ખૈરનારનું બ્લૅકઆઉટ

26 April, 2020 08:39 PM IST  |  Mumbai | Vivek Agarwal

ખૈરનારનું બ્લૅકઆઉટ

પ્રતિકાત્મક તસવીર

‘વન મૅન ડિમોલિશન આર્મી’: જી. આર. ખૈરનાર...

મુંબઈ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર.

મનપા અતિક્રમણ વિરોધી ટીમના ઇનચાર્જ.

એ દિવસોમાં આ જ ખૈરનાર ડી-કંપનીની ઇમારતો તોડવાને કારણે ઓછા, દાઉદનું અભિમાન જમીનદોસ્ત કરવા માટે વધુ જાણીતા હતા.

દૂબળા-પાતળા ખૈરનાર દાઉદની ગેરકાયદે ઇમારતોને એક પછી એક ધ્વસ્ત કરીને તેઓ દેશવાસીઓના મહાનાયક બની ગયા, જે માનતા હતા કે ‘ડી’ને પડકાર ફેંકવાનું સાહસ કોઈનામાં નથી.

મુંબઈ મહાનગરપાલિકામાં તહેનાત આ વિશેષ અધિકારીએ મોહમ્મદ અલી રોડની દોનતાડ ગલીમાં બિલ્ડિંગ-નંબર ૬૩નો કેટલોક ભાગ ધરાશાયી કરીને સાબિત કર્યું કે જો પ્રામાણિકતાથી કામ કરીએ અને માથે કફન બાંધીને નીકળી પડીએ તો ગમે એટલો અબજોપતિ પણ કશું બગાડી શકતો નથી.

ભારે પોલીસ-બંદોબસ્ત વચ્ચે ખૈરનારે ઇમારતની દીવાલ પર હથોડો મારીને શરૂઆત કરી. આ ઇમારત દાઉદે ગેરકાયદે તૈયાર કરીને વેચી હતી. કુલ ૬ માળની ઇમારતના ઉપરના ત્રણ માળ ગેરકાયદે હતા. એના મોટા ભાગની રૂમમાં વ્યાવસાયિક સિલાઈનું કામ થતું હતું.

ઇમારત-નંબર ૬૩ ઈ.સ. ૧૯૮૦માં બની હતી. ડી-કંપનીએ મોટો ફાયદો મેળવવા માટે ૧૯૯૧માં ઉપર બીજા ત્રણ માળ બંધાવ્યા. ખૈરનારનો દાવો હતો કે આ ગેરકાયદે માળ ૧૯૯૨માં બન્યા હતા.

જે પણ હોય, ખૈરનારના હથોડાએ એવો પ્રભાવ પાડ્યો કે ભય પેદા કરવાની દાઉદની નીતિ જ ભયથી ધ્રૂજી ઊઠી. દેશભરમાંથી ડી-કંપનીનો ભય અદૃશ્ય થવા માંડ્યો. એવામાં દાઉદના એક નિકટવર્તી રાજકારણીએ તેને મદદ કરી. તેણે એવું કામ કરી દીધું જેથી ડી-કંપની સદાયે તેની ઋણી રહેશે.

દક્ષિણ મુંબઈના આ નેતાએ તમામ અખબારોના સંપાદકોને એક ફાઇવસ્ટાર હોટેલમાં આમંત્રણ પાઠવ્યું. આ મિજબાની દરમ્યાન તેમની વચ્ચે શું રંધાયું, એ તો ફક્ત એ લોકો જ જાણે છે, પણ એનું પરિણામ એ આવ્યું કે બીજા દિવસથી અખબારોમાં ખૈરનારના સમાચાર અને ફોટો છપાતા બંધ થઈ ગયા.

ખૈરનારના સમાચારને તમામ માધ્યમોથી બ્લૅકઆઉટ કરવાથી ડી-કંપનીનો આતંક ખતમ થવાની સંભાવના પણ ખતમ થઈ ગઈ.

આ મામલે ન તો કોઈ તપાસ થઈ, ન તો કોઈએ હો-હા કરી કે ન કોઈએ સંપાદકો પાસેથી જવાબ માગ્યો કે ખૈરનારે એવો તે કયો ગુનો કરી દીધો કે તેમના સમાચાર અછૂત થઈ ગયા?

દાઉદને ઓળખતા લોકો કહે છે: મોટા ભાઈના જાદુ મોટા ભાઈ જ જાણે.

columnists vivek agarwal