી. જ્યારે પણ તમારા માટે તમારી સામે કે પાછળ વાતો થવી શરૂ થાય ત્યારે સમજી જવું કે તમે એ વ્યક્તિને આત્માથી પ્રભાવિત કરી નથી અને જો એ પ્રભાવિત કરવામાં તમે નિષ્ફળ ગયા હો તો સ્વાભાવિક રીતે એ પણ સમજી જવું કે તમે તેને પામી શકવાના નથી.

manoj joshi columnists