21 September, 2023 05:56 PM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
રિતમ ભટનાગર
લેગોનાં રમકડાંથી કેવાં લાજવાબ ક્રીએશન્સ થઈ શકે છે એ આ લેગો માસ્ટર્સ પાસેથી જાણવા જેવું છે
થોડાક સમય પહેલાં ગુરુગ્રામમાં એક ઑટોમોબાઇલ કંપનીનું લેગોનાં રમકડાંમાંથી બનેલું બિલબોર્ડ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ત્રણ લાખથી વધુ લેગો બ્રિક્સથી બનેલું આ બિલબોર્ડ મુંબઈના બે લેગો માસ્ટર્સે રિતમ ભટનાગર અને મૃણાલ શાહે બનાવ્યું છે અને તાજેતરમાં તેમના આ ક્રીએશનને ઇન્ડિયા બુક અને એશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
આ તો કંઈ નથી, કોઈ કહે કે સપનાનો મહેલ બનાવવો છે તો એ પણ રિતમ ભટનાગર કહેશે, લાવો લેગોઝ, હમણાં બનાવી આપું. લેગો માટે બેપનાહ પ્રેમ ધરાવતા રિતમને નાનપણમાં ત્રણ વર્ષની ઉંમરે તેમના પપ્પાએ લાઇફનો લેગો ગિફ્ટ કરેલું ત્યારથી તેમને લેગોથી પ્રેમ થયો. પોતાની લેગો લાઇફ વિશે રસપ્રદ વાતો કરતાં ઇન્ડિયન ફિલ્મ પ્રોજેક્ટ (IFP)ના ફાઉન્ડર કહે છે, ‘મારો નાનપણનો એક દોસ્ત કૅનેડાથી પાછો આવ્યો તો મારા માટે પાંચ લેગો સેટ લેતો આવ્યો ત્યારથી લેગો માટેના પ્રેમમાં ફરી ઉછાળો આવ્યો. લેગો બહુ કૉસ્ટ્લી હૉબી. એક વખત હું મારી કરીઅરમાં સેટ થયો પછી એ શોખને ફરી પાળવાનું શરૂ કર્યું. IFPમાં મારું મૂળ કામ તો સેલ્સનું છે. જ્યારે પણ હું કશુંક અચીવ કરું ત્યારે હું મારી જાતને એક લેગો ગિફ્ટ કરું. જેટલું મોટું અચીવમેન્ટ એટલો મોટો લેગો સેટ. છેલ્લાં સાત વર્ષથી તો આ નિયમ મેં જાળવી જ રાખ્યો છે. કોવિડ વખતે એવો વિચાર આવ્યો કે આટલા બધા લેગો કલેક્ટ જ કર્યા કરીએ તો એક દિવસ એ મ્યુઝિયમ બની જાય. એના કરતાં કોઈ એક પર્પઝ સાથે કશુંક કરવું જોઈએ. ફિલ્મસિટી કરીને એક ગેમ આવતી જેમાં તમારા પોતાના સિટિઝન્સ હોય, મેયર હોય વગેરે. મને વિચાર આવ્યો કે કેમ ન મારું પોતાનું જ એક લેગો સિટી હોય? એક એવું સિટી જેમાં બહુ બધાં ટ્રીઝ હોય, બાળકો માટે અનકન્ડિશનલ સુવિધાઓ, મજેદાર અમ્યુઝમેન્ટ પાર્ક, રોલર કોસ્ટર વગેરે. આ વાત પર સિરિયસલી વર્ક કરવાનું મેં શરૂ કરી દીધું અને એ માટે ત્રણેક પ્લાનર સાથે ઇન્ટરનૅશનલી કોલૅબરેટ પણ કર્યું છે. અત્યારે ૧૫૦૦ સ્ક્વેર ફીટનું મોટું એવું ઘર એટલે જ લીધું છે કે આગળ જતાં એમાં લેગો સિટી બનાવી શકું. આ શોખમાં મારો પૂરો સાથ આપે છે મારાં મમ્મી. એ આ ઉંમરે પણ જરાય કંટાળ્યા વગર મારી સાથે લગાતાર બેસીને લેગો બનાવે છે. અમે કલાકો લેગો ઉપર ચર્ચાઓ કરી શકીએ છીએ.’
