માણસ જ્યારે ‘હું’નું પૂર્ણ વિગલન કરીને અન્યને જુએ છે એ પળે કૃષ્ણજન્મ થાય છે

25 August, 2024 02:18 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

ધર્મ એ કંઈ ગીતા મારફત જ સમજવાનો શબ્દ નથી. સચ્ચાઈનો સ્વીકાર એટલે ધર્મ.

પ્રતીકાત્મક તસવીર

શ્રાવણ કૃષ્ણ પક્ષ આઠમ. આ દિવસને કરોડો માણસો જન્માષ્ટમી તરીકે અત્યંત પવિત્ર માનતા હોય છે. આ જન્માષ્ટમી એટલે સૌને મન શ્રીકૃષ્ણ જયંતી છે. શ્રીકૃષ્ણનો જન્મ આ દિવસે થયો હતો એવી માન્યતા સર્વસાધારણ છે. વાસ્તવમાં શ્રીકૃષ્ણ વિશે જે કંઈ લખાયું છે એ શ્રીમદ્ ભાગવત, મહાભારત તથા અનેક ગ્રંથોમાં શ્રીકૃષ્ણ આ દિવસે જન્મ્યા હતા એવો કોઈ ઉલ્લેખ નથી. જે રીતે ચૈત્ર સુદ નવમી રામનવમી છે, ભાદરવા સુદ ચોથ ગણેશચતુર્થી છે, ભાદરવા સુદ બારસ વામનદ્વાદશી છે અને વૈશાખ સુદ પૂનમ બુદ્ધજયંતી છે એ રીતે શ્રાવણ વદ આઠમ કૃષ્ણજયંતી નથી. શ્રીકૃષ્ણનો જન્મ આ ચોક્કસ દિવસે થયો એ માન્યતા પરંપરા છે.

શ્રીકૃષ્ણનો જન્મ મથુરાના કંસના કારાગારમાં મધરાતે થયો અને બહાર વર્ષાઋતુ પુરબહારમાં હતી એવી સ્પષ્ટતા છે. કારાવાસનો અંધકાર એટલે અજ્ઞાન અને અજ્ઞાનના ઘોર તિમિર વચ્ચે પ્રકાશની એક લકીર એટલે શ્રીકૃષ્ણનો જન્મ. શ્રીકૃષ્ણની બાલ્યાવસ્થા વિગતવાર ભાગવતમાં લખાઈ છે, પણ તેમની સમગ્ર ઉત્તરાવસ્થા મહાભારતમાં વ્યાપક સ્વરૂપે આપણને સાંપડે છે. મહાભારતમાં જ્યારે શ્રીકૃષ્ણ પહેલી જ વાર એક પાત્ર તરીકે દેખા દે છે ત્યારે તે પુત્ર સામ અને પૌત્ર અનિરુદ્ધ સાથે છે. પૌત્ર સાથે હોય એટલે સહજભાવે જ શ્રીકૃષ્ણની વય ત્યારે પચાસથી ઓછી તો ન જ હોય.

જન્મ અને અંત

શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ તરીકે સાર્વત્રિક સ્વીકાર પામ્યા છે, પણ જેનો જન્મ થાય તેના માટે અંત અનિવાર્ય છે. શ્રીરામ જ્યારે અયોધ્યા પર પ્રભુત્વ સ્થાપિત કરે છે એ પછી મહાકાળે તેમને સંદેશો મોકલ્યો છે કે હે રામ, તમારું જીવનકાર્ય હવે સમાપ્ત થાય છે, હવે સ્વધામમાં પધારો અને રામ પોતાનો જન્મ સમાપ્ત કરે છે. એ જ રીતે શ્રીકૃષ્ણને મહાભારતના યુદ્ધ પછી માતા ગાંધારીએ શાપિત કર્યા છે કે છત્રીસ વરસ પછી તમારો યદુ વંશ નાશ પામશે. છત્રીસ વરસ પછી યાદવો સ્વયં પરસ્પરને મારીને મૃત્યુ પામ્યા. કૃષ્ણ આ જોતા રહ્યા. પોતાના અંત માટેનો આ મહાકાળનો સંદેશ શ્રીકૃષ્ણ સમજતા હતા એટલે પુત્રો, પૌત્રો અને અન્ય યાદવ સંતાનોને પરસ્પરને મારતા તે જોઈ રહ્યા અને છેલ્લે તે પોતે જ એક પારધીના તીરથી પશુની જેમ વીંધાઈ ગયા. વીંધાયા એટલું જ નહીં, તેમનો નિષ્પ્રાણ દેહ દિવસો સુધી અંત્યેષ્ટિ સંસ્કાર પામવા માટે અર્જુનની પ્રતીક્ષા કરતો પડી રહ્યો.

આ મહાકાળનો સંદેશ છે. મહાકાળને મન શ્રીરામ કે શ્રીકૃષ્ણ અને હું કે તમે આપણે સૌ સરખા જ છીએ. મહાકાળે જેમ જીવનકર્મોની સમાપ્તિનો સંદેશ શ્રીકૃષ્ણ અને શ્રીરામને આપ્યો હતો એ જ રીતે આપણને પણ આપે છે, પણ આપણને એ ઉકેલતાં આવડતો નથી. એ સંદેશને આપણે વૃદ્ધાવસ્થા કે એવા જ કોઈક અળખામણા શબ્દથી ઓળખાવીએ છીએ.

