સફળ નેતામાં કેવી ગુણવત્તા હોવી જોઈએ એની સૌથી પહેલી સ્પષ્ટતા ચાણક્યએ કરી

07 February, 2019 10:09 AM IST  |  | મનોજ નવનીત જોષી

સફળ નેતામાં કેવી ગુણવત્તા હોવી જોઈએ એની સૌથી પહેલી સ્પષ્ટતા ચાણક્યએ કરી

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ચાણક્યની સાત સ્ટ્રૅટેજીની વાત કરીએ છીએ ત્યારે ચાણક્યની ચોથી સ્ટ્રૅટેજી પહેલાં આ વાત સમજવી ખૂબ જરૂરી છે. એક વખત ફાસ્ટ-રીકૅપમાં આપણે અગાઉની ત્રણ સ્ટ્રૅટેજી જાણી લઈએ. હરીફને તેના નબળા ક્ષેત્રમાં હરાવીને તેને અપસેટ કરો. આ કામ ચાણક્યએ મગધના ખૂણાઓ પર હુમલો કરીને કર્યું હતું. બીજી સ્ટ્રૅટેજી. હરીફને, પ્રતિસ્પર્ધીઓની નબળાઈઓને વિકસવા દો અને એના માટે સામે ચાલીને ગોઠવણ કરવી પડે તો એ પણ કરી આપો. ચાણક્યએ મગધ સલ્તનતમાં આવેલા અન્ય રાજાઓની નબળાઈ એવી કન્યાઓના રૂપમાં વિષકન્યાઓ મોકલીને એ રાજાઓને હસ્તગત કરી લીધા. ત્રીજી સ્ટ્રૅટેજી. હરીફની નાનામાં નાની વાતથી જાણકાર રહો. ક્યારે કઈ માહિતી કેટલી ઉપયોગી બની જાય એની કલ્પના પણ નહીં કરી શકો. ચાણક્યએ આ કામ કરવા માટે જાસૂસોની સેના બનાવી અને એ જાસૂસો ડબલ ક્રૉસ ન કરે એ માટે જાસૂસો પર પણ જાસૂસો મૂક્યા, જે તેમના વિશ્વાસુ હતા.

હવે વાત ચોથી સ્ટ્રૅટેજીની કે તૈયારીની. ચાણક્યએ પોતાની સેના તૈયાર કરવાનું શરૂ કર્યું. આ સેના હકીકતમાં તો ચંદ્રગુપ્ત મૌર્ય માટે કામ કરવાની હતી, પણ એ સેના તૈયાર કરવાનું કામ ચાણક્ય દ્વારા થયું. ચાણક્ય માટે અગાઉ તમને કહ્યું છે કે કદાચ તે પહેલા એવા પ્રધાન હતા જે માત્ર પ્રધાન જ નહોતા પણ અનેક અન્ય ખાતાંઓ પણ જોતા હતા. સેના બનાવવાનું કામ અત્યારે ગૃહપ્રધાન કરતા હોય છે. જાસૂસ તૈયાર કરવાનું કામ પણ એ જ કરતા હોય છે. આ દૃષ્ટિકોણથી ચાણક્યએ ગૃહપ્રધાન બનીને કામ પણ કર્યું અને સ્ટ્રૅટેજી તૈયાર કરવાનું કામ કરીને એ પણ પુરવાર કર્યું કે તે વડા પ્રધાનના ચીફ સેક્રેટરી પણ છે.

સેના બનાવતી વખતે ચાણક્યએ એકથી એક ચડિયાતા સાથીઓને ભરવાનું કામ કર્યું. જોકે આ કામ કરતાં પહેલાં ચાણક્યએ બીજું એક કામ એ પણ કર્યું કે તેમણે ચંદ્રગુપ્ત મૌર્યની નબળાઈઓ જોઈ લીધી. યાદ રહે, ક્યારેય કોઈ સર્વાંગી સંપૂર્ણ નથી હોતું અને એવું હોઈ પણ ન શકે. બત્રીસલક્ષણાની વાતો માત્ર શાસ્ત્રોમાં હોય છે અને તેઓ એ જ સમયમાં જન્મતા હતા જે સમયે શાસ્ત્રો લખાતાં હતાં. ત્યાર પછી જે કોઈ બન્યા એ નાયક બન્યા અને નાયકની સૌથી પહેલી ખાસિયત એ છે કે તેનામાં બત્રીસલક્ષણ ન હોય તો કંઈ નહીં પણ તેની આખી સેનાનો સરવાળો પેલા બત્રીસલક્ષણા કરતાં અનેકગણો હોય.

આ પણ વાંચો : ડબલ લેયર : જાસૂસો તૈયાર કરવાની સાથે ચાણક્યએ જાસૂસો પર પણ જાસૂસો ગોઠવ્યા

આ કામ ચંદ્રગુપ્ત મૌર્ય વતી ચાણક્યએ કર્યું અને ચંદ્રગુપ્ત મૌર્યની જે કોઈ નબળાઈઓ હતી એ તમામ નબળાઈઓથી પર કહેવાય એવા પાવરધા લોકોને પોતાની સેનામાં સામેલ કરવાનું શરૂ કર્યું. આછીપાતળી સેના તો ચાણક્ય પાસે હતી જ, પણ એ સેનાનો રણમેદાનમાં દોરીસંચાર કરી શકે એવા લીડર ઊભા કરવાના હતા અને એ ઊભા કરવાનું કામ કરતાં પહેલાં ચાણક્યએ એક નેતામાં કેવા ગુણ હોવા જોઈએ એનો તલસ્પર્શી અભ્યાસ કર્યો, જે અભ્યાસની વિગતો જાણીશું આવતી કાલે.

manoj joshi columnists