દરેક દિવસ ઊજવો - (લાઇફ કા ફન્ડા)

09 May, 2019 02:37 PM IST  |  | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

દરેક દિવસ ઊજવો - (લાઇફ કા ફન્ડા)

નાનકડા નવ વર્ષના રિયાનને તેની સામેના બંગલામાં રહેતાં આન્ટી હેઝલ બહુ ગમે. ખૂબ જ સુંદર, એટલા જ પ્રેમાળ. નાનકડા રિયાનને બહુ વ્હાલ કરે. ચોકલેટ, આઈસ્ક્રીમ ખવડાવે. આન્ટી હેઝલ ખૂબ જ શોખીન. સુંદર મોંઘાં કપડાં, દાગીના, નેલપોલિશ કરેલા હાથ, મોંઘા શૂઝ તેમની ઓળખાણ. હેઝલ આન્ટીના બંગલામાં એક-એકથી ચઢિયાતી વસ્તુઓ. સુંદર બંગલો. રાચરચીલું, સરસ પૅઇન્ટિંગ્સ, મોંઘી ચાઇનીસ-જપાનીસ સોનેરી કામ કરેલી ક્રોકરી, ડીનર સેટ.

નાનકડો રિયાન આન્ટી હેઝલને કહે, મને આ જપાનીસ સોનેરી કામ કરેલું છે તે કપમાં દૂધ આપોને.

આન્ટી તેને ટપલી મારી કહે, અરે એ તો ખાસ પ્રસંગ અને મહેમાન માટે છે.

રિયાન પૂછે, આન્ટી, તમે આ સુંદર ડીનર સેટ ક્યારે વાપરશો, પેલો નવો ડ્રેસ કયારે પહેરશો. હેઝલ આન્ટી જવાબ આપે, કોઈ ખાસ પ્રસંગે.

રિયાન એ ખાસ પ્રસંગ ક્યારે આવશે તે વિચારતો, પણ તે ખાસ પ્રસંગ ક્યારેય ન આવ્યો.

એક દિવસ હેઝલ આન્ટી બંગલાના દાદર પરથી પડી ગયાં. માથામાં ખૂબ ઈજા થઇ અને ત્યાંને ત્યાં જ સુંદર બંગલાની સુંદર વસ્તુઓ વચ્ચે જીવ ઊડી ગયો. નિષ્પþાણ દેહ પડી રહ્યો. બંગલાની કેટલીય વસ્તુઓ વણવપરાયેલી રહી, ખાસ પેલી સોનેરી કામ કરેલી જપાનીઝ ક્રોકરી.

નાનકડા રિયાનનું મન રડી ઊઠ્યું. તેના પ્રિય આન્ટી હેઝલનું અચાનક મૃત્યુ તેને જીવન વિષે એક વાત સમજાવી ગયું કે તમારી સુંદરમાં સુંદર વસ્તુ રોજ વાપરો. જીવનનો કોઈ ભરોસો નથી.

રિયાનની મમ્મી જાતે કપડાં સીવે અને ખાસ પ્રસંગ માટે ભારે સુંદર કપડાં સીવી અલગ રાખે, પણ રિયાન હવે રોજ એ નવાં કપડાં પહેરીને જ તૈયાર થાય. રોજ ખાસ પ્રસંગ હોય તેમ જ બનીઠનીને ફરે.

મમ્મીએ એક દિવસ પૂછ્યું, રિયાન આમ કેમ કરે છે, નવાં કપડાં સાચવી રાખ ખાસ પ્રસંગ માટે, પણ રિયાન હશે. કહે, મારે તો જીવનનો નવો દિવસ એટલે જ ખાસ પ્રસંગ છે.

આમને આમ વર્ષો વીત્યા. રિયાનની રીત એ જ રહી. રોજ સવારે ઊઠી નવાં કપડાં પહેરી બનીઠનીને તૈયાર થવાનું. સુંદર ક્રોક્રરીમાં જ નાસ્તો કરવાનો. બધા જોડે હસીને પ્રેમથી મળવાનું. સુંદર મ્યુઝિક સાંભળવાનું. મનગમતું કરવાનું. જાણે ખાસ પ્રસંગ હોય એટલા જ ઉત્સાહિત અને આનંદિત રહેવાનું. જીવનના દરેક દિવસને ખાસ પ્રસંગની જેમ ઊજવવાનો...

આ પણ વાંચો : તીર બની છૂટ - (લાઇફ કા ફન્ડા)

અને આજે રિયાન મોટિવેશનલ સ્પીકર તરીકે પણ પોતાની દરેક સ્પીચની શરૂઆત આ પ્રસંગથી જ કરે છે અને સંદેશ આપે છે... જીવનના દરેક દિવસ ઊજવો.

columnists