મન, બુદ્ધિ અને આત્મા : જો જીતી શક્યા આ ત્રણ તો તમને નહીં હરાવી શકે કોઈ

10 February, 2019 10:17 AM IST  |  | મનોજ નવનીત જોષી

મન, બુદ્ધિ અને આત્મા : જો જીતી શક્યા આ ત્રણ તો તમને નહીં હરાવી શકે કોઈ

ચાણક્ય

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

જો તમે ઇચ્છતા હો કે તમારી ટીમનો પર્ફોર્મન્સ જગતની કોઈ પણ ટીમ કરતાં શ્રેષ્ઠ હોય અને એ પર્ફોર્મન્સ સામે કોઈ ઊભું પણ રહી ન શકે તો તમારે ટીમના એકેક મેમ્બરનાં મન, બુદ્ધિ અને આત્માને જીતવાં પડે. ચાણક્ય કહેતા, જે સમયે તમે વ્યક્તિનાં આ ત્રણ પાસાંઓને તમારાં કરો છો એ સમયે એ વ્યક્તિનો તમારા પ્રત્યેનો વિશ્વાસ દસગણો વધી જાય છે અને એ તમારા માટે, તમારા સામ્રાજ્ય માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.

ચાણક્યએ આ જ કરીને ચંદ્રગુપ્ત મૌર્યની સેના તૈયાર કરી હતી. ચંદ્રગુપ્ત મૌર્યની આ જે સેના હતી એ સેના મૌર્ય સામ્રાજ્ય માટે કંઈ પણ કરવા તૈયાર હતી અને એ કરતી પણ ખરી, પણ એનો બધો જશ માત્ર અને માત્ર ચાણક્યને અને તેમણે બનાવેલી આ સ્ટ્રૅટેજીને મળે છે. વ્યક્તિનાં મન, બુદ્ધિ અને આત્માને જીતવાં હોય તો શું કરવું જોઈએ એના વિશે પણ ચાણક્યએ કહ્યું છે. સૌથી પહેલાં આવે છે મન. જો તમારે કોઈનું મન જીતવું હોય તો સૌથી પહેલાં તમારે તેના મનમાં રહેલાં સપનાંઓને ઓળખવાં પડે, જાણવાં પડે અને પછી એ સપનાંને સાકાર કરવાનો સૌથી સારો રસ્તો તમારી પાસે છે એ પુરવાર કરવું પડે. જો તમે તેને એ રસ્તો વિશ્વાસ સાથે દેખાડી શકો, શ્રદ્ધા સાથે સમજાવી શકો કે તેનું ભવિષ્ય તમારી સાથે ઉજ્જ્વળ છે તો તે વ્યક્તિનું મન તમે જીતી શકો. જો મન જીતી શકશો તો તમને એનો સૌથી મોટો ફાયદો એ થશે કે તેને બીજા કોઈના દ્વારા આપવામાં આવેલી લાલચમાં રસ નહીં પડે અને તે તેના તરફ આકર્શાષે નહીં.

આ પણ વાંચો : ચાણક્ય મૌર્ય સામ્રાજ્યના કરોડરજ્જુ હતા

બીજા નંબરે આવે છે બુદ્ધિ. જો કોઈની બુદ્ધિ જીતવી હોય તો તમારે તેની બુદ્ધિમત્તા મુજબનો તમારો બુદ્ધિઆંક કેળવવો પડે. જો કોઈનો આંક નીચો હોય તો તેના માટે નીચે ઊતરવાની જરૂર નથી, પણ સમજાવટ સાથે તેના બુદ્ધિઆંકને ઊંચો લાવવાનું કામ કરવું પડે અને એવું કામ ત્યારે જ થઈ શકે જ્યારે તમે તેના ઊતરતા આંકને સ્વીકારવા માટે સક્ષમ હો છો. જો તમે કોઈને ઊતરતી ક્ષમતાના દર્શાવો તો એ ચોક્કસ અંતર રાખવાનું કામ શરૂ કરી દેશે, પણ જો તમે તેને સમકક્ષ દર્શાવવાનો પ્રયાસ કરશો તો તેનું મન પણ જીતી શકો છો અને તેની બુદ્ધિ પણ તમે જીતી શકો છો. ઘણી વખત સામેની વ્યક્તિ કરતાં સારી બૌદ્ધિક ક્ષમતા તમે ધરાવતા હો તો તમારી બૌદ્ધિકતાનો તેને લાભ આપવાનો પણ ફાયદો થતો હોય છે. એવા સમયે તમારા વિચારોને તેના વિચારો તરીકે જાહેરમાં મૂકીને તેને જશ આપવાથી પણ સામેવાળાની બુદ્ધિને જીતી શકાય છે. જશ આપવાની તૈયારી રાખવી પડે અને જશ આપવાની ભાવના પણ રાખવી પડે. જો તમે એ કરો તો જ સામેની વ્યક્તિને તમારા માટે અહોભાવ થશે અને એ અહોભાવ તમને જીવનપર્યંત કામ લાગશે. વ્યક્તિને જીતવાનો બીજો એક શ્રેષ્ઠ વિચાર પણ ચાણક્યએ આપ્યો છે. આપ્યું એ સૌથી ઓછું અને લીધું એ સૌથી વધારે. આ ભાવના રાખીને દરેક વાતમાં, દરેક તબક્કામાં જશ તેના ફાળે રહે એ જોતાં રહો. વ્યક્તિ તમને છોડીને તો નહીં જાય પણ જો તમે પણ એવું કરશો અને તેને છોડીને જવાની તૈયારી કરશો તો તમને તે કોઈ પણ ભોગે રોકવાની પેરવી કરશે.

columnists manoj joshi