વ્યાવહારિક જીવનમાં આપણે જે રીતે સવારે સાડાદસ વાગ્યે ઑફિસ પહોંચીએ છીએ અને સાડાપાંચ વાગ્યે ઑફિસ છોડીને ઘરે જવા નીકળી જઈએ છીએ એ જ રીતે આ જીવનનાં વર્ષોની ગોઠવણ ઉપરવાળાએ કરી છે. આ સાડાપાંચ ક્યારે વાગે છે એ ઘડિયાળ સમજતાં આપણને આવડવું જોઈએ.

શ્રીકૃષ્ણ અને ધર્મ 

મહાભારતમાં શ્રીકૃષ્ણ જ્યારે પહેલી વાર પાત્ર તરીકે પ્રવેશે છે ત્યારે પહેલો જ શબ્દ : धर्मत: એ રીતે લખાયો છે. શ્રીકૃષ્ણ કારાવાસના અંધકારમાં જ્ઞાનના પ્રકાશ સાથે પ્રવેશ્યા અને મહાભારતમાં પાત્ર તરીકેનો તેમનો પ્રવેશ દ્રૌપદી સ્વયંવરમાં થયો એ બન્ને ધર્મત: છે. અંધકાર એટલે કે અજ્ઞાન સામે પ્રકાશ એટલે જ્ઞાન છે. ઘણી વાર આપણે ધર્મ સમજી શકતા નથી. વ્યાવહારિક જીવનમાં ધર્મને સમજ્યા વિના આપણે પારાવાર અણસમજ ફેલાવતા રહીએ છીએ. શ્રીકૃષ્ણ દ્રૌપદી સ્વયંવરમાં દ્રુપદ અને અન્ય રાજાઓને ધર્મ એટલે શું એ સમજાવે છે. આ પછી કુરુક્ષેત્રના રણમેદાનમાં જ્યારે અર્જુન ધર્મ અને અધર્મ વચ્ચેની ભેદરેખા સમજવામાં નિષ્ફળ જાય છે ત્યારે શ્રીકૃષ્ણ તેને ધર્મ સમજાવે છે. આ ધર્મ એટલે શ્રીમદ્ ભગવદ્ગીતા.

ધર્મ એ કંઈ ગીતા મારફત જ સમજવાનો શબ્દ નથી. સચ્ચાઈનો સ્વીકાર એટલે ધર્મ. આપણે સચ્ચાઈને સમજીએ છીએ ખરા, પણ એને સ્વીકારી શકતા નથી. શ્રીકૃષ્ણ જે ધર્મ આપણને શીખવે છે એ સચ્ચાઈના સ્વીકારનો ધર્મ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં અઢાર અધ્યાય અને સાતસો શ્લોક એ બીજું કંઈ નથી પણ આપણા ઘરમાં ચાર દીવાલો વચ્ચે કુટુંબીજનો સાથે પરસ્પર ધર્મનું અનુશીલન કરીને કેમ જીવાય એનાથી માંડીને મહાયુદ્ધમાં સર્વત્રનો નાશ સુધ્ધાં કેમ થાય એ કૃષ્ણ સમજાવે છે. અર્જુન જ્યારે આ અઢાર અક્ષૌહિણી સેનાના સંભવિત વિનાશ સામે આક્રંદ કરે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને કહે છે, ‘હે તાત, આ અઢાર અક્ષૌહિણીને મારનારો તું નથી. આ બધા મરી જ ચૂકેલા છે અને મેં જ તેમને મારી નાખ્યા છે, કારણ કે તેમનાં જીવનકર્મો સમાપ્ત થઈ ચૂક્યાં છે. તું એ જાણતો નથી, પણ હું એ જાણું છું.’

તો પછી કૃષ્ણજન્મ ક્યારે?

શ્રાવણ વદ આઠમને આપણે કૃષ્ણજન્મ કહીએ છીએ. કૃષ્ણનો જન્મ અજ્ઞાનના અંધકાર વચ્ચે થયો હતો. જીવનકર્મોની સમાપ્તિ વિશે ઘોર અજ્ઞાન સામે શ્રીકૃષ્ણ આંગળી ચીંધે છે. માણસ જ્યારે ‘હું’નું પૂર્ણ વિગલન કરીને અન્યને જુએ છે ત્યારે એ પળે કૃષ્ણજન્મ થાય છે. કૃષ્ણનો જન્મ એટલે હુંનો લોપ. અર્જુને ગીતાની સમાપ્તિ સાથે કૃષ્ણને કહ્યું છે : ‘करिष्ये वचनं तव’. માણસ જ્યારે આમ કહેતો થઈ જાય છે અને ખરેખર કશીક એવી શોધમાં સ્વનું વિગલન કરે છે ત્યારે એ કૃષ્ણત્વની પ્રાપ્તિ છે, પછી એ શ્રાવણ વદ આઠમ હોય કે બીજો કોઈ દિવસ.

columnists janmashtami gujarati mid-day