29 January, 2019 11:40 AM IST | | મનોજ નવનીત જોષી
પ્રતીકાત્મક તસવીર
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
સોળ વર્ષનો છોકરો અડધી દુનિયા જીતેલા સિકંદર સામે ઊભો રહેશે એવી કલ્પના પણ આજે કરવી અઘરી છે, પરંતુ આ કલ્પના ચાણક્યએ કરી અને પછી એ કલ્પનાને સાકાર કરે એવી મહેનત પણ તેમણે ચંદ્રગુપ્ત પાછળ કરી. તમે માનશો નહીં પણ હકીકત તો એય હતી કે ચંદ્રગુપ્તને પોતાને પણ કોઈ વિશ્વાસ નહોતો કે તે એક રાજવી બની શકે, તે અખંડ હિન્દુસ્તાનનું સપનું સાકાર કરી શકે. ચાણક્યએ જે કર્યું છે એ જ કામ આજે કોઈ પણ માણસ કરી શકે છે, પણ આજે બને છે અવળું. આજે કોઈને તૈયાર કરવાની તૈયારી પણ કોઈનામાં નથી અને એવી ક્ષમતા પણ કોઈનામાં નથી. તમે જુઓ છો એ બધાં સપનાં પૂરાં કરવાનું કામ તમારા એકનું છે જ નહીં. એ પૂરાં કરવા માટે પણ તમારી પાસે યોગ્ય વ્યક્તિ હોવી જોઈએ. જો યોગ્ય વ્યક્તિને પસંદ કરવામાં ન આવે તો તમે ચોક્કસપણે તમારું જ નુકસાન કરી શકો છો. આ નુકસાનીને તમારે ભોગવવી હોય તો એ રીતે ચાલજો અને જો તમે ઇચ્છતા હો કે તમે જે જોયાં છે એ સપનાંઓ સાકાર થાય તો તમે એના માટે જરૂર પડે ત્યારે એ વ્યક્તિનો હાથ પકડો અને એને તૈયાર કરવાનું કામ કરો.
ચાણક્યએ આપેલું નીતિશાસ્ત્ર જ નહીં, તેમનું જીવન પણ ખૂબ ઉપયોગી છે. સૌકોઈએ એ જીવનને અપનાવવાની જરૂર છે. તમે કેવી રીતે ધારી શકો, માની શકો કે તમે એકલા જ બધું હાંસલ કરી લેશો, કરી શકશો? ના, ના અને ના જ. એવું બનવાનું જ નથી અને એવું જો બનવાનું ન હોય તો પછી જોયેલાં સપનાંઓને લાકડાં સાથે સ્મશાને લઈ જવાં પડે અને એવું કરવાનો અર્થ એ થયો કે સપનાંઓ જોવાની જે ક્ષમતા તેને ઈશ્વરે આપી છે એ ક્ષમતાનું તે અપમાન કરે છે. આ અપમાન કરવાનો કોઈ અર્થ નથી. ઈશ્વરની તાકાત અને તેમની ક્ષમતાનો આદર કરો અને સપનાંઓ સાકાર કરો. એના માટે યોગ્ય વ્યક્તિનો સાથ લો અને જરૂર પડે તો એ વ્યક્તિને આગળ કરીને બધો જશ તેને આપતાં પણ શીખો.
આ પણ વાંચો : સપનું જોવું નહીં પણ જોયેલું સપનું સાકાર કરવાની ક્ષમતા એનું નામ ચાણક્ય
ચંદ્રગુપ્ત ચાણક્યની એવી જ શોધ હતી અને આ શોધે ચાણક્ય પર પૂરો વિશ્વાસ પણ મૂક્યો અને એ વિશ્વાસને સાર્થક પુરવાર કરવાની તૈયારી પણ તેણે દેખાડી. ચાણક્ય સામે તેણે પોતાનું શિર ઝુકાવી દીધું અને એ ઝચકાવ્યા પછી ચાણક્યએ જ્યારે પણ અને જ્યાં પણ જવાનું કહ્યું ત્યાં એ કરવા માટેની પૂરી તૈયારી પણ દર્શાવી. અહીં એક સંદેશ એ પણ છે કે તમારા પર વિશ્વાસ મૂકનારાના વિશ્વાસને સાર્થક કરવા માટે મહેનત કરવાની તૈયારી રાખો. તમારા પર વિશ્વાસ મૂક્યો છે એ જ દેખાડે છે કે તમારી ક્ષમતાનો તેને અંદાજ છે અને તે એટલે જ તમારી સાથે આગળ વધવા માગે છે. એવા સમયે તમારી ક્ષમતાને ઓછી આંકવાને બદલે મૂકવામાં આવેલા વિશ્વાસને વધારે સારી રીતે, વધારે યોગ્ય રીતે જુઓ અને આગળ વધો. એ જ રીતે આગળ વધવાનું છે જે રીતે ચંદ્રગુપ્ત મૌર્ય આગળ વધ્યો હતો.