25 January, 2019 01:09 PM IST | | મનોજ નવનીત જોષી
પ્રતીકાત્મક તસવીર
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
રાજાની ફરજ છે, કર્તવ્ય છે કે સંકટના સમયે તે મોજશોખમાં વ્યસ્ત રહેવાને બદલે પ્રજાના હિતની વાત સાંભળે.
ધનાનંદને ગુસ્સો આવી ગયો. એક તો સૌથી મોટું સામ્રાજ્ય, એ સામ્રાજ્યનું મહત્ત્વપૂર્ણ સ્થાન અને એ પછી એ સામ્રાજ્ય અને સ્થાનને નજરમાં રાખ્યા વિના જો એક બ્રાહ્મણ આવીને સલાહ આપી જાય તો એ કેમ ચાલે. ધનાનંદે ગુસ્સામાં આવીને ચાણક્યને ધક્કો માર્યો અને ધક્કો મારીને કહી દીધું કે રાજપાટ શીખવવાનું કામ તારું નથી. તું અહીંથી નીકળી જા, મને તારા જેવા મુફલિસની કોઈ સલાહની જરૂર નથી.
ધનાનંદના ધક્કાથી પડી ગયેલા ચાણક્યની ચોટલી એટલે કે શિખા ખૂલી ગઈ હતી. ચાણક્યને ધનાનંદે કહ્યું કે જો હવે એક શબ્દ પણ વધારે બોલ્યો છે તો યાદ રાખજે તારી આ શિખા કાપી નાખીશ. ચાણક્યએ પોતાની શિખા ભેગી કરી અને ભેગી કરીને તેણે એ જ સમયે એલાન કર્યું કે હવે આ શિખા આમ જ ખુલ્લી રહેશે. ત્યાં સુધી નહીં બાંધું જ્યાં સુધી ધનાનંદ તારા આ સામ્રાજ્યનો નાશ નહીં કરું, તારી સત્તા છીનવી નહીં લઉં. આ જે ગુસ્સો છે એ ગુસ્સાને તરત જ સંકલ્પમાં ફેરવવાની જે ક્ષમતા હોવી જોઈએ એ ક્ષમતાનો આજે ક્ષય થઈ ગયો છે. ગુસ્સો તાકાત છે, જો એને સાચી રીતે વાપરવામાં આવે અને સાચી દિશામાં વાળી દેવામાં આવે. ગુસ્સો જો તમારી અંદર જ ભરાયેલો રહે તો એ તમને બાળી નાખે છે, પણ જો તમે એને વાળી દો તો એ જ ગુસ્સો તમારી અંદર રહેલી સંકલ્પશક્તિને મજબૂત બનાવીને તમને નવી ઊંચાઈ પર લઈ જાય છે. ધનાનંદના ધક્કા સાથે આક્રોશમાં આવી ગયેલા ચાણક્યએ જો એ સમયે ધાર્યું હોત તો બીજું કોઈ પણ પગલું લઈ શક્યા હોત, તેમની પાસે શસ્ત્રજ્ઞાન પણ હતું અને તેમની પાસે કૂટનીતિ પણ હતી. તેમની પાસે પોતાનું કૌવત પણ હતું અને તેમની પાસે પોતાની વિચારશૈલી પણ હતી. તે કપટ રમીને ધનાનંદને મસકા પણ મારી શક્યા હોત અને તેના દરબારમાં પોતાની જાતને સામેલ પણ કરી શક્યા હોત. પણ ના, તેમણે એવું નહોતું કર્યું. ગુસ્સાનો ઉપયોગ કર્યો હતો અને એ ઉપયોગ તેમણે સંકલ્પશક્તિને દૃઢ કરવા માટે કર્યો હતો.
આ પણ વાંચો : ચાણક્યએ ક્યારેય શીખવા માટે સમય, તક અને પરિસ્થિતિનો વિચાર નથી કર્યો
જો તમારામાં આ ક્ષમતા હોય તો તમે ઊંચાઈ હાંસલ કરી શકો, જો તમારામાં આ ક્ષમતા હોય તો તમે પરિણામલક્ષી બની શકો, પણ જો તમારો ગુસ્સો દૂધના ઊભરા જેવો હોય તો એ ફક્ત ચૂલો બગાડવાનું કામ કરે. ખોટી રીતે વ્યક્ત કરેલો ગુસ્સો હંમેશાં સંબંધ બગાડે છે, ખોટી રીતે રજૂ કરેલો ગુસ્સો હંમેશાં હાથમાં આવેલી તક છીનવવાનું કામ કરે છે, પણ જો ગુસ્સાને સાચી રીતે રજૂ કરવામાં આવે તો એ પથ્થરની આરપાર નીકળી જવાની ક્ષમતા પણ ધરાવે છે અને એવું જ બન્યું હતું. ચાણક્યના એ ગુસ્સાએ મગધના સામ્રાજ્યને એક નવો રાજવી આપવાનું કામ કર્યું હતું, એક એવો રાજવી જેના શાસનકાળે હિન્દુસ્તાનના શાસનકાળને શ્રેષ્ઠ શાસન આપ્યું હતું.