જોકે નાનામાં નાનો બેસિક લેગો સેટ જ્યાં ચાર-પાંચ હજારનો આવે ત્યાં લેગો સિટી બહુ મોટું ફાઇનૅન્સ માગે એમ છે એવું સમજતા રિતમને કઈ રીતે ઑટોમોબાઇલ કંપનીનું બિલબોર્ડ બનાવાનું કામ મળ્યું એ વિશે જણાવતાં રિતમ કહે છે, ‘આટલું મોટું ફાઇનૅન્સ તો કોઈ બ્રૅન્ડ જ કરી શકે. એટલે શોખ જો રળીને દે તો મજા જ મજા. મેં રેડ બુલ અને હૅમલીઝ માટે કામ કર્યું. અને ચારેક મહિના પહેલાં હ્યુન્ડેઇવાળા સામે આ આઇડિયા પીચ કર્યો. તેમને સૌથી મોટું બિલબોર્ડ બનાવવું હતું. સૌથી મોટી ચૅલેન્જ ટાઇમ, રિસોર્સિસ મૅનેજ કરવાની હતી. એક હોર્ડિંગ પાછળ ચાલીસથી પિસ્તાળીસ લાખના ફક્ત લેગો લાગે છે. હોર્ડિંગ જયાં મૂકીએ એનું રેન્ટ હેવી હોય. આ જેટલું દેખાય એટલું સીધું નથી. વીસ ફુટ બાય દસ ફુટના હોર્ડિંગ પર આબેહૂબ કાર બનાવવાનું પ્લાનિંગ કર્યું. કાર એકદમ કાર જેવી લાગવી જોઈએ. એકાદ એમએમનો ફરક બોર્ડ પર મોટો ચેન્જ લાવે. નાની-નાની ડીટેલિંગને અંતે કેટલા શેડ્સ હશે એ માટે કેટલી લેગો બ્રિક લાગશે એ બધું જ કૅલ્ક્યુલેટ કરવાનું હતું. હું ઑફિસનું કામ પતાવી રાતના દસથી અઢી વાગ્યા સુધી કામ કરતો. ત્રણ જુદાં-જુદાં સૉફ્ટવેર્સ પર કામ કરીને ૬૦૦ પેજનાં ઇન્સ્ટ્રક્શન તૈયાર કર્યાં.’
લેગો બિલબોર્ડનું પ્લાનિંગ થયા પછી મહત્ત્વની વાત આવી એ બનાવવા માટે વૉલન્ટિયર ક્યાંથી લાવવા? રિતમ કહે છે, ‘એ કામ સન્ડે બ્રિકના મૃણાલ શાહે કર્યું. ચાર-પાંચ દિવસો કામ કરે એવા ૨૫ વૉલન્ટિયર્સ મળી ગયા. મારે ડેન્માર્કથી લેગો ઇમ્પોર્ટ કરવાના હતા અને અણીની ઘડીએ જ મારો વિઝા એક્સપાયર થયેલો. ડેન્માર્કવાળા પાસે લેગોસ હતા પણ આટલા બધા એક્સપોર્ટ કરવા એ રેડી નહોતા. પ્લસ મારા માટે પ્રોજેક્ટ ડિઝાઇનનું પ્રેશર પણ ખરું. મેં એક રાતે ઇન્સ્ટાગ્રામ પર ડિક્લેર કર્યું કે એક ડેન્માર્કના વિઝાવાળી વ્યક્તિ જોઈએ જે ડેસ્ટિનેશન પરથી લેગો પિક અપ કરી ઇન્ડિયા લાવી શકે. મને એમ કે અમુક લોકો જ ઇન્ટરેસ્ટ બતાવશે પણ સવાર પડતાં ૧૯૦ એન્ટ્રી આવી. ડેન્માર્કમાં છ દિવસના સ્ટે પછી એક બૅન્ગલોરના છોકરાએ દોઢસો કિલોના વજનવાળો ત્રણ લાખથી ઉપરની બ્રિક્સનો લેગોસેટ પિક અપ કર્યો. લેગો પાર્ટ્સને પેપર પર ફિક્સ કરવાનું કામ મુંબઈમાં મૃણાલની ઑફિસમાં થયું. લેગો પૅશનેટ લોકો માટે પણ અથાક મહેનત કરી આમ ૪-૫ દિવસમાં કામ પૂરું કરવું અઘરું જ હતું.’
લેગોની શીટ્સ તૈયાર થઈ ગયા પછી ફાઇનલ કામ હતું સાઇબર સિટી ગુરુગ્રામમાં એને બાઉન્સ કરવાનું. જમીનથી ૨૦-૨૨ ફુટ ઉપર ક્રેન લગાડીને આખું કામ કઈ રીતે થયું એની વાત કરતાં તેઓ કહે છે, ‘ક્રેનવાળાને વર્કિંગ અવર્સમાં ક્રેન મૂવ કરવાનું અલાઉડ નથી એટલે એક વાર ઉપર ચડ્યા તો છેક રાતે જ ઉતારવાનું હતું. સવારના દસથી નવ વાગ્યા સુધી કામ લેગોને બાઉન્સ કરવાનું કામ કર્યું. એમએમનું પ્રિસિઝન રાખવાનું હતું થોડો હાથ હલે તો આખી ફ્રેમ ફેલ જાય. બ્રેઇન ફુલ યુઝ કરવાનું હતું. આટલી હાઇટ ઉપર ક્યારેય ક્રેન પર લટકાઈને કામ કર્યું હોય નહીં. ઉપર પાણી કે ખાવાનું કશું જ નહીં. એક વાગ્યા સુધી તો હું ડિહાઇડ્રેટ થઈને વૉમિટ કરવા લાગ્યો. ઍન્ગ્ઝાયટી થઈ. એમાં સરસ વેધર હોવા છતાં વચ્ચે-વચ્ચે વરસાદ પડવા લાગ્યો. આ બધાની વચ્ચે આવું કશુંક અચીવ કરવાનો આનંદ અવર્ણનીય છે.’
