દિલના ઘા રુઝાય ક્યારે? - (લાઇફ કા ફન્ડા)

18 September, 2019 03:31 PM IST  |  | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

દિલના ઘા રુઝાય ક્યારે? - (લાઇફ કા ફન્ડા)

પ્રતીકાત્મક તસવીર

ઘર અને દુનિયાથી ખૂબ જ થાકેલો અને હારેલો એક માણસ સંત પાસે ગયો અને પોતાની બધી આપવીતી જણાવતાં બોલ્યો, ‘બાપજી, થાકી ગયો છું આ જીવનથી અને એની દોડાદોડીથી. ધંધો બરાબર ચાલતો હતો ત્યારે બધા મારા કમાયેલા પૈસા પર મોજ કરતા હતા. ધંધામાં નુકસાન ગયું તો મારા પર બધો દોષ નાખવામાં આવ્યો. અત્યારે કપરી પરિસ્થિતિમાં કુટુંબનું ભરણપોષણ કરવા સવારથી રાત દોડાદોડી કરું છું. માંડ-માંડ બે છેડા ભેગા કરી શકું છું છતાં ઘરમાં નથી માતા-પિતા ખુશ કે નથી પત્ની રાજી. માતા-પિતા પણ પૈસાનાં જ સગાં હોય એવું લાગવા લાગ્યું છે. કોઈ સાચો મિત્ર પણ નથી. બધા તાળીમિત્રો નીકળ્યા. જ્યાં સુધી મારી પાસે પૈસા હતા બધા સાથે હતા. હવે કોઈ વાત કરવા પણ તૈયાર નથી. આવા બધા અનુભવોથી મારું મન એકદમ ઘવાયું છે. સતત દુઃખી રહેવાય છે. હું સાવ નકામો છું એમ લાગે છે અને ક્યારેક આત્મહત્યાના વિચારો પણ આવે છે. આવી પરિસ્થિતિમાંથી કોઈ માર્ગ બતાવો જે મારા પીડાથી ભરેલા મનની સારવાર કરી શકે. મહેનત હું કરીશ, પણ આ નજીકના સ્વજનોના ખરાબ વર્તનની પીડા સહન થતી નથી.’

સંત શાંત સ્વરમાં બોલ્યા, ‘વત્સ, ભગવાનમાં વિશ્વાસ છે?’

માણસે કહ્યું, ‘હા.’

સંત બોલ્યા, ‘બસ, તો તો તારા મનના ઘા રૂઝવવા સાવ સહેલા છે. પ્રભુને યાદ કર, રોજ પ્રભુની સાથે રહી શકાય એવી તને મનગમતી પ્રવૃત્તિ કર. પૂજા કર, ભજન કર, કથા શ્રવણ કર, યાત્રા કર, પાઠ કર, મંત્રજાપ કર, માળા કર, મંદિર જા અને સેવા કર, અન્યને મદદ કર, પ્રાણી અને પંખીઓની સેવા કર. તારા મનને જે ગમે એ કર અને હા, ખાસ તો જૂની વાતોને યાદ ન કર. ભૂલવાનો પ્રયત્ન કર અને ભવિષ્યની ચિંતા સાવ છોડી દે.’

માણસે લગભગ ત્રણ મહિના સુધી સંતે કહી હતી એમાંથી પોતાને ફાવતી અને ગમતી પ્રભુ અને જનસેવાની પ્રવૃત્તિઓ સતત કરવા માંડી. ધીમે-ધીમે તેનું મન શાંત રહેવા લાગ્યું. સારું લાગવા લાગ્યું, પણ જ્યારે જૂની વાતો યાદ આવે ત્યારે તે પાછો વિચલિત થઈ ઊઠતો. તે ફરી સંત પાસે ગયો. બધી વાત કરી અને પૂછ્યું, ‘બાપજી, આપની આજ્ઞા મુજબ કરું છું, પણ મારા મનના ઘા પૂરેપૂરા ક્યારે રુઝાશે?’

સંત બોલ્યા, ‘વત્સ, જ્યારે તને જૂની વાતો યાદ કરી ગુસ્સો નહીં આવે. તને સમજાય તો છે કે જે-તે સંજોગો અને જે-તે મનુષ્યોનાં કર્મ પ્રમાણે બધા વર્તન કરે છે. જ્યારે તું આ વાત સ્વીકારી લઈશ, જ્યારે તારી જોડે ખરાબ વર્તન કરનાર જોડે તું ખરાબ વર્તન નહીં કરે અને જ્યારે બધી જ પરિસ્થિતિ અવળી લાગે છતાં તું સ્થિર રહી શકીશ ત્યારે સમજજે કે તારા મનના બધા ઘા પ્રભુપ્રેમથી રુઝાયા છે અને ઈશ્વર જોડે એક તંતુ સંધાયો છે.’

columnists