અનેક નાની-નાની મજા (લાઇફ કા ફન્ડા)

03 May, 2019 12:18 PM IST  |  | હેતા ભૂષણ

અનેક નાની-નાની મજા (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

આપણે બધા જ એમ વિચારીએ છીએ કે પાસે ઘણાબધા પૈસા હોય, મોટું ઘર તથા મોટું મિત્રવર્તુળ હોય. શનિ-રવિ ફાર્મહાઉસમાં વીતે અને વેકેશન વિદેશમાં તો જીવન જીવવાની મજા જ મજા. શરીર પર મોંઘાં કપડાં, હાથમાં બ્રૅન્ડેડ ઘડિયાળ અને પગમાં મોંઘાં સૂઝ તો જીવન જીવવાની મજા જ મજા. કોઈ જવાબદારી ન હોય, મનફાવે એમ કરવાની; ઇચ્છા થાય એટલા પૈસા વાપરવાની છૂટ હોય તો જીવન જીવવાની મજા જ મજા. સાચી વાત છે, બધા જ આવું જીવન જીવવાનાં સપનાં જુએ છે. પ્રશ્ન છે શું આવું જ હોય તો જ જીવન જીવવાની મજા આવે.

જવાબ છે ના. આવું બધું જ તો બધા પાસે ન જ હોય, પણ જીવન જીવવાની મજા બધા જ લઈ શકે જો લેવી હોય તો. રોજ સવારે ઊઠીને ભગવાને જીવવા એક વધુ નવો દિવસ આપ્યો એ બાબતે ઈશ્વરનો આભાર માનવાની મજા છે. જાતે ચા બનાવી કોઈની ઊંઘમાં ખલેલ પહોંચાડ્યા વિના ગૅલરીમાં ઊભા રહી એકલા ચા પીવાની મજા છે. તો બધા માટે ચા બનાવી, ગાંઠિયા-જલેબી લઈ આવી રવિવારની સવારે બધાને ઉઠાડી સાથે નાસ્તો કરવાની મજા છે. રસ્તામાં રડતા બાળકને ચૉકલેટ અપાવી હસાવવાની મજા છે. મોટા બા સાંભળે ઓછું પણ તેમની સાથે બરાડા પાડી બોલવાની મજા છે. ઝઘડા કરી એકબીજા જોડે અબોલા લઈએ પણ રાત્રે ઊંઘમાં ચાદર ઓઢાડવાની મજા છે. નાના બાળકની જીદ પૂરી કરવામાં અને મોટા થયા બાદ પણ માતા-પિતા પાસે જીદ કરવાની મજા છે. આમ ભલે દુ:ખમાં આંસુડાં છુપાવીએ પણ ક્યારેક માના ખોળામાં સૂઈ રડીને દુ:ખનો ભાર હળવો કરવામાં મજા છે. જૂના દોસ્તને રોજ ભલે ન મળીએ, પણ જ્યારે મળીએ ત્યારે ધબ્બો મારી ભેટવામાં મજા છે. રસોઈ થઈ ગઈ હોય છતાં એને ફ્રીજમાં મૂકી બહાર પાણીપૂરી-ભેલ ખાવા જવામાં મજા છે. જૂના ફોટો જોઈ સાથે એ દિવસો ફરી યાદ કરવામાં મજા છે. બાળપણને યાદ કરી દરિયાકિનારે ખુલ્લા પગે ભીની રેતીમાં દોડવાની મજા છે. વરસતા વરસાદમાં બધું ભૂલીને ભીંજાવાની મજા છે.

આ પણ વાંચો : સમાજના ભવિષ્ય માટે - (લાઇફ કા ફન્ડા)

આવી તો કેટલીયે વાતો છે જે કરવા માટે એક રૂપિયો પણ વધુ લાગવાનો નથી છતાં મજા ભરપૂર આવવાની છે એની ગૅરન્ટી છે. આ વાંચતા તમે પણ કઈ કેટલીયે આવી વાતો યાદ કરી લીધી હશે. ચાલો, મજા કરવાની વાતોનું લિસ્ટ વધારતાં જાવ અને મજા કરતા રહો, કરાવતા રહો.

columnists