આ જ લેગો હોર્ડિંગમાં જેમાંનો બીજો મુખ્ય રોલ છે એવા સન્ડે બ્રિક્સના મૃણાલ શાહ કહે છે, ‘હું નાનો હતો ત્યારે લેગો માટે બહુ જ પૅશનેટ હતો. ટૉય્ઝ અને ટૂલ કન્સ્ટ્રક્શનમાં પણ મજા આવે, પણ જેમ-જેમ મોટો થતો ગયો એમ લેગો મારાથી છૂટતું ગયું. પછી મારો દીકરો છ વર્ષનો થયો ત્યારે મેં એને પહેલો લેગો સેટ ગિફ્ટ કર્યો, પણ એને ખાસ રસ ન પડ્યો તો એમ થયું કે આ વાળી લેગો કેમ ન ગમે? મેં એને લેગોમાં રસ પડે એ માટે નવી-નવી થીમ્સ શોધવાની શરૂ કરી અને ‘સન્ડે બ્રિક’ નામે વર્કશૉપ્સ શરૂ કરી. નવા-નવા આઇડિયાસ શોધવા માંડ્યા, લેગો પૅશનેટ લોકો જોડાતાં ગયા. આ વાતને હવે પાંચ વર્ષ થયાં. બાળકો નવું-નવું શીખી શૅર કરે મજા આવે. રિતમ સાથે જ્યારે આ પ્રોજેક્ટમાં જોડાયો ત્યારે જ ખ્યાલ આવી ગયો કે જેટલું ઈઝી લાગે છે એટલું એ છે નહીં. રિતમે પાંચ દિવસ વિચારેલા. મેં ચાર દિવસમાં કામ પૂરું થશે એવું ધારેલું. એક દિવસમાં પર પર્સન કેટલું કામ થશે એનો એસ્ટિમેટ કાઢ્યો. બધા લોકો સાથે બેસિક ટ્રેઇનિંગ કરી. ટીમમાં અઢારથી ત્રીસની એજના પચીસ લોકોને મોટિવેટ કર્યા કરવાનું હતુ. અમે સિમ્પ્લી સ્ટાર્ટ કર્યું અને કામ દરમિયાન મ્યુઝિક ચાલુ રહેતું અને એકબીજાને મોટિવેટ ર્ક્યા કરવાના હતા. આ પ્રોજેક્ટમાં એજ્યુકેશનના અદારેક આસ્પેક્ટ વર્ક કરતા હતા. ફિઝિક્સ, ક્રીએટિવિટી, ડિઝાઇનિંગ, એન્જિનિયરિંગ, પ્લાનિંગ એવું બધું જ. ને પછી ગુરુગ્રામમાં જ્યારે બિલબોર્ડ પર લેગો બાઉન્સ કરવાના હતા ત્યારે અચાનક વરસાદ શરૂ થયો. ઘડીક તો ડર લાગ્યો કે ગ્લુ નીકળી જશે તો? બ્રિક્સને કાંઈ થાય તો? પણ લકીલી કશું જ ન થયું.’
એશિયા બુક રેકૉર્ડ્સ
‘બ્રૅન્ડ પ્રોટોકૉલ્સ હોવાથી અમે ગિનેસ બુકમાં તો રેકૉર્ડ ન કરી શક્યા, પણ એશિયા બુક અને ઈન્ડિયા બુક ઑફ રેકૉર્ડમાં ‘લાર્જેસ્ટ આઉટડોર હોર્ડિંગ મેડ યુઝિંગ લેગો બ્રિક્સ’નું ટાઇટલ જીત્યા. મને લાગે છે લેગોની નાનામાં નાની બ્રિકનું પોતાનું જ સ્ટેટસ છે. પણ જો એ બીજી બ્રિક્સ સાથે મળે તો મોટું કામ પાર પાડે છે. માણસોએ પણ આ વસ્તુ શીખવા જેવી છે. અને લેગો જે ખાસ શીખવે છે એ છે ખૂબ-ખૂબ ધીરજ. પૅશન હોય અને પેશન્સ હોય તો પૉસિબિલિટી એન્ડલેસ હોય છે.’